વોટ્સએપમાં આવેલ મેસેજ સાચા છે કે ખોટા – ચકાસણી આ રીતે કરો…

સોશિયલ મિડિયા પર વધી રહેલ ફેક ન્યુઝ (ખોટા મેસેજ) અને એનાથી ફેલાતી અફવાઓથી ‘મોબ લિંચિંગ’ (ટોળા દ્વારા કરવામાં આવતી અપરાધિક ઘટના) જેવી ઘટનાઓ બાદ સરકારે સખ્ત પગલા લેતા વોટ્સએપને આકરા શબ્દોમાં ચેતવણી આપી હતી ત્યારબાદ વોટ્સએપે એના પર કાર્યવાહીનાં ભાગરૂપે ન્યુઝ પેપરમાં જાહેરાત આપીને ઉપયોગકર્તાઓને ખોટા મેસેજ અને અફવાઓને ઓળખવા માટે 10 ટિપ્સ આપી છે. તો ચાલો અમે તમને જણાવીએ કે એ 10 ટ્રિક્સ કઈ-કઈ છે કે જેના દ્વારા તમે ફેક મેસેજને તરત જ ઓળખી જશો.

(1) ફોરવર્ડેડ મેસેજની ઓળખ :


અઠવાડિયાની શરૂઆતમાં જ વોટ્સએપે ફોરવર્ડ મેસેજનું ફીચર્સ બહાર પાડ્યું છે જેનાથી ખ્યાલ આવે કે આ મેસેજ ફોરવર્ડેડ છે. જ્યારે પણ તમને ફોરવર્ડ મેસેજ મળે એટલે તરત એના તથ્યની ચકાસણી કરો.

(2) શંકાસ્પદ મેસેજ પર સવાલ ઉઠાવો :


જો તમે વોટ્સએપ ફોરવર્ડમાં કંઈક એવું વાંચો છો કે જેનાથી તમને ગુસ્સો આવે અથવા ડર લાગે, તો એ જાણવાની કોશિશ કરો કે શું એ મેસેજનો ઉદ્દેશ તમારા મનમાં આવી જ ભાવનાઓ પેદા કરવાનો હતો? જો તમારો જવાબ હા હોય તો આવો મસેજ શેર કરવો નહીં અને ફોરવર્ડ પણ ન કરો.

(3) વિશ્વાસ ન આવે એવી માહિતીની તપાસ કરો :


ઘણી વખત એવા મેસેજ પણ આવે છે કે જેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ હોય છે, આવા મેસેજ મોટાભાગે ખોટા હોય છે. એ માટે તમારે બીજા સોર્સનો ઉપયોગ કરીને મેસેજની ચકાસણી કરવી જોઈએ. જેથી ખ્યાલ આવે કે મેસેજ કેટલો સાચો છે?

(4) જે મેસેજમાં કંઇક અટપટું દેખાતું હોય એવા મેસેજથી દુર રહો :


મોટાભાગના ફેક મેસેજ અથવા છેતરપીંડીવાળા મેસેજમાં કંઈક અલગ જ કન્ટેન્ટ ગોઠવેલું હોય છે. એમાં લોભામણી તસ્વીરો કે આકર્ષક લખાણ લખેલ હોય છે. એમાં સ્પેલિંગ કે ગ્રામરની ભૂલો પણ હોય છે. આવા મેસેજનાં ચિહ્નો જોઈને ચકાસણી કરવી જોઈએ.

(5) મેસેજમાં આવેલ ફોટો પર ધ્યાન આપો :


જ્યારે તમને વોટ્સએપમાં કોઈ ફોટો કે વિડીયો પ્રાપ્ત થાય ત્યારે એની બરાબર ચકાસણી કરો અને એને ધ્યાનથી જુવો. મોટાભાગે ફોટો અને વીડિયોમાં સુધારા-વધારા કરીને મોકલવામાં આવે છે. ઘણી વખત એવું પણ બનતું હોય કે ફોટો સાચો હોય પણ એના પરનું લખાણ ખોટું હોય, તો આવા કિસ્સામાં યોગ્ય તપાસ કરવી જરૂરી છે.

(6) મેસેજમાં આવેલ લિંકની પણ તપાસ કરો :

ઘણી વખત કેટલીક લિંક જોતા એવું લાગે કે કોઈ પરિચિત અથવા લોકપ્રિય વેબસાઈટની લિંક છે, પણ જો એમાં કંઈક અલગ અથવા વિચિત્ર લાગે તો પૂરેપૂરી સંભાવના છે કે એમાં કંઈક ખોટું હશે. એટલે દરેક લિંકની ખાતરી કરી લેવી હિતાવહ છે. (મેસેજમાં આવેલ બેન્કની લિન્ક પર તો કોઈ દિવસ વિશ્વાસ ન કરવો.)

(7) મેસેજની હકીકત જાણવા માટે વિવિધ સોર્સનો ઉપયોગ કરો :


ઘટનાની હકીકત જાણવા માટે અન્ય ન્યુઝ સાઈટ્સ અથવા એપ્લિકેશનને જોઈ લો. જો ઘટના સાચી હશે તો શક્ય છે કે અન્ય જગ્યા પર પણ પોસ્ટ થઈ ગઈ હશે. જ્યારે કોઈ ઘટનાની એક થી વધુ જગ્યાએ તપાસ કરવામાં આવે ત્યારે એની ચોકસાઈ વધી જાય છે.

(8) મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારો :


તમને મળેલ કોઈપણ મેસેજને ફોરવર્ડ કરતા પહેલા એની તપાસ કરો, કે આ કેટલું સાચું છે અને ખરેખર આ મેસેજથી બીજા ઉપર શું અસર થશે ? ત્યારબાદ તમને યોગ્ય લાગે તો જ ફોરવર્ડ કરો. વોટ્સએપ પર નિયંત્રણ રાખવા માટે તમે ઘણા બધા સેટિંગ્સ કરી શકો.

(9) વિચિત્ર નંબર કે ગૃપને બ્લોક કરી દો :


જો તમને એવું લાગે કે કોઈક નંબર પરથી ખરાબ કે ઉલ્ટા-સીધા મેસેજ આવી રહ્યા છે તો તમે એ નંબરને બ્લોક કરી શકો. આ સિવાય જે ગૃપમાં ફેક મેસેજ કે અફવાઓ આવતી હોય એ ગૃપમાંથી તમે બહાર પણ નીકળી શકો. (વધારે પડતા બિનજરૂરી ગૃપમાં રહેવું હિતાવહ નથી)

(10) અફવાઓને અટકાવો:


કોઈપણ મેસેજ વારંવાર ફોરવર્ડ થતો હોય તો એનો મતલબ એવો બિલકુલ નથી કે એ મેસેજ કે માહિતી સાચી જ હોય. વોટ્સએપમાં આવતી દરેક માહિતીને એક વખત ક્રોસ ચેક કરી લેવી જોઈએ. વોટ્સએપમાં અફવાઓ ખૂબ જ જલ્દી પ્રસરી જાય છે એટલે કોઈપણ માહિતીની પૂરેપૂરી ચકાસણી કર્યા બાદ જ આગળ ફોરવર્ડ કરો.

મિત્રો, તમને જણાવી દઈએ કે ફેક ન્યુઝ, ખોટી માહિતી, અફવાઓ કે ઉપજાવી કાઢેલા ન્યુઝ આપણા દેશ અને દેશવાસીઓને ઘણું બધું નુક્શાન પહોંચાડે છે એટલે ચાલો આપણે બધા મળીને સંકલ્પ લઈએ કે, ખોટી અફવાઓથી દુર રહેશું અને આવા મેસેજ ફોરવર્ડ નહીં કરીએ….

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ ઉપયોગી પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!