તૈમુર ખાન ના કેરિયર વિશેનું કરીના કપૂર ખાને સેવેલુ સ્વપ્ન વાંચવા જેવુ છે

બોલિવૂડની દુનિયાની તો શી વાત કરવી? કાયમ કંઇક તો નવું હોય જ છે આ પરાઓની ને પરીઓની દુનિયામાં…! કાં કોઇ ફિલ્મ રીલિઝ હોય, કાં વળી કોઇ ફંક્શન હોય કે કાં તો કો’કના ડખ્ખા હોય…! મીડિયાનું ધ્યાન જેમ-જેમ ‘બોલિવૂડ બ્રહ્મ’ના સિધ્ધાંતને અનુસરીને બોલિવૂડની સેલિબ્રિટીઓ પર વધારેમાં વધારે કેન્દ્રીત થતું જાય છે તેમ-તેમ અનેક વાતો સામે આવે છે. સ્ટારડમના પારીવારીક કાવાદાવાઓ પણ ખાસ્સા ચર્ચિત રહે છે.

પણ આજકાલ સ્ટાર ઉપરાંત તેમના કિડ્ઝ વિશે પણ લોકોનું સારું એવું ધ્યાન આકર્ષવામાં મીડિયા સફળ રહ્યું છે. હમણાંકથી બોલિવૂડ એક્ટરોના નાના છોકરાઓની કંઇક વધારે જ ચર્ચા થઇ રહી છે. જેને પરીણામે આ ભાગ્યશાળી સંતાનો જન્મજાત સેલિબ્રિટી બનીને અવતર્યાં છે! બોલિવૂડના ઘણા સ્ટારના કિડ્ઝ જન્મજાત ફેમસ થઇ ગયાં છે.

ઉદાહરણ તરીકે, ( ખબર જ હોયને જાનીસારો! ) કરીના કપૂર અને સૈફ અલી ખાનનો વ્હાલસોયો અને એથીયે વધારે મીડિયાનો લાડકવાયો – તૈમુર! લખ લખ જન્મના પુણ્ય હશે તૈમુરના જેથી તેને આવો પ્રતાપી અવતાર મળ્યો. છોકરો જન્મ થતાં જ ફેમસ બની ગયો. વિવાદાસ્પદ ઇલાકામાં આંટા દેતી રશિયાની સબમરીનની જેટલી જાસુસી અમેરીકાના કેમેરાઓ નહી કરતાં હોય એના કરતાં પણ વધારે જાસુસી મીડિયાએ તૈમુરની કરી છે. એની છઠ્ઠી ના દિ’થી કેમેરો જાણે એની સામેથી ખસ્યો જ નથી!

એક વિવાદ એ બાબતે પણ ચગ્યો હતો કે, શા માટે કરીનાએ એના દિકરાનું નામ તૈમુર રાખ્યું? લોકોને રોષ એ બાબતે હતો કે, તૈમુર લંગ નામના એક ક્રુર મુસ્લિમ બાદશાહે દિલ્હી પર મીઠાંના હળ હાંકેલા! જો કે, કરીના કે સૈફને લોકોના આ બકવાટથી કોઇ ફરક ના જ પડે એ સ્વાભાવિક છે.

તૈમુર તરફ જ રહેલી મીડિયાની નજરોમાં ક્યારેક તૈમુરની બાળપણ દેખાય છે. ક્યારેક વળી એની હંસી દેખાડવામાં આવે છે તો ક્યારેક જગતભરમાં અનન્ય એવું એમનું રૂદન દેખાડવામાં આવે છે. ( આજના બ્રેકિંગ – તૈમુરના રૂદને રડાવ્યાં ઝાડવા..!! )

હરેક મા-બાપની ઇચ્છા હોય છે કે પોતાનું સંતાન સારો એવો હોદ્દો મેળવે. અને સમાજમાં પોતાની પ્રતિષ્ઠા ટકાવી રાખે. હાલ જ એક એવોર્ડ સેરેમનીમાં કરીનાને પૂછવામાં આવેલું કે, તમે તૈમુરને શું બનાવવા માંગો છો? અને કરીનાએ આપેલા જવાબમાં સ્વાભાવિક રીતે બધાંને દિલચસ્પી હોય જ. એનો જવાબ પણ ચોંકાવનારો જ હતો.

કરીનાએ કહ્યું કે, “હું નથી ઇચ્છતી કે તૈમુર મારા કહેવા પ્રમાણે પ્રોફેશન પસંદ કરે. એને ખુદની આઝાદી હોવી જોઇએ. જો કે, હું એટલું તો ઇચ્છું છું કે તૈમુર મોટો થઇને મહાન ક્રિકેટર બને!” આમ થાય તો ખાન ખાનદાનમાં એક બીજો ક્રિકેટર પેદા થશે. તૈમુરના દાદા મન્સુર અલી ખાન પટૌડી એક સદાબહાર મહાન ક્રિકેટર હતાં. સૈફને જ્યારે આવો સવાલ પૂછાયેલો ત્યારે તેણે કંઇક આવું કહેલું, “તૈમુર એક સાધારણ જીંદગી જીવે તેમ હું ઇચ્છું છું. તેમને આગળ અમે ઇંગ્લેન્ડની કોઇ સારી એવી બોર્ડિંગ સ્કુલમાં ભણવા મુકવા માટે વિચારી રહ્યાં છીએ.”

જાણકારી માટે એ પણ જાણી લો કે, બોલિવૂડના કિંગ ખાન ઉર્ફે શાહરૂખ ખાને પોતાના દિકરા અબરામને હોકી પ્લેયર બનાવવા ઇચ્છા દર્શાવી હતી. તેમના કહેવા પ્રમાણે તેની ઇચ્છા છે કે, અબરામ ભવિષ્યમાં ભારત માટે હોકી રમે. અબરામને ક્રિકેટ કરતાં ફૂટબોલમાં વધારે રસ છે.

તૈમુર હાલ એક વર્ષ અને ત્રણ મહિનાનો થઇ ચુક્યો છે. વધુ પડતો સમય એ પોતાની નાની સાથે જ ગાળે છે. પણ ક્યારેક કરીના સાથે પણ નજરે ચડે છે. શૂટીંગ સેટ પર પણ જાય છે. થોડા સમય પહેલાં તેણે કરીના સાથે ‘વીરે દી વેડિંગ’ના સેટ પર હાજરી આપી હતી.

Leave a Reply

error: Content is protected !!