ક્લીન બોલ્ડ
પચ્ચીસમી જૂન ૧૯૭૫: ભારતીય લોકશાહીના ઇતિહાસનું એ સૌથી કલંકિત પ્રકરણ

પચ્ચીસમી જૂન ૧૯૭૫: ભારતીય લોકશાહીના ઇતિહાસનું એ સૌથી કલંકિત પ્રકરણ

આજની તારીખમાં આમ તો કાંઇ વિશેષ નથી પણ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં આ તારીખ એવી રીતે આલેખાઈ છે કે મારા જેવા પંચાવન વટાવી ગયેલાઓને એ દિવસો યાદ આવે છે તો હજુ કંપારી છૂટી જાય છે! લોકશાહી ઢબે ચૂંટાયેલી કોઇ પણ સરકાર દ્વારા જનતા પર થયેલા જુલ્મોનું વિશ્વમાં આના જેવું બીજું ઉદાહરણ મળવું મુશ્કેલ છે. આ કટોકટી શબ્દ આજે પણ કોંગ્રેસને ગાળ જેવો લાગે છે અને કટોકટીની વાત આવતાં હાલત સાપે છછૂંદર ગળ્યા જેવી થઈ જાય છે, મૂંડી નીચી થઈ જાય છે અને મોઢું સિવાઈ જાય છે. તો સામે પક્ષે કોંગ્રેસેત્તર પક્ષો માટે કટોકટી એ કોંગ્રેસ પર પ્રહાર કરવાનું સર્વકાલીન બ્રહ્માસ્ત્ર રહ્યું છે. તો શું હતી આ કટોકટી અને કેવા હતા એ દિવસો, સત્તા અને તંત્રનો કેવો ભયંકર દુરુપયોગ થયેલો એ સમજવાની કોશિશ કરીએ.

દિલ્હીની પચ્ચીસ જૂનની એ રાત, બીજી રાતો જેવીજ ગરમ અને સામાન્ય હતી, અમીરોના શયનખંડમાં એર કંડીશનની ઠંડક હતી, મધ્યમ વર્ગ પંખાના સહારે દિલ્હીની ગરમી સામે લડવાની કોશિશ કરતો હતો અને ફૂટપાથ પર સુતેલા લોકો કુદરતી હવાના આશરે હતા ત્યારે કોઇને પણ રાજકારણમાં પ્રસરેલી ગરમીનો અંદાજ નહોતો. બીજા દિવસની સવાર ઘણાં આશ્ચર્યો લઈને ઊગી એમાંનું એક એ હતું કે તે દિવસે દિલ્હીમાંથી એક પણ અખબાર નહોતું નીકળ્યું, કારણકે તે રાત્રે તમામ અખબારોના પ્રેસનો વીજપુરવઠો કાપી નાખવામાં આવેલો! તે દિવસે સમગ્ર દેશમાં પણ જે અખબારો નીકળ્યાં એમાંથી મોટા ભાગનાં માં તંત્રીલેખ વાળી જગ્યા કોરી હતી અથવા તો ત્યાં એવું લખેલું હતું કે દેશમાં ઇમર્જન્સી લાગુ થઈ હોવાના કારણે આજનો તંત્રીલેખ છાપી શકાયો નથી. તે રાત્રે રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી એહમદે, શ્રીમતી ગાંધી પ્રત્યેની વફાદારીની સામે રાષ્ટ્રહિતને ગૌણ સમજીને રબ્બરસ્ટેમ્પ તરીકેની એવી મીશાલ કાયમ કરી કે ઇતિહાસ કદી એમનો માફ કરવાનો નહોતો. રાષ્ટ્રપતિએ જે રીતે વિનાસંકોચેતત્પરતાથી લોકશાહીનું ગળું ઘુંટનારા એ અધ્યાદેશ પર સહી કરી નાખેલી એના પર પછીથી એવું કાર્ટૂન પણઆવેલ કે મહામહિમ બાથટબમાં બાથ લેતા લેતા સહી કરે છે! પોણા બે વર્ષ ચાલનારી એક એવી કાળરાત્રીની શરૂઆત થઈ જે ભારતીય લોકશાહીના ઉજળા ઇતિહાસમાં એક બદનૂમા દાગ તરીકે હમેશાં યાદ રહેવાની હતી.


આમ તો આ ઇમર્જન્સીનાં મૂળ ૧૯૭૧માં જ નંખાઈ ગયેલાં જ્યારે બાંગ્લાદેશ વિજયને કારણે શ્રીમતી ઈન્દીરા ગાંધીનો રથ જમીનથી ચાર આંગળ અદ્ધર હતો. સ્વાભાવિક રીતેજ એ વર્ષમાં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને સફળતા મળેલી પરંતુ શ્રીમતી ગાંધી સામે રાયબરેલીની બેઠક પર હારેલા રાજનારાયણે અલ્હાબાદ હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ કરી કે શ્રીમતી ગાંધીએ ચૂંટણી દરમિયાન સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો છે. એ પછી ૧૨ જૂન ૧૯૭૫ની ઐતિહાસિક તારીખ, શ્રીમતી ગાંધી અને કૉંગ્રેસ માટે બે માઠા સમાચાર લઈને આવી, ગુજરાતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એવો જોરદાર પરાજયનો સ્વાદ ચખાડ્યો જે કોંગ્રેસે આઝાદી પછી આજ સુધી ચાખ્યો નહોતો, અને બીજો આવ્યો અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો, જેમાં ૧૯૭૧માં રાયબરેલીની બેઠક જીતવા માટે શ્રીમતી ગાંધીએ ગોટાળા કર્યાનું સ્વીકાર્યું અને એ ચૂંટણીને રદ ગણવાનું તો કોર્ટે ફરમાન કર્યું જ ઉપરાંત કોર્ટે શ્રીમતી ગાંધી પર છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ પણ લગાવી દીધો! કોર્ટના આ ફેસલા પછી ઘણા વરિષ્ઠ કૉંગ્રેસી નેતાઓનું માનવું હતું કે શ્રીમતી ગાંધીએ ખુરશી છોડી દેવી જોઈએ,પરંતુ સંજય ગાંધી અને એ સમયના બંગાળના મુખ્યમંત્રી સિદ્ધાર્થશંકર રેની સલાહ માનીને શ્રીમતી ગાંધીએ રાતોરાત રાષ્ટ્રપતિ પાસે અધ્યાદેશ પર સહી કરાવીને વહેલી સવારે મંત્રી મંડળની બેઠક બોલાવી ઔપચારિક રીતે સહમતી લઈને છવ્વીસમી જૂનની સવારે આખા દેશમાં આપાતકાલની ઘોષણા કરી દીધી.


આઝાદી પછી પહેલીવાર તમામ પ્રેસ પર સેન્સરશીપ આવી ગઈ. છાપામાં છપાનારો એકએક એક અક્ષર, સરકારની નજર હેઠળ પસાર થયા પછીજ છપાતો હતો. Maintenance of Internal Security Act (MISA) હેઠળ આખા દેશમાંથી વીણી વીણીને વિપક્ષી નેતાઓને જેલમાં નાખી દેવામાં આવ્યા, જેમાં જે.પી., અટલજી, જ્યોર્જ, અડવાણી વગેરે સામેલ હતા. આ ઓગણીસ મહિના દરમિયાન આખા દેશમાંથી એક લાખ ઉપરાંત લોકોને કોઇજ કારણ આપ્યા સિવાય પકડીને જેલમાં પૂરી દેવામાં આવ્યા. ઉપરાંત કોંગ્રેસના પણ જે નેતાઓ લોકશાહીની તરફેણમાં હતા એમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા.આર એસ એસ અને એના જેવાં અન્ય સંગઠનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. જેલમાં ધકેલાયેલા લોકો પર અસહ્ય અત્યાચાર ગુજારવામાં આવ્યો. હદ તો ત્યારે થઈ કે એ વિનાકારણે જેલમાં ગયેલા લોકો વતી ન્યાયાલયમાં દાદ માગવામાં આવી અને જે જે ન્યાયાધીશો સરકારના આ પગલાને અન્યાયી ગણાવ્યું જે ન્યાયાધીશોની સજાના ભાગરૂપે બદલી કરી નાખવામાં આવી! આખા દેશમાં એવું વાતાવરણ હતું કે શ્વાસ લેવો હોય તો પણ સરકારની મંજૂરીથી લેવો પડે! મને યાદ છે કે એ દિવસોમાં હું નવમા ધોરણમાં હતો ને અમારી હાઈસ્કૂલમાં યોજાયેલી એક વક્તૃત્વ સ્પર્ધામાં વિષય તરીકે ’કટોકટી ના ફાયદા અને ગેરફાયદા’ આવું કંઈક હતું, ભાગ લેનાર વિદ્યાર્થીમાં એક પણ એવો નહોતો જે કટોકટીના ગેરફાયદા પર બોલવાની હિંમત કરે, કારણ કે સરકારી દમનના લોખંડી પંજાને ઉંમરનો કોઇ બાધ નહોતો! કેટલાક કાર્યક્રમોનું અમલીરણ અતિઉત્સાહથી કરવામાં આવ્યું, જેમકે નસબંધી, તો સંજય ગાંધીના અતિ ઉત્સાહ અને સફળતાના આંકડા મોટા કરી દેખાડવાની લાહ્યમાં અનેક કુંવારા યુવાનોની પણ ફરજિયાત નસબંધી કરી નાખવામાં આવી હતી! ટૂંક માં આખા દેશના નાગરિકો સાવ સાચા અર્થમાં અને વાજબી કારણોને લીધે ’ભયભીત’ હતા.

આખા દેશમાં ઊઠેલા જબ્બર વિરોધના જુવાળને કારણે ૨૧ માર્ચ ૧૯૭૭ના રોજ ઇમર્જન્સી ઉઠાવી અને ચૂંટણી જાહેર કરવાની સરકારને ફરજ પડી અને સ્વાભાવિક રીતે જ કોંગ્રેસની સરકારે એ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો, શ્રીમતી ગાંધી પોતાની રાયબરેલી સીટ પણ ના બચાવી શક્યાં, કોંગ્રેસની હાર કેવી કપરી હતી અને લોકોનો સરકારના દમન સામેનો રોષ કેવો હતો એનો અંદાજ એ વાત પરથી આવે છે કે ઉત્તરપ્રદેશ,હરિયાણા, દિલ્હી, પંજાબ અને બિહારમાં કોંગ્રેસને એક પણ સીટ મળેલી નહીં! દેશની આઝાદી પછી પહેલીવાર કેન્દ્રમાં બિનકોંગ્રેસી સરકાર સત્તામાં આવી અને મોરારજી દેસાઇ વડાપ્રધાન બન્યા. કટોકટી દરમિયાન થયેલ અતિરેકની તપાસ માટે જસ્ટિસ શાહના ના વડપણ હેઠળ તપાસપંચની નિમણૂક કરવામાં આવી અને ૧૯ મહિનાના લાંબા સમયગાળા પછી ખુલ્લી હવામાં શ્વાસ લેવાનો આનંદ માણતાં અખબારો ઇમર્જન્સી દરમિયાન આખા દેશમાં ઠેકઠેકાણે થયેલા અત્યાચારોની કાળજાં કંપાવતી કહાનીઓથી ઉભરાવા લાગ્યાં. માત્ર ઈન્દીરા ગાંધીના વિરોધ સિવાય, કોઇ પણ પ્રકારની વૈચારીક સમાનતા નહીં ધરાવતા અને ’કહીં કી ઈંટ કહીંકા રોડા, ભાનુમતીને કુનબા જોડા’ જેવી જનતા પાર્ટીની સરકારને ચરણસિંગ જેવા સત્તા લાલચુની મદદથી ઈન્દિરા ગાંધીએ તોડી અને દેશની જનતા અને જયપ્રકાશ નારાયણનું સપનું તૂટી ગયું!

– મુકુલભાઈ જાની

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

અમિતાભની લાડલી શ્વેતાની ગ્લેમરસ લાઈફ સ્ટાઈલ જોઇને તમારી આંખો પર વિશ્વાસ નહિ થાય

અમિતાભની લાડલી શ્વેતાની ગ્લેમરસ લાઈફ સ્ટાઈલ જોઇને તમારી આંખો પર વિશ્વાસ નહિ થાય

કોરોના લોકડાઉનમાં અક્ષયકુમાર પત્નીને લઈને હોસ્પિટલ પહોંચો – કારણ વાંચવા જેવું છે

કોરોના લોકડાઉનમાં અક્ષયકુમાર પત્નીને લઈને હોસ્પિટલ પહોંચો – કારણ વાંચવા જેવું છે

પ્રિયંકા અને નીક જોનાસે ભારત બહાર બેઠા બેઠા આવડી મોટી રકમ PM Cares માં જમા કરાવી

પ્રિયંકા અને નીક જોનાસે ભારત બહાર બેઠા બેઠા આવડી મોટી રકમ PM Cares માં જમા કરાવી

Read Gujarati Leading News Papers Online During Lock Out Due To COVID-19

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

error: Content is protected !!