આપણે ઘી નો દીવો કેમ કરીએ છીએ ? – જાણવા અને માણવા જેવી માહિતી

ઝળહળતી દિપશિખા અને ઘંટડી ના રણકાર થી વાતાવરણ એકદમ પવિત્ર થઈ ગયું અને દરેક ના શરીર અને મન માં ઊર્જા વ્યાપી ગઈ. બધાએ એક પછી એક દિપજ્યોતની આશકા લઈ આંખ માથા પર ચડાવી. ઘરમંદિર માં સ્થાપિત દેવ ના દર્શન કર્યા અને મહિલાઓ એ આરતી ગાવાની  પૂર્ણ કરી. છોકરીઓ પ્રસાદની શણગારેલી થાળીઓ લઈ ને બધાને પ્રસાદ વહેંચવા લાગી. બીજા બધા એકબીજા સાથે વાતોએ વળગ્યા , છોકરાઓ પ્રસંગ ના સંભારણા રૂપી ફોટો અને સેલ્ફિ પાડવા લાગ્યા આમ બધા ઉત્સાહ્ભેર ગણપતી દાદાની સ્થાપના પાસે એકઠા થઈ ને આનંદ કરતા હતા.

એવામાં બાનું ધ્યાન પડતા જ તે બોલ્યા, અરે કોઈ દિવીમાં ઘી તો પુરો. હજૂ બધા બેઠા છે ત્યાં સુધી તો દિવો પ્રજ્વલિત રહેવો જ જોઈયે ને, જા બેટા , દિવી માં થોડુ ઘી મુકી આપ, તેણે એક જુવાનિયા ને કિધું. કૂલ દાદી, નો ટેન્શન. દિવો ઠરી જશે તો હું કેન્ડલ સળગાવી દઈશ. કહેતો તે ઉભો થયો એવામાં બા એ ટોક્યો, ડાહ્યાભાઈ, મારે કાંઈ સળગાવવું નથી દિવો તો પ્રગટાવવાનો હોય, તું રહેવા દે. અરે પણ શું ફેર પડે છે? ઘીનો દિવો કે કેન્ડલ એકજ વાત છે .

બા ની વાત ને સમર્થન આપતા મોડર્ન મહારાજ બોલ્યા, ભાઈ બેસ અહીં અને બાની  વાત સાંભળ. બાએ આગળ ચલાવ્યુ. આ દિવી માં ઘી પૂરીએ ને, એ ગરમ થઈ ઓગળીને દિવેટ માં જાય અને બળતણ બની ને દિવા ને પ્રજ્વલિત રાખીને અજવાળુ આપે માત્ર એટલી જ વાત નથી. તે અંધારૂ દૂર કરવાની સાથે સાથે વાતાવરણ માં રહેલા સાત્વિક તત્વોને એટલે કે  ડિવાઈન પાવર ને આકર્ષે છે. જે જગ્યા પર દિવો પ્રજ્વલિત થાય ત્યાં પોઝિટીવ એનર્જી જમા થાય છે તેથી તેલ કે કેન્ડલ ને બદલે આપણે ઘી નો દિવો કરીયે છીએ. વળી એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ઘી ની દિવાની શિખા પ્રજ્વળે ત્યારે તેની જે ફ્યુમ્સ હવા માં ભળે તે અમુક પ્રકારના વાઈરસ અને બેક્ટેરિયા નો નાશ કરે છે અને તેને વાતાવરણ માંથી દૂર કરે છે, આમ ભૌતિક રીતે પણ તે શુદ્ધિ લાવે છે. તમને તો કદાચ ખબર પણ નહી હોય કે પહેલા ના સમય માં જ્યારે ચુલા પર રસોઈ બનાવતા ત્યારે ચુલા નું કામ પુરૂ થઈ જાય ત્યારે સળગતા કોલસા કે જેને અગ્નિ દેવ કહે છે તેના પર શુદ્ધ ઘી ના ચાર પાંચ ટીપા રેડી ને દેવતા જમાડવા ની વિધી રોજ જ કરવા માં આવતી. શુદ્ધ ઘી નો ધુમાડો ઘર માં ફેલાઈ ને વાતાવરણ ની  ચોક્ખાઈ રાખતો. તેથી જ તો આપણે હવન કે યજ્ઞાદિ કાર્યો માં ગાય નું શુદ્ધ ઘી હોમીયે છીયે અને  બીજા હવન ના દ્રવ્યો સાથે ઘી નો  ધુમાડો વાતાવરણમાં પ્રસરાવીએ છીએ.

યોગિક દ્રષ્ટિ એ પણ એવુ માનવામાં આવે છે કે માનવ શરીર માં રહેલા જે સાત ચક્રો છે જેવા  કે સહસ્રાર, અજ્ન વિશુદ્ધ, અનાહત, મણિપૂર, સ્વાધિષ્ઠાન અને મૂલાધાર.તેના પર પણ દિપજ્યોતિ  ખૂબ હકારાત્મક પ્રભાવ પાડે છે અને કુંડલિની શક્તિ જાગ્રુત થવા માટે મદદરૂપ થાય છે. શરીર ની વાઈટલ એનર્જી ની વાહક ઈડા, પિંગળા અને સુષુમ્ણા નાડી તથા  સૂર્ય નાડી – ચંદ્ર નાડી પર પણ ઘીના દિવા ની જ્યોત અસર કરે છે. તે આ બન્ને ને બેલેન્સ કરી ને શરીર ની ઉર્જા ને નિયંત્રણ માં રાખે છે. અને તેથી આપણે હંમેશા નિરોગી રહી શકીએ છીએ. તેથી હંમેશા ઘરમાં ઘી નો દિવો કરી તેની સામે બેસી ને પૂજા પાઠ કે પ્રાણાયામ કરવા જોઈએ તો મન અને શરીર પોઝિટીવ ઉર્જા થી ભરાઈ જાય. અને આખો દિવસ મન પ્રસન્ન રહે. અને નકારાત્મક વિચારો પણ દૂર જ રહે.

બીજી કોઈ વસ્તુ ને ઉતારી પાડવા માટે નથી કહેતી  પણ  મેં તો એવું પણ સાંભળ્યું છે કે તેલ નો દિવો ગ્રહોની શાંતિ અને પિત્રુઓ માટે કરવા માં આવે છે, અને જ્યારે મિણબત્તી એટલે કે કેન્ડલ જલાવો ત્યારે તે એવી ઉર્જા ફેલાવે છે જે આત્માઓ અને કાળાજાદુ ને આકર્ષે છે. તમે હોરર ફિલ્મો માં હાથ માં મિણબત્તી લઈ ને ફરતી સફેદ આક્રુતિઓ જોઈ છે ને? ક્યારેય ફિલ્મો એવુ કેમ નથી બતાવતી કે તેના હાથ માં મંદિર માં હોય તેવી આરતી લઈ ને આત્મા ફરતી હોય? તેથી શુભકાર્યો માં ઘીનો દિપક જ પ્રજ્વલિત કરવામાં આવે છે. જે ખૂબ પવિત્ર છે.

આપણે બધા એતો જાણીએ જ છીએ કે દિવાનો પ્રકાશ એ જ્ઞાન નો સિમ્બોલ છે તેથી જ તો “તમસોમા જ્યોતિર્ગમય ” અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાઓ અને જ્ઞાનપ્રકાશ રેલાવો એમ કહી આપણી બુદ્ધિ , શક્તિ અને સંપત્તિ માં વ્રુદ્ધિ અને શુદ્ધી લાવે તેવી પ્રાર્થના કરીએ  છીએને?  બા ની આ વાતો સાંભળવામાં મોટાઓ પણ જોડાયા હતા, અને તલ્લિન થઈ ગયા હતા. મારી પાસે તમને કહેવા માટે હજુ ઘણી વાતો છે પણ મને લાગે છે કે આટલે થી હું નહી અટકુ તો તમે બધા અહીં જ ઉંઘી જવાના.

ઓહો  બા, તમે તો જીનિયસ છો. એક નાનકડા દિવા ની વાત માં પણ આટલું ડીપ નોલેજ? યુ આર માય રીયલ ગુરૂ. જો આટલા બધા બેનિફીટ હોય તો હું પણ મારી યોગા રેજીમ દિવા સાથે શરૂ કરીશ જેથી આખો દિવસ ફ્રેશ રહી શકાય.

તો ચાલો આપણે ફરીથી દિપ દર્શન કરીએ અને પ્રાર્થના કરીએ કે શત્રુબુદ્ધિ વિનાશાય , દિપજ્યોતિર્નમોસ્તુતે એટલે કે કોઈ મારો શત્રુ છે એવું વિચારવા વાળી મારી કુબુદ્ધિ નો નાશ કરનારી સદ્બુદ્ધી આપનારી દિપજ્યોતિ ને નમસ્કાર. આમ પ્રાર્થના કરતા કરતા એણે દિવી માં ઘી પૂર્યુ અને ફરીથી ટમટમતી દિપશિખા તેજ પ્રકાશ્પુંજ રેલાવવા લાગી.

– આરતી રાઠોડ

Leave a Reply

error: Content is protected !!