શારીરિક રીતે મજબુર હોવા છતાં કર્યું ગૌરવ અપાવનાર કાર્ય – ક્લિક કરીને વાંચો

“અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી”-આ કહેવત તો ઘણીવાર તમે સાંભળી હશે.જીંદગીનું નામ જ સંઘર્ષ છે.સંઘર્ષ વગરની જીંદગી એ ધીરા ઝેર સમાન છે.ઉદ્યમ એ કોઇપણ કાર્ય માટે જરૂરી પ્રેરકબળ છે.આળસુ લોકોની જીંદગી નર્ક સમાન છે.એ જીંદગી જીવીને શું કામ કાઢી લેવાનું?

અહીઁ વાત કરવી છે એક એવા જાંબાજ વિશે જેણે દુનિયાને ખરેખર અચંબિત કરીને બતાવી દીધું કે,શરીરની અપંગતા મનની તાકતને રોકી શકતી નથી.અલબત્ત,એ આધાર માત્ર મનોવિશ્વ જ નક્કી કરી શકે માણસ શું કરવા ધારે છે!અવયવની પંગુતા એ માત્ર નિમિત્ત છે,બહાનું છે-પોતાની નિષ્ફળતા છૂપાવવાનું;વધારે કશું જ નહી!

અહીં વાત છે એક એવા શખ્સની જેને જન્મથી જ જમણો હાથ હતો જ નહી!અધૂરામાં પુરું,ડાબો હાથ પણ આપણા જેવો વિકસીત નહી!શરીરની આ હદની અપંગતા કોઇ પણ માણસને મજબૂર કરવા માટે કાફી કહેવાય.પણ ના,આ માટી નોખી હતી.આ યુવક એ માહ્યલો નહોતો કે ત્રેવડ વિના બેઠો રહે.

ઉદયપુરમાં જન્મેલ એ યુવકનું નામ ગોવિંદસિંહ ધરાવત.નાનપણથી જ એક હાથની નાબૂદી અને બીજા હાથની અપંગતા.એ સ્કુલમાં ગયો તો શિક્ષકોએ સીધું જ કહી દીધું,ભણવાનું તારું કામ નથી ભાઇ!ઘેર જઇને આરામ કર.ગોવિંદ એમ તો આરામ કરે એમ નહોતો.એણે માંડ એક પ્રાઇવેટ સ્કુલમાં એડમિશન લીધું.ભણવા લાગ્યો.

ઘરેથી પરીવારનો પણ પુરો સપોર્ટ મળ્યો.ફીટ રહેવા માટે એ મહેનત કરવા લાગ્યો.કસરત કરતો,રમતો રમતો,સવારી કરતો.લગભગ ૧૫ વર્ષ સુધી એ ઘર પાસેની શાળામાં જ ભણ્યો.

જીંદગીથી હારી ગયેલા,જીવનને ઝેર માનનારા હતોત્સાહ યુવાનો માટે એક બિનસરકારી સંસ્થા વર્ષોથી ચાલતી.અહીં યુવાનોને શીખવવામાં આવતું કે,તમે પણ કંઇક છો!દુનિયા તમારી મુઠ્ઠીમાં છે.જરૂર છે નકારાત્મકતા દુર કરવાની,બસ!ગોવિંદ આ સંસ્થામાં જોડાયો.અહીં ફિટનેસ ટ્રેનિંગ,કોમ્પ્યુટર અને ડિપ્લોમાં જેવા અભ્યાસ ક્રમો પણ ચલાવવામાં આવતા.

૨૫ વર્ષનો આ અપંગ યુવાન.એની આંખો એક પ્રકારના ઝનૂનથી કાયમ ઉભરતી રહેતી.મારે કાંઇક કરી દેખાડવું છે.દુનિયા મારી પણ નોંધ લેશે,અરે એને લેવી જ પડશે!જજબાતથી ધબધબતી એની છાતી જાણે પરાક્રમી વીરના સુચનો કરતી!

અને એક દિવસ એણે પોતાની જબરદસ્ત સિધ્ધીને દુનિયા સમક્ષ પ્રસ્તુત કરી દીધી.એ એટલી હદે કે,દુનિયા એ વિચારવા મજબૂર બની ગઇ કે આ તે કોઇ સુપરનેચરલ પાવર ધરાવે છે કે શું!પણ ખરેખર એ ગોવિંદ ધરાવતની મહેનતનું પરિણામ હતું કે જેની દુનિયાએ નોંધ લેવી જ પડી.

હમણાં ગોવિંદસિંહ ધરાવતે ઉદયપુરથી બેંગ્લોર સુધીની સાઇકલ સવારી કરી.૧૭ દિવસમાં ૧૭૦૦ કિલોમીટરનું અંતર કાપી નાખ્યું!એક જ હાથ અને એ પણ જેવો તેવો,છતાં ગોવિંદે અપૂર્વ સિધ્ધી હાંસલ કરી દેખાડી.ઉદયપુરથી નવ દિવસમાં એણે મુંબઇની ભૂમિ પર ડગ માંડી દીધાં.નવ મહાનગરો પાર કરીને પોતાની મંઝીલ હાંસલ કરી.ટ્રાફિકની મહા સમસ્યા હોવા છતાં!એ વખતે આ સુપરહિરોની આખા ભારતે નોંધ લીધી.

“વિકાર મારા હાથોમાં છે,મારા લક્ષ્યમાં કોઇ કમી નથી.દર્દ,અપમાન અને આવા તો અનેક જોખમો સહન કરીને આ સાઇકલ યાત્રા મારી સિધ્ધીની પ્રસ્તુતી કરે છે.”ગોવિંદ સિંહ ધરાવત કહે છે.

ગોવિંદસિંહે ‘બિન્દાસ કમ્યુનિટિ મિડીયા એકેડેમી’ નામક સંસ્થા પણ શરૂ કરેલી છે.જે એવા યુવાઓને માટે છે જેઓ જીંદગીમાં હારી ચુક્યાં હોય.જેમ કે ગોવિંદસિંહ પોતે એક વખત હારી થાકીને આત્મહત્યાનો પ્રયાસ કરવા લાગેલા!પણ પછીથી એને વિચાર આવ્યો કે,આ કાયરતા છે.ત્રેવડ તો એમાં જ છે જો આ જીંદગીને સારી રીતે બદલી શકાય.

આ ઉપરાંત,ગોવિંદસિંહે ફિલ્મી પ્રોડક્શન તરીકે નિર્માતાનું કામ પણ શરૂ કર્યું છે.જેમાં તે પોતાની માતૃભાષા મેવાડી ઉપર ફિલ્મ પ્રોડક્શન કરશે.નવયુવાઓને તક આપે છે.અને આમ જ અનેક હતાશ યુવાનો માટે અદ્ભુત પ્રેરણા પુરી પાડે છે!

ધન્ય છે આ રાજસ્થાનની માટીને!

આર્ટીકલ સારો લાગ્યો હોય તો શેર અવશ્ય કરજો જેથી અન્ય લોકો પણ આ વાત જાણી શકે,ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!