વ્યક્તિ વિશેષ
યંગેસ્ટ ઓલ્ડમેન ઓફ ઈન્ડિયા ખુશવંતસિંઘનો : બંદા યે બિન્દાસ થા !!!!!!!

યંગેસ્ટ ઓલ્ડમેન ઓફ ઈન્ડિયા ખુશવંતસિંઘનો : બંદા યે બિન્દાસ થા !!!!!!!

સાલ : ૧૯૪૩ પ્રતિષ્ઠિત અખબાર ટ્રિબ્યુનના પ્રથમ પાને એક નાનકડી તસ્વીર સાથે એક સમાચાર છપાય છે – એક અવસાન નોંધ . હેડલાઈન હતી “ સરદાર ખુશવંતસિંહ નું નિધન “ – અમને જણાવતા અત્યંત દુખ થાય છે કે સરદાર ખુશવંતસિંહનું ગઈકાલે સાંજના ૬ વાગ્યે નિધન થયું છે . તેઓ પોતાની પાછળ એક યુવાન વિધવા પત્ની , બે નાના બાળકો અને હજારો દોસ્તો અને ચાહકોને છોડી ગયા છે . એમને શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં હાઈકોર્ટના જસ્ટીસ અને અમુક મંત્રીઓનો સમાવેશ થાય છે “ આ હતું બદમાશ બુઢઢા અને બિન્દાસ લેખક ખુશવંતસિંહનું મોત સાથેનું પહેલું એન્કાઉન્ટર !!! પોતાના મોતને જગત કેવી રીતે જોશે એની પોતે જ કરેલી આ કલ્પના પાછળથી એમના ટૂંકી વાર્તાઓના સંગ્રહ ‘ પોસ્ટહુમસ ‘ માં છપાયેલી .ખૂબીની વાત એ છે કે ખુશવંતસિંહએ જ્યારે આ કલ્પના કરી ત્યારે એમની ઉમર હજુ વીસી માં પ્રવેશી રહી હતી . મોતની કલ્પના ખુશવંતસિંહને સદાય સતાવતી રહેતી હતી જેનો સીલસીલો ૨૦ વર્ષની નાની ઉમરથી જ શરુ થઇ ગયેલો . પોતાના પુસ્તક ‘ એબ્સોલ્યુટ ખુશવંત ‘ માં આ જીવડો લખે છે કે ૯૫ વર્ષની ઉમરે હવે મને ફક્ત મોતના જ વિચાર આવે છે . હુ વિચારું છું કે એ કેવું હશે ? ક્યા હશે ? આવશે તો મને ખબર પડશે ? એવું નહોતું કે ખુશવંતસિંહને મોતનો ડર હતો કેમકે એ જાણતા હતા કે મોત સનાતન છે , એ આવશે જ . પણ એમને બીક હતી કે મોત આવે ત્યારે હુ આંધળો ના હોઉં , બહેરો ના હોઉં , હુ હસતો ના હોઉં તો કાઈ નહિ પણ એટલીસ્ટ હુ ખુશખુશાલ હોઉં . જીવન પ્રત્યે મને કોઈ ગીલા શિકવા ના હોય , કોઈ રંજ ના હોય . હુ શાંતી અને એકદમ સ્વસ્થ સ્થિતિમાં આ ફાની દુનિયા છોડી જાઉં .મૃત્યુ ના વિષે પોતાના પ્રશ્નો નું નિરાકરણ લાવવા એમને એકવાર દલાઈ લામા ને પણ પૂછી લીધેલું કે મોતનો સામનો કેવી રીતે કરવો ? ને જવાબ મળેલો મેડીટેશન કરો .

આખી જીન્દગી જીંદાદીલી અને બેફિકરી થી અને બેખોઉંફ પસાર કરનાર અને જેના માટે એમ કહી શકાય કે છલકતા જામ જેવી ભરપુર જીન્દગી જીવીને ૯૯ વર્ષની લાંબી ઇનિંગ રમીને ૨૦ મી માર્ચે આ પત્રકાર , ઈતિહાસવિદ અને ઉચ્ચ કોટીના લેખકે દિલ્હીના એમના ઘરમાં આખરી વિદાય લીધી . ખુશ્વંતે એકવાર કહેલું કે મોત આવે ત્યારે કોઈ રિગ્રેટ ના હોય , પૂર્ણ સુકુન હોય , એકદમ સલુકાઈથી મોત આવે અને હુ ચાલી નીકળું . ઉપરવાળાએ પણ જાણે કેમ એમના આ શબ્દો વાંચ્યા હશે તે મોતના દિવસે એમની દિનચર્યા પણ એવી જ રહી . રોજની આદત મુજબ ખુશવંતની ૨૦ માર્ચનો આખરી દીવસ સવારના ૪ વાગ્યામાં ઉઠવાથી શરુ થઇ ગયો , ૭ વાગ્યા સુધીમાં તો એમના હાથમાં એમની ફેવરીટ માલ્ટ વ્હીસ્કીનો ગ્લાસ હતો અને શરુ હતું અખબારોનું વાંચન . એમની પ્રિય ક્રોસવર્ડ પઝલો પૂરવાનું ચાલુ રહ્યું . બેક દીવસથી શ્વાસની તકલીફ ભોગવતા આ ભારતના લોકપ્રિય અને વિવાદિત લેખકે કોઈ જ પણ પ્રકારના દર્દ વગર ટ્રેન ટુ હેવન પકડી લીધી જો કે એ કહેતા કે હુ સ્વર્ગ કે નર્કમા વિશ્વાસ નથી ધરાવતો . મર્યા પછી આપણે ક્યા જઈએ છીએ એ કોઈ નથી જાણતું , હુ પણ નહિ . જૈન ફિલોસોફીમા વિશ્વાસ રાખતા ખુશવંતસિંહે મોતનો શોક નહિ પણ ઉત્સવ મનાવવાનું કહેલું અને આ બંદાએ તો જીન્દગીને ભરપુર જીવી લીધેલી , માણી લીધેલી અને એ પણ પોતાની શરતો પર , પોતાના વિચારો સાથે સમાધાન કર્યા વગર જ.

૨૦૦૨મા વર્ષોની એની સાથી અને પત્ની કવલ મલિકના અવસાન પછી એ વધુ એકલા પડતા ગયા . પત્નીનું અવસાન એ એમના માટે મોતનો પ્રથમ સાક્ષાત્કાર હતો . એ પછી એમણે પોતાની જાતને દિલ્હીના ઘરમા કેદ કરી દીધેલી , લોકોને હળવા મળવાનું ઓછું કરી દીધેલું . પણ એક વસ્તુ એમણે બંધ નહોતી કરેલી અને એ હતું લખવાનું . એમની કોલમો ૧૭ ભાષાઓમા અનુવાદિત થતી હતી અને લાખો – કરોડો વાચકો ખુશવંતસિંહની કટારની કાગડોળે રાહ જોતા હતા . પણ આ શરાબી લેખક એમ ક્યા કોઈ દીવસ કોઈની શરતો પર જીવેલો . એમણે આજથી બેક વર્ષ પહેલા જ એમ કહીને લખવાનું બંધ કરી દીધેલું કે હવે હુ ગમે ત્યારે મરી જાઉં એમ છું . ૭૦ – ૭૦ વર્ષ સુધી એકધારી કોલમો લખનાર આ ‘ બલ્બ વાળા સરદારે ‘ અચાનક જ કલમ ને કોરાણે મૂકીને પોતાના લાખો ચાહકો – વાચકોને આઘાતમા ગરકાવ કરી દીધેલા અને એ પણ એવા સમયે કે જ્યારે એમના લખાણ – કોલમ માટે છાપાવાળાઓ રીતસર પડાપડી કરતા હતા . પણ ના … આ ખ્યાત કે પછી કુખ્યાત સરદારને હવે લખવું જ નહોતું . કેમ ? કેમકે એને હવે મરવું હતું કે પછી મોતની પ્રતીક્ષા કરવી હતી . હવે બહુ થઇ ગયું . ઉદ્યોગપતિ કે.કે.બિરલાએ ખુશવંતસિંહને કહેલું કે સરદાર એક જ વિનંતી છે કે તમે મરો ત્યાં સુધી લખતા રહેજો પ્લીઝ. પણ પોતાના નિયમોથી જીવેલા આ રોમેન્ટિક બુઢઢાએ બિરલાને આપેલું વચન પણ એક જ જાટકે તોડી નાખ્યું . જો કે વાચકોને તો બસ ખુશવંતસિંહ જ જોઈતા હતા એટલે લખવાનું બંધ કર્યા પછી પણ ખુશવંતસિંહ ના જુના લેખો છપાતા રહ્યા .

આમ તો ખુશવંતસિંહનું ક્વોલિફિકેશન લખવું હોય તો એમ લખાય કે પત્રકાર , ઈતિહાસવિદ અને વાર્તાકાર . પણ આ સિવાયના એમને મળેલા ઇલ્કાબો પણ એટલા જ મહત્વના છે . આ પત્રકાર – ફ્ત્ર્કારવાળી તો એમની એક બાજુ હતી ને બીજી બાજુ હતી ઈશ્કી , રોમેન્ટિક બુઢઢો , શરાબી , નો-નોનસેન્સ સરદાર , ગંદો , અશ્લીલ …એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ ઇઝ ધ લેડીઝ મેન….!!!!. પણ આ સરદારને આવા આઉટ ઓફ બોક્ષ ઉપનામોની કોઈ ચીડ નહોતી ઉલટાનું એ તો એમની જીન્દગી મસ્તીથી જીવે જતા હતા અને કર્યે જતા હતા એમનું મનગમતું કામ એક હાથમાં વ્હીસ્કીનો ગ્લાસ અને બીજા હાથમાં કલમ .હજુ હમણા જ એમને રીલીઝ કરી એમની બુક ‘ ધ ગુડ , ધ બેડ એન્ડ ધ રીડીક્યુંલ્સ . ‘ઈલસ્ટ્રેટેડ વીકલી , નેશનલ હેરલ્ડ અને હિન્દુસ્તાન ટાઈમ્સના આ એડીટરે ત્રણેય પેપરોને ઉચાઇ પર લઇ જવામાં સિંહફાળો આપેલો . જો કે હિન્દુસ્તાન ટાઈમ્સના પદે બેસાડવામાં ઇન્દીરા ગાંધીનો ફાળો વિશેષ હતો અને પછીથી એ જ ઇન્દીરાએ એમને રાજ્યસભામા પણ મોકલ્યા . એક સમય એવો પણ હતો કે ઇન્દીરા અને સંજય ગાંધીના ચમચા તરીકે ખુશવંતનો ઉલ્લેખ રાજકીય વર્તુળોમા થવો સાવ આમ વાત હતી . પણ આ તો નોખી માટીનો સરદાર એટલે ઓપરેશન બ્લુંસ્ટાર વખતે એ જ ઇન્દીરાના નિર્ણયનો વીરોધ કરતાંક ને એમણે રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું એટલું જ નહિ પણ પદ્મશ્રી પણ પાછો આપી દીધેલો . વીકલીનો તો એમણે જયારે કારભાર સંભાળ્યો ત્યારે સર્ક્યુલેશન હતું ફક્ત ૬૫૦૦૦ અને ૯ વર્ષ પછી મેનેજમેન્ટ સાથેના મતભેદ થવાથી એક જ દીવસમા તંત્રીપદને ઠોકર મારી ત્યારે વીકલીના વેચાણનો આંકડો હતો ૪ લાખ નકલોનો . ખુશવંતસિંહને આપેલી નોટીસમા લખેલું કે તમને તાત્કાલિક અસરથી છુટ્ટા કરવામાં આવે છે અને આ સરદાર ભાયડો ચાલી પણ નીકળેલો જો કે એ પછી વીકલીની હાલત દિન બ દિન કથળતી ગઈ એ અલગ વાત છે . પોતાની બેબાક વાણી અને સ્પષ્ટ વક્તા સ્વભાવથી ખુશવંતસિંહ ઘણા વિવાદોમા પણ ફસાયા. બાબરી મસ્જીદ તૂટી ત્યારે અને ગુજરાતના રમખાણ વખતે પણ એમણે ખુબ ટીકાત્મક લેખો લખેલા . બાબરી વખતે એમણે લખેલું કે અડવાની અને બીજાઓના મોઢા કાળા કરી ને જાહેરમા ફેરવવા જોઈએ . કદાચ આવી જ બેબાક ભાષાને લીધે દિલ્હીમાં જ્યારે ઇન્દીરા ગાંધીની હત્યા પછી શીખ વિરોધી તોફાનો ફાટી નીકળેલા ત્યારે એમના પર પણ જીવનું જોખમ ઉભું થઇ ગયેલું .

ઠીક છે ખુશવંતની આ કેરિયર અને કારકિર્દી પર તો ઘણું લખાયું છે પણ ખુશવંતસિંહની એક બાજુ બીજી પણ હતી . ખુશવંત શિસ્તના એકદમ આગ્રહી . જીવનના અંત સુધીના દિવસો સુધી પણ એમને મળવા તમારે અગાઉથી પરવાનગી લેવી જ પડે ને જો ભૂલેચૂકે વગર પરમીશને કોઈ પત્રકાર કે દોસ્ત જઈ ચડ્યું તો પત્યું સરદાર ભડકે જ ભડકે. ખુશવંત કદાચ અત્યારના દોરમા એકમાત્ર લેખક હશે કે જે કાગળ પર જ લેખો લખતા કે જેને પછીથી એમનો ટાઈપીસટ્ટ ટાઈપ કરી આપતો . હિમાલયની ગોદમા વસેલા કસોલીના એમના ફાર્મ – કોટેજ પર જયારે ખુસ્વંત જાય ત્યારે અચૂક રોજ સાંજે પાર્ટી થતી , સ્કોચ , ભોજન અને સુંદર સ્ત્રીઓથી ખુશવંતસિંહ ઘેરાયેલા રહેતા . એમની રમૂજવૃત્તિ એટલી ધારદાર હતીં કે પાર્ટી હોય કે ઇન્ટરવ્યું એમની આ તીક્ષ્ણ અને ખડખડાટ હસાવી મુકે એવા જોક્સ કે રમુજી વનલાઇનરની બોછાર બોલતી . જો કે છેલ્લા બે વર્ષથી ખુશવંતસિંહ ત્યાં નહોતા જતા . ખુશવંતસિંહ પોતાને મળેલા પત્રોના જવાબ ખુદ પોતે જ લખતા એટલું જ નહિ પણ ફોન કોલના ઉત્તરો પણ પોતે જ આપશે એવો આગ્રહ રાખતા . ઉચ્ચ કોટીની શરાબના શોખીન ખુશવંતનો પીવાનો ટાઈમ પણ ફિક્શ રહેતો . શરૂઆતમા રોજ ના ૩-૪ લાર્જ પેગ ગટકાવી જતા ખુશવંતસિંહ એ પછીથી નાદુરસ્ત અને ઢળતી ઉંમરને ધ્યાનમા લઈને પેગની સંખ્યા એક કે મહત્તમ બે સુધી માર્યાદિત કરી નાખેલી . મજાની વાત એ હતી કે એ ખુદ જ પોતાને ખુલ્લેઆમ શરાબી કહેતા . ૨૫ મા વર્ષથી જ એ શરાબ પીતા થઇ ગયેલા અને એનો ખુલ્લેઆમ સ્વીકાર પણ કરતા પણ સાથે સાથે એ પણ કહેતા કે હુ બીજા બદમાશોની જેમ છુપાવીને નથી પીતો , અને એમની આખી જીન્દગી પણ એમ જ ખુલ્લી કિતાબ જેવી બની રહી . એમણે ક્યારેય કશું છુપાવ્યું નહિ . પોતાની બુક્સ અને કોલમો દ્વારા એ એક પછી એક બધું જ જાહેર કરતા રહ્યા .

ખુશવંતની એક બીજી છબી હતી મહિલાપ્રેમીની. એમના જીવનમા અનેક સ્ત્રીમિત્રો નું સ્થાન રહેલું . સાદીયા દહેલવી એ કડીમા આખરી સ્ત્રીમિત્ર હતી જેને ખુશ્વંતે પોતાની ૧૯૯૩ મા પ્રકાશિત બુક ‘ નોટ એ નાઈસ મેન ટુ નો ‘ ડેડીકેટ કરેલી .. ખુશવંત ખુદ જ ખુલ્લેઆમ કહેતા કે હુ સ્ત્રીઓને એક જ નજરે જોઈ શકે છું અને એ છે વાસનાની નજર . ખુશવંત કહેતા કે મારી આસપાસ રહેતી સ્ત્રીઓમા હુ બહેન , માતા કે દીકરી જેવી પુરાતન ભારતીય વિચારધારા પ્રતીબીમ્બીત થતી નથી જોઈ શકતો . એમના જ શબ્દો મા લખીએ તો ‘ માય વ્યુ ઓફ સીઇંગ વુમેન ઇસ એઝ ઓબ્જેકટ્સ ઓફ લસ્ટ “ મુંબઈ મિરરમા શોભા ડે એ લખેલું કે દિલ્હીના એમના દરબારમા રોજ સાંજે ૭ વાગે શરુ થતી પાર્ટીમા મહત્તમ સંખ્યા મહિલાઓની રહેતી .શોભા લખે છે કે એમની સ્ત્રીમિત્રો એવી બનીઠની ને એમની રોજીંદા પાર્ટીમા પહોચી જતી જાણે કે બર્મિંગહામ પેલેસમાં બોલ ડાંસનો કાર્યક્રમ હોય !!! જો કે જતી જીન્દગીએ પ્રકાશિત થયેલી એમની બુક ‘ ખુશવંતનામા – ધ લેસન ઓફ માય લાઈફ “ મા આ ડોહાએ પોતાની મહિલાઓ પ્રત્યેની આવી દ્રષ્ટિ વિષે ખેદ પ્રગટ કરેલો . આ જ બુકમા એણે જિંદગીના શરૂઆતના વર્ષોમાં કરેલી અનેક ભૂલો વિષે નિખાલસતાથી કબુલાત કરી છે અને એ બધા જ બનાવો વિષે માફી કે રંજ પ્રગટ કરવાનું પણ ચુક્યો નથી . આ જ તો હતું ખુશવંત નું સાચું સ્વરૂપ . એકદમ નિખાલસ અને સાફદિલ . એ કહેતો , કરતો અને કબુલ પણ કરતો . કદાચ એટલે જ શોભા ડે એ લખ્યું છે કે એ કોઈ એવો હેન્ડસમ તો નહોતો જ પણ સ્ત્રીઓને આકર્ષી શકવાનું એનું એક કારણ એ હતું કે એ હમેશ પ્રમાણિક રહેતો …ઓલ્વેઝ ઓનેસ્ટ !!!!! આઉટલુકના એડિટર વિનોદ મેહતા સાથેની એક વાતચીતમા ખુશ્વંતે કબૂલેલું કે મને ખબર નથી કે કેમ સ્ત્રીઓ મારાથી આકર્ષાય છે પણ એ ખરું છે કે મને એમની કંપની ગમે છે . જો કે જીવનના આખરી વર્ષોમા એને ક્યાંક લખેલું કે હવે હુ સ્ત્રીઓથી કંટાળી જાઉં છું , હવે હુ મારા ઘરની લોનમા ચાલતી પાર્ટી પોણા આઠે પેકઅપ કરી ને સ્ત્રીમિત્રો ને જવા માટે હાથ જોડીને વિનંતી કરું છું .

ખુશવંતને નિયમિત વાચનારને ખબર જ હશે કે આજકાલ અને છેલ્લા ઘણા વર્ષોથી વાઈરલ થયેલા સંતા અને બંતાના જોક્સ અસલમાં ખુસ્વંતના સનકી ભેજાની જ પેદાશ છે . સંતા બંતા જ નહિ પણ અશ્લીલ અને ગંદા જોક્સનો પણ ખુશવંત પાયોનીયર ગણાય છે .પોતાની અનેક બુક્સમા સેક્સ વિષે ઉઘાડેછોગ લખતો અને વર્ણન કરતા ખુશવંત પાસે ડર્ટી જોક્સ નો અદ્ભુત અને મબલક ખજાનો હતો . ગંદા જોક્સ કહેવાનો સીલસીલો કદાચ ખુશ્વંતે જ જાહેરમાં શરુ કરેલો. જો કે આ સીલસીલો ફક્ત પ્રાઈવેટ પાર્ટી કે એના અંગત વર્તુળ પુરતો જ સીમિત રહેતો પણ લોકો એને આવા જોક્સની ફરમાઈશો કરતા અને આ ઈશ્કી સરદાર હોશે હોશે સંભળાવતો પણ ખરો . ગંદા જોક્સ થી ઉપર ઉઠીને ખુશવંત ઉર્દૂ કવિતાનો જબરો ચાહક હતો ખાસ કરી ને ગાલીબ નો . દિલ્હી કે કસોલીના એના સાંજ દરબારનો મોટા ભાગ નો સમય ગાલીબની રચનાઓના પઠનમા જ પસાર થતો . ઉર્દૂ ગઝલો વિશેનું એનું જ્ઞાન કાબીલે તારીફ અને એકદમ અવ્વલ દરજ્જાનું હતું . પોતાના લેખોમા ઉર્દૂ ગઝલો અને કલામો ને સમાવવાનો નવતર પ્રયોગ એણે જ શરુ કરેલો

ખુશવંત …. એક એવો આદમી હતો જેણે જેટલી સરળતાથી સેક્શ , સ્કોચ એન્ડ સ્કોલરશીપ લખી એટલી જ તાદાત્મતાથી ટ્રેન ટુ પાકિસ્તાન પણ લખી છે …એણે જેટલા નોટી ચમકારાથી ‘ ધી કંપની ઓફ વુમન “ લખી એટલી જ બારીકાઈ અને ઝીણવટથી શીખોના ઇતિહાસ નું દર્શન કરાવતા પુસ્તક ‘ ધ હિસ્ટ્રી ઓફ શીખ્શ ‘ જેવા અનેકો શીખ ધર્મ પરના પુસ્તકો લખ્યા છે . જેટલી દિલકશીથી એ સ્કોચ પી શકતો કે સ્ત્રીની કમરમા હાથ નાખી નાચી શકતો એટલી જ તીવ્રતાથી એ પદ્મશ્રી પાછો પણ આપી જાણતો . અંગ્રેજી મા કહેવાય છે ણે કે ‘ હી લીવ્ડ ફુલ્લી “ બસ બિલકુલ એ જ રીતે આ ખ્યાત કે કુખ્યાત સરદારે ૯૯ – ૯૯ વર્ષ પુરા દિલથી જીવી લીધા . સેલ્યુટ ટુ યુ ‘ બલ્બવાળા સરદાર “ !!!!!

વિસામો : 

કોઈ ની મરણનોંધમા મોટાભાગે સારું સારું જ લખાય છે પછી ભલે ને મરનાર ગમે એટલો બદમાશ હોય . હુ મરીશ ત્યારે પણ કેટલાય લોકો મારા વિષે ખરાબ બોલશે જ . હુ ઈચ્છું કે મારી મરણનોંધમા હુ જેવો છું એવો જ મને બતાવવામાં આવે ખુશવંત સિંહ

અજય ઉપાધ્યાય ( કોલમ ” રઝળપાટ ” – ગાંધીનગર સમાચાર ૨૩ માર્ચ ૨૦૧૪ )

એમના જીવન પરનું ગુજરાતી પુસ્તક ‘બિન્દાસ ખુશવંત’ ઘરે બેઠા મેળવવા  7405479678 પર વોટ્સએપ કરો અથવા અહીં ક્લિક કરો

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Ajay Upadhyay

Ajay Upadhyay

A Great poet and top of that a wonderful human being and very good friend of team Bhelpoori; Mr. Ajay Upadhyay has provided with his wonderful Gujarati poem's for our readers.

તાજા લેખો

રોડ એકસીડન્ટના મૃત્યુ પામેલ ચિરાગ ના જન્મદિવસ ની અનેરી ઉજવણી – જોઈ ને રડી પડશો…..

રોડ એકસીડન્ટના મૃત્યુ પામેલ ચિરાગ ના જન્મદિવસ ની અનેરી ઉજવણી – જોઈ ને રડી પડશો…..

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

error: Content is protected !!