હું તું અને આપણે
‘મમ્મીને અડાય એવું નથી, એટલે રસોડું મારા માથે છે.’  – પેડમેન વુમન અને પીરીય્ડ્સ

‘મમ્મીને અડાય એવું નથી, એટલે રસોડું મારા માથે છે.’ – પેડમેન વુમન અને પીરીય્ડ્સ

એવા દિવસોમાં સ્કૂલે ન જવાય. ચાર રસ્તો ન ઓળંગાય. એટલે બેન, મારી દીકરી ચાર દિવસ નિશાળે નહીં આવે. તમે એની પરીક્ષા પછી લઈ લેજો.’
‘મમ્મીને અડાય એવું નથી, એટલે રસોડું મારા માથે છે.’
‘આઇ એમ સોરી ટુ સે, બટ આ બેનને ઓવરીમાં સેકન્ડ સ્ટેજનું કેન્સર છે.’
‘બા… મને તો બહુ શરમ આવે, હું તો એવા દિવસોમાં બહાર કપડાં પણ ન સૂકવું.’
‘આજથી હવે તું છોકરી નથી રહી, સ્ત્રી થવા માંડી છે, હવે તારે દુનિયાનું ધ્યાન રાખવું પડશે.’
‘હુ પિરિયડ્સમાં બેસતી થઈ ત્યારથી મને પપ્પા અને ભાઈની પણ શરમ આવવા માંડી…’

માસિક, પિરિયડ્સ એવા શબ્દો હતા અને છે, જેની સાથે ધર્મ, વાતાવરણ, પરિવાર અને સામાજિક નિયમો જોડાયેલા છે. ક્યાંક એનો છોછ પણ છે અને ક્યાંક એની તંદુરસ્ત ચર્ચા પણ શરૂ થઈ છે. બે દિવસ પછી ૯ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ ભારતીય સિનેમાના રૂપેરી પરદે પણ માસિક અને તેની સાથે જોડાયેલ તકેદારીની જરૂરિયાત દર્શાવતી ફિલ્મ ‘પેડમેન’ રજૂ થશે. સ્ત્રીના શરીર અને સમગ્ર માદા જાતિ સાથે જોડાયેલ આ સંપૂર્ણ બાયોલોજિકલ ઘટનાને સદીઓથી પાપ, ગંદકી અને ઉપેક્ષારૂપ ઘટના સાથે જોડી છે. આ એક એવી વાત કે જે એક સ્ત્રી બીજી સ્ત્રીને જ કહી શકે, કારણ કે એનો પ્રત્યક્ષ અનુભવ પુરુષ માટે શક્ય જ નથી. લૈંગિક તફાવતનો આ મુખ્ય મુદ્દો કાળક્રમે ધર્મ અને ખાસ કરીને રૂઢિચુસ્ત માન્યતા સાથે એવો સજ્જડ જોડાઈ ગયો કે એ શરીરની પ્રકૃતિગત વાસ્તવિકતા છે એ ભૂલાઈ ગયું. પિરિયડ્સમાં તો શેરીમાં ફરતી કૂતરી પણ બેસે છે, પરંતુુ એ થાકને કારણે જ કોઈ ખૂણે જઈને બેસે છે, નહિ કે શરમને કારણે. આપણે વિકસિત મગજવાળી માણસ નામની પ્રજાતિએ આ કુદરતી ઘટનાને ‘પાપ’ સાથે જોડી દીધી અને રજસ્વલા સ્ત્રીને ખૂણે મૂકી દીધી. જેમાં પાપ જોડાય એમાં ગુનો બાય ડિફોલ્ટ આવી જ જાય. પરિણામ સ્વરૂપે દીકરીમાં નાનપણથી જ આ ઘટના માટે ધિક્કાર, અવગણના અને શરમ શરૂ થઈ.

સામાજિક અને ધાર્મિક દબાણો કાયમ માનસિકતા ઘડે છે. હકારાત્મક અને નકારાત્મક બંને, સ્ત્રીનું શરીર બન્યાને કરોડો વર્ષ થઈ ગયાં છે. આ પૃથ્વી પરના માનવ જીવનનો જેટલો ઇતિહાસ છે એટલો જ આ માસિકનો ઇતિહાસ છે અને ગણતરી કરીએ તો આ એકવીસમી સદી છે ત્યારે પણ હજી આ ચર્ચા કરવી પડે છે. હાઉ સેડ! કમ્બોડિયાના વન વિસ્તારની મહિલા તો ખબર નહિ એ ચાર-પાંચ દિવસમાં શું વાપરતી હશે? માત્ર ભારતના નક્શા પર જ ફરીએ તો એક સમાજ તરીકે શરમાવાનો વખત આવે. માસિક દરમ્યાન રક્તસ્ત્રાવ માટે વપરાતી વિવિધ વસ્તુઓ દયનીય છે. સિમેન્ટની થેલી, કંતાનના કટકા, ચામડું, વેસ્ટ પ્લાસ્ટિક, જૂનાં કપડાં વગેરેનો ઉપયોગ થાય છે. રૂઢિગત માન્યતાનો પ્રભાવ અને વૈજ્ઞાનિક માહિતીના અભાવને કારણે જે સમયગાળામાં સ્ત્રીના શરીરને સૌથી વધુ સ્વચ્છતાની જરૂર છે એમાં જ સૌથી વધુ અવગણના જોવા મળે છે. ગર્ભાશયના ઇન્ફેક્શન અને કેન્સર માટેનું સૌથી મોટું કારણ પણ માસિક દરમ્યાન અસ્વચ્છતા સાબિત થાય છે. ભારતમાં કન્યાઓના સ્કૂલ ડ્રોપઆઉટ રેટના સંશોધનના રિપોર્ટમાં પણ ‘માસિક ધર્મ’ એક મુખ્ય કારણ તરીકે આવ્યું. હજી તાજેતરના રિપોર્ટ પણ જણાવે છે કે, ભારતની કુલ મહિલા વસ્તીમાંથી એંસી ટકા મહિલા ‘સેનિટરી નેપકિન’નો ઉપયોગ નથી કરતી.

માસિક દરમ્યાન આવતી નબળાઈ, ઘટતી રોગ પ્રતિકારક શક્તિ અને સ્વચ્છતાના અભાવને કારણે તેને ધર્મ સાથે જોડીને ખૂણો પાળવાના નિયમ સાથે જોડવામાં આવ્યો. તેની પાછળનું વિજ્ઞાન નેવે મૂકાયું અને સમાજે તથા ધર્મના અખાડાએ તેને પાપથી માંડીને અછૂતની કક્ષાએ મૂકી દીધું. જોકે ભણતર અને સમજણના વધારા સાથે આ પરિસ્થિતિમાં હકારાત્મક પરિવર્તન આવ્યું છે છતાં જે અકબંધ રહી છે તે શરમ. કોઈપણ સ્ત્રીને મેડિકલ સ્ટોરમાં જઈને ‘પેડ આપો’ બોલતાં પહેલાં હજી બે વાર થૂંક ગળીને કાઉન્ટર પર ઊભેલા પુરુષ વર્ગને ના સંભળાય તેમ બોલવું પડે છે. કિશોરાવસ્થાથી શરૂ થતા અંત:સ્ત્રાવી ગ્રંથિના ફેરફારને કારણે છોકરીનું દર મહિને માસિકમાં બેસવું આમ તો કોઈ વ્યક્તિનું માણસ હોવા જેટલું જ કુદરતી છે. પરંતુ અહીં એનો સીધો સંબંધ જાતિયતા સાથે છે, આથી એની સાથે મનો-સામાજિક પાસાંઓ જોડાઈ જાય છે. દર મહિને થતો રક્તસ્ત્રાવ હરગીઝ શરમજનક નથી, છતાં સાહજિક રીતે આવતી શરમને નકારી ન શકાય. કારણ કે ઉત્ક્રાંતિ સાથે જ માદા પોતાના જાતીય અંગને સાચવે, સલામત રાખે, એ પ્રાકૃતિક પ્રતિક્રિયા છે. પુરુષ વર્ગ પાસે આ એક અનુભવ નથી, આથી તેને ભેદભાવની કક્ષાએ મૂકી દીધું.

સ્ત્રીના જીવન સાથે જોડાયેલ આ સાહજિક પ્રક્રિયા વિશેની સભાનતા અને જાગૃતિની જરૂર માત્ર સ્ત્રીને જ નહિ, પુરુષોને પણ છે. સ્ત્રીના મનમાં ઘર કરી ગયેલી શરમનો ઉપાય પણ પુરુષમાં છે. પુરુષ શું જાણે સ્ત્રીની સમસ્યા? એક વાર પિરિયડમાં બેસે કે ગર્ભ રહે તો ખબર પડે. માસિક સ્ત્રાવ અને ગર્ભાધાન માટે હંમેશાં સ્ત્રીઓ કહેતી આવી છે કે પુરુષ અનુભવી નથી શકતો, આથી સમજી નથી શકતો. દક્ષિણ ભારતમાં ગરીબ વણકર કુટુંબનો એક પુરુષ મુરુગન્થમ આ પ્રશ્નનો જવાબ છે. દર મહિને માસિક આવે ત્યારે પત્નીને કોથળાના કટકા વાપરતી જોઈને તેને આઘાત લાગે છે. આર્થિક સંકડામણને કારણે બજારમાં ઉપલબ્ધ સેનિટરી નેપકિન ખરીદવાની ક્ષમતા ન હતી. ઘરમાં રૂ તથા કોટનના પાતળા કાપડનો ઉપયોગ કરી તે પેડ બનાવવાનું શરૂ કરે છે. દર મહિને પત્નીને પેડ આપી તેની ગુણવત્તા અંગે ચકાસણી કરી અને ફરી નવા પ્રયોગ કરે, પરંતુ તેને નવા પ્રયોગ માટે પૂરા એક મહિનાની રાહ જોવી પડતી. અન્ય મહિલાને આવા પ્રશ્નો પૂછીને ઠોસ જવાબ મળે નહિ. અંતે તેણે કૃત્રિમ ગર્ભાશય બનાવી પોતાના શરીરમાં પૃષ્ઠભાગ પર લગાડ્યું. જેમાં પ્રાણીના લોહીનો ઉપયોગ કર્યો. મૂત્રાશયમાં થતા દબાણ સાથે ટ્યૂબ દ્વારા રક્તસ્ત્રાવ થાય. આ રીતે પોતે જ વિવિધ પેડનો ઉપયોગ કરી ચકાસણી કરી. ચર્ચાનું કેન્દ્ર બનેલ મુરુને વિકૃત ગણવામાં આવ્યો. પત્ની પણ તેના તઘલખી પ્રયોગોથી થાકીને પિયર ગઈ. અનેક પ્રયોગોનું પરિણામ એ છે કે આજે મુરુગાએ બનાવેલ મશીન ૯૫૦ ડોલરમાં વેચાય છે. સૌથી સસ્તા અને સ્વાસ્થ્યપ્રદ પેડ બનાવનાર મુરુગાને ૨૦૧૪માં ‘ટાઈમ’ મેગેઝિન દ્વારા વિશ્વના સો અસરકારક વ્યક્તિ વિશેષની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું. ‘પેડમેન’થી જાણીતા બનેલ મુરુગન્થમને જ્યારે અક્ષયકુમાર જેવો પુરુષ આ પૈતૃસત્તાક સમાજમાં ફિલ્માવાશે ત્યારે શરમ અને આભડછેટ શબ્દનો છેદ ઉડવાનો શરૂ થાય એવી આશા રાખીએ. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની કોલમના રિસર્ચના ભાગ રૂપે ટ્વિન્કલ ખન્નાને મુરુગનનો પરિચય થયો અને ત્યાર પછી ટ્વિન્કલના પુસ્તકમાં પણ એ ચેપ્ટર લખાયું. પુરુષનું છલોછલ ‘પૌરુષ’ બતાવતી બોલિવુડની ફિલ્મોમાં ‘ટોઇલેટ એક પ્રેમકથા’ અને ‘પેડમેન’ જેવી અતિ સંવેદનશીલ સામાજિક સમસ્યાઓ અને તેના યોગ્ય સંદેશ આપતી ફિલ્મો બની એ પ્રશંસનીય છે.

દર મહિને ઘરની દીકરી અને સ્ત્રીને આભડછેટના નિયમો બતાવતા દરેક કુટુંબે મુરુગા પાસેથી શીખ લેવા જેવી છે. માસિક સાથે સ્વચ્છતાને બદલે ભય, ગ્લાનિ, શરમ જોડાવાને કારણે સ્વસ્થતા ખોરવાતી ગઈ. ઉપયોગમાં લેવાયેલ કાપડનાં પેડ ધોવાં, તેનો યોગ્ય સમયે અને સ્થળે નિકાલ કરવો વગેરે મૂળભૂત નિયમો ઓછા જળવાય છે. જે ગર્ભાશય અને મૂત્રાશય સાથે જોડાયેલ રોગને આમંત્રણ આપે છે. સરકાર અને સમાજસેવી સંસ્થા દ્વારા આ વિષયક જાગૃતિ કાર્યક્રમ નિરંતર ચાલતા રહે છે. ગુજરાતમાં મુખ્યમંત્રીના માર્ગદર્શનથી ‘સ્વચ્છ ગુજરાત-સ્વસ્થ ગુજરાત’ યોજના હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. મહિલા જાગૃતિ અને કિશોરી સ્વાસ્થ્ય અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની શાળામાં ભણતી કિશોરીને શારીરિક ફેરફાર, ઋતુચક્ર અને માસિક ધર્મ અંગે સમજણ આપીને સેનિટરી નેપકિન આપવાનો પ્રયોગ કરવામાં આવ્યો જે બેલાશક પ્રશંસનીય છે. આ સાથે સેનિટરી નેપકિનના યોગ્ય વૈજ્ઞાનિક નિકાલ અંગે પણ માહિતી આપવી જરૂરી છે. પ્રદૂષણ રહિત ઇલેક્ટ્રીકલ સેનિટરી નેપકિન ઇન્સીનેટર હવે ઉપલબ્ધ છે, જે સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, સિનેમા હોલમાં મૂકી શકાય. જેટલી વપરાશ માટે વૈજ્ઞાનિક પદ્ઘતિની અને માહિતીની જરૂર છે એટલી તેના નિકાલ માટે પણ જરૂરી છે. પરંતુ આ તટસ્થ અને વૈજ્ઞાનિક પગલાં લેવા વર્ષમાં એકવાર પાંચ ગામડામાં જઈને મફતમાં સેનિટરી નેપકિન આપી, ફોટા ફાઈલ કરવાથી કંઈ નહીં વળે. મુરુગન્થમ જેવાં ઠોસ પગલાં લેનાર વ્યક્તિની સંખ્યા વધશે તેમ માસિક સાથે જોડાયેલા શરમ, ભય અને રોગનો નિકાલ થશે. આશા રાખીએ કે ‘પેડ મેન’ના શો ફક્ત બહેનો માટે ના ગોઠવાય. પેડ વુમન બનાવવા વધુને વધુ પેડ મેન પેદા થાય તે જરૂરી છે!

મનોગ્રાફ
માસિક આવવું, દર મહિને રક્તસ્ત્રાવ થવો એ રોજ ખોરાક લેવો-પાણી પીવું અને પેટ સાફ કરવા જેવી શારીરિક ઘટના છે એ એછતાં એને આભડછેટના નિયમો લાગુ પડે છે. જો રજસ્વલા સ્ત્રીને પાપ લાગે તો એનું જવાબદાર કોણ? પ્રકૃતિ જ ને!
meghanimeshjoshi@gmail.com

– મેઘા જોશી

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

રોડ એકસીડન્ટના મૃત્યુ પામેલ ચિરાગ ના જન્મદિવસ ની અનેરી ઉજવણી – જોઈ ને રડી પડશો…..

રોડ એકસીડન્ટના મૃત્યુ પામેલ ચિરાગ ના જન્મદિવસ ની અનેરી ઉજવણી – જોઈ ને રડી પડશો…..

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

error: Content is protected !!