ગઈકાલે મુંબઈની એક હોસ્પિટલમાં રીટા ભાદુરી અવસાન પામ્યા હતા. કિડની ફેલ થવાને કારણે છેલ્લા 10 દિવસથી ICUમાં હતાં. નોંધનીય છે કે રીટા ભાદૂરી કુંવારા હતા. તેઓ 62 વર્ષની ઉંમરે દુનિયાને છોડીને ચાલ્યા ગયા. પ્રાપ્ત વિગતો મુજબ એમના અંતિમ સંસ્કાર આજે 17મી જુલાઈએ બપોરે કરવામાં આવશે.
કદાચ મોટાભાગના લોકો અભિનેત્રી રીટા ભાદુરીને ગુજરાતી જ સમજે છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે તેણી બંગાળી પરિવારમાંથી છે. એમનો પરિવાર આર્થિક ઉપાર્જન માટે બંગાળમાંથી ઉત્તર પ્રદેશમાં વસ્યો હતો આથી તેમનો ઉછેર હિન્દી માહોલમાં થયો હતો. ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યો હતો.
રીટાએ 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની નામાંકિત ગુજરાતી ફિલ્મો પારકી જણી, ઘેર ઘેર માટીના ચૂલા, સમયની બલિહારી, ચુંદડીના રંગ, ચંદન ચાવાળી, અખંડ ચૂડલો વગેરે હતી. જોકે તેમણે પોતાના કેરિયરની શરૂઆત મલયાલમ ફિલ્મથી કરી હતી. ત્યારબાદ તેમણે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે ભોજપુરી, બંગાળી, મરાઠી ફિલ્મોમાં તેમજ ઘણી બધી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે.
છેલ્લે તેઓ પ્રખ્યાત ટીવી સિરિયલ ‘નિમકી મુખિયા’માં ઈમરતી દેવીનો અભિનય કરી રહ્યાં હતાં. રીટાજીના નિધનની માહિતી સીનિયર એકટર શિશિર શર્માએ ટ્વીટ કરીને આપી હતી.
જ્ઞાન સાથે ગમ્મતની આખી ટીમ રીટા ભાદુરીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને ઈશ્વર એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના સહ….
ૐ શાંતિ….