યુવા પેઢી – the next generation

Ask the young. They know every thing.
– Joseph Joubert, French Moralist.

ઉપરનાં વાક્યનો અર્થ છે કે યુવાનને પૂછો તેમને બધું ખબર છે. શું ખરેખર તેને બધું ખબર છે? ખાસ કરીને તેના સંબંધો વિષે?
શરૂઆતથી શરૂઆત – એક અંડબીજ અને શુક્રાણુ વિકસીને જ્યારે એક શિશુનું રૂપ લે છે ત્યારથીજ તે અગણિત સંબંધોથી બંધાઈ જાય છે. જેમ કે માતા-પિતા, ભાઈ-બહેન, બા-દાદા, પટેલ પાડોસી, બ્રાહ્મણ પાડોસી અને અન્ય સગાવ્હાલાઓ. નાનપણમાં તે ફક્ત સંબંધોને ઓળખે છે પણ યુવાનીમાં તે સંબંધોને સમજતો થાય છે. માં તેની ઓચિંતી ચિંતા કેમ કરે છે? ગઈ કાલે એક સિદ્ધિ પર શાબાશી આપતા પિતા આજે કરેલી એક ભૂલ પર કેમ ગુસ્સે થઇ જાય છે? જે ભાઈ કે બહેન સાથે સહેજ વાર પહેલા ચોકલેટ શેર કરી હતી તે અચાનક તેની ચુગલી કરતા કેમ અચકાતા નથી? બા-દાદા હંમેશા કેમ તેનો પક્ષ લે છે? શું બા-દાદાજ તેને સહુથી વધારે પ્રેમ કરે છે ? જો બા-દાદાજ તેને સહુથી વધારે પ્રેમ કરે છે તો પછી તેને માની સોડમાં લપાઈને ઊંઘવાનું કેમ ગમે છે? હમણા તો માતા-પિતા હસતા હતા હવે કેમ ઝઘડવા માંડ્યા? આ બધા એક બાળમનનાં પ્રશ્નો છે પણ તે જેમ હવે યુવાન બનતો જાય છે તેમ ઓળખીતા સંબંધોને તે સમજતો થયો છે. હવે રમત ઓછી છે અને ભૂખ વધારે લાગે છે એટલે માની ચિંતા વિષે તે જાણે છે, હવે તેને ખબર છે કે પિતાને કઈ વાત પર ગુસ્સો આવશે અને કઈ વાત પર તે શાબાશી આપશે. હવે તેના ભાઈ-બહેન તેના સીક્રેટ્સ જાળવતા થયા છે અને પોતે પણ પોતાના સીક્રેટ્સ જાળવતો થયો છે. હવે તે ખુલ્લું-ખુલ્લું હસતા વિચારે છે કે તેના વિચાર પ્રગટ ના થઇ જાય. સમય બદલાય છે એમ સંબંધો નો લય, તાલ બદલાતો રહે છે. યુવાન એક જોમ, જુસ્સાથી ભરેલી કોમ છે. તેનામાં આગ છે. તે પોતાના જીવનમાં શાંતિ ઈચ્છે છે અને જ્યારે બધું સ્મૂધ ચાલતું હોય ત્યારે તેને એમ થાય છે કે ‘સાલ્લું, જીવનમાં એક્સાઈટમેન્ટ નથી.’ તેને સંબંધોમાં આઝાદી જોઈએ છે પણ તેના દિલને પ્રેમનું બંધન. એક તો તેનો તેના દિલ સાથે અજીબ સંબંધ છે. ‘દિલ હે કે માનતા નહી’ કહી કહી ને તે દિલની આડમાં મનગમતું કરે છે. બેઝીકલી તે એક કન્ફ્યુઝ્ડ સોલ છે. તે કન્ફ્યુઝનમાં ઘણીવાર અહિયાં ત્યાં ભટકે છે અને એટલે ઘણી વાર તેના સંબંધોમાં તે કન્ફયુઝ થયે રાખે છે.

એક ફિલ્મ કોકટેલની સ્ટોરી યાદ આવી ગઈ. એક યુવાનને સ્ત્રીઓ પ્રત્યે જબરું આકર્ષણ છે. ગમે તે યુવતી ને પટાવતા આવડે છે. શારીરિક સંબંધો? હોય તો પણ આજના ‘મોડર્ન’ ગણાતા યુવાવર્ગ માટે આ કંઈ નવું નથી. એવામાં એક યુવતી સાથે તેનો સંબંધ બંધાય છે. ડિસ્કોથેકમાં એવો તે ડાંસ કરે છે કે માની લો કે ડાંસ કરતા કરતા બેડરૂમ સુધી આસાનીથી પહોંચી શક્યા છે. બંને ફ્રી માઈન્ડેડ છે ક્લીયર છે કે તેઓ પ્રેમમાં નથી. એવામાં આ યુવાન આજ યુવતીની એક મિત્ર, જે સરળ, સમજદાર અને ઘરેલું છે, જેને રસોઈ પણ બનાવતા આવડે છે તેના પ્રેમમાં પડે છે. હવે કારણ ગમે તે હોય પણ આવું થાય છે. એ દરમ્યાન પહેલી પણ તેના પ્રેમમાં પડે છે. ઘણું બધું ના બનવા જેવું બને છે પણ કાયમી સંબંધ તો યુવક આ બીજી યુવતી જોડેજ બાંધે છે કે સ્ટોરી પ્રમાણે બંધાયો છે. એન્ડમાં તો સાબિત એજ થાય છે(આજનાં સમાજની નજરમાં જોઈએ તો) કે યુવાનો અંતે કાયમી સંબંધ સ્થાપવા એવીજ છોકરી પસંદ કરે છે જે બીજી યુવતી જેવી છે.

આજની યુવાપેઢીનાં પ્રેમ સંબંધ આકર્ષણથી સેક્સ સુધીનાં વર્તુળમાં ગોળ ફરે રાખે છે. આવા કેટલા વર્તુળો અમુક રેસ્ટોરેન્ટનાં સિક્રેટ કેબીનમાં છાનામાના વિકસે છે. જ્યારે કોઈ યુવતી થોડો વિરોધ ઉઠાવે છે ત્યારે યુવાન કહે છે કે ‘તું મને પ્રેમ નથી કરતી.’ એટલે યુવતી પ્રેમની સાબિતી આપવા સાથ આપે છે.

એક યુવતી અત્યારે એક બોયફ્રેન્ડ જોડે ફરી રહી છે. કાલે મિત્રવર્તુળનો એક ફ્રેન્ડ આવીને કહે છે કે હું તને પ્રેમ કરું છું. તો પરમ દિવસે તે એનો ગર્લફ્રેન્ડ છે. એક બીજો મિત્ર વર્તુળ નો ફ્રેન્ડ એને આવીને કહે છે કે પેલો એના મિત્રનો મિત્ર તેને છેલ્લા એક વર્ષથી પ્રેમ કરે છે અને રોજ તેને ધારી ધારી ને જોવે તેને એકવાર મળવા માંગે છે પણ કહેતા ડરે છે. એટલે આ યુવતી તેને મળવા તૈયાર થઇ જાય છે. હવે એક દિવસની મુલાકાત અઠવાડિયા સુધી ચાલે છે અને આજે તે આ ત્રીજાની ગર્લફ્રેન્ડ છે. હવે વાત એમ નથી કે યુવતીને આમાં મજા આવે છે કે તેને છોકરા ફેરવવા ગમે છે. એમ પણ નથી કે તેને ખબર નથી કે શું યોગ્ય છે અને શું અયોગ્ય પણ બસ સંબંધોમાં તેને મૂરખ બનવું ગમે છે અને હાથે કરીને મૂરખ બને છે.

સંબંધોમાં બદલાવ જલ્દી આવે છે કારણકે સમય જલ્દી બદલાઈ રહ્યો છે. ટીવી સીરીયલ્સ, ફિલ્મ્સ સંબંધો પર સારી એવી અસર પાડે છે. માતા-પિતાને પોતાના પરમ મિત્ર અને બા-દાદાને સુખ દુઃખનાં સાથી માનતો આ બહોળો વર્ગ છે. સંબંધ છે કે સંસ્કાર પણ પોતાના મિત્રને પોતાની પહેલી કિસ થી સાતમી કિસનો અનુભવ વર્ણવી શકતો યુવાન પોતાના માતા-પિતાને પોતાની ગર્લફ્રેન્ડ નો આંકડો પણ ગણાવી શકતો નથી. તેને છુપી રીતે કામ કરવા ગમે છે. નાનપણમાં અજાણી વ્યક્તિની સામે પણ ના જોતું બાળક આજે યુવાન થઈને ફેસબુક જેવી સોશિઅલ સાઈટ પર દેશ વિદેશની વ્યક્તિઓ સાથે ફ્રેન્ડશીપનો સંબંધ બાંધે છે. કાલેજ શેર કરેલા નંબર પર તે અજાણ્યા ફ્રેન્ડને ફોન કરીને જન્મદિનની શુભકામનાઓ આપે છે અને સગાવ્હાલાના જન્મ દિન પર તે ફેસબુક વોલ પર પોસ્ટ મુકે છે. આવીજ રીતે એક સગાની છોકરીનો સંબંધ એક ડોક્ટર જોડે ગયા વર્ષેજ થયો. સોમનાથની છોકરી અને અમદાવાદનો છોકરો.

આજની યુવાન પેઢી વિષે એવી ગ્રંથી બાંધવાની જરૂર નથી કે તે સંબંધોમાં બેજવાબદાર છે. બધાજ એવા નથી પણ આવો એક મોટો વર્ગ છે. દોષ થોડો આ ઉમરને પણ આપો કારણકે આ ઉમર એવી છે જ્યારે તે સરળતાથી સંબંધો બાંધી શકે છે અને ઘણા સાચા સંબંધને અવગણી પણ શકે છે. પરિવાર સિવાયનાં સંબંધોમાં તે ક્લીયર નથી.

પણ શું યુવાનવર્ગનાં સંબંધોનો વિસ્તાર આટલોજ છે? તેનો તેના ગુરુ સાથેનાં સંબંધોનું શું? જે સમાજમાં તે રહે છે અને જે સમાજને ગમે છે તેજ કરે છે એ સમાજ સાથે પણ એને કોઈ તો સંબંધ હશેજ ને? જો ના હોય તો તે ખુલ્લેઆમ સિગરેટ પી શકતો હોત, ખુલ્લેઆમ સેક્સસંબંધી વાતો કરી શકત, ખુલ્લેઆમ ઓસ્કારમાં પહેરેલા એન્જેલીના જોલીના પાર્ટી ગાઉનની ડીપ નેક્લાઈનને તે ન્યૂઝપેપરમાં તાકી શકત, ખુલ્લેઆમ નાક ખોતરી શકત? પણ કેમ તે આવું નથી કરતો?

તેનો તેની માતૃભાષા સાથેના સંબંધનું શું? જે ગામ,શહેર,રાષ્ટ્ર અને દેશમાં રહે છે તેની સાથેનાં તેના સંબંધનું શું? જો તેને આ બધા સાથે સંબંધ ના હોત તો ગુજરાતીને ગુજ્જુ, બંગાળી ને બોંગ, મલયાલી ને મલ્લુ કહેતા તેને અણગમો કે ગુસ્સો અમથો થોડી આવે છે. તેને તેના રાષ્ટ્ર કે દેશ સાથે ફર્ક ના પડતો હોત તો દેશના ભ્રષ્ટાચારીઓને તે ખુલ્લેઆમ અપશબ્દો કેમ બોલે છે? કેમ તેમના રમૂજી કાર્ટૂન બનાવીને પોતાના વિચાર પ્રગટ કરે છે ? સીરક્રીકની જમીન પાકિસ્તાનને નાજ આપવી જોઈએ..એવું તે વિના કારણે તો નાજ બોલે ને? કાશ્મીરનો મુદ્દો તેને ખટકે છે, 2જી સ્કેમ, કોલસા કાંડથી તે કેમ ભડક્યો છે? સંબંધ વગર તે શું કરવા આવા મુદ્દાઓ ઉપર ધ્યાન આપે? બાળપણથી જ તેનો તેનાં રાષ્ટ્ર સાથે સંબંધ બાંધવા સ્કૂલની ચોપડીઓમાં, ભારત મારો દેશ છે. એવું કેમ છપાય છે?

આજની યુવાન પેઢીએ એક ધૂંધળું બાળપણ જોયું છે અને તેના આવનારા ભવિષ્યથી તે અજાણ છે. તેને સંબંધોમાં પોતાના વડીલોની સલાહની જરૂર છે અને રહેશે. પછી ભલે તે પોતાના મનનું કરે. તે આવનારું ભવિષ્ય છે. તેનામાં ‘સ્પાર્ક’ છે. બસ આ સ્પાર્ક ખરી જગ્યાએ થાય એજ જોવું રહ્યું!

Ask the young. They know every thing. હા, તેમને ખબરજ છે શું સાચું અને શું ખોટું પણ નવું જાણવાની, જોવાની, અનુભવવાની, કોઈના જેવું બનવાની હોડ યુવાવર્ગને જીદ્દી બનાવે છે. કોઈના જેવું બનવું પણ કોઇપણ ભોગે બનવું એ નીતિ તેઓ જલ્દી અપનાવી શકે છે. સંજય દત્ત? 22-23 વર્ષની યુવાન વયમાં એ ડ્રગ્સ સાથે પકડાયો અને 5 મહિના જેલની હવા ખાધી અને તરત 2 વર્ષ અમેરિકામાં ટેક્સાસ રીહેબ સેન્ટરમાં ગાળ્યા. અંડરવર્લ્ડથી પ્રભાવિત અને હથિયારનો શોખીન દત્ત પિસ્તોલ અને એકે-56 ગેરકાયદેસર રીતે રાખવા માટે 1993માં ટાડા હેઠળ ફરી જેલમાં ગયો. આમ ને આમ કુલ 4 વર્ષ જેલમાં ગાળ્યા. યુવાનીથી લાગેલી લત આજે 53 વર્ષની ઉમરે તેને ભારે પડી રહી છે કારણકે ‘જાદુ કી જપ્પી’ થી લોકોનું દિલ જીતનારો આ હીરો ફરીથી જેલમાં ગયો છે. સંજય દત્તના કેસમાં પણ એમજ છે સ્પાર્ક તો છે પણ ખોટી જગ્યાએ થઇ. યુવાનીની ઉંમર તેણે ડ્રગ્સ કે હથીયારનાં શોખમાં ના વેડફી હોત તો? તે છતાં આજનો યુવાવર્ગ સરદાર પટેલ કે મહાત્મા ગાંધીની બદલે આવા ‘હીરો’થી પ્રેરાય છે.

દોસ્તાનામાં પ્રિયંકા ચોપરા, એક મેં ઓર એક તુ માં કરીના કપૂર, કોકટેલમાં દીપિકા પદુકોણ છુટથી બીયર પીવે છે એ છોકરીઓને પ્રભાવિત કરે છે. પણ મધર ટેરેસા કે સુનીતા વિલિયમ્સમાં કોઈને રસ નથી. છુટ અને સ્વતંત્રતાની એક ઉંમર હોય પણ એવી ઉંમર પાર કર્યા પછી સ્વતંત્રતાને નામે ખાલી ફુગ્ગા ઉડાડે રાખવા કેટલા યોગ્ય? કહેવાનો અર્થ એમ નથી કે યુવાનો પોતાની ઉંમર પ્રમાણે સ્વતંત્રતા ના માણી શકે. ચોક્કસ માણી શકે તેમને ગમે તે રીતે માણી શકે પણ પોતાની સુરક્ષા, પરિવારની સંમતી અને પોતાનું સફળ ભવિષ્ય ધ્યાનમાં રાખીને માણે તો Joseph Joubertનું વાક્ય સત્ય બની જાય.

error: Content is protected !!