કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

વસુંધાની માનવજાત અનેક ધર્મોથી વિભાજીત થયેલી છે/જોડાયેલી છે.અનેક ધર્મો,એને લગતી પ્રથાઓથી મનુષ્ય ઇશ્વરને ભજે છે.હિન્દૂ ધર્મમાં પણ અનેક વિશાળતાઓ સમાયેલી છે.લોકો અલગ-અલગ સંપ્રદાય,અલગ રીવાજ,અલગ આરાધ્ય દેવને પૂજે છે.

અમુક શિવગામી છે,અમુક શક્તિપૂજક છે,કોઇ વૈષ્ણવ તો કોઇ કબીરપંથી-સહજાનંદ સ્વામીના અનુયાયીઓ-સાંઇપંથી વગેરે.કોઇ બુધ્ધમાર્ગી છે તો કોઇ જૈનમાર્ગી;કોઇ વળી નાનકપંથી!કોઇ ઇશ્વરને મૂર્તિમાં નહી બલ્કે પ્રકાશના એક તેજપૂંજના રૂપમાં જુએ છે જે આખી દુનિયાનું ચાલકબળ છે.અનેક વાદો પણ કાર્યરત છે ઇશ વિશેના.

પણ અંતે તો આ બધા માર્ગો એક જ વાત તરફ અંત પામે છે.એક મંઝીલે આવીને ઉભા રહે છે કે જગત મિથ્યા છે,સંસાર ક્ષણભંગુર છે.જે દેખાય છે સર્વનો વિનાશ છે.બધું જ નાશી છે,અવિનાશી કશું જ નહી!સિવાય કે આત્મા અને બ્રહ્મ!અંતે તો મૃત્યુ એ જ નિમિત્ત છે.નિરંજન સાહેબ કહે છે તેમ મૃત્યુ જન્મ સમયે તો કોઇ અજાણ્યા વ્યક્તિ સમાન લાગે છે પણ વખત વીતતાં એની સાથે આત્મીયતા કેળવાતી જાય છે!

શૈવપંથીઓ માને છે કે,ભગવાન શિવ સૌથી અલગ છે.તેઓ અઘોર છે,સર્વસ્વ છે,પ્રખર તેજોમય છે અને પ્રબળ વૈરાગી.ૐ અઘોરેભ્યો અથઘોરેભ્યો…!અને ખરેખર એ જ તો શિવ છે!

ભગવાન શિવનું સ્થાનક છે સ્મશાન –

આપણે ઘણી વખત આ વાત સાંભળી હશે કે,ભગવાન શિવ સ્મશાનમાં વાસ કરે છે.પણ ક્યારેય વિચાર્યું છે કે શા માટે મહાદેવ મસાણે મહાલે છે ?તો આજે વાંચી જ લો આની પાછળનું કારણ :

આથી છે મહાદેવનું મથક મસાણ –

સંસારમાં અક્ષર માત્ર અક્ષર છે,સિવાય કશું જ નથી અહીં અવિનાશી રહેવા માટે સર્જાયેલુ.કહેવાય છે કે,શિવજી જીવન અને મરણ વચ્ચે અચળ સંતુલન બનાવી રાખવા અર્થે જ મસાણમાં વાસ કરે છે.માટે એ પવિત્ર જગ્યા છે.સંસારને સંતુલિત રાખવા માટે ભોલેનાથ અહીં વાસ કરે છે.

મસાણી રાખની શરીર પર ચોળેલી થર અને નરમૂંડી માળાની ધારણા,સાથે વેતાળ-ભૂત-પિશાચનું સંમેલન!સળગતી ચિતાઓની વચ્ચે આશરો!શિવ સંદેશ આપે છે કે,જે રીતે એ અમૃત અને વિષ વચ્ચે સંંતુલન રાખે છે,રાજનાગ ધારણ કરે છે તેમ માનવીએ પણ સંતુલન ના ખોવું જોઇએ!માયા ક્ષણિક છે,એના મોહમાં જીંદગી ના હોમાય.સંસારની આવી વિષજાળોથી સંતુલન સાચવીને વૈરાગ્ય ધારણ કરો.ખરો ઉદ્દેશ્ય તો એક છે-જીવન મરણની ઘટમાળમાંથી મોક્ષમાર્ગી વાહન પકડવાનો જ સ્તો!

બસ,આ જ સંદેશ શિવ આપે છે અહીં આવતા નિચેતન શરીરને અને એની સાથે આવેલા પરીવારજનોને કે તમારો પણ હવે થોડા સમયમાં આ હાલ થશે ત્યાં સુધીમાં જીવી શકાય એમ જીવી લો!

આર્ટીકલ જાણકારીપૂર્ણ લાગ્યો હોય તો અન્ય મિત્રો સાથે પણ શેર કરજો,ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!