જો છુટા પડ્યાનું દુઃખ ના થાય તો સમજવું પડે કે ક્યાંક તો જોડાયા જ નહતા – ડો. હંસલ ભચેચ

ઘણાં પ્રશ્નો એવા જટિલ હોય છે કે તેનો જવાબ જો તાત્કાલિક આપીએ તો કંઇક જુદો હોય, વિચારીને આપીએ તો તે એનાથી સાવ અલગ જ હોય અને વ્યવહારમાં તો વળી એ સંદર્ભે કંઇક સાવ જ ઉલટું જોવા મળતું હોય ! હમણાં એક વાંચકે મને વેબસાઇટ ઉપર આવો જ એક પ્રશ્ન પૂછ્‌યો. ‘‘બ્રેકઅપ્સ અને ડીવોર્સમાં વઘુ દુઃખદ શું?!’’ કદાચ એનો  પૂછવાનો આશય એવો હશે કે લગ્ન કર્યા પહેલા જ છુટા પડી જવું વઘુ દુઃખદ કે લગ્ન કર્યા પછી છુટા પડવું વધુ દુ:ખદ ?! હવે આ પ્રશ્નનો તાત્કાલિક જવાબ આપવાનો હોય ત્યારે એમ વિચાર આવે કે બંન્ને દુઃખદ વાત છે. ‘છુટા પડવું’ માત્ર જ દુઃખદ હોય છે, પછી એ લગ્ન પહેલાં હોય, લગ્ન બાદ કે લગ્નની કોઈ જ વાત વગર. વઘુ ઉંડાણપૂર્વક અને ગંભીરતાથી વિચારીએ તો એમ થાય કે બ્રેકઅપ્સ કરતાં ડીવોર્સ (છુટાછેડા) વઘુ દુઃખદ હોઈ શકે કારણ કે તમે વઘુ લાંબો સમય જોડે રહ્યા છો, તમારી વચ્ચે ઘણી ખાટીમીઠી લાગણીસભર ક્ષણોની યાદો વણાયેલી છે અને તમારો આખો’ય સંબંધ કૌટુંબિક-સામાજિક તાણા-વાણામાં ગુંથાયેલો છે. વળી વ્યવહારમાં તો આ બન્ને જવાબથી સાવ ઉલટું જ જોવા મળે ! ‘બ્રેકઅપ્સ’ પછી ઘણાં આત્મહત્યા કરે છે, જ્યારે છુટાછેડા મેળવ્યા પછી મોટાભાગના દંપતીઓ કૌટુંબિક અને સામાજીક પ્રશ્નો વચ્ચે પણ હાશકારો અનુભવે છે! આનો મતલબ એવો થાય કે છુટાછેડા પછી શક્ય છે કે સાથીઓ રાહતનો અનુભવ કરે પરંતુ ‘બ્રેકઅપ્સ’માં કદાચ રાહત અનુભવાય તો પણ દુઃખ તો વધુ જ અનુભવાય છે. છુટાછેડા બાદ હાશકારો એટલા માટે થાય છે કે આ આખો’ય સંબંધ છુટા પડવા સુધી પહોંચતા પહોંચતા એકબીજા પરત્વેની નકારાત્મક લાગણીઓ (નેગેટીવ ફીલીંગ્સ)થી ખદબદવા માંડે છે. વ્યક્તિઓ સંબંધથી, એકબીજાના વ્યવહારથી અને લાગણીઓના આઘાતથી એટલા તો ઉબાઈ ગયા હોય છે કે છુટા પડતા જ ‘હાશ’ અનુભવે છે. પછી સમય જતા; ધીરે ધીરે છુટા પડવાનું દુઃખ અનુભવાય તે અલગ વાત છે.

આજના માહોલમાં તો જાતે બની બેઠેલા લવગુરુઓ કે કાઉન્સેલરો છુટા પડીને દુખી થતાં લોકોને એવી સલાહ આપતાં ફરે છે કે હવે તો છુટા પડવું બહુ સામાન્ય છે, એનું ખાસ કંઇ દુઃખ કરવા જેવું નથી કે એને કારણે જીવ બાળવાની જરૂર નથી. બોલો?! જીવ કંઇ કોઈને કહીને બળે છે?! દુઃખ કરવાથી થાય છે?! આ તો બધી આપમેળે અનુભવાતી લાગણીઓ છે. જીવ કોઇને’ય બાળવો નથી, દુઃખ કોઇને’ય અનુભવવું નથી પણ આવી સુફીયાણી સલાહોથી ચૂરણ લઈએ ને કબજીયાત દૂર થઇ જાય તેમ છુટા પડ્યાનું દુઃખ થોડું મટી જાય?! હા, વારંવાર કોઈ આપણને કહે કે દુઃખ કરવાની જરૂર નથી તો આપણે એવો ડોળ ચોક્કસ કરતાં થઇએ કે આપણને દુઃખ નથી થતું, પરંતુ ખરેખર તો સામેવાળી વ્યક્તિ આપણું દુઃખ સમજી શકે તેમ નથી એવી મનોમન સ્વીકૃતિ સાથેની આ માંડવાળ છે!. સાવ  સાચી વાત તો એ છે કે સંબંધ સારો હોય કે ખરાબ-તૂટે ત્યારે હંમેશા દુઃખ કરાવે. બીજાને દેખાય કે ન દેખાય, મનને તો ચોક્કસ અનુભવાય. લોકો કહે કે ન કહે, વહેંચે કે ન વહેંચે, તૂટેલાં કે તનાવગ્રસ્ત સંબંધોનું દુઃખ હંમેશા અનુભવતા હોય છે.

આજે સમગ્ર વિશ્વમાં સંબંધોના સમીકરણો બદલાઈ રહ્યાં છે. ઇંગ્લેન્ડમાં લગ્નની સરખામણીએ લગ્ન કર્યા વગર વઘુ યુગલો રહે છે. ઓસ્ટ્રેલિયામાં સ્ત્રીઓ પોતાના પુરૂષ મિત્રોની સૌથી વધારે જાસૂસી કરાવે છે. ત્યાં સ્ત્રીઓ મોબાઈલમાંથી ભૂંસી કઢાયેલા એસ.એમ.એસ. પાછા લાવી શકે તેવા યંત્રો અને પુરુષ સમાગમ કરીને આવ્યો છે કે નહિં તે ચકાસવાના કેમીકલ ટેસ્ટનો બેરોક-ટોક ઉપયોગ કરી રહી છે. જાપાન અને ચીનમાં તો વળી પૂરી કદની ઢીંગલીઓ આજકાલ જોરમાં છે અને બજારમાં તેની માંગ વધતી જાય છે. આ બઘું’ય વિજાતીય સંબંધોમાં બદલાવની ચાડી ખાય છે. સ્ત્રી-પુરૂષના સંબંધોની વ્યાખ્યા-સમીકરણો ધીરે ધીરે બદલાઈ રહ્યા છે પરંતુ કમનસીબે આપણે ક્યારેય ધીરે ધીરે ફુંકાતા પરિવર્તનના પવન અંગે સંવેદનશીલ નથી હોતા. જ્યારે સંપૂર્ણ બદલાવ આવી જાય ત્યારે જ જાગતા હોઈએ છીએ. લગ્ન જીવનમાં પણ એવું જ છે. રોજબરોજની નાની નાની ઘટનાઓ-વ્યવહારોને લઇને સંબંધ-લાગણીઓ ધીમે ધીમે મરતી જાય, સરવાળે આખો સંબંધ જ મરી જાય અને જોડે જીવીએ છીએ એ વાત માત્ર ભ્રમ બનીને રહી જાય. પવનની નાની ડમરીઓ અવગણનારા આપણે વાવાઝોડું ફૂંકાતા દોડીને શરણું શોધીએ એવાં આ સંજોગોમાં છુટા પડવાનો હાશકારો જ અનુભવાય ને ?!

બદલાવની પ્રક્રિયામાં આપણે થોડા પાછળ રહીએ એમ છીએ?! છેલ્લા પાંચ વર્ષમાં મંડપના બીલ કે હનીમૂન દરમ્યાન વાપરેલાં ક્રેડીટ કાર્ડનું બીલ આવે તે પહલાં તો છુટાછેડાના કિસ્સાઓ નોંધાવા માંડ્યા છે. એક સમયે પતિ ગમે ત્યાં લફરૂ કરતો હોય પણ રાત્રે તો ઘરે આવે છે ને એ વિચારે લગ્ન ટકાવતી સ્ત્રીઓ કે મારી જરૂરિયાતો-એશોઆરામ સચવાતા હોય પછી ભલે ને જ્યાં રખડવું હોય ત્યાં રખડે તેવું વિચારતી સ્ત્રીઓને પણ હવે પોતાની સાથે થઇ રહેલો આ અન્યાય ખટકવા માંડ્યો છે. કશુંયે ક્યાંય ચલાવી લેવાની માનસિક તૈયારીઓ યુગલો ગુમાવી રહ્યા છે. આ પણ પરિવર્તન જ છે ને ?! સરવાળે છુટા પડવું હવે ઘટના નહીં પણ રૂટીન બની રહ્યું છે. વાંદરૂ જેમ એક ડાળી છોડને બીજી પકડે છે તેમ ‘હુક અપ્સ’ અને ‘બ્રેકઅપ્સ’ની સાયકલ ચાલે છે. દેખીતી રીતે આ કુદાકુદમાં કોઈ દુઃખી થતું હોય તેવું પણ જણાતું નથી. પરંતુ બીલીવ મી, દરેક તૂટેલો અંતરંગ સંબંધ તેના ડાઘ છોડતો જાય છે અને તે આપણાં સ્વભાવ-વ્યવહારને બદલતો જાય છે. સંબંધને જાતીય મઝા, ટાઈમપાસ કે ચાલે ત્યાં સુધી ઠીક અને નહીંતર એક,બે અને સાડા ત્રણ… વાળી માનસિકતામાં જીવી કે માણી ના શકાય. વિશ્વના તાપમાનની સાથે સાથે સંબંધોના માપદંડ પણ બદલાતા ચાલ્યાં છે ત્યારે આપણાં સંબંધોને વચનબદ્ધતા સાથે ગંભીરતાપૂર્વક નિભાવવાનો સમય પાકી ગયો છે. જો આપણે એમ નહિં કરી શકીએ તો પરિવર્તનનો પવન આપણને ખેંચી જશે, આપણાં માનસ પણ બદલાશે અને એક હુંફાળા, સલામત, વચનબઘ્ધ, સ્થાયી સંબંધ માટે આપણે તરસતા રહીશું.

પૂર્ણવિરામ: આંખો બંધ કરો અને જે અંધકાર તમારી નજર સમક્ષ છવાય, બસ એવો જ અંધકાર તમારા હૃદયમાં કોઈ ધબકતો સંબંધ તૂટે ત્યારે છવાય છે

ડો. હંસલ ભચેચ

ડો. હંસલ ભચેચ ના ગુજરાતી પુસ્તકોની યાદી જોવા અહી ક્લિક કરો

Leave a Reply

error: Content is protected !!