રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

બજારમાંથી કોઈપણ વસ્તુ ખરીદતા પહેલા એની મેન્યુફેક્ચરિંગ તારીખ અને એક્સપાયરી ડેટ ચેક કરવાનું કેટલું જરૂરી છે એ તો આપ સૌ જાણો જ છો. કોઈપણ ચીજવસ્તુંઓની એક્સપાયરી ડેટ ખૂબ જ મહત્વની હોય છે જેથી આપણને ખ્યાલ આવે કે એનો ઉપયોગ ક્યારથી બંધ કરવો. જે લોકો એક્સપાયરી ડેટ જોયા વગર જ ઉપયોગ કરતા હોય એમને ભારે નુકશાન ભોગવવું પડે છે. પણ આજકાલ લોકો ખૂબ જ જાગૃત થઈ ગયા છે કોઈપણ વસ્તુ ખરીદતા પહેલા એની એક્સપાયરી ડેટ ચોક્કસથી તપાસે છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી પણ છે કે જેનો ઉપયોગ આપણે રોજીંદા કર્યે છીએ છતાં આપણને એની એક્સપાયરી ડેટ ખબર નથી હોતી. આજે અમે તમને કેટલીક એવી જ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની એક્સપાયરી ડેટ વિશે જણાવવાનાં છીએ કે જેના વિશે આપણને ખ્યાલ નથી હોતો.

(1) ટૂથબ્રશ


સૌથી પહેલા વાત કર્યે ટૂથબ્રશની જેનો ઉપયોગ આપણે બધા દરરોજ કર્યે છીએ પણ ઘણા લોકો એવા પણ છે કે જે નથી જાણતા કે ટૂથબ્રશની પણ એક્સપાયરી હોય છે. ઘણા લોકો તો ટૂથબ્રશનાં છોલે-છોલા નીકળી જાય તોયે ઘસીએ જ રાખે…ઘસીએ જ રાખે…પણ આજે અમે તમને જણાવી દઈએ કે ટૂથબ્રશનું આયુષ્ય 3 મહિના સુધી હોય છે. દર ત્રણ મહિને ટૂથબ્રશ બદલી નાખવું જોઈએ નહીતર ચોગઠું ખરીદવું પડે…

(2) હેર બ્રશ


હેર બ્રશ પણ રોજીંદા વપરાશની એક વસ્તુ છે, એટલે એક વાત તો નક્કી છે કે ડેઇલી વપરાશને કારણે હેર બ્રશ પણ જલ્દી ગંદા થઈ જાય છે. એટલે હેર બ્રશને દર અઠવાડિયે એક વખત જરૂર ધોઈ નાખો અને એક વર્ષ પછી બદલી નાખો. નહીતર હેરબ્રશનાં બધા દાંતા તૂટી જશે અને તમે ટકલા થઈ જશો..

(3) બ્રા


મહિલાઓનાં અંતર્વસ્ત્રોમાં બ્રા મહત્વપૂર્ણ છે. વધુ દિવસો સુધી ઉપયોગ કરવાથી બ્રા નો આકાર બદલાય જાય છે અને તે ઢીલી થઈ જાય છે એટલે એને તરત જ બદલી નાખવી જોઈએ. સારી ક્વાલીટીની બ્રા 1 અથવા 2 વર્ષ જ ચાલે છે.

(4) ટુવાલ


દરરોજ સ્નાન કર્યા પછી શરીર કોરૂં કરવા માટે વપરાતો ટુવાલ પણ 2-3 વર્ષે બદલી નાખવો જોઈએ. ટુવાલમાં ઘણા બધા સૂક્ષ્મ જીવાણું જમા થાય છે એટલે એને સમયાંતરે ધોવો જોઈએ. આપણે બધા જાણીએ જ છીએ કે લાંબા ગાળાનાં ઉપયોગ બાદ ટુવાલમાં કાણા પડી જાય છે, દોરે-દોરા નીકળી જાય છે. હવે આવા ટુવાલ સાથે કોઈ મહેમાન આપણને જુવે તો કેવું લાગે ? જુના ટુવાલમાં તો કાસડી (લંગોટ) પણ ઢીલી પડી જાય છે અને ટુવાલ નીકળી જવાનો ભય રહે છે.

(5) પેસીફાયર (ચૂસણી)


રડતા બાળકને ચૂપ કરાવવા માટે પેસિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. એને સમયાંતરે ગરમ પાણીથી ધોવી જરૂરી છે. પણ એમાં કાણું પડી ગયુ હોય તો નવી લઈ લેવી જોઈએ. દર 2 મહિને પેસિફાયર બદલી નાખવી જોઈએ.

(6) સ્પંજ


આજકાલ બધા લોકો કિચનમાં વાસણ ધોવા માટે સ્પંજનો ઉપયોગ કરે છે પણ શું તમે જાણો છો કોઈપણ ડિશ સ્પંજનો ઉપયોગ 2 અઠવાડિયા કરતા વધુ ન કરવો જોઈએ. ડિશ સ્પંજમાં જમા થયેલ બેક્ટેરિયાથી ટાઈફોઈડ, ફૂડ પોઇઝનિંગ અને પેટમાં ઇન્ફેક્શન જેવી બીમારી થઈ શકે છે.

(7) સ્લિપર્સ


હવે તમે કદાચ વિચારી રહ્યા હશો કે વળી, સ્લિપર્સની પણ એક્સપાયરી ડેટ કંઈ હોતી હશે? જવાબ છે હાં, તમને જણાવી દઈએ કે સ્લિપર્સ ખૂબ જ જલ્દી ફંગલ ઇન્ફેક્શન ફેલાવે છે તેમજ એના તળિયા ઘસાઈ જવાથી ચાલતા-ચાલતા લપસી જવાની પણ સમસ્યા થવા લાગે છે. એટલે સ્લિપર્સ પણ દર 6-7 મહિને બદલી નાખવા જોઈએ.

(8) પાવર સોકેટ


આમ તો પાવર સોકેટ બોક્સ ઉપર કોઈ એક્સપાયરી લખેલ નથી હોતી પણ એના વધુ પડતા વપરાશ બાદ એ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે. વધુ પડતા વપરાશને કારણે ઈલેક્ટ્રોનિક સાધનોને નુક્શાન તેમજ શોર્ટ-સર્કિટનો ભય વધી જાય છે એટલે દર 4-5 વર્ષે પાવર સોકેટ બદલી નાખો.

(9) રનિંગ શૂઝ


જે લોકો વધુ રનિંગ કરે છે એ લોકોએ એકના એક શૂઝ લાંબા સમય માટે ન વાપરવા જોઈએ કારણ કે વધુ પડતા વપરાશથી શૂઝમાં રહેલ ગાદી ઘસાઈ જાય છે જેનાથી તમારા પગના તળિયા પર વધુ જોર પડે છે. જેના કારણે પગમાં દુઃખાવો થવાની સંભાવના વધી જાય છે. એટલે રનિંગ શૂઝ દર 1 વર્ષે ચેન્જ કરી નાખવા જોઈએ.

(10) ઓશીકું


ઓશીકું ગમે એટલું જૂનું થઈ ગયું હોય તો પણ કેટલાક લોકો એને છોડવાનું નામ નથી લેતા. પણ આમ કરવાથી તમને તકલીફ થઈ શકે છે. હકીકતમાં લાંબા વપરાશ બાદ ઓશિકાનો આકાર બદલાય જાય છે જેનાથી ગરદનમાં દુખાવાની સમસ્યા સર્જાય શકે છે. એટલે ભલાઈ એમાં જ છે કે દર 2-3 વર્ષે ઓશીકું બદલી નાખવું જોઈએ.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ ઉપયોગી પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!