પક્ષીઓને ચણ નાખો છો? તો આટલી વાતોનું ધ્યાન જરૂર રાખજો

એક એવો પણ સમય હતો જ્યારે ગામની મધ્યે બંધાયેલા ચબૂતરા પર સવાર-સાંજ-બપોર સદાયે ગગનને ગોખે વિહરનારા પંખીડાઓનો કલરવ સંભળાતો. આપણા વડવેરાઓ અચૂક પણે આંગણે આવતા પંખીઓને ચણ નાખતા, આંગણાના લીમડે ભાંગેલા માટલાના તળીયાના ભાગનું ઠીકરું રાખી અને એમાં પાણી ભરી મુકતા. વાંભે’ક સુરજ આસમાને ચડે એટલે પંખીઓનો કલરવ શરૂ થતો!

ખેર…એ તો હવે ક્યાંક ક્યાંક કળાય છે. પણ હાં, પક્ષીઓને ચણ નાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પણ થાય છે. આજે પણ અમુક લોકો રાખે જ છે ઘરની છત પર કે બાલ્કનીઓમાં પક્ષીઓના ખાવા-પીવાની વ્યવસ્થા. ચબૂતરાની સંસ્કૃતિની એક ઝલકરૂપે બધાંએ પંખીને દાણા નાખવા જ જોઇએ એ કહેવાની વાત તો છે નહી. પણ આપણો ટોપિક એ છે કે, શું તમને ખબર છે કે પક્ષીને દાણા નાખવામાં પણ કેટલાંક નિયમોનું તો પાલન કરવું જ જોઇએ. અને આડેધડ સત્કાર્ય કરો તો એનો બુરો પ્રભાવ પડી શકે છે એવું જ્યોતિષશાસ્ત્ર કહે છે.

મુઠી ચણ નાખતા જાજો! –

ધાર્મિક શાસ્ત્રોમાં આપણા મુનિઓએ પણ કહેલું છે કે, આંગણે આવેલા પંખીઓને દાણો-પાણી નાખવું એ ધર્મનું કામ છે. એક ઇન્સાનની ઓલાદ તરીકે એ કાર્ય કરવું જોઇએ. માણસની અનેક પરેશાનીઓ આનાથી દુર થાય છે એ શાસ્ત્રોક્ત સાબિતી છે. પક્ષીને દાણા નાખવાથી પ્રભુની અતૂટ કૃપાની વર્ષા ચોક્કસપણે થાય છે અને સાથે અડીખમ શરીર રાખનાર સ્વાસ્થયની પણ પ્રાપ્તિ થાય છે. પૂણ્યની પ્રાપ્તિ તો ખરી જ, પણ મનની બેચેની, પારીવારીક ક્લેશ-ઝઘડા, ખરાબ સ્વાસ્થય જેવા અનેક દોષોનું આ સત્કાર્યથી નિવારણ આવે છે.

જીવનના કષ્ટ ધીરેધીરે દુર થાય છે. કહેવાય છે કે કિડીઓ, ચકલીઓ, ખિસકોલીઓ, પોપટ, કાગડા જેવાં જીવને દાણો આપવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. (માનવામાં ના આવતું હોય તો અનુભવ કરી જોજો!) પશુ-પક્ષીઓને એમને ખોરાક આપવાથી અશુભ ગ્રહોથી મૂક્તિ મળતી હોવાનું પણ વિધાન છે.

આટલી વાતોનું રાખજો ધ્યાન –

આમ તો પક્ષીઓને ચણ નાખવી એ શુભ કાર્ય જ છે. એમાં કોઇ બેમત હોય જ શકે નહી. પણ જ્યોતિષશાસ્ત્ર કહે છે કે, એ વખતે અમુક નિયમોનું ધ્યાન રાખવું જોઇએ. શક્ય છે કે, અમુક નિયમભંગ તમારા માટે વિપત્તિ પણ ઉભી કરી શકે!

જો તમારી બાલ્કનીમાં, છત પર કે ફળિયામાં કબૂતરોનું ટોળું ચણવા ઉતરે તો ધનભાગ્ય તમારા! કબૂતરને બુધ ગ્રહનું જાતક માનવામાં આવે છે. અને માટે જ કબૂતર ચણવા આવે એ સંકેત ઘણો જ શુભ મનાય છે. ઘરની છત એ રાહુનું પ્રતિક મનાય છે. કબૂતરના આવવાથી બુધ અને રાહુનો સમન્વય સંધાય છે જે જાતકો માટે ઘણો શુભ સંકેત છે. ધ્યાન એ વાતે રાખવાનું કે, પક્ષીઓને દાણા નાખવાની જગ્યા અથવા તો પાણી આપવાની જગ્યા સાફ-સૂથરી રાખવી. અત્યંત ગંદકીયુક્ત જગ્યા પર તમે ચણ નાખો તો એ કબૂતર માટે તો હાનિકારક છે જ પણ એનાથી પરીવાર પર પણ રાહુની છાયા બેસી જાય છે, જે અશુભ ચિહ્ન છે. માટે ખ્યાલ એ વાતે રાખવો કે, હંમેશા પક્ષીઓને ખોરાક-પાણી આપવાની જગ્યા સાફ હોય.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!