હું તું અને આપણે
આબરૂ કમાતાં ૨૦ વર્ષ લાગે છે તે ગુમાવતાં પાંચ મિનિટ લાગે છે – વોરેન બફેટ

આબરૂ કમાતાં ૨૦ વર્ષ લાગે છે તે ગુમાવતાં પાંચ મિનિટ લાગે છે – વોરેન બફેટ

વોરન બફેટ.

વિશ્વના ટોચના પાંચ ધનિક માણસોમાં વોરન બફેટની ગણના થાય છે. તેઓ ૫૦ બિલિયન ડોલરની સંપત્તિના માલિક છે. તેમની પાસે જે કાંઈ સંપત્તિ છે તેમાંથી ૯૯ ટકા સંપત્તિનું દાન તેમણે મૃત્યુ પછી ચેરિટી માટે આપી દેવાનું વિચાર્યું છે. જેઓ ધનવાન બનવા માંગે છે તેમને તેમણે કેટલીક તાજી સલાહો આપી છે જે દરેકે જીવનમાં ઉતારવા જેવી છે.

પ્રતિષ્ઠા : પ્રતિષ્ઠા કમાતાં ૨૦ વર્ષ લાગે છે, તેને ગુમાવવામાં માત્ર પાંચ જ મિનિટ લાગે છે. જો તમે આ વાત પર વિચારશો તો તમે એ જ ક્ષણેથી જુદી રીતે વર્તશો. મૂળભૂત નિયમો : નિયમ નંબર-૧ : પૈસા કદી ગુમાવવા નહીં.નિયમ નંબર-૨ : પહેલાં નંબરના નિયમને કદી ભૂલવો નહીં. આવકનો સ્ત્રોત : એક જ સ્ત્રોતમાંથી આવક પર કદી ભરોસો રાખવો નહીં. અન્ય ક્ષેત્રોમાં પણ મૂડીરોકાણ કરો અને વધારાના સ્ત્રોતમાંથી આવક ઊભી કરો. ખર્ચ : જે વસ્તુની જરૂર નથી તે કદી ખરીદો નહીં. જો બિન જરૂરી વસ્તુઓ ખરીદશો તો એક દિવસ એવો આવશે કે તમારે જરૂરિયાતની ચીજવસ્તુઓ વેચવી પડશે. બચત : ખર્ચ કર્યા પછી જ જે રકમ વધી છે તેની બચત ના કરો પરંતુ જે બચત કરી છે તેમાં તે પછી જે રકમ વધે તે જ રકમ ખર્ચો. જોખમ : નદીના ઊંડા પાણી માપવા બંને પગનો ઉપયોગ કદી ના કરવો. પહેલાં એક જ પગ મૂકો. પ્રમાણિક્તા : પ્રમાણિક્તા અત્યંત ખર્ચાળ છે. હલકા લોકો પાસેથી પ્રમાણિક્તાની અપેક્ષા કદી ના રાખો.

વારસો : જો તમે સમૃદ્ધ છો તો તમે તમારા સંતાનો માટે એટલું જ રાખો કે જેથી તેઓ કોઈ પ્રવૃત્તિ કરી શકે પરંતુ તેઓ કાંઈ જ ના કરે એટલું તેમને કદી ના આપો. મૂડીરોકાણ :આજે કોઈ વ્યક્તિ કોઈ છાંયડામાં બેઠો છે તો તેનો અર્થ એ થયો કે કોઈકે તો વર્ષો પહેલાં વૃક્ષ વાવ્યું હશે. પૈસાદાર બનવું : મને હંમેશાં એ વાતની ખાતરી હતી કે હું ધનવાન બનીશ. એ વિષે મને મારી જાતમાં એક ક્ષણ માટે પણ અવિશ્વાસ નથી થયો. શીખવું : જેઓ તમારા કરતાં વધુ બુદ્ધિશાળી છે તેમની નજીક વધુ રહો. તમારા કરતાં જેમનું વર્તન વધુ સારું છે તેમને મિત્ર બનાવો. જેથી તમે પણ એ દિશામાં જશો. પ્રાઈસ- વેલ્યૂ : તમે જે ચૂકવો છો તે કિંમત છે અને જે મેળવો છો તે મૂલ્ય છે. ધનવાનો પર કર : નબળા અને મધ્યમ વર્ગના લોકો પરના કર હજુ વધારે ઘટાડવા જોઈએ પરંતુ મારા જેવા માણસોએ હજુ વધુ કર ભરવા જોઈએ. પડકારો : હું એક સાથે સાત આડા બાર કૂદયો નથી, હું એક જ ફૂટનો બાર કૂદવા પ્રયાસ કરું છું. જેથી હું તેની પર ચાલી શકું. રિસ્ક : જોખમો અણધારી જગાએથી જ આવે છે એ અંગે તમે સંપૂર્ણ અંધારામાં હોવ છો. વોલ સ્ટ્રીટઃ વોલ સ્ટ્રીટ (અમેરિકાનું શેરબજાર) જ એક એવી જગા છે કે જ્યાં રોલ્સ રોયસમાં બેસીને આવતા લોકો અંડરગ્રાઉન્ડ ટ્રેન- સબ વેમાં મુસાફરી કરતાં નિષ્ણાતો પાસે સલાહ લે છે. મિરર : વેપાર-ધંધાની દુનિયામાં મોટરકારના આગળના કાચ કરતાં રિઅર મિરર વધુ સ્વચ્છ હોય છે. દરિયામાંથી ભરતી ચાલી જાય છે ત્યારે જ તમને ખબર પડે છે કે પાણીમાં કોણ નગ્ન છે.

છ વર્ષની વયેઃ વોરન એડવર્ડ બફેટનો જન્મ તા. ૩૦ ઓગસ્ટ, ૧૯૩૦ના રોજ અમેરિકના એક સ્ટોકબ્રોકર કમ કોંગ્રેસમેન (સેનેટર)ના ઘેર થયો હતો. વોરન બફેટે નાની વયમાં જ પૈસા અને બિઝનેસ પ્રત્યે દાખવેલી અભિરુચિ અસાધારણ હતી. તેમણે છ વર્ષની વયે જ તેમના દાદાના ગ્રોસરી સ્ટોર્સમાંથી કોકાકોલાના છ નંગનું પેક ૨૫ સેન્ટમાં ખરીદ્યું હતું અને પ્રત્યેક બોટલ ફરી પાછી વેચી પ્રતિબોટલ પાંચ સેન્ટનો પ્રોફિટ કર્યો હતો. આ ઉંમરમાં બીજાં બાળકો રમવા સિવાય બીજું કાંઈ કરતાં નહોતાં. ૧૧ વર્ષની વયે ૩૮ ડોલરના ભાવે તેમણે ત્રણ શેર ખરીદ્યા હતા. પરંતુ તેનો ભાવ ગગડીને ૨૭ ડોલર થઈ ગયો હતો. શરૂઆતમાં ગભરાઈ ગયેલા વોરને શેરનો ભાવ ૪૦ ડોલર થયો ત્યાં સુધી ધીરજ રાખી હતી. એ પછી બફેટે તે શેર તરત જ વેચી દીધા હતા. એ શેરનો ભાવ ૨૦૦ ડોલર સુધી પહોંચી ગયો એ ભૂલમાંથી તેમણે એક પદાર્થપાઠ શીખ્યો કે મૂડીરોકાણમાં ધીરજ એ જ સર્વશ્રેષ્ઠ ગુણ છે. હાઈસ્કૂલમાં ભણતાં ભણતાં અખબારોનું વિતરણ કરી તેમણે પાંચ હજાર ડોલર (૨,૦૦૦ની સાલના ભાવ પ્રમાણે ૪૨ હજાર ડોલર) કમાઈ લીધા. પિતાએ પુત્રને પરાણે યુનિર્વિસટી ઓફ પેન્સિલવેનિયાની બિઝનેસ સ્કૂલમાં મોકલ્યાં ત્યારે વોરને ફરિયાદ કરી કે ‘હું મારા પ્રોફેસરો કરતાં વધુ જાણું છું.’ તેઓ ફરી પાછા તેમના વતન ઓમાહા આવ્યા અને યુનિર્વિસટી ઓફ નેબ્રાસ્કામાં ભણવા ગયા અને ત્રણ જ વર્ષમાં ગ્રેજ્યુએટ થઈ ગયા. આગળ ભણવા માટે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં પ્રવેશ માટે ફોર્મ ભર્યું પણ વિદ્યાર્થીની વય ઓછી છે તેમ કહી તેમને પ્રવેશ ન આપ્યો. તે પછી તેઓ કોલંબિયામાં પ્રવેશ મેળવી ભણવા ગયા અને બેન ગ્રેહામ પાસેથી મૂડીરોકાણનું શિક્ષણ લીધું.

વોરન બફેટે ૩૧ બિલિયન ડોલરનું દાન કર્યું તે પછી સીએનબીસીએ લીધેલા તેમના ટેલિવિઝન ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે કરેલાં કેટલાંક વિધાન વિશ્વભરના ધનપતિઓ માટે જ નહીં પરંતુ દુનિયાભરના તમામ લોકોએ તેમાંથી શીખવા જેવી વાત છે. કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો આ પ્રમાણે છેઃ

(૧) મને મારી જિંદગીની કમાણીનો હિસ્સો પહેલી જ વાર ૧૧ વર્ષની વયે પ્રાપ્ત થયો હતો. એ વખતે મોંઘવારી નહોતી. તમે તમારાં બાળકોને ઈન્વેસ્ટ કરતાં શીખવો.

(૨) મેં ૧૪ વર્ષની વયે ન્યૂઝ પેપર્સનું વિતરણ કરીને જે બચત કરી હતી. તેમાંથી મેં એક નાનકડું ફાર્મ ખરીદ્યું. તમે નાનકડી બચત કરીને ઘણું મેળવી શકો છો. તમે તમારા સંતાનને કોઈ પણ ધંધો કરવા પ્રોત્સાહિત કરો. મેં ૧૧ વર્ષની વયે કમાણીની શરૂઆત કરી હતી, પરંતુ આજે મને લાગે છે કે મેં ઘણું મોડું શરૂ કર્યું. મારે તે કરતાંય વહેલાં કમાવાનું શરૂ કરવાની જરૂર હતી.

(૩) હું આજે પણ ત્રણ બેડરૂમના નાનકડા ઘરમાં રહું છું. આ ઘર મેં આજથી ૫૦ વર્ષ પહેલાં મિડટાઉન ઓમાહામાં ખરીદ્યું હતું. મારા આ નાનકડા ઘરમાં કોઈ દીવાલો કે બહાર તારની વાડ નથી. મારા ઘરમાં મારે જેની જરૂર છે તેટલી ચીજવસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારે જરૂર છે તે કરતાં વધુ કોઈ પણ ચીજની ખરીદી ન કરો. તમારાં બાળકોને પણ એમ જ શીખવો જેથી જરૂરિયાત કરતાં વધારાની ચીજ-વસ્તુઓની ખરીદી કરી પૈસા ન બગાડે.

(૪) હું મારી મોટરકાર જાતે જ ચલાવું છું. ડ્રાઈવર રાખતો નથી. મારી આસપાસ સલામતી માટે પણ માણસો રાખતો નથી. તમે જે છો તે જ રહેવાના છો.

(૫) વિશ્વની મોટામાં મોટી પ્રાઈવેટ જેટ કંપનીનો માલિક હોવા છતાં હું મારા માટે પ્રાઈવેટ જેટ રાખતો નથી. જીવનની દરેક બાબતમાં કરકસર કરો.

(૬) બર્કશાયર હાથવે નામની મારી પેઢી ૬૩ જેટલી કંપનીઓ ધરાવે છે. આ તમામ કંપનીઓના સીઈઓને વર્ષમાં હું એક જ પત્ર લખું છું. તેમને મારે જે જોઈએ છે તે લક્ષ્યાંક આપી દઉં છું. હું નિયમિત મિટિંગો બોલાવતો નથી. વર્ષમાં મારા લક્ષ્યાંકો આપવા એક જ મિટિંગ બોલાવી બાકી તે લક્ષ્યાંક હાંસલ કરવાનું કામ હું તેમને સોંપી દઉં છું. લક્ષ્યાંક પૂરો કરવાની જવાબદારી મારી કંપનીઓના વડાઓની છે.

(૭) હું યોગ્ય વ્યક્તિને જ યોગ્ય કામ આપું છું. મતલબ કે ‘રાઈટ પીપલ’ને ‘રાઈટ જોબ’ આપું છું.

(૮) હું મારા સીઈઓને એ નિયમો આપું છું, રુલ નંબર એક : શેર હોલ્ડરનાં નાણાં ડૂબવા જોઈએ નહીં. રુલ નંબર બે : પહેલાં નંબરનો રુલનો કદી ભંગ થવો જોઈએ નહીં.

(૯) મોટા મેળાવડાઓ કે હાઈ સોસાયટીના જન્મેલાઓમાં જઈ હું સમય બગાડતો નથી. એમ કરવાને બદલે હુંં મારા ઘરે જઈ પોપકોર્ન ખાતાં ખાતાં ટેલિવિઝન જોવાનું પસંદ કરું છું.

(૧૦) તમે જે નથી તેનો દેખાડો કરવાનો પ્રયાસ કદી ન કરશો. હું જે છું તેવો સમાજમાં દેખાઉં તે જરૂરી છે. તમને જે ગમે છે તે પ્રમાણે જીવનનો આનંદ માણો.

(૧૧) મારી પાસે કોઈ સેલ ફોન નથી. હું મારા ટેબલ પર કોમ્પ્યુટર પણ રાખતો નથી.

(૧૨) હું કોઈ ક્રેડિટ કાર્ડ રાખતો નથી. ક્રેડિટ કાર્ડ કદી રાખવું નહીં. હું બેન્કોમાંથી લોન લેતો નથી.

(૧૩) એક વાત યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથી, પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે.

(૧૪) બની શકે તેટલી સાદગીથી જીવન જીવો.

(૧૫) બીજાઓ જે કરે છે તેમ ન કરો. બીજાઓ જે કહે છે તે સાંભળો અને તમને યોગ્ય લાગે તેમ જ કરો.

(૧૬) કોઈ પણ બ્રાન્ડનેેમ પાછળ પાગલ ન બનો. બ્રાન્ડનેમ જોઈને ખરીદી ન કરો. તમને જે સુવિધા લાગતી હોય તે જ વસ્ત્રો, ચશ્મા કે જૂતાં પહેરો.

વોરેન બફેટના લોકપ્રિય ગુજરાતી પુસ્તકો ઘરે બેઠા મેળવવા અહી ક્લિક કરો અથવા વોટ્સએપ થી ઓર્ડર કરવા 7405479678 પર મેસેજ કરો

ગુજરાતીઓના માનીતા અને લાડીલા પેઈજ “જ્ઞાન સાથે ગમ્મત” પર આ વાર્તા લોકપ્રિય લેખક શ્રી દેવેન્દ્ર પટેલ ની સહમતી થી આપ માણી રહ્યા છો. વાર્તા નો તમામ હક લેખકનો છે અને કોપી-પેસ્ટ કરવાની પરવાનગી નથી.

 

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Devendra Patel

error: Content is protected !!