આપણાં તહેવારો
ધનતેરસ – લક્ષ્મીપૂજન, યમદિપ અને મહાન વૈદ્ય ભગવાન ધનવંતરિની પૂજાનો દિવસ

ધનતેરસ – લક્ષ્મીપૂજન, યમદિપ અને મહાન વૈદ્ય ભગવાન ધનવંતરિની પૂજાનો દિવસ

ધનતેરસ એટલે દિવાળીના ઉમંગભર્યા દિવસોની ખરેખરી શરૂઆત !આસો મહિનાની શુક્લપક્ષ તેરસનો દિવસ એટલે ધનતેરસ.ધનતેરસના દિવસથી પ્રજામાં ઉત્સાહનો માહોલ છવાઇ જાય છે.ઓસરી,ઘર અને ફળિયું નવા રંગરોગાનથી ચમકી ઉઠે છે.કુમારીકાઓ અને માતાઓ જેવી આવડે એવી સુંદળ મજાની રંગોળીઓ સવારમાંથી જ તૈયાર કરી નાખે છે.અમુક દેવપ્રેમી અને ઉત્સાહી કન્યાઓ જઇને બાજુના મંદિરના ઓટલે પણ સુંદરત્તમ રંગોળીઓ પુરી આવે છે.તો સીમમાં આવેલા ઘરોની બાળાઓ ખેતરના શેઢે આવેલા પાળિયાઓ પાસેના ઓટલામાં પણ આ ગુંફણ કરી આવે છે.આખરે એણે જ તો એની લાજ રાખવા માથાં આપ્યાં હતાં ને….!રાત્રે ઘરના ગોખમાં અને ઉંબરે દિપ પ્રગટાવાય છે.ફટાકટાઓ ફોડવાની શરૂઆત થઇ જાય છે.

ભગવાન ધનવંતરિ –

આજ નો દિવસ ધનતેરસ તરીકે ઉજ​વીએ છીએ પણ આજ દિવસ આસો માસ ની કૃષ્ણ પક્ષ ની તેરસ એ દિવસ ધન્વંતરી ભગ​વાન નો પ્રાગટય દિવસ છે જેથી એને ધન્વંતરી ત્રયોદશી તરીકે પણ ઓળખાય છે.ધન્વંતરી ભગ​વાન આ દિવસે સમુદ્ર મંથન મા અમૃત કળશ લ​ઈને પ્રગટ થયા હતા . ધન્વંતરી આ દુનિયા ના સૌ પ્રથમ વૈદ્ય કહેવાય છે.આ દુનિયા માં આયુર્વેદ નુ અવતરણ ધન્વંતરી ભગ​વાન ધ્વારા થયુ છે. ધન્વંતરી ત્રયોદશી ના દિવસે જે કોઈ તેમની પૂજા અર્ચના કરે તેમજ ઘર ના પ્ર​વેશ ધ્વારે ઉંબરે દીવો મુકી ને ધન્વંતરી ભગ​વાન નું સ્મરણ પૂજા કરશે તે ઘર માં અકાળ મૃત્યુ નહી આવે .ભગ​વાન ધન્વંતરી રોગો ને હરનાર છે સ્વાસ્થ્ય બક્ષનાર છે . સ્વાસ્થ્ય ના રક્ષણ માટે ફક્ત પૂજા અર્ચના જ નહી પણ આયુર્વેદ ના નિયમો નું પાલન સાચા અર્થ માં કરીએ. આયુર્વેદ ની દિન ચર્યા ,ઋતુચર્યા ,સદાચાર ,સદ​વ્રૂત નું પાલન ,પ્રક્રુતિ,દેશ કાળ પ્રમાણે આહાર વિહાર કરીએ ..તોહ રોગ આવે જ નહી .અને હમેંશા સ્વસ્થ રહીએ .તોહ આ દિવસે ધન્વંતરી ભગ​વાન ની પૂજા કરીએ અને તેમના ધ્વારા આપ​વામા આવેલા આયુર્વેદ ના જ્ઞાન ,આયુર્વેદ ના નિયમો ને જીવન માં ઉતારી સાચા અર્થ માં ધનતેરસ ઉજ​વીએ.

જય ધન્વંતરી શ્લોક – रागादिरोगान सततानुषक्तानशेषकायप्रसृतानशेषान । औत्सुक्यमोहारतिदाञ्जघान योङ्पूर्ववैधाय नमोङ्स्तु तस्मै:॥

અર્થાત – પ્રત્યેક પ્રાણી નાં શરીર માં ફેલાયેલા અને દરેક સમયે રહેવા વાળા તથા ઉત્સુકતા ,મોહ અને અરતિ ને આપનારા રાગ આદિ રોગો નો નાશ કરનારા અપૂર્વ-અનાદિ વૈદ્ય (પરબ્રહ્મ-પરમાત્મા -ધન્વંતરી )ને નમસ્કાર હો

પ્રથા –

ભગવાન ધન્વંતરિ હાથમાં ધાતુનુ વાસણ લઇને પ્રગટ થયા હોવાથી આજે ધાતુ ખરીદવાનું મહત્વ ખુબ છે.એમાંયે ચાંદીની ખરીદીનું તો અત્યંત મહત્વ છે.આજે ચાંદીના વાસણો કે ચાંદીની કોઇપણ વસ્તુ ખરીદવાની પ્રથા છે.દિવાળીના દિવસે પૂજન માટે લક્ષ્મી-ગણેશની પ્રતિમાયુક્ત ચાંદીનો સિક્કો પણ ખરીદાય છે.કહેવાય છે કે,ચાંદીએ ચંદ્રમાંનું પ્રતિક છે અને ચંદ્રમાં શિતલતા પ્રદાન કરે છે.શીતળતાથી સંતોષની પ્રાપ્તિ થાય છે.અને સંતોષ હોય તો જ સંપત્તિ અને સ્વાસથ્ય આવે…! અને ભગવાન ધન્વંતરિ એવા જ સ્વાસથ્ય માટેના પૂજક દેવતા છે.આથી સંતોષ અને સેહત માટે ચાંદીની ખરીદીનો મહિમા છે.

આમ,ભગવાન અને મહાવૈદ્ય એવા ધનવંતરિની પૂજા એ ધનતેરસનું મુખ્ય પ્રયોજન છે.શરીરની સમૃધ્ધિ એ જ સૌથી મોટી સંપત્તિ છે.માટે “જાતે નર્યાં” રહેવાને કાજે આજે લોકો ધનવંતરિજીને પ્રાર્થે છે.

યમરાજની પૂજા અને યમદિપ –

ધનતેરસ એ કદાચ વર્ષ આખાનો એકમાત્ર એવો દિવસ છે જે દિવસે યમરાજાની પૂજા થાય છે….! લોકો આ દિવસે રાત્રે દક્ષિણ દિશામાં આટામાંથી બનેલો દિપક પ્રગટાવે છે અને યમરાજની પ્રાર્થના કરે છે.એની પાછળ એક રસપ્રદ કથા રહેલી છે –

હેમ નામના રાજવીને ત્યાં ઘણા વર્ષે પુત્ર જન્મ થયો.જ્યોતિષે ભવિષ્ય ભાખતા કહ્યું કે,જે દિવસે આ કુમારના વિવાહ થશે એના ચોથા દિવસે જ તેનું મૃત્યુ થશે ! રાજા ભયભીત થયો.પુત્રને તેણે એવા એકાંતમાં રાખ્યો જ્યાં કોઇ કન્યાનો પડછાયો પણ ના પડે.પણ એક દિવસ કુમારને બગીચામાં એક લાવણ્યમયી યુવતી દેખાઇ.બંને એકબીજા પર મોહિત થયા અને તેમણે ત્યાં ગંધર્વ વિવાહ કર્યા.આગમવાણી પ્રમાણે ચોથે દિવસે યમદુત આવ્યો અને કુમારના પ્રાણ લઇ ચાલ્યો ગયો.નવવધુનુ કલ્પાંત તેને ન ગમ્યું પણ કરે શું ? યમરાજ જોડે આ બાબતે ચર્ચા થતા એક દુતે પૂછ્યુ કે,મહારાજ એવું ના થઇ શકે કે કોઇ અકાળે મૃત્યુ ના પામે ? યમરાજે કહ્યું – જો ધનતેરસના દિવસે મારા નામની પૂજા કરી દક્ષિણ દિશામાં “યમદિપ” પ્રગટાવાશે તો અકાળે મૃત્યુ નિવારી શકાશે.આમ,આ દિવસે યમદિપ અને યમરાજની પૂજા કરવાનું મહત્વ રહેલ છે.

આજના દિવસે ખેડુતો ધાન્ય લઇ લે છે.અને દિવાળી પછી ખેતરમાં શિયાળુ મોસમની વાવણી કરે છે.આજના દિવસે ખરીદેલ ધાન્ય શુભ માનવામાં આવે છે.વળી,દુકાનદારો આજના દિવસથી ઉધાર દેવાનું બંધ કરે છે….!

લક્ષ્મીપૂજન –

એક માન્યતા પ્રમાણે આજે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે.એક કથામાં કહ્યું છે કે – એક ખેડુતના ઘરમાં લક્ષ્મીજીએ બાર વર્ષ માટે વાસ કર્યો હતો.તેના ઘરમાં અઢળક ધનસમૃધ્ધિ આવી હતી.ત્યારબાદ નારાયણ લક્ષ્મીજીને લેવા આવ્યા તો ખેડુતે ભગવાનને ચોખ્ખું કહી દીધું કે લક્ષ્મીજીને નહિ આપું…!વિષ્ણુ મુંઝાયા કે હવે શું કરવું ? પછી લક્ષ્મીજીએ ખેડુતને કહ્યું કે,વત્સ ! તું એક ધાતુના વાસણમાં સિક્કા નાખી અને ધનતેરસના દિવસે મારી પૂજા કરજે.હું અહિં જ વાસ કરીશ.અને દરવર્ષે આ પૂજાથી તારી સમૃધ્ધિ વધારીશ.આમ આજના દિવસને લક્ષ્મીજીની પ્રાર્થના-પૂજા માટે પણ શુભ લેખવામાં આવે છે.

અન્ય મહત્વો –

કહેવાય છે કે,આ દિવસે ભગવાન વિષ્ણુએ વામનરૂપ ધારણ કરીને બલિરાજા અને અન્ય રાક્ષસોની મદદ કરી ધર્મયજ્ઞમાં વિધ્ન નાખતા રાક્ષસોના ગુરૂ શુક્રાચાર્યની એક આંખ ફોડી નાખી હતી.વળી,આ દિવસે “કાર્તિક સ્નાન” કરવાનું મહાત્મય પણ રહેલ છે.

ધનતેરસ એ ભારતીય પ્રજાના સ્વાસથ્ય,સમૃધ્ધિ અને દેહસમૃધ્ધિ માટેનો મહત્વનો તહેવાર છે.દિપાવલીની હારમાળા સમા આ તહેવારરૂપી પહેલી “આવલી” એટલે ધનતેરસ.સૌને ધનતેરસ અને દિપાવલીના શરૂ થતાં દિવસો સાથે દિપાવલીની પણ શુભકામનાઓ.ભગવાન ધનવંતરિના આ મંત્રના જાપની સાથે સૌ કોઇ રોગવિહીન બને એવી પ્રભુ પાસે પ્રાર્થના –

ऊँ रं रूद्र रोगनाशाय धन्वन्तर्ये फट् ||

સંકલન – Kaushal Barad & Dr Mihir Khatri

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Kaushal Barad

error: Content is protected !!