“હે કૃષ્ણ ,મને સતત દુખો જ મળે તેવું વરદાન આપો “ – આ કારણથી કુંતાજી એ આવુ વરદાન માંગ્યું

મહાભારતના યુદ્ધ સમયની આ કથા છે.
કૌરવો અને પાંડવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. કૌરવોનો વિનાશ થયો. કૌરવ સેનામાં કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા-એ ત્રણ જ બાકી રહ્યા હતા. એ વખતે અશ્વત્થામાએ પ્રતિજ્ઞાા કરી કે ‘આજે રાત્રે પાંડવો સૂતા હોય તે વખતે તેમના મહેલમાં પ્રવેશી તેમની હત્યા કરીશ.’

ભગવાન શ્રીકૃષ્ણ અશ્વત્થામાનો આ સંકલ્પ જાણી ગયા હતા. તેમણે સૂતેલા પાંડવોને ઉઠાડયા અને ‘અહીં ગરમી બહુ છે, ચાલો ગંગા કિનારે’ એમ કહી પાંડવોને નદી કિનારે લઈ ગયા. પાંડવોને શ્રીકૃષ્ણમાં એટલો બધો વિશ્વાસ હતો કે તેઓ શ્રીકૃષ્ણ જેમ કહે તેમ કરતા. ભગવાને દ્રૌપદીના પાંચ બાળકોને પણ જગાડયાં પણ બાળકોએ કહ્યું: ‘અમને ઊંઘ બહુ આવે છે, તમે જાવ.’

શ્રીકૃષ્ણ પાંચ પાંડવોને ગંગા કિનારે લઈ ગયા. એ જ રાત્રે મોડેથી અશ્વત્થામા પાંડવોના મહેલમાં પ્રવેશ્યો અને દ્રૌપદીનાં પાંચેય બાળકોને મારી નાંખ્યા.

પ્રાતઃકાળે આ ઘટનાની જાણ થતાં દ્રૌપદી દુઃખી દુઃખી થઈ ગયા. દ્રૌપદીએ બદલો લેવા અર્જુનને અશ્વત્થામા સાથે યુદ્ધ કરવા મોકલ્યો. અર્જુને અશ્વત્થામાને પકડયો પણ આૃર્ય એ વાતનું હતું કે પોતાનાં સૂતેલાં પાંચ પુત્રોની હત્યા કરનાર શત્રુ અશ્વત્થામાને બાંધીને ઘેર લાવેલો જોઈ દ્રૌપદી ઘડીભર તેઓ પુત્ર વિયોગ ભૂલી ગયા. તેઓ અશ્વત્થામાને બાંધેલો જોઈ શક્યાં નહીં તેમણે અશ્વત્થામાને વંદન કર્યાં.

તેમણે અર્જુનને કહ્યું : ‘તમે આ શું કરો છો ? છોડી દો એને મારા આંગણે આવેલા બ્રાહ્મણની પૂજા કરો. એને મારશો નહીં. આજે હું મારા પુત્રોના વિયોગમાં રડું છું. અશ્વત્થામાને મારશો તો તેની મા તેના પુત્ર વિયોગમાં રડશે. હું તો સધવા છું પરંતુ અશ્વત્થામાની માતા તો વિધવા છે. પતિની પાછળ પુત્ર માટે જીવે છે. એને કેટલું દુઃખ થશે ? તમને એની માતાનો નિસાસો લાગશે. અશ્વત્થામાના પિતા દ્રોણાચાર્ય તો તમારા ગુરુ હતા. આ તમારા ગુરુદેવનો પુત્ર છે. એની પૂજા કરો. ઘરના આંગણે આવેલાનું સન્માન કરો. તમે છોડી દો એને.’

ભીમે દ્રૌપદીને કહ્યું:’આ તો આતતાયી છે. તેને મારવામાં પાપ નથી.’

એ વખતે શ્રીકૃષ્ણે કહ્યું: ‘દ્રૌપદી બરાબર કહે છે. અશ્વત્થામાને મારવાની જરૂર નથી. તેનું અપમાન કરીને કાઢી મૂકો. અશ્વત્થામા માટે એનું અપમાન જ એના મરણ બરાબર છે.’

તે પછી અશ્વત્થામાનો વધ કરવાના બદલે તેના માથામાં જે મણિ હતો તે કાઢી લીધો. અશ્વત્થામા તેજહીન બન્યા. અશ્વત્થામાને જવા દીધા.

અશ્વત્થામાએ વિચાર્યું કે, ‘પાંડવોએ મારું અપમાન કર્યું છે. હું તેનો બદલો લઈશ. અભિમન્યુની પત્ની ઉત્તરાના પેટમાં ગર્ભ છે. તે પાંડવોનો ઉત્તરાધિકારી છે. ઉત્તરાના ઉદરમાં રહેલા ગર્ભનો નાશ થાય તો

પાંડવોના કુળનો પણ નાશ થાય.’
– એમ વિચારી અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડયું. ઉત્તરાના ઉદરમાં ગર્ભરૂપે પરીક્ષિત હતા. બ્રહ્માસ્ત્રના પ્રહારના કારણે ઉત્તરાનું શરીર બળવા લાગ્યું. તે વ્યાકુળ થઈ ઊઠયા. ઉત્તરા દોડતાં દોડતાં દ્વારિકાનાથ શ્રીકૃષ્ણ પાસે પહોંચી ગયા. દ્રૌપદીએ તેમની પુત્રવધૂને અગાઉ શિખામણ આપી હતી કે, દુઃખ આવે ત્યારે માનવીનો નહીં પણ ઈશ્વરનો સહારો લેવો.

દ્રૌપદીની આ શિખામણથી ઉત્તરા પાંડવો પાસે નહીં પણ દ્વારકાધીશ પાસે ગયાં. શ્રીકૃષ્ણ સમજી ગયા. તેમણે ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો. પોતાના સુદર્શન ચક્રથી અશ્વત્થામાએ છોડેલા બ્રહ્માસ્ત્રનું નિવારણ કર્યું. અને ઉદરમાં રહેલા પરીક્ષિતનું રક્ષણ કર્યું. પરીક્ષિતે માતાના ગર્ભમાં જ પરમાત્માના દર્શન કર્યાં.
આ ઘટના બાદ મહાભારતનું યુદ્ધ લગભગ સમાપ્ત થઈ ગયું હતું. ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યા બાદ શ્રીકૃષ્ણે પોતાના કામગીરી સમાપ્ત થઈ છે તેમ વિચારી દ્વારકા જવા નિર્ણય કર્યો.

ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકા જવાના છે તે સમાચાર જાણી પાંડવોના માતા કુંતાજી વ્યાકુળ થઈ ગયા. તેઓ શ્રીકૃષ્ણને રોકવા દ્વારકાનાથનો રથ જે રસ્તે થઈ પસાર થવાનો હતો તે રસ્તા પર જ આવીને ઊભા થઈ ગયા. શ્રીકૃષ્ણે કુંતાજીને જોઈ પોતાનો રથ થોભાવ્યો. ભગવાન રથમાંથી નીચે ઊતર્યા. રોજનો નિયમ હતો કે શ્રીકૃષ્ણ દરરોજ કુંતાજીના ચરણોમાં વંદન કરતાં. કુંતાજી શ્રીકૃષ્ણના પિતા વસુદેવજીના બહેન હતા. અર્થાત કુંતાજી ભગવાન શ્રીકૃષ્ણના ફોઈબા હતા એ કારણે કુંતાજીના ચરણમાં વંદન કરતાં. પણ આજે ઊલટું થયું શ્રીકૃષ્ણ વંદન કરે તે પહેલાં કુંતાજીએ શ્રીકૃષ્ણને પ્રણામ કર્યાં.
ભગવાનને સંકોચ થયો. તેમણે કહ્યું : ‘આ તમે શું કરો છો ? હું તો તમારા ભાઈનો દીકરો છું.’

કુંતાજીએ કહ્યું : ‘હું પણ આજ સુધી એમ જ જાણતી હતી પરંતુ તમારી કૃપાથી આજે મને જ્ઞાાન થયું છે. તમે કોઈના પુત્ર નથી. તમે સર્વના પિતા છો. આપ જ આદિનારાયણ છો. આપના ચરણોમાં હું વંદન કરું છું. મારી વિનંતી છે કે આપ અહીંથી ના જાવ.’

શ્રીકૃષ્ણએ કહ્યું: ‘ઘણા દિવસો અહીં રહ્યો હવે મારે દ્વારકા જવું જોઈએ.’

કુંતાજીએ બહુ વિનવણીઓ કરી પણ શ્રીકૃષ્ણ હવે દ્વારકા જવા કૃતનિૃયી હતા. ભગવાનનો આ મક્કમ નિૃય જાણ્યા બાદ કુંતાજીએ વિનંતી કરી : ‘દ્વારકા જવું હોય તો ભલે જાવ પણ એક વાર મારા મહેલમાં પધારો.’
શ્રીકૃષ્ણએ કુંતાજીની એ વિનંતી માન્ય રાખી. તેઓ કુંતાજીના મહેલમાં ગયા. શ્રીકૃષ્ણને પોતાના મહેલમાં આવેલા જોઈ પાંડવો રાજી થયા. કુંતાજીને લાગ્યું કે, રસ્તામાં ઊભા રહી મેં ભગવાનને હાથ જોડયા તેથી તેઓ અહીં આવ્યા. અર્જુનને લાગ્યું કે શ્રીકૃષ્ણને મારા પર પ્રેમ બહુ છે માટે તેઓ અહીં પધાર્યા. દ્રૌપદીને લાગ્યું કે મારા બાળકોના મૃત્યુ નીપજ્યા છે તેથી મને આશ્વાસન આપવા મહેલમાં આવ્યા. સુુભદ્રાજીને લાગ્યું દ્રૌપદી તો માનેલી બહેન છે પણ હું સગી બહેન છું. માટે શ્રીકૃષ્ણ પાછા ફર્યા.
કુંતાજીએ શ્રીકૃષ્ણની આગતા-સ્વાગતા કર્યા પછી કહ્યું: ‘ભલે આપ દ્વારકા પધારો પણ મને કાંઈ આપશો નહીં?’
શ્રીકૃષ્ણએ કહ્યું :’માંગો.’

કુંતાજીએ શ્રીકૃષ્ણને બે હાથ જોડતાં કહ્યું : ‘તો શ્રીકૃષ્ણ! મારી પર સતત દુઃખો આવ્યા કરે એવું વરદાન આપો.’

શ્રીકૃષ્ણ વિચારમાં પડી ગયા કે બુઆજી આજે આવું કેમ માંગે છે ? તેમણે પૂછયું: ‘આવું કેમ માંગો છો?’
કુંતાજીએ કહ્યું : ‘હે પ્રભુ ! મારી પર જ્યારે જ્યારે સંકટ અને દુઃખ આવ્યા છે ત્યારે ત્યારે તમે મારી સાથે રહ્યા છો. દરેક દુઃખો વખતે મેં આપનું જ સ્મરણ કર્યા કર્યું છે, માટે હું દુઃખની માગણી કરું છું. જેથી આપનું વિસ્મરણ ના થાય.’

અને કુંતાજીને બધું જ યાદ આવી ગયું: ‘મારા પતિએ શરીર છોડયું ત્યારે બાળકો નાનાં હતા. હું વિધવા થઈ ત્યારે જંગલમાં રખડતી હતી અને કોઈ મારી મદદમાં નહોતું ત્યારે આપે જ મારું રક્ષણ કર્યું હતું. મારો પુત્ર ભીમ નાનો હતો ત્યારે દુર્યોધને તેને મારવા ઝેરના લાડુ ખવરાવ્યા હતા ત્યારે પણ આપે જ ભીમનું રક્ષણ કર્યું હતું. મારા પુત્રોને લાક્ષાગૃહમાં બાળવા પ્રયાસ કર્યો ત્યારે આપે જ તેમને બચાવ્યા હતા. દ્રૌપદીની લાજ પણ આપે જ બચાવી હતી.’

અને એ વિચાર્યા બાદ કુંતાજી ફરી બોલ્યા : ‘મને બહુ સુખ ના મળે. એટલું જ સુખ મળે જે ભોગવતાં ભગવાન યાદ આવે. ભગવાન ભુલાય તેેવું સુખ મને જોઈતું નથી. માટે જ ભગવાન હું આપની પાસે દુઃખની માગણી કરું છું. જેથી મને સતત આપની યાદ આવે !’

-આવો હતો કુંતાજીનો ભગવાન શ્રીકૃષ્ણ માટેનો પ્રેમ અને આવો હતો તેમનો વિયોગ. ભગવાન પાસે આપણે સતત સુખ અને ઐશ્વર્યની માગણીઓ કરીએ છીએ પણ દુઃખની માગણી કરનારા તો એક માત્ર કુંતાજી જ હતા.

જન્માષ્ટમી હજુ ગઈ જ છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના ફોઈના કૃષ્ણ પ્રેમની કથા અહીં પ્રસ્તુત કરાઈ છે

ગુજરાતીઓના માનીતા અને લાડીલા પેઈજ “જ્ઞાન સાથે ગમ્મત” પર આ વાર્તા લોકપ્રિય લેખક શ્રી દેવેન્દ્ર પટેલ ની સહમતી થી આપ માણી રહ્યા છો. વાર્તા નો તમામ હક લેખકનો છે અને કોપી-પેસ્ટ કરવાની પરવાનગી નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!