જોઈ લો આ મંદિરમાં કાલીમાં ને લાગે છે ગરમી – પરસેવો પણ નીકળે છે

હવે તો લગભગ ગુજરાતમાં બધે જ મેઘરાજાએ છાંટણા તો નાખી જ દીધાં છે. ક્યાંક અઠવાડિયાની હેલી નાખી છે તો ક્યાંક ઝરમરાટ ચાલુ કર્યો છે. પૃથ્વીવલ્લભની તૈલપની નગરીમાં આવતી સવારી જેવી મેઘરાજની સવારી આવી પહોંચી છે, ગજરાજ શા ડગ માંડતી! ધોમધખાવતો ઉનાળો ગયો અને એ સાથે ગરમીની રહીસહી યાદો પણ ભૂંસાઈ ચુકી હોય એમ બને. પણ એથી શું? ગરમી કદી ભુલાવવાની છે? ના, એ તો ચીરકાળ છે!

ઉનાળો આવે અને ગરમીનો અનુભવ થવા માંડે, પ્રેક્ટિકલી ઇફેક્ટ દેખાવા માંડે એટલે આપણે તરત એસી, કુલર કે સરેરાટી બોલાવતા પંખાનો સહારો લઇએ. આ જ મુદ્દા પર આજે કરવી છે એક અજનબી પણ સત્ય વાત. માણસને ગરમી લાગે એ તો જાણે ઠીક. પણ કદી એવું સાંભળ્યું છે કે, મંદિરમાંના ભગવાનને ગરમીનો અનુભવ થાય? તમને લાગશે કે, વરસાદથી અઠવાડિયાની હેલીથી કંટાળીને આ મનફાવે એમ ફેંકવા માંડ્યા ને હવે આને ગરમીની વાતો સુજે છે! પણ ના, એવું કંઈ નથી. આ વાત પૂર્ણ સત્ય છે. અને એ પણ જાણી લો કે, મંદિર અને મૂર્તિ દેવીની છે. વળી, માતાજીને ગરમી ના લાગે એટલા માટે મંદિરમાં એસી પણ લગાવવામાં આવેલ છે…!!

જબલપુરના સદર પ્રાંતમાં સ્થિત આ મંદિર કાળી માતાનું છે. માતાજીની સાડા પાંચસો વર્ષ જૂની પ્રતિમા અહીઁ બિરાજમાન છે. એમ માનવામાં આવે છે કે, સ્વયં સિધ્ધી જગદંબા માતા કાળીની મૂર્તિ ગોંડવાના સામ્રાજ્યના સમયમાં પ્રસ્થાપિત કરવામાં આવી હતી. એ તો આશ્વર્ય જ છે કે, માં કાળીની પ્રતિમાથી ગરમી બર્દાશ્ત નથી થતી અને પરીણામે જ એની મૂર્તિમાં પરસેવો વહેવા માંડે છે! આથી ભક્તજનોએ મંદિરમાં એસી પણ લગાવેલ છે.

જ્યારે પણ મંદિરમાં એસી બંધ થાય છે તો મહાકાળી માતાની મૂર્તિમાંથી રીતસર પરસેવો નીકળવો શરૂ થઇ જાય છે અને આ કોઇ મજાક નથી; તમે જાતે જોઇ શકો છો એ પરસેવો! માતાજીની મૂર્તિમાંથી નીકળતા પરસેવાના રહસ્યને જાણવા માટે સાયન્ટિસ્ટો ઊઁધેકાંધ થયાં પણ પરીણામ શૂન્ય! હાં, એમ બધાં રહસ્યો વિજ્ઞાન ઉકેલી લે તો તો શું જોઇએ!

ટ્રસ્ટના પંડિતો કહે છે કે, ગોંડવાના સામ્રાજ્યની મહારાણી અને ભારતીય ઇતિહાસમાં જેનું નામ સદાને માટે સુવર્ણ અક્ષરે લખાયેલું છે તે રાણી દુર્ગાવતીના સમયમાં મદન મહલ પહાડી પર એક સુંદર મંદિર રચાયું. મંદિરમાં માતા શારદા અને માતા કાળીની મૂર્તિઓ પ્રસ્થાપિત કરવાની હતી. માતા કાળીની મૂર્તિ લઇને એક કાફલો મંડલાથી જબલપુર માટે રવાના થયો. પણ જેવો એ કાફલો જબલપુરના સદર પ્રાંતમાં પહોંચ્યો કે મહાકાળીની પ્રતિમા જેમાં હતી એ બળદગાડી ત્યાંને ત્યાં જ ચોંટી ગઇ. ના આમ હલે, ના તેમ હલે! એ જ રાતે કાફલામાંની એક નાનકડી બાળાના સ્વપ્નમાં આવીને કાળીકા માતાએ કહ્યું કે, એમની પ્રતિમા માટે આ જ જગ્યા ઉત્તમ છે. અને પરીણામ સ્વરૂપ મહાકાળી માંની મૂર્તિને તળાવની વચ્ચોવચ્ચ એક ટેકરા પર મુકવામાં આવી. આજે અહીં મહાકાળી માંનું મંદિર બન્યું છે.

કોઇ નથી રોકાતું રાત! –

કાળી માતાના મંદિરમાં હરપળ માતાજીનો વાસ છે તેવી નિશ્વિત માન્યતા છે. અને માટે જ અહીં રાત્રિવેળા કોઇને પણ રહેવાની કે રોકાવાની અનુમતિ છે નહી! મંદિરના પરીસરમાં આવેલી પ્રસાદ અને પૂજાપાઠના સામાનની દુકાનો ૨૦૦ વર્ષથી આજે પણ ચાલુ છે! વળી, કોઇ પણ મોસમ હોય – એસી બંધ થતાં જ માતાજીની મૂર્તિમાંથી પરસેવો નીકળવા માંડે છે.

છે ને ગજબ-અજબના રહસ્યો?! આ જ તો કારણ છે – માતાજીના મંદિરે થતી લાખો ભાવિકોની ભીડનું…!!

દોસ્તો, છે ને આ પણ એક ભારતની આગવી વિશેષતા! લેખ જાણવા યોગ્ય લાગ્યો હોય તો જરૂરથી આપના મિત્રો સાથે પણ શેર કરી જ દેજો હો! અને હાં, આવી કાયમની અવનવી માહિતી વાંચવા-માણવા-જાણવા માટે અમારા પેજની મુલાકાત લેતા રહેજો. ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!