ભારતના આ રેલ્વે સ્ટેશન પર પ્રવેશ માટે પાસપોર્ટ અને વીઝા જરૂરી છે! – ક્લિક કરી વિગત વાંચો

વાત થોડી વિચિત્ર લાગે છે ને? લાગેજ ને! કારણ કે આપણે બધા જાણીએ છીએ કે કોઇ પણ સ્ટેશન પર જવા માટે કાં તો પ્રવાસની ટિકીટ હોવી જોઇએ અથવા તો પ્લેટફોર્મ ટિકીટ. પણ કોઇ સ્ટેશન પર જવા માટે પાસપોર્ટ અને વીઝાની જરૂર શા માટે પડે? શું એ સ્ટેશન બીજા કોઇ દેશમાં આવેલું છે? અરે ભાઈ, શરૂઆતમાંજ અમે જણાવ્યું કે આ સ્ટેશન ભારતનું છે બીજા કોઇ દેશનું નહીં! તો પછી દેશમાં ને દેશમાં પાસપોર્ટ અને વીઝા? બાત કુછ હજમ નહીં હુઈ!

તો ચાલો સમજવાની કોશીશ કરીએ કે આવું કેમ છે. સૌ પહેલાં તો એ સ્ટેશનનું નામ જાણો, એ સ્ટેશન છે પંજાબમાં આવેલું અટારી. કાંઇ ટ્યૂબલાઇટ થઈ? ના થઈ હોય તો હજુ થોડી વિગતે વાત કરીએ, આ અટારી પંજાબમાં પાકિસ્તાન સરહદે આવેલું છે! હવે વાત સમજમાં આવી? એક્ઝેટલી, હવે તમે સાચુંજ વિચાર્યું, આપણા દેશથી લાહોર જતી સમજૌતા એક્સપ્રેસ અહીંથી ઉપડે છે તો સ્વાભાવિક છે કે આ સ્ટેશન પર આવનાર બધાજ મુસાફરો પાકિસ્તાન જનાર હોય અને પાકિસ્તાન જવું હોય તો પાકિસ્તાનના વીઝા અને ભારતનો પાસપોર્ટ અનિવાર્ય! આ સ્ટેશન પર ટિકીટ ખરીદનાર દરેક પ્રવાસીનો પાસપોર્ટ નંબર નોંધવામાં આવે છે અને એનેજ કન્ફર્મ ટિકીટ મળે છે.

આ સ્ટેશનની બીજી વિશેષતા એ છે કે ગમે એટલો સામાન સાથે હોય, પેસેન્જરે જાતેજ ઉંચકવો પડે છે કારણ કે આ સ્ટેશન પર એક પણ કુલી નથી અને કુલીને છૂટ પણ નથી. સ્ટેશનના વેઈટીંગ રૂમ એર કંડિશન્ડ અને વેઈટીંગ રૂમના એલીડી ટીવી પર દેશભક્તિનાં ગીત સતત ગુંજતાં રહે છે.

અત્યંત સંવેદનશીલ સ્ટેશન હોઇ, અહીં સુરક્ષા વ્યવસ્થા એકદમ સજજડ હોય એ સ્વાભાવિક છે. રેલ્વે પોલીસ ઉપરાંત જીઆરપી, બીએસએફ અહીં રાઉન્ડ ધ ક્લોલ પહેરો ભરે છે. સ્ટેશનની બહાર ચારે બાજુ પંજાબ પોલીસનો બંદોબસ્ત છે. પર્યટકો દૂરથી સ્ટેશનને નિહાળી શકે છે અને ફોટોગ્રાફી કરવાની મનાઈ છે. જોઇ કોઇને કોઇ અનિવાર્ય કારણસર સ્ટેશન જવુંજ પડે તેમ હોય તો એણે ગૃહખાતાંના અલગ અલગ વિભાગો પાસેથી મંજૂરી મેળવવી પડે છે.

– મુકુલભાઈ જાની

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!