મારું શરીર વ્હીલચેરમાં,પણ મારો આત્મા આઝાદ છે – પાકિસ્તાનની ‘આયર્ન લેડી’

એનું નામ છે મુનીબા મઝારી.

તે સંયુક્ત રાષ્ટ્રસંઘની ગુડવીલ એમ્બેસેડર છે. મુનીબા યુએનની સદ્ભાવના દૂત બની તે પહેલાંની કથા જાણવા જેવી છે. મુનીબા પાકિસ્તાની યુવતી છે. પાકિસ્તાનના પંજાબ- પ્રાંતમાં એક વિસ્તાર રહીમ યાર ખાન તરીકે ઓળખાય છે. તે બલોચ યુવતી છે. સિંધુ નદીના કિનારે આવેલો આ ઈલાકો ભારત- પાક. સીમાની નજીક છે.

મુનીબા અહીં જ જન્મી છે. મોટી થઈ છે, ભણી છે. તેના પિતાને પેઈન્ટિંગમાં પહેલેથી જ દિલચશ્પી હતી. રંગોની દુનિયા તેમને ગમતી હતી. એ કારણે મુનીબાને પણ ચિત્રકાળમાં રુચિ પેદા થઈ. સ્કૂલના દિવસોમાં મુનીબાને તેના પાપા મદદ કરતા હતા. સ્કૂલ ટીચરને ખાસ દિવસે કોઈ કાર્ડ આપવું હોય તો મુનીબા રંગબેરંગી કાગળ અને કાતર લઈને બેસી જતી અને તેના પિતા તેને કાર્ડ બનાવતાં શીખવતા. કોઈવાર તે પિતા સાથે પેઈન્ટિંગ્સના પ્રદર્શન જોવા પણ જતી. મુનીબાએ હવે ઈન્ટર પાસ કર્યા બાદ ફાઈન આર્ટ્સમાં પ્રવેશ મેળવવા નિર્ણય કર્યો.

કોલેજમાં જતા જ જિંદગી બદલાઈ ગઈ. અહીં કળામાં રુચિ રાખતા યુવક-યુવતી અને મળવાની ખૂબસૂરત તક મળી. મુનીબા હવે ખુશ હતી. બધું જ બરાબર ચાલતું હતું. પરંતુ એક દિવસ એક એવી ઘટના ઘટી જેણે તેની જિંદગી જ બદલી નાંખી.

૨૦૦૭ની વાત છે.

એ વખતે મુનીબા ૨૧ વર્ષની વયની હતી. તેના લગ્ન થઈ ચૂક્યા હતાં. તે એક પુત્રની માતા પણ હતી. બલૂચિસ્તાનથી કારમાં તે પોતાના ઘેર જઈ રહી હતી. રસ્તામાં ડ્રાઈવરને ઝોકું આવી ગયું. મોટરકારે સંતુલન ગુમાવ્યું અને કાર એક ખાઈમાં પડી. આ બધું એક મિનિટમાં જ થઈ ગયું. મુનીબા જ્યારે ભાનમાં આવી ત્યારે તેને ખબર પડી કે તે લોહીલુહાણ હતી. તેને ઈજાઓ થઈ હતી. લોહી વહેતું હતું. તે ઊભી થઈ શકતી નહોતી. આસપાસના લોકો પણ હવે દોડી આવ્યા હતા. લોકોએ તેને ખાઈમાંથી બહાર કાઢી. પાછળથી ખબર પડી કે તેની કરોડરજ્જુનું એક હાડકું તૂટી ગયું હતું.

મુનીબા એક કલાક સુધી સડક પર તડપતી રહી. રાહદારીઓએ એમ્બ્યુલન્સ બોલાવવા કેટલાય ફોન કર્યા પરંતુ કોઈ મદદ આવી નહીં. એટલામાં ત્યાંથી એક જીપ પસાર થઈ રહી હતી. જીપવાળાએ જીપ ઊભી રાખી. મુનીબાને જીપ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવી. હોસ્પિટલમાં ફર્સ્ટ એઈડની પણ સુવિધા નહોતી. મુનીબાને હવે એવો અહેસાસ થયો કે તેના શરીરનો અડધો ભાગ કામ જ કરતો નથી. ડોક્ટરે મુનીબાને હોસ્પિટલમાં દાખલ કરવા ઈન્કાર કરી દીધો. કારણ કે અહીં કોઈ સુવિધા જ નહોતી. મુનીબાને હવે બીજી એક હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ત્યાં એ જ પરિસ્થિતિ હતી. ડોક્ટરોએ ઈલાજ કરવા ઈન્કાર કરી દીધો. ડોક્ટરોનું કહેવું હતું કે, દર્દીની હાલત ગંભીર છે અને કદાચ અહીં જ તેનું મૃત્યુ થઈ જશે. દર મિનિટે મુનીબાની હાલત બગડી રહી હતી, પરંતુ તેની સારવાર હજુ શરૂ થઈ નહોતી. દરમિયાન તેના પરિવારજનો પણ આવી ગયાં. તેમણે મુનીબાને કરાંચીની એક મોટી હોસ્પિટલમાં લઈ જવાની વ્યવસ્થા કરી. કરાંચીની એ મોટી હોસ્પિટલમાં મુનીબાની સારવાર શરૂ થઈ. બધા મળી કુલ પાંચ ઓપરેશન થયાં.

એ શસ્ત્રક્રિયાઓ દરમિયાન મુનીબાએ પુષ્કળ શારીરિક અને માનસિક પીડા સહન કરવી પડી. કેટલાંક નજીકના લોકો પણ હવે મુનીબાથી અંતર રાખવા લાગ્યા. એ બધાંને લાગતું હતું કે, મુનીબા અપંગ થઈ ચૂકી છે અને તેના પિતા અને તેના પતિને પણ એમ લાગતું હતું કે હવે તેનો ઉપચાર ચાલુ રાખી ખોટો ખર્ચ કરવો વ્યર્થ છે. પતિએ પણ હવે હોસ્પિટલમાં આવવાનું બંધ કરી દીધું હતું. આવી ઉપેક્ષાનો અહેસાસ થતાં મુનીબાને લાગ્યું કે આવું દુઃખ અને ઉપેક્ષા ભોગવવા તે કરતાં મરવું બહેતર છે.

મુનીબા નિરાશ હતી પરંતુ તેની માતાએ આશા ગુમાવી નહોતી. તેમને ઉમીદ હતી કે એક દિવસ અમારી પુત્રી જરૂર સાજી થઈ જશે. અન્ય સગાં-સંબંધીઓ શું કહે છે તેની તેમને પરવા નહોતી.

અને તેમની આશા સાચી નીકળી. બે મહિના બાદ મુનીબાની હાલત સુધરવા લાગી. તે હવે સ્વસ્થ થઈ. હોસ્પિટલના બેડ પર બેઠાં બેઠાં જ તેણે તેની મમ્મી પાસે કલર્સ અને બ્રશ માંગ્યા. બ્રશ ના મળતાં હતાશાથી તેણે પોતાના માથાના વાળ ખેંચી કાઢયા. પરંતુ દીકરીની આ માગણી છેવટે માતાએ સ્વીકારી. મમ્મી મુશ્કરાઈ. તેમને યકીન હતો કે એક દિવસ મારી દીકરી જરૂર સાજી થઈ જશે. હોસ્પિટલના પલંગ પર બેઠાં બેઠાં મુનીબાએ એક પેઈન્ટિંગ બનાવ્યું. એ ચિત્રમાં દર્શાવાયેલી મહિલાને હાથ અને પગ નહોતાં. આ ચિત્ર મુનીબાની ભાવનાઓનું જ પ્રતીક હતું. આ જ પેઈન્ટિંગે મુનીબાના જીવનમાં રંગ ભરી દીધા.

પરંતુ મુનીબાને અપંગ જોઈ તેના પતિએ મુનીબાને તલાક આપી દીધા. પિતા પણ દીકરી અને પરિવારને રઝળતું મૂકીને અન્યત્ર ચાલ્યા ગયા. હવે તેની મા જ તેનો સહારો હતી. તે હવે ડિવોર્સી અને પિતા દ્વારા તરછોડાયેલી દીકરી હતી.

મુનીબાને પૂરા બે વર્ષ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે તેના બંને પગ બેજાન બની ચૂક્યા હતા. બંને પગ નિષ્ક્રિય બની ચૂક્યા હતા. હવે તે વ્હીલચેરમાં હતી. શરીર તેનું કમજોર હતું. પરંતુ મનથી મજબૂત હતી. મુનીબાએ નિર્ણય કરી નાખ્યો કે હવે હું પોતાની જાત પર કદીયે રડીશ નહીં.

આ જ હાલતમાં તેણે હવે નોકરી શોધવાની શરૂ કરી. તે હવે આત્મનિર્ભર બનવા માંગતી હતી. એક દિવસ ફેસબુક પર એણે વાંચ્યું કે એક વેબસાઈટને કન્ટેન્ટ રાઈટરની જરૂર છે. મુનીબાએ અરજી કરી. તેને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી અને નોકરી મળી ગઈ. નોેકરી શરૂ કરી, પગાર પણ મળવા લાગ્યો પરંતુ તે સંતુષ્ટ નહોતી. તેને લાગ્યું કે જીવનમાં કાંઈક ખૂટે છે.

એક દિવસ તેણે પલ્સ પોલિયો અંગેની જાહેરાત વાંચી. તે વિજ્ઞાાપનમાં એક પિતા પોતાના પોલિયોગ્રસ્ત બાળક તરફ અંગૂલી કરીને કહે છે તમે પણ તમારા બાળકને પોલિયોના ડ્રોપ આપો, નહીંતર તે પણ મારા બાળકની જેમ અપંગ બની જશે.

આ વિજ્ઞાાપન જોઈને મુનીબાએ નિર્ણય કર્યો કે તે પણ હવે શારીરિક વિકલાંગતા પ્રત્યે સમાજનો દૃષ્ટિકોણ બદલશે. મુનીબા કહે છે કે, વ્હીલચેર પર બેઠેલા લોકોને પણ સન્માનથી જીવવાનો અધિકાર છે. શક્ય હોય તો તેમનો હોંસલો વધારો. આ વાત તે બીજાઓને સમજાવે તે પહેલાં એ જરૂરી હતું કે ખુદ પોતાની જાતને એક કામિયાબ સાબિત કરે.

એને બ્રિટિશ સલૂન એજન્સી ટોની એન્ડ ગાય અને પાકિસ્તાન બોડી શોપ ગ્રૂપમાં મોડેલિંગ કરવાની તક મળી. પાકિસ્તાનમાં પહેલી જ વાર કોઈ મહિલાને વ્હીલચેરમાં બેઠાં બેઠાં મોડેલિંગ કરતી જોવામાં આવી.

મુનીબાને પાકિસ્તાન ટીવી પર એન્કરિંગ કરવા માટે પણ બોલાવવામાં આવી. આજે પણ તે પાકિસ્તાનની પીટીવી પર એન્કરિંગ કરે છે. તે એક માત્ર એન્કર છે જે વ્હીલચેર પર બેસીને ટીવી શો કરે છે. આજે તે આખા પાકિસ્તાનમાં ઘેર ઘેર જાણીતી છે. તેનો પેઈન્ટિંગનો શોખ પણ જારી રાખ્યો છે. એેણે પાકિસ્તાનની મહિલાઓના હૌંસલા અને સંઘર્ષને બડી ખૂબીથી કેન્વાસ પર ઉતાર્યા છે. પાકિસ્તાનમાં તે શ્રેષ્ઠ પેઈન્ટર તરીકે પણ જાણીતી છે.

તે કહે છે :’વ્હીલચેર મારી તાકાત છે, કમજોરી નથી. સૌથી મોટી વાત એ છે કે હવે હું એક બાળકની માતા પણ છું. ભલે મારું શરીર વ્હીલચેર સુધી સીમિત છે પરંતુ મારું મન અને આત્મા આઝાદ છે.’

મુનીબાની આ જીવનયાત્રા અને કામિયાબી જોઈ સંયુક્ત રાષ્ટ્રસંઘે મુનીબાના મહિલાઓના અધિકારો માટે સદ્ભાવના એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી છે. તેને સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી-પુરુષોમાં સમાનતા અંગે જાગરૂક્તા ફેલાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ જવાબદારી તે સરસ રીતે નિભાવી રહી છે.

મુનીબા …. આજે પાકિસ્તાનની ‘આયર્ન લેડી’ અને ‘ટ્રુ ફેસ ઓફ પાકિસ્તાન’ તરીકે જાણીતી છે.

મુનીબા મઝારી કહે છે :’હું મારી જિંદગીમાં નંબર-વન ‘હીરો’ શોધી ના શકી તેથી મેં જ તે બનવાનું પસંદ કર્યું.’

દેવેન્દ્ર પટેલ

સૌથી મોટા અને લોકપ્રિય ગુજરાતી ફેસબુક પેઈજ ‘જ્ઞાન સાથે ગમ્મત’ અને લેખક શ્રી દેવેન્દ્ર પટેલ ના સહયોગથી આપ આ વાર્તા માણી રહ્યા છો. આ લેખ કોપી-પેસ્ટ કરીને લેખકની મંજુરી વગર બીજે શેર કરવો નહિ.

Leave a Reply

error: Content is protected !!