શિવલિંગ પર લોકો સાવરણી ચઢાવે છે – અજીબો ગરીબ કારણ વાંચીને ચોંકી જશો

હિન્દુ ધર્મમાં શિવજીનું મહત્ત્વ ખરેખર અનોખું જ છે. લગભગ બધાં જ ઇલાકામાં શિવજીના મંદિરો આવેલા હોય છે. દરેક શહેર, દરેક ગામ કે દરેક વસાહતમાં શિવજીનું મંદિર તો હોય જ છે. બાર જ્યોતિર્લિંગથી માંડીને અનેકાનેક મંદિરો શિવજીની ભારત પરની અનોખી કૃપાની જ તો સાક્ષી સમાન છે ને…!

આપણી જાણકારી મુજબ, શિવજીને પ્રસન્ન કરવા અને એમની પૂજા-અર્ચના કરવા માટે મુખ્યત્ત્વે શિવલીંગ પર ધતૂરો અને બિલીપત્ર ચડાવવામાં આવે છે. હમણાં હવે શ્રાવણ મહિનો આવશે અને શિવજીની સુંદર ઉપાસનાઓ શરૂ થઇ જશે! વળી, દૂધ જેવા પદાર્થો અને અમાસને દિવસે શિવજીને થાળ ધરવાની પણ પ્રથા રહેલી છે.

પણ અહીઁ આજે વાત અનોખી છે. શિવજીને બિલીપત્ર, ધતૂરો ચડાવાય એ તો બરોબર; પણ કદી એવું સાંભળ્યું છે કે – શિવજીને ઝાડૂ ચડાવાય…!! જી હાં, ભારતમાં એક મંદિર એવું પણ છે જ્યાં શિવજીને ઝાડૂ ચડાવવામાં આવે છે…! ધતૂરા અને બિલીપત્રને સ્થાને ઝાડૂ? ચોક્કસ આશ્વર્યજનક વાત છે ને?

મંદિર ઉત્તરપ્રદેશમાં આવેલ છે. ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જીલ્લાના બીહાજોઈ નામના ગામમાં આવેલ છે આ મંદિર. પાતાલેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે અહીં બિરાજમાન શિવજી. મંદિર લગભગ ૧૫૦ વર્ષ પુરાણુ છે. અહીં લોકો ત્વચા સબંધી ગમે તેવા રોગને લઇને શ્રધ્ધાપૂર્વક શિશ ઝુકાવે છે. ભોળાનાથને ઝાડૂ ચડાવવાનો રિવાજ અહીંની અનોખી ખાસિયત છે.

ત્વચા સબંધી કોઇ પણ બિમારી હોય, બીહાજોઈના આ મંદિરમાં એનો ઇલાજ છે. લોકો અહીં અનેકોની માત્રામાં ઝાડૂ ચડાવવા માટે આવે છે. પૂજારીશ્રીના જણાવ્યાં મુજબ, સોમવારે તો અહીં એમ કહોને કે વારો આવતો નથી!

પણ સવાલ થાય કે આખરે શા માટે દાયકાઓથી-સદીઓથી આ ઝાડૂ ચડાવવાની પરંપરા ચાલી આવે છે? આખરે એની પાછળ કોઇ કારણ તો હશે ને ? અલબત્ત, ચોક્કસ કારણ છે જ! અને એ પણ એવું રસપ્રદ છે કે તમે જાણીને ચોઁકી ઉઠશો. આવો જાણીએ :

વાત જાણે એમ છે કે, આ પ્રદેશમાં અમુક સમય પહેલાં ભિખારીદાસ નામક એક શેઠ રહેતાં હતાં. શેઠ હતાં બહુ ધનવાન. ત્વચા પર કાળા ધબ્બાં એમની એક માત્ર પરેશાની હતી. આ પરેશાની એવી હતી કે, શેઠની ચામડીમાં લ્હાય બળતી! એને રાત નીંદર ના આવે. એક દિવસ આના ઇલાજ માટે એ વૈદ્યને ત્યાં જવા નીકળ્યા.

રસ્તામાં લાગી જબરી તરસ. આજુબાજુ નજર દોડાવી તો થોડે દૂર એક આશ્રમ દેખાયો. શેઠ આશ્રમમાં ગયાં. ફળિયામાં એક સાધુ સાવરણો(ઝાડૂ) લઇને વાળે. શેઠને એના ઝાડૂનો સ્પર્શ થયો અને જાણે ચમત્કાર સર્જાયો…!! એક જ પળ અને શેઠની બધી જ પીડા ગાયબ થઇ ગઇ, ચામડી શુધ્ધ થઇ ગઇ!

શેઠે સાધુને કારણ પૂછ્યું. સાધુએ કહ્યું કે, આ તો શિવજીનો આશીર્વાદ છે! તેઓ શિવજીના બહુ મોટા ભક્ત છે. શેઠે સોનામહોરોની થેલી આપવા ઇચ્છી પણ સાધુએ ના પાડી. કહ્યું કે, જો કંઇ કરવું જ હોય તો આ જગ્યા પર શિવજીનું મંદિર બનાવી દે. અને શેઠે બનાવ્યું. બસ, એ દિવસથી જ આ પરંપરા ચાલુ થઇ.

આજે તો માત્ર મુરાદાબાદ જ નહી પણ અનેક પ્રદેશના લોકો અહીં આસ્થાપૂર્વક શિવજીને શિશ ઝુકાવે છે. છે ને અજબ શ્રધ્ધાની વાત…!!

દોસ્તો, વાત રસપ્રદ લાગી હોય તો જરૂરથી આ અનોખી જાણકારી આપના મિત્રો સાથે પણ શેર કરજો. ધન્યવાદ…!

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!