સ્કુલ નો વરસાદ

આ વરસાદ જયારે જયારે પણ આવે ત્યારે સ્કુલનાં દિવસો તરત જ યાદ આવી જાય. અત્યારે આપણે બધાં કામ ધંધામાં એટલાં વ્યસ્ત હોઈએ છીએ કે કોઈકવાર વરસાદ બહુ અળખામણો લાગે છે કારણકે એને કારણે કોઈક વાર કામ અટકી જાય છે.. પણ જયારે સ્કુલમાં હતાં ત્યારે વરસાદ બહુ પ્યારો પ્યારો લાગતો ખાસ કરીને જયારે તે સ્કુલ જવાનાં સમયે આવે ત્યારે. આમતો મારી સ્કુલ રોજ સવારની રહેતી મોટેભાગે સવારે ૭.૩૦ વાગે શરુ થઇ જાતી એટલે મોડામાંમોડું સવારે સવા છ કે સાડા છ ની આસપાસ ઉઠવાનું થાય. ચોમાસાં ની ઋતુ હોય એટલે ઉઠી ને પહેલાં અવાજ સાંભળવાની કોશિષ કરવાની કે વરસાદ આવે છે કે નહી. જો ટીપાં ટીપાં જેવો આવતો હોય તો દુઃખી નાં દાળીયા થઇ જવાતું. “થઇ રયું આજે સ્કુલે જવું પડશે.” પણ જો જોરદાર વરસાદ નો અવાજ આવતો હોય તો ‘આશા ભરી નજરે અમે આવિયાં રે લોલ’ એ ન્યાયે મમ્મી ની સામે એકીટશે જોઈને દયા ની યાચિકા આગળ ધરતાં કે હમણાં કહેશે “આ બઉ વરસાદ આવે છે હોં આજે જાવા દે સુઈ જા” પણ હાય રે નસીઈઈઈબ!! નસીબજોગે માં અને બાપ એવાં મળ્યાં કે ગમે તેવો જાલિમ વરસાદ હોય તોય તરી ને પણ જાવું પડે તો ય સ્કુલે તો જવું જ જોઈએ એવો એમનો સિદ્ધાંત એટલે કમને પણ તૈયાર થઇ ને સ્કુલે પગરણ માંડવા પડતાં.

ધીમે ધીમે મોટા થયાં વરસાદ પ્રત્યે અને ભણતર પ્રત્યે એવીને એવી લાગણી રહી. વરસાદ પ્રત્યે સારી અને ભણતર પ્રત્યે ખરાબ, આ તો ચોખવટ કરી લઉં જરા. પણ બુદ્ધિ વધી એમ એવો પણ ખ્યાલ આવવા માંડ્યો કે જયારે જયારે ખુબ વરસાદ હોય ત્યારે ક્લાસમાં તો શું આખીય સ્કુલમાં વિદ્યાર્થીઓ ની સંખ્યા ઓછી હોય છે એટલે ટીચરો ભણાવવા તો આવે પણ રડ્યાખડ્યા ૫-૭ વિદ્યાર્થીઓ ને જોઈને ગમે તેવો કડક ટીચર કેમ ન હોય એનાં હૃદયમાં અનુકંપા ની લાગણી પ્રજ્વલિત થાય અને અમને અંતકડી કે એવી કોઈ રમત રમાડવા માંડે નહી તો પછી ફલાણું કે ઢીંકણું ચેપ્ટર વાંચો પરીક્ષા આવે છે ને? એમ કહી ને પેરોલ પર છોડી મુકે. આવું દરવર્ષે થવા લાગતાં વરસાદ પડે તોય સ્કુલે જવું એવી માતા પિતા ની ખોટી જીદ આગળ પણ હું મન મુકીને નમતું મુકવા માંડ્યો પણ હાય રે નસીબ!! આવો વરસાદ રોજ ક્યા આવે હેં? આ તો કોક દિવસ જ ઉપરવાળા ની મહેર થાય. બીજે દિવસે ફરી હતાં ત્યાં નાં ત્યાં. ભણવું પડે બીજું શું? પણ કોઈક વાર બહુ મોટી મહેર જરૂર થઇ જાતી ઉપરવાળાની જયારે તે જોરદાર વરસાદ સાથે ખુબ પવન પણ મોકલતો. ત્યારે સર્વાનુમતે એક લીટી નો ઠરાવ પાસ થઇ જતો કે ‘આજે તમારે સ્કુલે જવાનું નથી’.

આમ મોટા થતાં થતાં હાયર સેકંડરી માં આવ્યો અને તે વખતે પિતાશ્રી ની બદલી પંચમહાલનાં લુણાવાડા માં થઇ હતી. આ ગામ ની એક ખાસ વાત એ હતી કે આખાંય ગામમાં ક્યાંય ડામર નો રોડ નહી. હાલ ની તો ખબર નથી પણ તે વખતે ત્યાં પથ્થર નાં બેલાં નાખેલા જ રસ્તા હતાં. ગામ ની એક બાજુ એ એક મોટો ડુંગર છે. ધીમો ધીમો વરસાદ હોય તો તો વાંધો નહી પણ જો જોરદાર વરસાદ આવે તો ધીમે ધીમે પેલાં ડુંગર પર થી પાણી વહેતું વહેતું અને ધસમસતું ગામ માં આવે અને આ બેલાં વાળાં રસ્તામાં બેલાં થી જ બનાવેલી ગટરમાં નદી ની જેમ આ પાણી વહી જતું હોય. આ સમયે મારી સ્કુલ બપોરની થઇ ગઈ હતી એટલે જો છૂટતી વખતે આવો જોરદાર વરસાદ આવે તો એ જ ગટર માં સામે વહેતાં શુદ્ધ પાણીમાં પગ બોળી બોળી ને ચાલવાની મજા જ કાંઇક ઔર હતી. સ્કુલ થી ઘર ક્યારે આવી જાય એનો ખ્યાલ જ ન આવે.

જયારે કોલેજ નો સમય આવ્યો ત્યારે ટેબલ આખું ટર્ન થઇ ગયું. સ્કુલની જેમ જ મારી એલ.ડી.આર્ટસ કોલેજ પણ સવારની હતી અને પહેલું લેક્ચર સ્કુલની જેમ જ સવારે ૭.૩૦ વાગે જ શરુ થતું. જો કે ફરજીયાત ૭૦% હાજરીનાં નિયમ ને કારણે મિત્રો તો મને “તું સ્કુલે જાય છે કે કોલેજે?” એમ કહી ને કાયમ ટોણો મારતાં એ જુદી વાત છે. સવારે ઉઠતાવેંત જો જોરદાર વરસાદ નો અવાજ આવે તો વરસાદ ને ‘માં-બેન’ ની સંભળાવતો અને મમ્મી ની સામે ચાલીને જરૂર ન હોય તો પણ કોલેજે ન જવાની ભારપૂર્વક આપેલી સલાહો અવગણતો. કોલેજનાં ત્રીજા વર્ષમાં એક દિવસ સવારથી જ ખુબ વરસાદ હતો. આમતો હું મારાં ઘેર થી ૨૦૦ નંબર ની બસ માં જાઉં એટલે એ મને કોલેજ નજીક આવેલાં યુનિવર્સીટી બસ સ્ટેન્ડ પર ઉતારી દે. પણ તે દિવસે ચંદ્રનગર ચાર રસ્તા એટલાં પાણી ભરાયાં હતાં કે બધી જ ૨૦૦ નંબર બંધ થઇ ગઈ હતી. પણ એમ કોલેજ ન જઈએ તો ચાલે? ‘પેલી’ આવે ને હું ન જાઉં ઐસા કભી ન હુઆ હૈ ન હોગા! એમ નક્કી કરી ને છેવટે ડુંગરશી નગર નાં મારાં રોજનાં સ્ટેન્ડ થી પહેલાં ભટ્ઠા બસ સ્ટેન્ડ ચાલી ત્યાં થી પાલડી સુધી એક બસમાં અને ત્યાંથી ૪૬ નંબરમાં છત્રી સાથે હું યુનિવર્સીટી પહોંચ્યો. પહેલે થી જ ઘેરે થી કાયમ વહેલાં નીકળવાની ટેવ કામ માં આવી ગઈ અને હું સમયસર કોલેજે પહોંચી ગયો. પણ આશ્ચર્ય!! ‘પેલી’ તો જાણે કે નહોતી જ આવી પણ ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો અને મારી કોલેજનાં એ સમયનાં આચાર્ય શ્રી. એ. યુ. પટેલ અને ચોકીદાર સીવાય કોઈ જ હાજર નહોતું. એટલે પ્રિન્સીપલ સાહેબે ત્યાં જ રજા જાહેર કરી દીધી અને પછી હું લૌટ કે બુદ્ધુ ઘર કો આયે !

આજે જયારે આપણી જિંદગી અત્યંત વ્યસ્ત થઇ ગઈ છે ત્યારે બહાર પડી રહેલાં વરસાદ ને પછી તે જોરદાર હોય કે ઝરમર એ જોવાનો અને માણવાનો અને ડોકિયું કાઢી ને જોવાનો પણ આપણી પાસે સમય નથી હોતો. તમે શું હું પોતે એવો થઇ ગયો છું. પણ ‘ભેલપૂરી’ નાં સંપાદક સાહેબ નો બે દિવસ પહેલાં મેસેજ આવ્યો કે આ વખતે વરસાદ ઉપર લખવાનું છે એટલે તરત જ સ્કુલ નાં દિવસો યાદ આવી ગયાં. વરસાદ મારી જેમ તમારાં પણ મારાં શૈક્ષણિક જીવનનાં ઉતારચઢાવ નો સાક્ષી હશે જ. વરસાદમાં ભીંજાવાનું કોઈક ને જ ન ગમે. આજે જયારે મારો પુત્ર સ્કુલે થી વરસાદમાં પલળતો પલળતો આવે છે ત્યારે એક પિતા તરીકે મને એવો છુપો ડર લાગે છે કે ક્યાંક એને શરદી થઇ જશે તો? ક્યાંક એને તાવ આવી જશે તો? પણ જયારે હું સ્કુલ કે કોલેજમાં હતો ત્યારે મને તો આવો કોઈ ડર નહોતો સીવાય કે ટીચરો નો!!

error: Content is protected !!