અને જયારે હનુમાનજી એ રામ ભગવાનની માફી માંગવી પડી….

રામેશ્વરમ્ સેતુ બાંધવાનું કામ પુરજોશમાં ચાલતું હતું.માતા જાનકી માટેના પ્રભુ રામના કાર્યમાં બધા વાનરો હોંશે-હોંશે ભાગ લઇ રહ્યાં હતાં.કોઇના મુખ પર થાકનું નિશાન જોવા નહોતું મળતું,ઉલ્ટાનો અદમ્ય ઉત્સાહ વર્તાતો હતો.નાના ભુલકાંથી માંડીને યુવાન અને વૃધ્ધ વાનરો સેતુ બાંધવાના કાર્યમાં અકધારા વળગી રહેતાં.પથ્થરો લઇ આવી અને દરેક પથ્થર પર સફેદ રંગે “રામ” લખતાં અને એ પથ્થર સમંદરમાં ફેંકતા અને પથ્થર તરવા લાગતા !આવી રીતે ક્રમ વણથંભ્યો ચાલ્યાં કરતો.દરેક પથ્થર પર રામનામ લખાતું અને પથ્થર તરવા લાગતો.

આ સમયની એક રાતની વાત છે.આખું વાનરસૈન્ય આખો દિવસ કામ કરીને ઘસઘસાટ ઊંધી ગયું હતું.બધાં સુઇ ગયાં હતાં.સામે રામેશ્વરમનો સમુદ્ર ધીમો-ધીમો ગર્જતો હતો.આકાશ કુસુમવત ચાંદનીનો પ્રકાશ રેલાવી રહ્યું હતું.દરિયા પરથી વહેતાં ઠંડા પવનની લહેરખીઓએ બધાં કર્મવીરોની આંખોમાં નિદ્રાદેવીની સવારી પહોંચાડી દીધી હતી.

પણે એક વ્યક્તિની આંખમાં આજે નિદ્રા આવવાનું નામ નહોતી લેતી.એ હતાં પ્રભુ શ્રીરામ ! બહારની નિરવ શાંતિમાં એના મનને ક્યાંય ચેન નહોતું.એની બુધ્ધિ આજ શંકાનો ઉપદ્રવ સહન કરતી હતી.ક્યારનો એના મગજમાં એક સંદેહરૂપી વિચાર ઘુમરાયા કરતો હતો કે – “આ બધાં વાનરો માત્ર મારૂ નામ લખીને પથ્થર દરિયાના પાણીમાં નાખે અને એ પથ્થર તરવા લાગે છે.જો હું પોતે મારૂ નામ લખીને પથ્થર ફેંકુ તો એ તરે કે નહિ ?”

રામ પાસે આનો જવાબ નહોતો.રાત ઘણી વીતી ચુકી હતી.છતાં હજી રામ આ બાબતમાં વિચાર કરતા હતાં.આખરે એ એકદમ કાળજીથી જરાય અવાજ ના થાય એ રીતે ઉઠ્યા.હવે એ મક્કમ નિશ્વય પર આવી ચુક્યા હતાં કે,આજે આ પ્રયોગ કરી જ નાખવો.જો કે હજી તેના મનમાં ભારોભાર શંકા હતી કે હું નાખું એ પથ્થર કદાચ નહિ તરે તો ?

રામે ચારેબાજુ જોયું.બધાં વાનરો અને રીંછો પોઢી ગયાં હતાં.જાંબુવંત એક પથ્થરનું ઓશિકું કરી દુર સુતા હતાં.રામે તેના તરફ અહોભાવથી જોયું,વૃધ્ધ એવો આ રીંછ અત્યારે જીંદગીના બધાં એશોઆરામ છોડીને અહીં મારા માટે આથડતો હતો ! પણ તરત રામ સજાગ થયાં,એણે જાંબુવંતના મુખ તરફ ધ્યાનથી જોયું.એ પોઢી ગયો છે એની ખાતરી થતાં રામને હાશ થઇ.આ બુઢ્ઢો રીંછ શરીરે બુઢો હતો,બુધ્ધિમાં નહિ ! ગમે તેવી હિલચાલ એ પારખી શકતો ! રામે અંગદ તરફ જોયું,એ પણ નિદ્રાધીંન થયેલ.લક્ષ્મણ તો પોતાના પગ દાબતા પાસે જ પોઢી ગયાં હતાં.રામે એની સામે નજર કરી અને ફરી એકવાર એની આંખો ભરાઇ આવી.

જેણે ત્યજીય નિદ્રા ને ત્યજી છે ભાર્યા….વળી,ત્યજા છે માને બાપ જી…..
છેવટ લંકાના રણમાં જેણે મારે કાજ ત્યજા પોતાના પ્રાણ…..

બનું ભ્રાતા તો એવો,હતો રાજા રામને જેવો.

અને છેવટે રામે હનુમાન તરફ આંખ ફેરવી.પથ્થરનું ઓશિકું કરી એ વાનર પણ નિદ્રાધીંન થયેલો.રામ ઉઠ્યા.તેને હજી શંકા તો હતી જ કે તેનો નાખેલો પથ્થર કદાચ ડુબી જશે તો ? તે કિનારે આવ્યાં.એક પથ્થર ઉપાડી તેના પર પોતાનું નામ લખ્યું અને ફરી એકવાર કોઇ જોતું નથી એની ખાત્રી કરીને પથ્થર સમુદ્રમાં ફેંક્યો.પથ્થર સીધો જ તળીયે પહોંચી ગયો !

બરાબર ત્યાં જ પાછળથી કોઇના હસવાનો અવાજ આવ્યો.રામે ચમકીને પાછળ જોયું તો હનુમાન હતાં ! રામથી આ અજાણ હતું પણ હનુમાન જાગતા જ હતાં અને રામ ઉઠ્યા ત્યારથી લઇને તેની પાછળ આવ્યાં હતાં.રામે કરેલ પ્રયોગ તેની નજર બહાર નહોતો.

હનુમાને આ જોયું છે એ જાણી રામ થોડાક ભોંઠા પડ્યા ત્યાં હનુમાને હાથ જોડ્યા – ” પ્રભુ,ક્ષમા કરજો ! પણ આપની સુરક્ષાની જવાબદારી મારી છે એટલે આપ જ્યાં પણ જાવ ત્યાં મારે આપની સુરક્ષા અર્થે હાજર રહેવું જોઇએ.”

“હનુમાન !”રામ બોલ્યાં એમાં થોડો સંકોચ સ્પષ્ટપણે વર્તાતો હતો,”તમે બધું જોયું છે.પણ આ વાત મારી સમજમાં નથી આવતી કે તમે બધાં મારૂ નામ લઇને પથ્થરો નાખો એ તરી જ જાય છે,જ્યારે મેં પોતે મારૂ નામ લખી નાખેલો પથ્થર ડુબી ગયો.આનું કારણ…..?”

હનુમાનના મુખ પર ફરી એકવાર હાસ્ય ફરકી રહ્યું,” પ્રભુ,માફ કરજો! પણ અમે તમારૂ નામ લખીને પથ્થરો નાખીએ છીએ ત્યારે અમને તમારા નામ પર સંપૂર્ણશ્રધ્ધા હોય છે,સંપૂર્ણ ! જે પથ્થર પર અમારા રામનું નામ લખેલું હોય એ તરી જ જાય.એમાં શંકાને કોઇ કરતા કોઇ સ્થાન જ ના હોય.અરે ખુદ સમુદ્ર લાખ પ્રયત્નો કરે છતાં એની તાકાત નથી આ પથ્થરોને ડુબાડવાની ! જ્યારે તમે આ પથ્થર ફેંક્યો ત્યારે તમારા મનમાં શંકા હતી પ્રભુ ! તમને સંદેહ હતો કે આ પથ્થર ડુબી જશે તો ? અને પરિણામે એ ડુબી ગયો.”હનુમાને હાથ જોડ્યાં.

રામે હનુમાનના મુખ પરનો જગારા મારતો ભક્તિભાવ જોયો અને રામે દોડીને હનુમાનને બાથમ લીધાં.

હરીએ કંઠમાં હાર પહેરાવ્યો,એના મોતી મોઢામાં નાખ્યાં……
મોતીડાં કરડીને માળા રે ફેંકી,એના ત્રાગડા ત્રોડી નાખ્યાં….

જગતમાં એક જ જન્મયો રે….જેણે રામને ઋણી રાખ્યાં..

– Kaushal Barad

One thought on “અને જયારે હનુમાનજી એ રામ ભગવાનની માફી માંગવી પડી….

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!