ઈતિહાસની વાતો
રાજસ્થાનના રાજપુતોના ઇષ્ટદેવતા એવા ભગવાન એકલિંગનો વાંચવા જેવો ઇતિહાસ

રાજસ્થાનના રાજપુતોના ઇષ્ટદેવતા એવા ભગવાન એકલિંગનો વાંચવા જેવો ઇતિહાસ

હલ્દીઘાટીના ખુંખાર યુધ્ધથી માંડીને રાજસ્થાનની ભુમિ પર જેટલાં પણ યુધ્ધ લડાયાં છે એ બધાં રાજપુતોએ “જય એકલિંગ !”ના જયઘોષ સાથે દુશ્મનોને રગદોળ્યા છે.માત્ર આ એક જયઘોષની સાથે રાજસ્થાનના રણવીરોના બાવડામાં અદમ્ય તાકાતનો સ્ત્રોત ફુટી નીકળતો.

આવા ભગવાન એકલિંગ એ મેવાડ સહિત લગભગ રાજસ્થાનના રાજપુતોના આરાધ્ય દેવ છે.તેમનું મંદિર ઉદયપુરથી અઢારેક કિલોમીટર દુર બે પહાડીઓની વચ્ચે આવેલ છે.આ સ્થળ “કૈલાસપુરી” તરીકે પણ ઓળખાય છે.અહિં જગતનાથ એવા ભગવાન શંકર લિંગ સ્વરૂપે બિરાજમાન છે.

ખાસ વાત તો એ છે કે,મેવાડ સહિતના ઘણા રાજાઓ પોતાને માત્ર ભગવાન એકલિંગના પ્રતિનિધી જ માનતા…! તેઓ કહેતા  કે પોતે એમના દાસ છે.અને મહારાજધિરાજ તો ભગવાન એકલિંગ છે,પોતે માત્ર એમના ચીઠ્ઠીના ચાકર છે….! ત્યાં સુધી કે ઉદયપુરના રાજવીને “રાજા” નહિ “પ્રધાન” કહેવાય છે….! રાજા તો પહાડીઓની મધ્યે બિરાજતા એકલિંગ જ છે ! જેવી રીતે દક્ષિણ ભારતના ત્રાવણકોરમાં હતું તેમ જ.ત્રાવણકોરના રાજાઓ પોતાને પદ્મનાભસ્વામીના ચાકર તરીકે ઓળખાવતા.અને તેઓ “પદ્મનાભદાસ” નામ ધારણ કરતા.પોતે જે યુધ્ધમાં જે પણ દ્રવ્ય મેળવ્યું હોય તે પદ્મનાભ મંદિરના ભોંયરામાં મુકી દેતાં.અને પરિણામે તે અત્યારે વિશ્વના સૌથી ધનવાન મંદિરોમાંનુ એક છે.કોઇ પણ રાજાએ કદિ મંદિરના દ્રવ્ય હાથ નહોતો લગાડ્યો.ઉલ્ટાનું બધું આપી દીધેલું….! એના અંતિમ રાજા મહારાજા માર્તંડ વર્મા થોડાં વર્ષ પહેલાં ૨૦૧૧માં મૃત્યુ પામ્યાં.અને એના જીવતા જ મંદિરમાં એ વખતની સરકારે જાંચ કરાવી હતી.જે ભોંયરાના દ્રવ્યને માર્તંડ વર્માએ કદિ હાથ નહોતો લગાવ્યો એના પર સરકારનો કબજો….! જ્યારે ઇંદિરા ગાંધીએ બધાં રાજાઓનું સરદાર પટેલે બાંધી આપેલ સલિયાણું નાબુદ કર્યું ત્યારે આ મહારાજાએ ટ્રાવલેસનો ધંધો શરૂ કરેલો….! અને એ રૂપિયામાંથી એ વર્ષોથી ચાલી આવતી પ્રથા પ્રમાણે મંદિરમાં કાયમને માટે શ્રધ્ધાળુઓને ભોજન આપતા.મંદિરનું કામ હોવા છતાં એક પૈસો ખજાનામાંથી નહોતો લીધો ! એ માર્તંડ વર્મા એકદમ વૃધ્ધ ઉંમરે જ્યારે મંદિરના ખજાનામાં સરકારે હસ્તક્ષેપ કર્યો ત્યારે રોઇ પડ્યાં હતાં….! ઇંદિરા ગાંધીએ “ગરીબી હટાવવા”નો નારો આપીને આવા મહારાજાઓને  મળતું થોડું સલિયાણું પણ છિનવી લીધું….! અને ઘણાં બુધ્ધિજીવીઓ એ ખજાના વડે ગરીબી દુર  કરવાનું કહે છે ! સ્વીસ બેંકોમાં ક્યાં ખોટ છે ? અને આ માત્ર ધન નથી અમુલ્ય વિરાસત છે સદીઓ પુરાણી….! એનું કોઇ મુલ્ય ના હોય.એને વેડફવાની ન હોય.

બાય ધ વે,ભગવાન એકલિંગની પુજા કર્યા પછી જ મેવાડનો કે  રાજસ્થાનનો રાજપુત રણમેદાને પડતો.તેમના અનુષ્ઠાન માટે મોટા સભારંભો થતાં.મહારાણાઓએ અનેક પ્રતિજ્ઞાઓ ભગવાન એકલિંગને સાક્ષી માનીને લીધી હતી.

મહારાણા પ્રતાપે અનેક કષ્ટ સહન કરીને એક વાર હિંમત હારી અને પોતાના પરીવારની રખડતી દશા ન જોવાતા અકબરને શરણાગતીનો પત્ર લખેલો ત્યારે બીકાનેરના રાજા અને અકબરના દરબારી એવા પૃથ્વીરાજે એ પત્ર અકબર પાસે પહોંચવા જ ન દીધો અને વળતો પત્ર લખ્યો જેમાં મહારાણા પ્રતાપને ગમે તે થાય છતાં હાર ન માનવા કહ્યું.પત્ર એટલો શબ્દની સચોટતા મારતો લખાયેલો કે મહારાણા પ્રતાપે તે વાંચીને હારી ખાવાનો વિચાર ફગાવી દીધો અને મેવાડનો સિંંહ ફરી કેશવાળી ખંખેરીને બેઠો થઇ ગયો….! આ પત્રમાં પૃથ્વીરાજે એક અમરવાક્ય લખ્યું હતું જે ભગવાન એકલિંગનું મહત્વ ક્યાંય વધારી દે છે અને ઘણું જ પ્રસિધ્ધ છે –

તુરુક કહાસી મુખપતૌ,ઇણ તણ સૂં એકલિંગ,
ઉગે જાંહી ઉગતી પ્રાચી બીચ પતંગ….!

ભગવાન એકલિંગનું આ મંદિર બાપ્પા રાવલે આઠમી સદીમાં બનાવ્યું હોવાનું કહેવાય છે.તે પછી એકવાર તુટ્યુ અને ઉદયપુરના મહારાણા મોકલે તેનું સમારકામ કરેલું.અહિં જ સ્થાપત્યકલાના ઉત્તમ નમુના જેવું બાંધકામ જોવા મળે છે.આ મંદિરની આજુબાજુ પરિસરમાં લગભગ ૧૦૮ મંદિરો આવેલ છે.મહાશિવરાત્રીને દિવસે અહિં ભગવાન એકલિંગના પાટોત્સવ નિમિત્તે મહોત્સવ યોજાય છે જેમાં જનમેદની ઉમટી પડે છે.

રાજસ્થાનના રાજપુતોના શૌર્ય અને બલિદાનની ગાથાઓનું સાક્ષી બનીને હજારેક વર્ષથી આ મંદિર ઉભું છે.અનેક ઉતારચડાવ જોતું….! જય એકલિંગ !

સંકલન – Kaushal Barad

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Kaushal Barad

error: Content is protected !!