અદભુત, બીઝનેસ ટોક
મેનેજમેન્ટ ના ગુરુને પણ મેનેજમેન્ટ શીખવનાર આ ટોળકી વિષે વાંચવા જેવું છે

મેનેજમેન્ટ ના ગુરુને પણ મેનેજમેન્ટ શીખવનાર આ ટોળકી વિષે વાંચવા જેવું છે

સમયસર ગરમા-ગરમ ટિફિન પહોંચાડતા મુંબઈના ડબ્બાવાળા વર્લ્ડ ફેમસ છે. આ ડબ્બાવાળાઓ પાસેથી મેનેજમેન્ટના પાઠ શીખવા જેવા છે. ઓછું ભણતર હોવા છતાં ડબ્બાવાળા જે રીતે સફળતાપૂર્વક તેમનો વ્યવસાય ચલાવી રહ્યા છે તે કોઠાસૂઝનું એક આગવું ઉદાહરણ છે.

મુંબઈમાં સામાન્ય માણસને સવારે નવ વાગે ઓફિસે પહોંચવું હોય તો પાંચ વાગે ઘરેથી નીકળવું પડે. આથી ઘરે પત્નીને પણ વહેલા ઊઠી ટિફિન બનાવવું પડે. વળી ટીફીન બપોરે ઠંડુ ખાવું પડે. ડબ્બાવાલા સમયસર ઘરનું ખાવાનું અને ગરમ-ગરમ પહોંચાડતા હોય તો કોણ પોતાની પત્નીને વહેલા ઉઠવા દે. આ માટે ડબ્બાવાળા ભાઈઓ માટે જાણીતું સૂત્ર છે  ‘જો બીવીસે કરે પ્યાર વો ડબ્બાવાલે કો કૈસે કરે ઇન્કાર…!!’

બીજુ કારણ છે મુંબઈની ભીડ. એક હાથમાં થેલો અને બીજા હાથમાં ટિફિન લઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી મુશ્કેલ છે. આ મુશ્કેલી ડબ્બાવાળા દૂર કરી દે છે. મુંબઈના ડબ્બાવાળા વિશે કહેવાય કે ‘હમ અંગ્રેજો કે જમાને કે ડબ્બાવાલે હૈ….’ 125 વર્ષ જૂની આ પરંપરા આજે પણ ટાઈમ મેનેજમેન્ટ અને કસ્ટમર કેરની બાબતમાં પાવરફૂલ છે. આ પરંપરામાં આજે મુબંઈ નેટવર્કમાં પાંચ હજાર ડબ્બાવાળા છે.

મૌકા દેખ કે ચૌકા

19મી સદીના અંતે મુંબઈ શહેર જે બોમ્બેથી ઓળખાતું હતું. એ શહેર બ્રિટિશ અને ભારતીય વેપારીઓથી ધમધમતું હતું. તેઓ લાંબી મુસાફરી કરીને ઑફિસે પહોંચતા. એ દિવસોમાં વાહન-વ્યવહાર ધીમો હતો અને ભાગ્યે જ રેસ્ટોરન્ટ જોવા મળતી. બધાને ઘરનું જમવાનું ખૂબ ગમતું. એટલે કામવાળા રાખવામાં આવતા જેઓ માલિકને જમવાનું પહોંચાડતા. એક વ્યક્તિએ આ જોયું કે આ તો મોકાનો ધંધો છે. એટલે તેણે ગામડાંમાંથી બેકાર યુવાનોને લાવીને ઘરેથી ઑફિસોમાં ટિફિન પહોંચાડવાની સુવિધા તૈયાર કરી. એ નાની શરૂઆત આજે કુદકે ને ભૂસકે વધી રહી છે.

આજની તારીખે પણ લોકોને ઘરનું ખાવાનું ગમે છે. જો કે આજે પહેલાં કરતાં ઘણી રેસ્ટોરન્ટ છે. તો પણ ઘરનું ખાવાનું એ ઘરનું ખાવાનું, સ્વાદિષ્ટ અને મનપસંદ. એ ઉપરાંત ઘણા લોકો તબિયતના લીધે ખાવામાં અમુક પરેજી રાખે છે. તો ઘણા પોતાના ધર્મને લીધે અમુક વસ્તુઓ ખાતા નથી. દા.ત. ઘણા લોકો ડુંગળી, લસણ, બટેટા, નોનવેજ વગેરે ખાતા નથી. જ્યારે કે રેસ્ટોરન્ટમાં આ બધુ છૂટથી વપરાય છે. તેથી ઘરનું ભોજન આવે તો આવી કોઈ ઝંઝટ ન રહે.

ભરોસાપાત્ર સેવા

આ સાદી સેવામાં વર્ષો પછી પણ કોઈ મોટા ફેરફાર થયા નથી. ફક્ત એટલું જ કે એ દિવસે-દિવસે ફેલાઈ રહી છે. આજે 5000 થી વધુ પુરુષો અને અમુક સ્ત્રીઓ પોતાના વિસ્તારોમાંથી રોજ બે લાખથી વધારે ટિફિનો ભેગા કરે છે. તેઓ બે કરોડની વસ્તીવાળા 60 કિલોમીટરના ભરચક શહેરી વિસ્તારમાં સેવા પૂરી પાડે છે. તેઓ સમયસર ટીફીન પહોંચાડવા માટે હાથલારી, સાઇકલ, ટ્રેન અને બસનો ઉપયોગ કરે છે. પછી ભલે તેઓ ગમે એ રીત વાપરે, ટિફિન ખરા સમયે યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી જાય છે. તેઓના કહેવા પ્રમાણે 60 લાખના ફેરામાં ફક્ત એકાદ વાર ભૂલ થાય છે. તેઓ એવો રેકોર્ડ કઈ રીતે જાળવી શક્યા છે?

1956માં ડબ્બાવાળાઓનું ચૅરિટી ટ્રસ્ટ તરીકે રજિસ્ટ્રેશન થયું. આ ટ્રસ્ટમાં સમિતિઓ અને અધિકારીઓ છે. તેમ જ, કામદારો અને તેઓના ઉપરીઓ છે. તેઓ બધા જ પોત પોતાની જવાબદારી ઉપાડે છે. તેમ છતાં, તેઓ સર્વ ભાગીદારો છે અને એના શેર ધરાવે છે. એ કારણે ડબ્બાવાળા આજે સફળ સેવા આપે છે. તેઓએ આ રીતે સેવા શરૂ કરી એના 100થી વધારે વર્ષ થયા છે. તો પણ તેઓએ કદી હડતાલ પાડી નથી.

દરેક ડબ્બાવાળા પોતાની પાસે ઓળખપત્ર રાખે છે. તેઓ પોતાના પહેરવેશથી ઓળખાય છે. જેમ કે સફેદ શર્ટ, લેંઘો અને સફેદ ટોપી. તેઓ જો ટોપી ન પહેરે, કામે મોડા આવે, ખોટી રજા પાડે કે કામ પર દારૂ પીતા પકડાય તો તેઓને દંડ થાય છે.

રોજનું કામ – પરફેક્ટ કામ

સવારના સાડા આઠ સુધીમાં ઘરાકની પત્ની કે બીજું કોઈ જુદા-જુદા ડબ્બાઓમાં જમવાનું ભરીને ગોઠવીને ક્લીપ મારી દે. આમ, ટિફિન તૈયાર થઈ ગયું. ડબ્બાવાળો પોતાના વિસ્તારમાંથી ટિફિનો ભેગા કરી સાઈકલ કે હાથગાડી પર મૂકીને ઝડપથી રેલ્વે સ્ટેશને તેના ગૃપને મળે છે. ત્યાં તેઓ ટપાલીની જેમ જે જે વિસ્તારમાં ટિફિનો પહોંચાડવાના હોય એ પ્રમાણે ગોઠવે છે.

દરેક ડબ્બા પર કોડીંગ હોય છે. એ કોડમાં અક્ષર, નંબર અને રંગો હોય છે. એનાથી ઓળખાઈ આવે કે ટિફિન ક્યાંથી આવે છે, એની નજીકનું સ્ટેશન કયું છે. એ ટિફિન કયા સ્ટેશને, કઈ બિલ્ડીંગે અને કયા માળે પહોંચાડવાનું છે. જે તે વિસ્તારમાંથી ટિફિન ભેગા કરવામાં આવે છે. પછી 48 જેટલા ટિફિન સમાય એવા મોટા કરંડિયામાં ભરવામાં આવે છે. એને ટ્રેનમાં ડ્રાઇવરની બાજુની કેબિનમાં મૂકવામાં આવે છે. એ મોટા સ્ટેશને પહોંચે એટલે એની મંજિલ પ્રમાણે ફરી ગોઠવવામાં આવે છે. પછી એ સાચા સ્ટેશને પહોંચે એટલે ફરીથી ડબ્બાવાળા જુદા-જુદા વિસ્તાર પ્રમાણે એને ગોઠવે છે. પછી સાઇકલ કે હાથલારી પર ઘરાકો સુધી ટિફિન પહોંચતા કરવામાં આવે છે.

આ રીત અસરકારક જ નહિ, પણ સસ્તી છે. તેઓને કોઈ જાતનો ટ્રાફિક નડતો નથી. ભરચક ટ્રાફિકમાં પણ ગલીઓમાંથી, ગાડીઓ વચ્ચેથી સડસડાટ ચાલ્યા જાય છે. આ રીતે તેઓ ખરી વ્યક્તિને બપોરના 12:30 પહેલાં ટિફિન પહોંચતું કરે છે. એ તનતોડ મહેનત પછી ડબ્બાવાળો પોતે જમે છે. અને 1:15–2:00 વાગ્યા સુધીમાં ઘરાકના ખાલી ટિફિન પાછા ભેગા કરી લે છે. જે રીતે ટિફિન લાવવામાં આવ્યું હતું એ જ રીતે ઘરાકના ઘરે પાછું પહોંચતું કરવામાં આવે છે. ઘરાકના ઘરવાળા ટિફિન ધોઈને બીજા દિવસ માટે તૈયાર રાખે છે. એ ટિફિન ઘરેથી નીકળે અને પાછું ઘરે પહોંચે છે, એ બધું એકદમ ઝડપથી થાય છે.

ટીફીન સાથે લાગણીઓની હેર-ફેર 

ડબ્બાવાળાઓનું સરેરાશ ભણતર 8 ધોરણ છે અને મહિને 10 થી 12 હજાર કમાઈ લે છે. અત્યાર સુધીમાં આ ડબ્બાવાળાઓ ઉપર એક પણ પોલીસ કેસ થયો નથી. ડબ્બાવાળાઓ માત્ર ટિફિન નહીં ટિફિનની સાથે વિશ્વાસ અને ઈમાનદારી સાથે ઘણુ બધુ લોકો સુધી પહોંચાડે છે. ટિફિનમાં પત્ની પોતાના પતિ માટે દવા, ઝઘડો થયો હોય તો ચિઠ્ઠી, ઘેર ભૂલેલા મોબાઈલ કે ચશ્મા પણ મોકલે છે. પતિને રોકડ પગાર મળે અને તે લોકલ ટ્રેનમાં એ રકમ લઈને ન જઈ શકે તો એ ખાલી થયેલા ટિફિનમાં ઘેર પૈસા મોકલી આપે છે. આમ, ટિફિન સાથે અનેક પ્રકારની લાગણીઓની હેરફેર થાય છે.

સસ્તી, સમયસર અને સંતોષકારક સેવા

ડબ્બાવાળા પોતાની સંતોષકારક સેવાને લીધે નામ કમાયા છે. તેઓની ટિફિન પહોંચાડવાની ગોઠવણનો બીજી સંસ્થાઓએ અભ્યાસ કર્યો છે, જેથી તેઓ પોતાના ધંધામાં ડબ્બાવાળાની રીત અપનાવે. તેઓ પર ડૉક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવવામાં આવી છે. તેઓના સરસ રેકોર્ડ માટે ફૉર્બ્સ ગ્લોબલ મૅગેઝિને સિક્સ સિગ્મા સર્ટીફિકેટ આપ્યું છે. ધ ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં તેઓ વિશે જણાવવામાં આવ્યું છે. અમેરિકાની હાવર્ડ બિઝનેસ સ્કૂલે તેઓ પર સંશોધન કર્યું છે. ઊંચો હોદ્દો ધરાવતા લોકોએ પણ ડબ્બાવાળાની મુલાકાત લીધી છે. જેમ કે, બ્રિટનના પ્રિન્સ તેઓના કામથી એટલા પ્રભાવિત થયા કે અમુકને પોતાના લગ્નમાં ઈંગ્લેન્ડ આવવાનું આમંત્રણ આપ્યું.

ડબ્બાવાળાની સેવાકીય પ્રવૃતિઓ :

મુંબઈમાં 5000 થી વધુ ડબ્બાવાળા 2 લાખ ટિફિનને મુંબઈના જૂદા-જૂદા લોકો સુધી પહોંચાડે છે. આ ડબ્બાવાળા ટિફિન સાથે ડોનેશન કાર્ડ આપી અંગદાન કરવાનું મહત્ત્વ સમજાવી રહ્યા છે. રાજચંદ્ર લવ એન્ડ કેર સંસ્થા ડબ્બાવાળાના માધ્યમથી મુંબઈકરને અંગદાન અંગે જાગૃતિ પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અંગદાનની જાગૃતિ ફેલાવનારા આ ડબ્બાવાળામાંથી 100થી વધુ ડબ્બાવાળાએ અંગદાન કરવા માટે રજિસ્ટ્રેશન પણ કર્યું છે.
સ્વચ્છ ભારત અભિયાનમાં પણ મુંબઈના પ્રખ્યાત ડબ્બાવાળા જોડાયા છે. ડબ્બાવાળા હજારો ભાઈઓએ મુંબઈના વિવિધ સ્થળે સફાઈ કરી અને અન્ય લોકોને પણ સફાઈ અભિયાનમાં જોડાવા માટે પ્રેરણા પુરી પાડી છે.

આજે ડબ્બાવાળા ઓર્ડર લેવા અને હિસાબ રાખવા મોબાઇલ-કૉમ્પ્યુટર વાપરે છે. આજે પણ ટિફિન પહોંચાડવાની સેવામાં કોઈ ફરક નથી પડ્યો. મુંબઈમાં બપોરે જમાવાના સમયે ઘણા ઑફિસમાં કામ કરનારાઓને ખાતરી છે કે હમણાં જ તેમના ટેબલ પર ગરમા-ગરમ ઘરનું ખાવાનું આવશે. એ પણ એક મિનિટ મોડું નહિ.

લખાણ અને સંકલન – ઈલ્યાસભાઈ

આ લેખ તમે ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર વાંચી રહ્યા છો. આ લેખ કોપી કરીને રી-પોસ્ટ કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Ilyas Bhai

તાજા લેખો

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

મોરારીબાપુ અને સ્વામીનારાયણ  વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ અને સ્વામીનારાયણ વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

error: Content is protected !!