હું તું અને આપણે
અમુક પાત્રો જિંદગીમાં સતત ઉકળ્યા કરે

અમુક પાત્રો જિંદગીમાં સતત ઉકળ્યા કરે

જીવનમાં ઘણું બધું રહીં જાય છે, ઘણી વ્યક્તિઓ છૂટી જાય છે. સ્કુલ જઈએ ત્યારે ઘરનો સાથ છૂટતો જાયછે. ભણવા માટે શહેર છોડી એ ત્યારે ઘર જ છૂટતું જાય છે. બાર વર્ષોની મિત્રતા બાષ્પ બની ઉડી જાય છે. નવા મિત્રો આવે છે ને નોકરી મળતા એમને છોડવા પડે છે. જેની સાથે બાળપણ વિતાવ્યું હોય, રમ્યા હોઈએ ઉગતી જુવાનીમાં રૂમ શેર કર્યો હોય, જેમની સાથે ગાળો બોલી હોય, બ્રેકઅપથી લઈને પહેલી કિસ સુધીની દરેક વાતો જેમની સાથે કરી હોય એ દોસ્તોને છેવટે વ્હોટ્સએપ ડીપીમાં જોવા પડેછે, એ પણ છૂટી જાય છે.

અલ્પ સમયનો સાથ ઘણો જ આનંદ આપી જાય છતાં એ આનંદ આપણે છોડવો પડે છે. આગળ જવાની હોડમાં ઘણું બધું સાથે લઈને નથી જવાતું અને આથી વજન છોડી દેવું પડે છે. ક્ષણિક મદદ માટે રસ્તામાથી કંઈક લેવું પડે છે અને એનો ઉપયોગ પૂરો થતા એનાથી પણ નાતો તોડવો પડે છે. હર હંમેશા ભૂતકાળ અને તેના પાત્રો આપણી જિંદગીમાં ઉકળ્યા કરે છે,સતત ઉકળે છે અને એક દિવસ એમનું સેચુરેશન પોઈન્ટ આવતા તે ઉડી જાય છે અને વાતાવરણમાં ભળી જાય છે.આપણાથી કઈ નથી થતું, કરવું પણ ન જોઈએ. એકલા આવ્યા હતાં તો એકલા જ લડવું પડશે અને લડ્યા પછી હાર્યા તો પણ ક્યાંક ચપટી ધૂળમાં પણ છાપ છૂટી જશે.

જીવન ક્યારેક જટિલ બની જતું હોય છે અને એની સામે આપણું જ્ઞાન મર્યાદિત હોય તો જટિલતા આપણે ખાઈ જાય છે એ જટિલતા તોડવા માટે ક્ષિતિજો વિસ્તારવી રહી. આ સમયમાં રોજરોજના પ્રશ્નો ગૌણ બની જવા જોઈએ. મોટું કામ હાથમાં લઈએ ત્યારે ઓછું મહત્વ ધરાવતી વસ્તુને સાઈડ લાઈન કરી દેવામાં જ ભલાઈ છે.

સીમાની પણ સીમા ઓળંગવી હોય તો આપણા ભયને સ્વીકારી તેને ઓવરકમ કરવા રહ્યા અને આપણી નબળાઈઓ જે મોટે ભાગે આપણું જ વર્તુળ હોય છે તેને મેનેજ કરવી પડે છે. આપણો વિકાસ એ આપણી આશા અને ચાહના છે,આપણી મહત્વકાંક્ષા છે જેને પ્રત્યેક ક્ષણ જીવવા માટે બધી જ જગ્યા આપણી હાજરી ન હોય તો પણ ચાલે. આત્મબલિદાનથી કોઈ સિદ્ધિ મળતી હોય તો આ એ પડકાર પણ ઉઠાવી લેવામાંકઈ ખોટું નથી.આજે તમે જેના માટે તમારી આજ છોડી એ કદાચ તમારી કાલની નિષ્ફળતા જોઇ સાથ છોડી પણ દે કેમ કે વિશ્વ હર હંમેશા ઉગતા સૂર્યને પૂજવામાં માને છે તેને અસ્પષ્ટ વ્યક્તિ માટે લગાવ નથી થવાનો.

અનેક દિશાઓમાં અટવાયેલા પોતના મિત્રને તે છોડવાનું વધુ પસંદકરે છે, કેમ કે એને આગળ વધવું છે. ભવિષ્ય અંધકારમાં જ રહેવાનું અને સારું છે એ પ્રકાશ આપણી પાસે નથી નહીં તો જોખમ કોણ લેત, સૌંદર્ય મેળવવા બરફના પહાડ કોણ ચડત. કાંઈ ન થતું હોય ત્યારે ઉભા રહી ધીરજ રાખવી પણ મોટું કામ છે અને પુરુષાર્થ એટલે બીજું કૈં નહીં ધિક્કારથી પરે થઈ જવું. સૌંદર્યની ચીર ઉપાસના કરવા માટે કાંટા પણ ખાવા પડે કેમ કે સૌંદર્ય હંમેશા રક્ષાયેલું રહે છે, તેનો સુખ મેળવવું હોય તો પીડા સહન કરી લેવી વ્યાજબી છે. એ કદાચ પીડાનું સુખ હોય કે સુખની પીડા.

લેખક પૂજન જાની

Share this Story

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Poojan Jani

તાજા લેખો

error: Content is protected !!