આટલા સુંદર મંદિર ની કલ્પના ફક્ત સ્વપ્નમાં જ થાય એવું નથી – મંદિર મૌજુદ છે દુનિયાના આ ખૂણે

ભારતમાં હિન્દુ ધર્મ પ્રચુર માત્રામાં માનવામાં આવતો ધર્મ છે એ બાબતમાં તો કોઇ શંકાને સ્થાન નથી. એ જ કારણ છે કે, અહીં આપને હરેક મહોલ્લામાં, હરેક ગલીમાં કોઇને કોઇ હિન્દુ દેવી-દેવતાનું મંદિર અવશ્ય જોવા મળશે. મુખ્યત્વે તો હિન્દુ ધર્મના ત્રણ ઇષ્ટદેવતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. પરંતુ પ્રાંત પ્રમાણે અને વિવિધ સંપ્રદાય પ્રમાણે લોકો બીજા પણ ઇશ્વરને પૂજે છે. આથી વિવિધ અન્ય દેવી-દેવતાઓના પણ અનેક મંદિરો ભારતમાં જોવા મળે છે. અમુક પ્રાચની શૈલીના તો અમુક આધુનિકતાના રંગે રંગાયેલ!

આ તો વાત થઇ ભારતની અંદરના મંદિરોની. પણ હિન્દુ ધર્મ અને પ્રાચની ભારતની સંસ્કૃતિ કેવળ ભારત પુરતી જ મર્યાદિત નહોતી. એ બાબત આપણને એ હક્કીકત પ્રત્યે પણ જાગ્રત બનાવે છે કે, પ્રાચની ભારતના સમ્રાટો એ વાસ્તવિકતા ભલીભાંતી સમજતાં હતાં કે, સામ્રાજ્યનું હિત માત્ર પોતાના સીમાડાનું રક્ષણ કરતાં બેસી રહેવામાં નથી! સામ્રાજ્ય તો તો જ સચવાય જો એના સીમાડા અવિરત વિસ્તરતા રહે. અને આને પ્રતાપે જ જાવા, સુમાત્રા, બાલી, ઇન્ડોનેશિયા, મલેશિયા, કમ્બોડિયિ, સીંગાપોર, બ્રહ્મદેશ જેવા દક્ષિણ-પૂર્વ એશિયાના અનેક દેશોમાં અગાઉ ભારતીય વર્ચસ્વ સ્થપાયેલું. એની સાક્ષી પુરે છે ત્યાં રહેલાં ભારતનીય સંસ્કૃતિની ભવ્ય ધરોહર સમાન મંદિરો!

આજે આપણે વાત કરવી છે ભારતની ભૂમિની બહાર આવેલાં ભવ્ય અને ખરા અર્થમાં જબરદસ્ત એવા હિન્દુ મંદિરોની. આજે તેના કલેવરો જાણે પુકારી ઉઠે છે કે, અમારો પણ એક જમાનો હતો! આ એ વખત હતો જ્યારે ઇરાનના શાહો ને યુરોપના સિકંદરો, મંગોલિયાના મંગોલો ને અફઘાનના તુર્કો બધાં આર્યાવર્ત આગળ માથાં મૂકતાં!

તો ચાલો જાણીએ ભારતની બહારના એ ભવ્યાતિભવ્ય મંદિરો વિશે જે આજે પણ રહી-રહીને ભારતની સંસ્કૃતિને ચમકાવી રહ્યાં છે, કદાચ આપણી જાણ બહાર જ!

ઇન્ડોનેશિયાના પ્રસિધ્ધ મંદિરો –

આજે મુસ્લીમ બહુમતિ ધરાવતો દેશ ઇન્ડોનેશિયા પણ એક વખત હિન્દુ સંસ્કૃતિનું આદ્યસ્થાન હતો એવું અહીંની ધરતી પર આવેલા હિન્દુ મંદિરો જોઇને ચોક્કસપણે કહી શકાય. વિશ્વભરના પ્રવાસીઓ ઇન્ડોનેશિયામાં આવેલ અદ્ભુત કલાકોતરણીયુક્ત મંદિરો જોવા આવે છે, હજારોની માત્રામાં આવે છે. અહીંના મંદિરોની શૈલી અને પુરાણકાળની એની ભવ્યતાની કલ્પના પ્રવાસીને આશ્વર્યચકિત કરી મુકે છે. હિન્દુ સંસ્કૃતિ અને આર્યાવર્ત પ્રત્યે એક પ્રકારનું માન ઉપજાવી શકે છે!

બાલીનું સરસ્વતી મંદિર –

ભલે વધારે પ્રમાણમાં નહી તોયે ઠીકઠીક એવા સરસ્વતી મંદિરો ભારતમાં જોવા મળે છે. પણ બાલીનું આ મંદિર એ બધામાં ખાસ છે. સરસ્વતી મંદિરની ભવ્યતા ઉડીને આંખે વળગે એવી છે. બાલીની ઉબુદમાં આવેલ આ મંદિરને જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે. મંદિરની પાસેનો એક સુંદર કુંડ મંદિરની ભવ્યતા અને કાવ્યાત્મકતાને ઔર આકર્ષિત કરી મુકે છે.

ઇન્ડોનેશિયાનું સૌથી પ્રાચીન મંદિર –

પુરા બેસકિહ મંદિરને ઇન્ડોનેશિયાનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે. બાલીના સૌથી વિશાળ અને પવિત્ર ગણાયેલા આ મંદિરે સને ૧૯૯૫માં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપેલું છે. મંદિરની અંદર અનેક હિન્દુ દેવ-દેવીઓની મૂર્તિઓ સ્થાપિત છે.

બાલીનું તનહ લોટ મંદિર –

૧૬મી સદીમાં નિર્મિત આ મંદિર બાલીનું સૌથી પ્રસિધ્ધ વિષ્ણુમંદિર છે. સાથે જ આનો સમાવેશ ઇન્ડોનેશિયાના સૌથી ખુબસુરત મંદિરોમાં પણ કરવામાં આવે છે. એની મંત્રમુગ્ધ ભવ્યતાના વખાણ કરતા કલારસિકો થાકતા નથી!

જાવાનું પ્રમ્બાનન મંદિર –

જાવાનું સૌથી પ્રસિધ્ધ મંદિર. અહીં હિન્દુ ધર્મના ત્રણે મુખ્ય દેવતાઓ – બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ -ના મંદિરો છે. એક સંકુલમાં આ ત્રિદેવો ઉપરાંત ત્રણેયના વાહનોના પણ મંદિરો છે! કદાચ આવું તો ભારતમાં પણ ક્યાંય નથી!

સિંઘસરી શિવ મંદિર –

જાવામાં સ્થિત આ મંદિર દુનિયાભરમાં પ્રસિધ્ધ છે. મંદિરની અંદર ભગવાન શિવની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલ છે. અહીં હરરોજ સેંકડો લોકો પ્રવાસાર્થે અને દર્શનાર્થે આવે છે.

વાચકમિત્રો, આર્ટીકલ જાણકારીયુક્ત લાગ્યો હોય અને તો ચોક્કસપણે આ રોચક લેખ આપના મિત્રો સાથે પણ શેર કરજો. ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!