લગ્ન થયા પછી… તમારું જીવન બોજરૂપ છે કે મોજરૂપ ?

‘લગ્ન એક પવિત્ર સંબંધ છે’ પરણ્યા પહેલા સચિત્ર લાગતું આ વાક્ય પરણ્યા પછી કોણ જાણે કેમ વિચિત્ર થઇ જાય છે? ખરેખર આ કૃતિ મારા પ્રત્યક્ષ જોયેલા અનુભવોની અભિવ્યક્તિ છે. એક સાંજે મળેલી અમારી ઓટલા પરિષદમાં ઉઠેલા મુદ્દાએ એને એક આધાર આપ્યો અને એ આધાર પર શબ્દોની ઇંટો વડે ઈમારત ચણાઈ. એકબીજાના અનુભવો અને વાતો પરથી સગાઇ પછી સોના જેવો લાગતો સમય લગ્ન પછી પિત્તળમાં પલટાઈ જવાના કેટલા કારણો હોઈ શકે એની શક્ય એટલી છણાવટ ખાસું ખણખોદ કરીને અહી ચીતરવાનો મેં પ્રયાસ કર્યો છે. વાંચીને જરા કહો, જોઈએ! તમારો શું મત છે?

(દ્રશ્ય : ગામના પાદરે આવેલો એક ગલ્લો. ત્યાં બે ચાર મિત્રો ઉભા છે. એમાંથી એક જણે હમણાં જ માવો મસળ્યો છે અને ગલોફાંમાં દબાવ્યો છે.)

“અલા ભૂરાઆ! લગ્ન પછી બધું સર્કસ જેવું જ હોય”, માવો ચાવતા નીકળતા વિશિષ્ઠ અવાજ સાથે પરિણીત યુવકે કહ્યું.

“કેમ?”, અપરિણીતે કુતુહલવશ પૂછ્યું.

“સગાઈથી લગ્ન થાય ત્યાં સુધી સારું સારું લાગે. પણ લગ્ન પછી તો એ..યને ઠરીઠામ! સાદી ભાષામાં ચીંગમ જેવું. જેની મીઠાશ જતી રહે પણ ચાવવી તો પડે જ”, પરિણીત જાણે લગ્ન પછી પસ્તાતો હોય એમ બોલ્યો.

“પણ…”, અપરિણીત દલીલ કરવા જતો હતો ત્યાં પરિણીતનો ફોન વાગ્યો.

“જો આ જો!”, ફોનની સ્ક્રીન બતાવી અને કહ્યું, “આ હમણાં ચાલુ, ક્યાં છો? ક્યારે આવશો? કોની જોડે છો? બધા સવાલોની ઝડી વરસાવશે. ના કરીશ લ્યા લગન સાચું કહું. બધું જીવન સર્કસ થઇ જશે”, કહીને ફોન ઉપાડ્યા વગર જ પરિણીતે ઘર તરફ ડગ માંડ્યા.

“લગન પછી બધું સર્કસ જેવું” એ વાત મને સહેજ પણ બંધબેસતી ન લાગી. જો કે એમાં એ મિત્રની કોઈ ભૂલ નથી, જનરલી દરેક પુરુષ કે જે પતિ છે, એની આવી માન્યતા હોય છે એવું મેં નોટીસ કર્યું છે.

મને ખબર નથી પડતી કે કેમ, સગાઇ પછી જે છોકરી સાથે ૨૪માંથી લગભગ આઠેક કલાક (આ તો એવરેજ કહું છું) ફોન પર ચોંટેલા રહો છો, ઉપરથી કોઈક શનિ-રવિમાં  ક્યાંક ફરવાનો પ્લાન બનાવતા હોવ છો, આઉટીંગથી માંડીને જેને કેન્ડલ લાઈટ ડીનર સુધીના સરપ્રાઈઝ આપો છો એ છોકરીમાં પત્ની બની ગયા પછી એવા તે કયા ગંભીર ચેન્જીસ આવી જાય છે??

પરણ્યા પહેલા જે મુરતિયાઓને દાળ-શાકથી માંડીને સપનાઓ સુધી બધામાં એ જ છોકરી દેખાતી હોય અને રોમેન્ટિક થવાની તાલાવેલી જાગતી હોય એવાને મેં મેરેજ પછી બોરિંગ ટાઈપના થતા જોયા છે. પ્રેમનું જે ગુમડું લગ્ન પહેલા ‘ઉય ઉય ઉય’ કરતું હોય એ લગ્ન પછી કેમ જાણે બહેરાશનું ઇન્જેક્શન માર્યા જેવું સુન્ન થઈ જાય છે??

ઉપરની ચર્ચા બાદ આવા બધા સવાલોએ મારા મગજમાં થોડુક વાવાઝોડું ઉભું કર્યું. મારી સગાઇ પછીની લાઈફની વાત કરું તો અમે ઘણી વાર એવી વાતો કરી છે કે મેરેજ પછી આપણે આમ કરીશું ને તેમ કરીશું વગેરે વગેરે. જો કે આ બધી વાતો અમે બંને એકલા જ કરીએ છીએ એવું નથી, બાકીના બધા યુગલો પણ આવી ચર્ચાના ચણા ચાવી ચુક્યા હશે એ ડેફીનેટ વાત છે. એકબીજાને વિષે અને એકબીજાની ફેમીલી વિષે બધું જાણ્યા બાદ અને શું જમ્યા કે શું જમી જેવા રૂટીન સવાલો બાદ આ જ એક હોટ ફેવરીટ ટોપિક હોય છે. હવે ‘મેરેજ પછી શું?’નું પ્લાન કરતા હોય એટલે એવું તો ના વિચારતા હોય કે આપણે કેટલા બોરિંગ થઇ જઈશું કે પછી જીવન સર્કસ બની જશે, ઓબ્વીયસલી સારી સારી અને શાણી સમજુ જ વાતો થતી હોય જેવી કે આ રીતે કુટુંબનું ધ્યાન રાખીશું, મમ્મી પપ્પાને આ રીતે મદદ કરીશું, આ જગ્યાએ સેટલ થઈશું વગેરે વગેરે. પણ આટલી બધી સુઆયોજિત ચર્ચાઓના અંતે તો બધું આખરે ‘પત્થર પર પાણી રેડવા’ જેવું કેમ થાય છે એ વિષય સંશોધનને પાત્ર છે.

કારણો પણ જો કે રોકેટ સાયન્સ જેવા નથી, થોડીક સા.બુ. (એટલે કે સામાન્ય બુદ્ધિ) વાપરીએ તો સૌથી પહેલા તો છોકરી કે જે જીવનના ૨૨-૨૩ વર્ષ જે વાતાવરણમાં રહી હોય ત્યાંથી અન્ય ઘરે જઈને પોતાને એ ઘરની પરંપરાઓ અને નીતિનિયમના બીબામાં ઢાળે એ એક નાજુક પ્રોસેસ છે, જેમાં એ ઘરના રૂટીન સભ્યોનો પ્રેમ અને સહકાર ઉદ્દીપક તરીકે કામ કરે છે. પણ જો ઉદ્દીપકો જ એ પ્રોસેસમાં કનડગત પેદા કરે તો વિક્ષેપ પડવાની લગભગ સો ટકા સંભાવના છે. જો કે છોકરા અને છોકરી વચ્ચે પ્રોબ્લેમ ઉભા થવાની સંભાવનાઓ નહીવત છે. એટલા માટે કે બંને જણ એકબીજાને બખૂબી ઓળખી ચુક્યા હોય છે. પણ કોઈ ઘરની દીકરી જ્યારે કોઈક ઘરની વહુ બનવા તરફ જતી હોય ત્યારે એણે સાસુ-સસરાને સવારે નાસ્તામાં શું ચાલશેથી માંડીને સાંજે ડીનર પછી ઘસાયેલા વાસણ ક્યાં ગોઠવાશે ત્યાં સુધીની તમામ બાબતોનું બારીકાઇથી નિરિક્ષણ કરવાનું હોય છે. આ જ એક એવો સમય છે જયારે એનાથી થયેલી કોઈ ભૂલ પર રૂટીન સભ્યની તાડુકાઈભરી કોમેન્ટ કહેવાતા ‘સર્કસ’ માટે નાની ચિનગારીનું કામ કરી જતી હોય છે. આવી નાની નાની ચિનગારીઓ પર ઠંડુગાર પાણી રેડવા માટે છોકરાએ અને બાકીના તમામ સભ્યોએ યોગ્ય સલાહસૂચનો આપી એને પોતાના જ ઘરના સભ્ય તરીકે મનમાં પ્રસ્થાપિત કરવી એ સુગમતાભર્યું સ્ટેપ છે.

બીજી વાત, લગ્ન પહેલા દરરોજ એકબીજામાં ઓતપ્રોત થવાની ઝંખનામાં જીવતા બંનેની એ મનીષા લગ્ન પછી ફળીભૂત થાય છે, જેનો એક અલગ નશો અલગ કેફ હોય છે. માન્યું કે એકમેક સાથે રહેવું અને એકમેકની નજર સમક્ષ રહેવું એ લગ્ન પછીની તમારી મોટી કહેવાતી ઉપલબ્ધિ હોઈ શકે, પણ આપણે ગુજરાતીમાં પેલી કહેવત છે ને, “અતિ પરિચયે અવગણના”!! એટલે કદાચ એવું પણ બને કે આખો દિવસ એકબીજાની સામે ને સામે રહેવાથી તમે એકબીજા પ્રત્યેનો આદરભાવ કે અહોભાવ ઓછો થઇ જાય અને પછી સેલ્ફ રીસ્પેક્ટ પર વાત આવે ત્યારે જે ચાલુ થાય એનું નામ સર્કસ.

છોકરો બિચારો કંટાળીને થોડીક વાર ભાઈબંધો સાથે બેસવા જાય કે પછી એમની સાથે ક્યાંક ફરવા જાય ત્યારે ફોન કરી કરીને “ક્યા છો?” “હજી કેટલી વાર?” “ઘરમાં એકલા એકલા ગમતું નથી” એવા બધા સવાલો પૂછવા કરતા રાહ જોવામાં જે મજા છે એની વાત જ કંઈક ઓર છે એવું છોકરી ખબર નઈ કેમ ભૂલી જતી હોય છે? આવા બધા સવાલો મેરેજ પહેલા સ્વતંત્ર અને સ્વચ્છંદ રહેલા છોકરાને સતત ચિડાવ્યા કરે અને પછી જે ચાલુ થાય એનું નામ સર્કસ.

ઉપરથી આ સોસીયલ મીડિયા! વોટ્સએપ અને ફેસબુક પર પત્ની માટે ફરતા થયેલા જોક્સ સર્કસના જોકરનું કામ કરી જાય છે. અમુક અક્કલમઠાઓ કે જેમને પોતાની પત્ની સિવાયની બાકીની તમામ છોકરીઓમાં રસ છે એવા મેલ વર્ઝનો પત્નીને માત્ર અને માત્ર દૈહિક એકાંત માણવાનું સાધન સમજીને ભૂલ કરે છે. લગ્ન પછી થોડાક અઠવાડિયા કે મહિના એકાંત માણ્યા બાદ “લ્યા! રોજ શું એકનું એક! હવે તો કંટાળ્યા” એવું કહેતા મેં ઘણાને જોયા છે. અલા ભાઈ! “કંટાળ્યા” એ તો કઈ તારી દલીલ છે? પછી આવા મંદબુદ્ધિધારકો સોસીયલ મીડિયા પર કોપી પેસ્ટ કરીને મેસેજ ફોરવર્ડ કરતા થાય ત્યારે જે એ લોકો અનુભવે એનું નામ સર્કસ! મારું ચાલે તો આવા હિપોક્રેટ લોકોને ભરઉનાળે ગરમ પાણીના બોટલ સાથે સહરાના રણમાં છોડી આવું!

ત્રીજી અને અગત્યની વાત, “છોકરું આવ્યા પછી તો વાત જ નઈ કર ભાઈ! પછી તો બધું વધારે કથળે” આવું કહેનારાઓનો પણ એક અલગ વર્ગ છે. મતલબ કે હવે ‘સર્કસ’ રોયલ સર્કસમાં ફેરવાઈ ગયું. બાળકની તમામ જવાબદારી પત્નીના માથે નાખી દેવી એ આ ‘રોયલ’ ટેગનું કારણ છે. ઘર, ઓફીસ, બાળક બધું સંભાળતીને ઘૂંટાતી પત્ની જો કોઈ વાર ગુસ્સામાં મહેણું મારી જાય પછી ઝગડા ચાલુ થાય. અલ્યા ભાઈ! પત્ની પાસે કોઈ કારણોસર ટાઈમ નાં હોય એ વખતે એકાદ બાળોતિયું બદલાવી નાખે તો તારો કયો ખજાનો લુંટાઈ જવાનો હતો?? સંતાનની પરવરીશનું પણ પ્લાનિંગ એટલા જ જોશથી કરવું જોઈએ જેટલા જોશથી લગ્ન પછીના જીવનનું પ્લાનિંગ લગ્ન પહેલા કરતા હતા, એવું તો છે નઈ કે સંતાનનો જન્મ બંનેની સંમતિ વગર જ પાંગર્યો હોય! એટલે ઉછેરની જવાબદારી પણ બંનેની જ હોવી જોઈએ. અને જો તમે ઉછેરમાં ભાગીદાર ના બનવા માગતા હોય તો પછી એના નામની પાછળ પત્નીનું નામ લખાવવા જેટલી હિંમત કરી જોજો! મને ખબર છે એ નઈ ગમે!!

અત્યાર સુધી માત્ર પત્ની પ્રાધાન્ય શબ્દો આવ્યા, પણ પત્નીની પણ લગ્નજીવનને સર્કસ બનતું બચાવવાની એટલી જ જવાબદારી છે જેટલી પતિ માટે આગળ લખી છે. આજકાલના હાઈટેક જમાના સાથે કદમ મિલાવીને ચાલવું એ ભલે તમારી પસંદ છે, જો કે એમાં ખોટું કાંઈ નથી પણ એટ ધ સેમ ટાઈમ નવા ઘરને પોતાનું જ ગણીને એ મુજબ રહેવું એ પણ જરૂરી છે. મેં ઘણી બધી છોકરીઓ એવી જોઈ છે કે જે સાસરીમાં જાણે કે ગેસ્ટ હાઉસમાં રહેતી હોય. સાસરીમાં જાણે કે એમનો દમ ઘૂંટાતો હોય એમ વર્તન કરે છે. પતિને વારે ઘડીયે આ નઈ ને પેલી વાતે ફરિયાદ કરવી એ સમજની વાત તો નથી જ એ સમજ પત્નીઓએ પણ કેળવવી જોઈએ. પતિ પણ આખરે માણસ જ છે. એને પણ પોતાના માં-બાપ અને તમારી વચ્ચે પોતાના પ્રેમનું સંતુલન જાળવવાનું હોય છે. જો તમે પત્નીઓ પોતાને સહનશીલતાની મૂર્તિઓ ગણાવતી હોય તો પતિ પણ નંદી કે કાચબાની માફક નાની મોટી લાગણીની મૂર્તિ તો હશે જ ને! એ સમજવામાં પત્નીઓ જ્યારે થાપ ખાઈ જાય અને જે ચાલુ થાય એ સર્કસ!!

જો પરસ્પર સમજ અને સહકાર વગર તમારું લગ્નજીવન સર્કસ બની જાય તો એના મેટીની શોના દર્શકો ટીકીટ વગર જ મનોરંજન લઇ જાય છે, જે છે આપણી આસપાસના કે આપણા સમાજના જ લોકો. આમ તો એવું કહેવાય છે કે ‘સબસે બડા રોગ, ક્યા કહેંગે લોગ’, પણ આ કહેવત જ્યારે તમે તમારા પેશનને અનુસરતા હોય અને લોકોને એમાં ટપ્પો ના પડતો હોય એવી પરિસ્થિતિ માટે બનાવાઈ છે. અને એક વાત તો ચોક્કસ છે કે તમારા લગ્નજીવનનું સર્કસ સ્વરૂપ એ તમારું પેશન તો નથી જ.

હા!! માન્યું કે લગ્ન પછી તમારા બંનેના માથે  થોડીઘણી જવાબદારીઓ આવી જાય છે, પણ એનો સીધો મતલબ એવો નથી કે તમે એને બોજ ગણો. બોજ એક નિર્જીવ પદ છે, જવાબદારી સજીવ છે, અને ઉપરથી વહેંચી શકાય એવું કદ છે.

સો પ્લીઝ ડોન્ટ ગો જજ્મેન્ટલ, જસ્ટ ગો જેન્ટલ..

– ખુશ્બુ પટેલ

Leave a Reply

error: Content is protected !!