રસોઈની બાબતમાં ખરેખર જીન ની ગરજ સારશે ભારતીય વૈજ્ઞાનિકોનું આ સંશોધન

ચટાકેદાર, લજ્જતદાર ખાવાનો શોખ કોને નથી હોતો? વાનગીઓ યાદ કરતાં મોઢામાં પાણી આવવા માંડે છેને? પણ જમવાનું બનાવવાની વાત આવે તો કાં તો આવડતું નથી ને કાં કંટાળો આવે છે! મોટાભાગના પુરુષોને આ વાત લાગુ પડે છે. અરે, આવડવાની તો વાત જવાજ દો, મોટાભાગના પુરુષો તો એમજ માને છે કે જમવાનું બનાવવું એ માત્ર ગૃહિણીની જવાબદારી જ છે! અને મોટાભાગની ગૃહિણીઓએ પણ આમજ માની લીધેલું છે એટલે રોજેરોજ ચૂપચાપ રસોડામાં કલાકો સુધી પૂરાઈને વ્યંજનો બનાવ્યે જાય છે અને પુરુષવર્ગના ઉદરને તૃપ્ત કર્યે જાય છે.

પણ આ ગૃહલક્ષ્મી પણ ક્યારેક તો કંટાળે ને? એટલે બબડે કે કાશ કોઇ એવો જીન હોય જે બધું રાંધી નાખે! (એક સમયે ટીવી પર આ વિષયની એક સીરીયલ પણ આવેલી જેનું નામ હતું, ’ગૃહલક્ષ્મી કા જીન’) પણ વાસ્તવિક જીંદગીમાં ક્યાં આવો કોઇ જીન હોય છે! પણ ભારતના વૈજ્ઞાનિકો એક એવી શોધ કરી છે જે રસોઈની બાબતમાં ખરેખર જીન ની ગરજ સારશે! હા, ભારતીય વૈજ્ઞાનિકોએ એક એવું રોબોટિક કિચન બનાવ્યું છે જે મટર-પનીર અને વડા સાંભારથી લઈને વીસ કરતાં પણ વધારે વાનગીઓ બનાવી શકે છે, જેનું નામ છે મિકેનિકલ શેફ.

આ સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા છે માઈક્રોસોફ્ટના એક એન્જીજિનિયર તથા ભારતના ચંદ્રયાન મીશન સાથે જોડાયેલ એક એન્જીનિયર. આ સ્ટાર્ટઅપને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી  તરફથી ફંડ મળેલ છે અને બહુ નજીકના સમયમાં કોમર્સિયલી લોંચ કરવામાં આવશે. આ મિકેનિકલ શેફ એટલે કે રોબોટિક કિચનની સાઇઝ એક મોટાં માઈક્રોવેવ ઓવન જેવડી હશે.

આ મિકેનિકલ શેફ્નું ટાર્ગેટ કસ્ટમર ઓડિયન્સ મોટાભાગે બેચલર્સ અથવા એવાં કપન જે બન્ને નોકરી કરતાં હોય એ હશે. મિકેનિકલ શેફ કો-ફાઉન્ડર અને ભૂતપૂર્વ એરોસ્પેશ એન્જીનિયર અર્પિત શર્માએ માહિતી આપતાં જણાવ્યું હતું કે વાનગીઓનું મેનુ બનાવીને આ રોબોટિક કિચનમાં ફીડ કરી દેવામાં આવ્યું છે. આ મશીનમાં ફકત સામગ્રી લોડ કરવાની હોય છે જેના માટે અલગ અગલ ખાનાં છે. પછી જે વાનગી જોઇએ એ મુજબ બટન દાબી દેવાનું એટલે પ્રોગ્રામ થયા મુજબ અલગ અલગ મસાલા ઉમેરાઈને વાનગી તૈયાર! અમેરીકામાં આ પ્રકારનો પ્રયોગ સફળ રહ્યો છે, થોડા સમય પહેલાં ખૂલેલા સ્પાઈસ નામનાં રેસ્ટોરાંમાં આ પ્રકારના રોબોટીક કિચનની મદદથી જમવાનું તૈયાર કરાય છે.

અલબત્ત, આપણા દેશમાં રોબોટિક કિચન સામે ભારતીય સ્વાદ મુજબ વાનગી બનાવવી એ સૌથી મોટો પડકાર હશે કારણ કે આપણા દેશમાં દર સો કિલોમીટરે ભોજનનો સ્વાદ અને પદ્ધતિ બદલાય છે. ભારત જેવા દેશમાં જ્યાં ભોજન એ માત્ર પેટ ભરવા માટે નથી પણ સંસ્કૃતિ સાથે જોડાયેલ છે ત્યાં આ મિકેનિકલ શેફનો પ્રયોગ કેટલો સફળ થાય છે એતો આવનારો સમયજ બતાવશે.

– મુકુલભાઈ જાની

Leave a Reply

error: Content is protected !!