પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

મિત્રો,

 • હું જીજ્ઞેશ શનિશ્વરા અને મારા નેચર લવર મિત્રો હિંમતનગરમાં ‘હિંમતનગર નેચર ક્લબ’ ચલાવીએ છીએ. જેની પ્રવૃત્તિઓમાં મુખ્ય અને 24/7 સેવાની પ્રવૃત્તિ સ્નેક રેસક્યુની છે. તે ઉપરાંત અમે સ્કૂલો, કોલેજો, સોસાયટીઓ કે કૉમ્યુનિટીમાં પર્યાવરણ અને વન્યજીવનને લગતા awareness programs પણ કરીએ છીએ. સાબરકાંઠા વન વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં પણ યથાશક્તિ કામ કરીએ છીએ.

આજે વાત કરવાની છે એક અભૂતપૂર્વ ઘટનાની, એક નાનકડો વિચાર કેવું મોટું સ્વરૂપ લઈ શકે છે તેનો ચિતાર આપવો છે અહિયાં. તા, 15-09-2019, રવિવારે, ગુજરાતનાં ઉત્તરે આવેલા, પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા અને ગુજરાતનાં માથા પરના તાજ સમા પોલોના જંગલોની સફાઈ કેવી રીતે થઈ તે જાણીએ.

સાબરકાંઠા વનવિભાગના DCF શ્રી યોગેશભાઈ દેસાઇને એમની ફરજના ભાગરૂપે પોળોના જંગલોમાં વારંવાર જવાનું થતું, ત્યાં ઠેરઠેર પડેલું પ્લાસ્ટિક જોઈને એમનો જીવ બળતો. HNC (હિંમતનગર નેચર ક્લબ)ને એમની સાથે કામ કરવાનો ઘણીવાર મોકો મળ્યો હોવાથી, એમને HNCના કામ પ્રત્યે એક વિશ્વાસ અને આદર હતો. એ અમને ઘણીવાર કહેતા કે આ પોળોનું કશું કરવું પડશે. એમાં એક વાર એક મરેલી ગાય અને એના પેટમાં રહેલા પ્લાસ્ટિકને જોઈને એમને થયું કે હવે હદ થાય છે.

ઉપરની ઘટના પછી 10 સપ્ટેમ્બર, મંગળવારે તેઓએ મને ફોન કરીને સમય હોય તો મળવા માટે કહ્યું. તેમના કહેવા મુજબ 15 સપ્ટેમ્બર, રવિવારે વનવિભાગના કર્મચારીઓ, સ્થાનિક લોકો, સ્થાનિક એજન્સીઓ અને આખા ગુજરાતમાંથી જેટલા પર્યાવરણપ્રેમી સ્વયંસેવકો આવી શકે તે બધાએ ભેગા થઈને પોળોના જંગલોમાંથી પ્લાસ્ટિક ભેગું કરી લેવું. અડધો કલાકની મિટિંગમાં અમે એક રૂપરેખા બનાવી લીધી. કાર્યક્રમને નામ આપ્યું “PLASTIC-FREE POLO CAMPAIGN”. એવી આશા હતી કે 250થી 300 જેટલું માણસ પણ ભેગું થઈ જાય, તો કાર્યક્રમ સફળ થઈ જાય.

પણ, બંનેને ચિંતા એ હતી કે સમય ઓછો છે, અને કેટલા લોકોને એકત્ર કરી શકશે એ મોટો પ્રશ્ન હતો. પણ એવું વિચાર્યું કે જેટલા લોકો આવે એટલા અને જેટલું કામ થાય એટલું પણ કામ શરૂ તો કરવું જ છે. રાત સુધીમાં મેં એક અપીલિંગ કાર્ડ બનાવી આપ્યું જે સોશિયલ મીડિયામાં ફેલાવવાનું નક્કી કરેલું. બીજા દિવસે એટલે કે બુધવારે બપોરે તેને અપૃવલ મળતા તેને સોશિયલ મીડિયામાં ફરતું કરી દેવામાં આવેલું. સાંજ સુધીમાં તો તે જબરજસ્ત રીતે ફેલાઈ ગયેલું, મારી પાસેથી ફોરવર્ડ થયેલું કાર્ડ મને જ પાછું મળતું હતું, મોટાભાગના મિત્રોના સ્ટેટસમાં એ મુકાઇ ગયેલું…

પરિણામ ખૂબ જ પોઝિટિવ મળ્યું, શનિવાર રાત સુધીનો આંકડો લગભગ 600થી 650 જેટલો બોલતો હતો. અમારા ટાર્ગેટથી લગભગ બમણો. સાહેબ અને હું બંને ખૂબ આનંદમાં હતા પણ હવે નવી ચિંતા એ હતી કે આટલું માણસ ભેગું થશે તો એને સાચવવું કેવી રીતે? પણ જે લોકો જંગલની સફાઈ કરવા આવવાના હતા, એમને પોતાની સગવડ સાચવવાની બહુ પડી ન હોય એટલે એ ચિંતા ઓછી હતી.

ગુરુ, શુક્ર અને શનિવાર સુધીમાં પોળોમાં ફરજ બજાવતા ફોરેસ્ટર અને ગાઈડ મિત્રોએ આખું પોળો ફરીને રૂટ નક્કી કરી લીધા. અમે લોકોએ બેનર્સ, સર્ટિફિકેટ, ટીશર્ટ્સ, સવારે ચા-નાસ્તાથી લઈને બપોરનું ભોજન, એ બધી વ્યવસ્થા કરી. હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધી અમુક કોલેજનો સંપર્ક કર્યો જેથી રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પણ આવી શકે. તે ઉપરાંત ફોન પર રજીસ્ટ્રેશન તો ચાલુ થઈ જ ગયું હતું.

છેવટે, 15મી રવિવારની સવાર પડી. DCF સાહેબ કેમ્પસાઇટ પર જ હતા, અને હું પણ ત્યાં જ હતો. લગભગ 7:30 વાગ્યાથી ધીરે ધીરે લોકો આવવાના શરૂ થયા, અડધો-પોણો કલાકમાં તો ધસારો વધતો ગયો. પણ નસીબ એટલા સારા હતા કે બધા લોકો એકસાથે ન આવ્યા.

આવનારા દરેક સ્વયંસેવકને ટી-શર્ટ, મેડિકલમાં મળતા હેન્ડગ્લોવ્સ, માસ્ક આપવામાં આવ્યું. વનવિભાગના કર્મચારીઓ ટીમ લીડર તરીકે તૈયાર જ હતા, જેમ જેમ લોકો આવતા ગયા, એમને ચા-નાસ્તો કરાવીને એક એક રુટ પર મોકલી દીધા. કોઈ જગ્યાએ કોઈ અવ્યવસ્થા ન સર્જાઈ. હા, ધાર્યા કરતાં ઘણા વધારે લોકો હોવાથી ટી-શર્ટ્સ ખૂટયા હતા. અને સર્ટિફિકેટ પણ.

જે ટીમ સૌથી પહેલી ગઈ હતી, એ ટીમ બપોર સુધીમાં તો પોતાનું કામ પતાવીને પાછી પણ આવી ગઈ હતી. એ લોકો જમીને તરત જ પોતાની ટીમના લીડર (ફોરેસ્ટર/ગાઈડ) સાથે જંગલમાં ફરવા/ટ્રેકમાં નીકળી પડ્યા. દૂર દૂરથી પોળોમાં આવે, અને આટલી સફાઈ કરે, તો એક ટ્રેક તો બંનતા હી હૈ, ભાઈ…! આ રીતે કાર્યક્રમ ચાલ્યો એટલે કેમ્પસાઇટમાં કે જમવાના સ્થળે અતિશય ભીડ ન થઈ, અને બધુ સરસ રીતે સચવાઈ ગયું.

પણ અમને અંદાજ ન હતો કે પરિસ્થિતી કાઇક અલગ જ છે. જ્યારે એવું લાગતું હતું કે બધુ ખૂબ સરસ રીતે ચાલે છે, ત્યાં રસોડામાંથી વાત આવી કે જમવાનું ખૂટયું… અમે પુછ્યું કે હજી તો ઘણા લોકો બાકી છે, તો ખૂટયું કેમ? ત્યારે અમને ખબર પડી કે અમે ઓર્ડર 600 + 50 માણસોનો આપ્યો હતો, અને અત્યાર સુધીમાં લગભગ 850 માણસો જમી ગયા હતા.. ત્યારે અમને ખબર પડી કે કુલ 900થી વધારે સ્વયંસેવકો ભેગા થયા હતા, જેની અંદર, વનવિભાગ, સ્થાનિક ગાઇડ્સ, સ્થાનિક લોકો, ત્યાંની અમુક એજન્સીઓ અને સાબરકાંઠા, અમદાવાદ, ગોંડલ, ધ્રાંગધ્રા, પાટણ, મહેસાણા એમ દૂરદૂરથી આવેલા પ્રકૃતિપ્રેમીઓ પણ હતા.

નસીબ જોકે જેટલું સીધુ-સામગ્રી પડી હતી તે બધાની ફરી રસોઈ બનાવી દીધી, અને છેલ્લે સુધી દરેક વ્યક્તિ જમી શકી.

આખું મિશન કલ્પી ન શકાય એટલી હદે સફળ રહ્યું. અમુક મુદ્દા નોંધવા લાયક છે જે નીચે રજૂ કરું છું.

– સૌથી પહેલા ફોરેસ્ટ ડિપાર્ટમેંટનો સ્ટાફ. કાબિલે-તારીફ! એવું લાગતું હતું કે એ લોકો પણ દિલથી ઇચ્છતા હતા કે પોળોની સફાઈ થાય, એક શરૂઆતની જ રાહ જોઈ રહ્યા હતા જાણે, એમાં પણ આટલા લોકોનો આવો સહકાર જોઈને એ પાછા પડે? સ્ટાફના એક એક મિત્રને જઈને ધન્યવાદ આપવાનું મન થાય એવી પરિસ્થિતી હતી. જાણે પોતાના ઘરમાં લગ્ન પ્રસંગ હોય તેવો માહોલ તેમનામાં દેખાતો હતો. દરેક ટીમના લીડર પોતપોતાની ટીમનું કામ પૂરું થયા પછી બધાને ટ્રેકિંગ માટે લઈ ગયા હતા.

– સ્વયંસેવકો માટે કોઈ શબ્દ નથી… સિરિયસલી, રૂબરૂ જોયા વગર એનું વર્ણન કરવાથી સમજી શકાય એવી વાત જ નથી… એક વ્યક્તિ એવો ન મળ્યો કે જેને નાનકડી પણ ફરિયાદ હોય. એ દરેકને ખબર હતી કે તેઓ શું કરવા આવ્યા હતા. અને દિલથી કામ કર્યું… કુદરત માટે આટલું થયું, ત્યારે એ લોકોની વાતો મને ભાવુક કરી દેતી હતી.

– જોરદાર વાત એ હતી, કે દરેક વ્યક્તિ સ્ટાફના વખાણ કરતી હતી, બીજી બાજુ દરેક કર્મચારી પોતાની ટીમના વખાણ કરતો હતો… દરેક વ્યક્તિના ચહેરા પર અનહદ ખુશી અને આત્મસંતોષના ભાવ દેખાઈ રહ્યા હતા.

– સ્થાનિક લોકો અને ગાઈડ પણ હોંશેહોંશે જોડાયા હતા.

– આવનારા સ્વયંસેવકોમાં નાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, ડોક્ટર્સ, એંજિનિયર, પ્રોફેસર્સ, પ્રિન્સિપાલ, ટીચર્સ, પ્રોફેશનલ્સ અને ગૃહિણીઓ હતી.

– રવિવારને લીધે પર્યટકો પણ હતા, અને સફેદ ટીશર્ટ પહેરીને સફાઈ કરનારા સ્વયંસેવકોની સાથે કેટલાક સહેલાણીઓ પણ જોડાયા, કેટલાક જોડાયા નહીં પણ તેમણે પોતે ત્યાં કચરો નાખવાને બદલે પોતાની પાસે રાખ્યો.

આટલી વાત થઈ છે, તો ત્યાં હાજર રહીને દિલથી કામ કરનાર ઘણી સરકારી, ખાનગી અને અનૌપચારિક સંસ્થાઓ કે ગ્રૂપનો ઉલ્લેખ કરવાનું કેમ ટાળી શકું? આ રહ્યા તે બધા…

 • હિંમતનગર નેચર ક્લબ, હિંમતનગર
 • – સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગાંભોઇ
 • – ધી એચ.એન.એસ.બી. લિમિટેડ સાયન્સ કોલેજ, હિંમતનગર
 • – એશિયન પોલિટેકનિક, વડાલી
 • – ડી. ડી. ઠાકર આર્ટ્સ એન્ડ કે. જે. પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મા
 • – ગાંધીનગર ઇન્ટરનેશનલ સ્કૂલ, ડેમાઈ
 • – આઇટીઆઇ, વિજયનગર
 • – વગડો ચેરિટેબલ ટ્રસ્ટ, સાઠંબા
 • – યૂથ હોસ્ટેલ, ધ્રાંગધ્રા
 • – નિસ્વાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ, મણિનગર, અમદાવાદ

પરિણામ:

 • 900+ સ્વયંસેવકો
 • વિસ્તાર: શારણેશ્વર મંદિરથી લઈને વણજ ડેમ સુધી, આખે આખું પોળો…
 • 250થી વધારે કોથળા (3000 kg જેટલું) ફક્ત પ્લાસ્ટિક
 • 900+ વ્યક્તિઓના ચહેરા પરની ખુશી, એમના આત્માને મળેલો સંતોષ.
 • અને હવે પોળોના જંગલોમાં ફરવા આવનાર પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોને જોવા મળનારું ચોખ્ખું ચણાક જંગલ.

 

મિત્રો, દરેક નાગરિકને વિનંતી કે ફક્ત પોળોમાં જ નહીં, કોઈ પણ જંગલોમાં કચરો, પ્લાસ્ટિક ન નાખીએ, જંગલો તો શું કોઈ પણ જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળીએ.

આપણાં બધા જ જંગલોને પ્લાસ્ટિક-ફ્રી બનાવવામાં પૂરેપૂરો સહયોગ આપીએ.

જય હિન્દ…!!!

છેલ્લે DCF સાહેબ શ્રી યોગેશભાઈ દેસાઇ, ACF શ્રી બી. આર. ચૌહાણ અને આખા વનવિભાગનો આભાર માનું છું. જેટલા સ્વયંસેવકો કોઈ પણ પ્રકારની આશા વગર આવ્યા હતા અને અખૂટ શ્રમદાન કર્યું હતું, તેમનો આભાર માનું છું. મને ખબર છે કે એ દિવસ એમની જીંદગીનો એક યાદગાર દિવસ રહેશે.

 • જીજ્ઞેશ શનિશ્વરા

 

 

4 thoughts on “પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

 1. You’ve made some really good points there. I looked on the
  net for more information about the issue and
  found most people will go along with your views on this website.

 2. Hiya, I’m really glad I’ve found this info. Today bloggers publish only about gossip and web stuff and this is really frustrating. A good website with exciting content, that’s what I need. Thanks for making this web site, and I’ll be visiting again. Do you do newsletters by email?

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!