ક્લીન બોલ્ડ
ઘણી જૂની માન્યતાઓ માટે ડો. આઈ કે વીજળીવાળા ના સચોટ જવાબ

ઘણી જૂની માન્યતાઓ માટે ડો. આઈ કે વીજળીવાળા ના સચોટ જવાબ

[1] બાળકના જન્મ પછી માતાએ કાને બાંધી રાખવું જોઈએ, નહીંતર પવન ઘૂસી જાય

આ સાવ વાહિયાત વાત છે. આ તો પગમાં પથ્થર વાગે અને કાનનો પડદો તૂટી જાય એવો ઘાટ થયો કહેવાય. પ્રસૂતિ કે બાળજન્મની પ્રક્રિયામાં ક્યાંય પણ માતાના કાનની રચનામાં જરાપણ ફેરફાર થતો નથી. અને મધ્યકર્ણમાં તો આમેય હવા હોય જ છે, એટલે બહારની હવા ઘૂસી જવાની વાત જ સાવ ફાલતુ છે. પરંતુ આ માન્યતાના કારણે ધોમધખતા ઉનાળામાં કે અસહ્ય ગરમી તેમજ બફારાભર્યાં વાતાવરણમાં પણ પ્રસૂતાઓને સાસુમાઓ પરાણે કાન પર બંધાવતી હોય છે. પરદેશમાં આટલી ઠંડી પડે છે તો પણ ડિલિવરી પછી કાન પર કપડું બાંધવાની પ્રથા ત્યાં નથી. (કદાચ સાસુમાઓ નહીં હોય એટલે ?!) એટલે, આ રીતે કપડું બાંધવાથી કોઈ જ ફાયદો થતો નથી. હા, નુકશાન જરૂર થઈ શકે. એના લીધે માતાને ગરમીને કારણે થતાં ચામડીના રોગોનું પ્રમાણ કે અળાઈઓ આનાથી જરૂર વધી શકે !

[2] નાના બાળકને ગ્રાઈપવોટર આપવું જ જોઈએ

ગ્રાઈપવોટર અંગેની જાહેરખબરોનો મારો ટીવી પર એટલો ચાલે છે કે લગભગ દરેક માતાપિતાને એ આપવાની ઈચ્છા થઈ જ આવે. પરંતુ છેલ્લા વરસોથી આપણાં સમાજમાં વપરાતા 70 ટકાથી પણ વધારે ગ્રાઈપવોટર બ્રાન્ડ્સની સફળતાનું રહસ્ય છે એમાં રહેલો દારૂ (આલ્કોહૉલ) ! 27 બ્રાન્ડના ગ્રાઈપવોટરમાંથી 18 બ્રાન્ડની બાટલી પર લખેલું આવે છે કે દારૂનું પ્રમાણ 5 ટકા ! હવે આ પ્રમાણ અને બીયરમાં રહેલા દારૂનું પ્રમાણ સરખું જ છે. બીયરમાં પણ દારૂનું પ્રમાણ હોય છે 5 ટકા ! હવે નીચેનું વિશ્લેષણ વાંચો :

બીયર (દારૂયુક્ત પીણું) તેમજ ગ્રાઈપવોટરમાં દારૂનું પ્રમાણ હોય છે 5 ટકા. ચાર કિલો સુધીનું વજન ધરાવતા બાળકનાં શરીરમાં લોહીનું પ્રમાણ હોય છે 280 થી 300 મિલિલીટર. પુખ્ત વયના પ્રમાણનાં શરીરમાં લોહીનું પ્રમાણ હોય છે 5000 મિલિ લીટર (5 લીટર). બેથી ત્રણ ચમચી ગ્રાઈપવોટર આટલા વજનના બાળકને અપાય તો એના લોહીમાં દારૂનું પ્રમાણ થઈ જાય લગભગ 2 ટકા. હવે આટલું જ દારૂનું પ્રમાણ કરવા માટે પુખ્તવયના માણસે 250 મિલી લીટર બીયર પીવો પડે. એટલે એનો અર્થ એવો જ થાય કે રોજ બે કે ત્રણ ચમચી ગ્રાઈપવોટર પીતું બાળક અડધો બાટલો બીયર જેટલો દારૂ પી જાય છે !! હવે આટલો બધો દારૂ રોજ પી જતું બાળક રડવાનું ભૂલીને રમવા ન માંડે તો બીજું શું કરે ? (આટલો બીયર પીને તો મોટા લોકો પણ રમવા માંડે છે !) અને માબાપ પણ આટલા ખુશખુશાલ થઈ જતા બાળકને જોઈને પેઢી દર પેઢી આ ઉપાય અજમાવે જ ને ? પરંતુ આટલો દારૂ નુકશાનકર્તા તો છે જ. એટલે ગ્રાઈપવોટર ન આપવું જોઈએ. હા, દારૂ વગરનાં ગ્રાઈપવોટર કે સુવાના પાણીને સલામત જરૂર ગણી શકાય, પરંતુ આવી બધી ઘરગથ્થુ પ્રથાઓને તિલાંજલિ આપવી એ જ બાળકના હિતમાં હોય એવું નથી લાગતું ?

[3] શરદીવાળા બાળકને કેળાં ન અપાય !

કેમ ભાઈ ! શરદી વખતે કેળાં કેમ ન આપી શકાય ? આપી જ શકાય વળી, એનાથી શરદી વધવાની જરાય શક્યતા નથી. માંદા બાળક માટે કેળા જેવું સુપાચ્ય અને શક્તિથી ભરપૂર ફળ બીજું એકેય નથી. આપણે અહીં સફરજન ઉગતા હોવાને કારણે આપણને સફરજનનો વધારે મોહ રહે છે અને કેળા આંગણાનું ફળ હોવાથી એની કંઈ કિંમત નથી. હકીકતમાં કેળા વધારે સારું ફળ છે ! કંઈ પણ ન ખાતાં બાળકને કેળા આપવાથી એને જોઈતી શક્તિ મળી રહે છે અને એ જલદી સારું થાય છે.

[4] બે જણનાં માથા ભટકાય તો તરત જ થૂંકી નાખવું, નહીંતર મા મરી જાય !

બે જણનાં માથા ભટકાય એમાં એમના ઘરે બેઠેલી માતા શું કામ મરી જાય, એ ગળે ઊતરવું અઘરું છે ! પરંતુ આજના દિવસે પણ લગભગ દરેક વિદ્યાર્થીને આ માન્યતા ખબર હશે અને એ લોકો એનું બરાબર પાલન કરતા જ હશે ! હવે આવો વહેમ કેમ ઉદ્દભવ્યો હશે એ જોઈએ. બે જણના માથા જોરથી ભટકાય તો ઘણા લોકોને નાકના અંદરના ભાગમાં કે મગજની નીચે રહેલા હાડકાઓમાં ઈજા પહોંચી શકે. આ વખતે થોડોક રક્તસ્ત્રાવ ગળામાં થઈ શકે. જો નાકમાંથી લોહી નીકળે તો બહાર દેખાવાનું જ છે, પરંતુ ગળામાં થતો રક્તસ્ત્રાવ જો વ્યક્તિ બહાર થૂંકે તો જ ખબર પડે ! આ સામાન્ય તર્કનો આ રીતે ઉપયોગ કરવામાં આવ્યો હશે. જો વ્યક્તિ માથું ભટકાયા પછી થૂંકે અને લોહી દેખાય તો જલદી સારવાર થઈ શકે !

[5] પુરુષની જમણી અને સ્ત્રીની ડાબી આંખ ફરકે તો લાભ થાય

કોઈપણ અંગ ફરકવું એ એના સ્નાયુમાં થતાં વારંવારના ઝડપી સંકોચન-વિકોચનના કારણે હોય છે. આંખનું પણ એવું જ. આંખ થાકી હોય, ઊંઘનો અભાવ હોય કે પછી બીજા એકાદ બે મગજનાં કારણો હોય તો આંખના સ્નાયુઓ આવો ફેરફાર અનુભવે છે. એને લાભ કે હાનિ સાથે જોડી દેવાનો કોઈનો તુક્કો ચાલી ગયો છે. બાકી, હકીકતમાં એવું કંઈ હોતું નથી ! (ઘણી વખત ચેતાકેન્દ્રોમાંથી આવતા વધુ પડતા ઈલેક્ટ્રીક કરંટના કારણે તેમજ ચેતા કેન્દ્રોના રોગોના કારણે પણ આવું થઈ શકે છે.)

[6] મુસાફરીએ કે સારા કામે જનાર વ્યક્તિ જો ઘરમાંથી નીકળતા જ પડી જાય કે એનું સંતુલન જાય તો એ દિવસે બહાર જવાનું મુલતવી રાખવું. (એ અપશુકન થયેલા ગણવાં)

આપણા વડવાઓની બુદ્ધિ માટે ખરેખર માન થઈ આવે એવો આ વહેમ છે. પહેલાના જમાનામાં મુસાફરીએ જતા લોકો દિવસોના દિવસો જંગલમાંથી કે અંતરિયાળ રસ્તા પરથી પસાર થતા. જો રસ્તામાં ક્યાંય તબિયત બગડે તો માઈલોના માઈલો સુધી સારવાર પણ ન મળે તેવું બનતું. એટલે ઘરથી બહાર નીકળતી વ્યક્તિ જો પડી જાય તો એને એકાદ દિવસ ખમી જવાનું કહેવાતું. એટલે એને કંઈક શારીરિક તકલીફ હોય તો ઘરે જ સારવાર થઈ શકે. અને આમેય જેમાં સંતુલન ખોરવાઈ જાય એવો રોગ એકાદ દિવસમાં તો પોત પ્રકાશે જ ! એટલે કદાચ આવો વહેમ અસ્તિત્વમાં આવ્યો હશે.

[7] આપણે આપણાં મગજનો આઠથી દસ ટકા ભાગ જ વાપરીએ છીએ !

આવું હજું પણ સબકોન્શ્યસ મગજ વિશે ભણાવતા લોકોનાં ભાષણોમાં આવે જ છે. ઘણા મત-મતાંતર ધરાવતો આ વહેમ ખૂબ ઊંડા મૂળ ધરાવે છે. બાકી, હાલમાં જ બ્રિટીશ મેડિકલ જર્નલના આર્ટિકલમાં વિવિધ સંશોધનોથી સાબિત કરાયેલ એક તારણ આવ્યું હતું. જે મુજબ મગજનો એક પણ ભાગ સાવ સુષુપ્ત હોય તેવું જણાયું નથી. અને મગજના કોઈપણ ભાગને થયેલું નુકશાન કંઈક તો ખોડ છોડતું જ જાય છે. (જે તે ભાગનો કાર્યવિક્ષેપ દેખાય જ છે.)

[8] ઝાંખા પ્રકાશમાં વાંચવાથી આંખને નુકશાન થાય છે !

આ પણ એક વહેમ જ છે. ઝાંખા પ્રકાશમાં બેસીને વાંચવાથી આંખને થોડોક પરિશ્રમ કદાચ વધારે પડે. પરંતુ કોઈપણ જાતનું નુકશાન તો નથી જ થતું. એટલે જ તો સદીઓ સુધી આપણાં માણસો રાત્રિના ઝાંખા પ્રકાશમાં ખેતરના કામ કરી શકતા. યોગ્ય પ્રકાશમાં બેસીને વાંચવાથી અક્ષરો ઊકેલવાની માથાકૂટ ન રહે અને ઝડપથી વાંચી શકાય, પરંતુ ઝાંખા પ્રકાશમાં જો ફરજિયાતપણે વાંચવાનો વારો આવે તો મૂંઝાવાની જરૂર નથી, એનાથી કોઈ જ નુકશાન થતું નથી ! (બ્રિટીશ મેડિકલ જર્નલના એક આર્ટિકલ પરથી)

[9] છીંક ખાતી વખતે ‘ભગવાન ભલું કરે’ એમ બોલવું જોઈએ !

દુનિયામાં લગભગ દરેકે દરેક ભાગમાં છીંક ખાતી વ્યક્તિએ અથવા એની બાજુમાં ઊભેલા વ્યક્તિએ આવા મતલબના વાક્યો બોલવા જોઈએ એવો વહેમ છે. આવું આખી દુનિયામાં કેમ હશે ? કારણ ખૂબ જ રસપ્રદ છે. શરીરનાં દરેક સામાન્ય કાર્યમાં એક છીંક જ એવી છે જે ખાતી વખતે એકાદ ક્ષણ માટે હૃદય પણ ધબકતું અટકી જાય છે. એનો અર્થ એવો જ કે જો એ પાછું શરૂ ન થયું તો ? અને એવું ન થાય માટે છીંક ખાતી વ્યક્તિને આશીર્વાદ આપવાની પ્રથા લગભગ દરેક પ્રજામાં પ્રચલિત બની હશે.

[10] માસિક દરમિયાન દીકરી કે સ્ત્રી જો અથાણાંની બરણીને અડકે તો અથાણું બગડી જાય !

આ વહેમ આજે પણ ગામડાઓમાં જેમનો તેમ જ હયાત છે. ભલા શરદીવાળી વ્યક્તિ અડકે તો અથાણું ન બગડે ને માસિકવાળી દીકરી અડકે તો બગડી જાય ! કોઈએ ક્યારેય લોજિક વાપર્યું જ નહીં હોય ? પણ, ઓછાયો એક એવો વિચિત્ર અને બિહામણો (છતાં અસ્પષ્ટ) શબ્દ છે કે એને કોઈ પણ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે કે તરત જ લોકો ડરવા માંડે છે. આ કિસ્સામાં પણ આવું જ બન્યું હશે. હવે તો શહેરોમાં વિભક્ત કુટુંબોમાં એક જ સ્ત્રી માતા, પત્ની, ઘરની માલકણ બધું જ હોય ત્યાં બીજું કોણ અથાણાં વગેરે ફેરવવાનું કામ કરી આપે ? તો પણ અથાણાં નથી જ બગડતા ! જે અથાણાની બરણીને કોઈ સ્ત્રી ક્યારેય ન અડકી હોય એ પણ બરાબર ન સચવાય તો બગડી જઈ શકે છે ! માટે આવા વહેમોમાં ન માનવું.

[11] કંઈ પણ સારું વિચારીએ કે બોલીએ કે તરત જ લાકડાને અડકી લેવું જોઈએ (Touch wood !)

આ વહેમ પરદેશથી પધાર્યો હોય એવું લાગે છે. આપણા કૉલેજીયન યુવક-યુવતીઓમાં (અને ખાસ કરીને અંગ્રેજી માધ્યમમાં ભણેલાઓમાં) આ વહેમ વધારે પ્રચલિત છે. પહેલાના જમાનામાં યુરોપમાં એવું મનાતું કે લાકડામાં ખૂબ જ સારા આત્માઓનો વાસ હોય છે. એટલે જ્યારે આપણે કંઈ સારું બોલીએ કે વિચારીએ ત્યારે તરત જ લાકડાને ઠપકારવું જોઈએ, જેથી એમાં વસેલા સારા આત્માઓ આપણાં સારા વિચારોનું રક્ષણ કરે અને આપણને કમભાગ્યથી બચાવે ! આ વહેમ કોઈ જગ્યાએ નુકશાનકારક નથી લાગતો. પરંતુ આવા વહેમનું વળગણ આપણને ક્યારેક પાગલ જેવા બનાવી દે છે. એક કોલેજિયન યુવતીને આવી ટેવ હતી. એક વખત બસમાં એણે કંઈક સારી વાત કરી, પછી માંડી લાકડું શોધવા. ક્યાંય લાકડું દેખાયું નહોતું એટલે મૂંઝાઈ. બેચાર સ્ટેશન પસાર થયાં ત્યાં સુધીમાં તો એ રડવા માંડી. કારણ કે બસ બધી જગ્યાએ થોડીવાર માટે જ ઊભી રહેતી હતી. ગીર્દી પણ ખૂબ હતી. એટલે એ કોઈ સ્ટેશન પર નીચે ઉતરીને પણ લાકડાને અડકવા જઈ શકતી નહોતી. બધા એને છાની રાખવા પ્રયાસ કરવા લાગ્યા ! બસમાં વાત ફેલાઈ ગઈ એમ એ યુવતી હાસ્યાસ્પદ વ્યક્તિ બનતી ગઈ. છેવટે એક દાદા લાકડી લઈને ચડ્યા ત્યારે એની લાકડીને અડકીને એને શાંતિ થઈ ! (આ સત્યઘટના છે !) આવું ગાંડપણ આવા સામાન્ય દેખાતા વહેમનું લાગી શકે છે. એટલે આ બધાથી દૂર રહેવું જ સારું !

[12] પરદેશના કેટલાક વહેમો !!

વહેમો અને અંધશ્રદ્ધા એ માત્ર આપણો જ ઈજારો નથી ! આખી દુનિયા કોઈને કોઈ સ્વરૂપમાં એનો શિકાર રહી જ છે. યુરોપ તેમજ અમેરિકામાં ચાલી રહેલા ઢગલાબંધ આવા વહેમોમાંથી અહીં થોડાક વહેમોની વાતો કરીએ. આ વહેમો શું કામ બન્યા હશે તેનું આગળના પ્રકરણોની માફક વિશ્લેષણ નહીં કરીએ. (અને એ સંસ્કૃતિ વિશે અજાણ હોવાથી મારી હેસિયત પણ નથી !) એટલે સાચું શું અને ખોટું શું એ બાજુ પર રાખીને ફક્ત જાણવા માટે અને કંઈક અંશે હળવાશ માટે આપણે થોડાક વહેમો જોઈએ !

  • (ક) પાથરેલું ગાદલું રવિવારે ન વાળવું, નહીંતર ખરાબ સપનાં આવે.
  • (ખ) ભોજનના ટેબલ પર કોઈ ગીતો ગાય તો જીવનસાથી પાગલ મળે !
  • (ગ) ઘરમાં જે દ્વારથી અંદર જતા હો એમાંથી જ બહાર નીકળવાનો રસ્તો પણ હોવો જોઈએ. નહીંતર ઘરની સમૃદ્ધિ જતી રહે !
  • (ઘ) નવા વરસની રાત્રે જો બારીમાં સિક્કાઓ મૂકી દો તો આખું વરસ પૈસાની તંગી ન રહે !
  • (ચ) લગ્નની રાત્રે પતિ-પત્નીમાંથી જે વહેલું સૂઈ જાય તે બીજા કરતા વહેલા મૃત્યુ પામે !
  • (છ) કોઈ ઘર બદલે ત્યારે જો વરસાદ પડે તો નવી જગ્યાએ એ માણસને ખૂબ જ પૈસા મળે !
  • (જ) જમણા કાનમાં ખંજવાળ આવે તો કોઈ આપણા વિશે સારું બોલતું હોય અને ડાબામાં આવે તો કોઈ આપણી ટીકા કરતું હોય !

– ડો. આઈ.કે.વીજળીવાળા

‘રીડ ગુજરાતી’ અને ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના સૌજન્યથી તમે આ લેખ વાંચી રહ્યા છો. લોકપ્રિય લેખક ડો. આઈ.કે.વીજળીવાળા ના તમામ પુસ્તકોની યાદી જોવા અહી ક્લિક કરો

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

મોરારીબાપુ અને સ્વામીનારાયણ  વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ અને સ્વામીનારાયણ વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

error: Content is protected !!