આ રીતે બનાવી શકો છો ઘરે જ સ્વાદિષ્ટ નાયલોન ખમણ – સુરેન્દ્રનગરથી આવેલ છે ગુજરાતી રેસીપી

ખમણ મુખ્યત્વે ચણાના લોટમાંથી બનતી એક ગુજરાતી વાનગી છે. એકદમ સોફ્ટ અને સ્પોંજી ખમણ ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગે છે. ખમણની સાથે આમલીનું ખાટુ-મીઠું પાણી મળી જાય તો તો સોનામાં સુગંધ ભળે. અમુક જગ્યાએ લોકો ચણાના લોટમાંથી બનાવેલ જાડી કઢી સાથે ખમણ ખાય છે.

ચણાના ઝીણા દળેલા લોટમાં છાશ મેળવીને થોડી વાર પલાળી, થાળીમાં પાથરી વરાળથી બાફવાથી પોચા ખમણ તૈયાર થાય છે. ત્યાર પછી તેના પર તલ, લીલા મરચા, રાઈનો વઘાર કરવામાં આવે છે. આ રીતે ચણાના લોટમાંથી બનાવેલા ખમણને ‘નાયલોન ખમણ’ કહેવામાં આવે છે.

ચાલો ખમણ બનાવવાની રીત વિગતવાર જાણીએ :

ખમણ બનાવવા માટેની જરૂરી સામગ્રી :

● એક કપ પાણી

● એક કપ ચણાનો લોટ

● અડધી ચમચી લીંબુના ફૂલ

● અડધી ચમચી ખાંડ

● એક ચમચી આદું-મરચાની પેસ્ટ

● અડધી ચમચી ખાવાનો સોડા અથવા ઈનો પાવડર.

● એક ચમચી હળદર

● એક ચપટી મીઠું.

વઘાર કરવા માટે :

● બે ચમચા તેલ

● એક ચમચી રાઈ

● ત્રણ લીલા મરચાં ઝીણા સમારેલા

● એક ચપટી હિંગ

● એક ચમચી તલ

● બે ચમચી ખાંડ

● અડધો કપ હૂંફાળું પાણી.

ખમણ બનાવવાની રીત :

સૌ પ્રથમ ઢોકળિયામાં પાણી નાખી એક પહોળી થાળીમાં તેલ લગાવીને ગરમ કરવા મૂકો. હવે એક પહોળા વાસણમાં પાણી લઈને તેમાં લીંબુના ફૂલ, મીઠું અને ખાંડ ઓગાળો. હવે તેમાં ધીમે-ધીમે ચણાનો લોટ નાખીને હલાવી લો. ત્યારપછી તેમાં આદુ-મરચાની પેસ્ટ અને હળદર ઉમેરીને બરાબર મિક્સ કરો. પછી તેમાં ઇનો નાખીને હલાવો જેથી ખીરુ ફૂલી જશે. આ મિશ્રણને હલાવતા-હલાવતા જ થાળીમાં રેડી લો. પંદરથી વીસ મિનિટ ઢાંકીને ચડવા દો. ચડી ગયા પછી બહાર કાઢી લો. ખમણ ઠરી જાય એટલે એનાં ટુકડા કરી લો. હવે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે પછી લીલા મરચાના ટુકડા, તલ અને હીંગ ઉમેરો ત્યારબાદ ખમણનાં ટુકડા ઉપર આ વઘાર રેડી દો. ત્યારબાદ હૂંફાળા પાણીમાં થોડી ખાંડ ઉમેરીને એ પાણી ખમણ ઉપર છાંટી દો. તૈયાર છે સ્વાદિષ્ટ નાયલોન ખમણ…. સેવ-ખમણ ભેગા કરીને એમાં દાડમનાં દાણા અને ખાટી-મીઠી ચટણી ઉમેરીને ખાવાની મજા પડી જાય…મજા…

મિત્રો, “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ સ્વાદિષ્ટ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!