તું મારો વરસાદ

આજે ફેબ્રુઆરી મહિનાનો ૧૪મો દિવસ છે પણ તોય આજે વરસાદ પડ્યો. લગ્નમાં હાજરી પુરાવા આવેલા બધા કહી રહ્યા હતા કે ખરુ કહેવાય અત્યારે વરસાદ! કોઇક તો એવુય બોલ્યુ’તું કે, આ તો અપશુકન કહેવાય. એવુ એવુ સાંભળીનેય ઝંખના અને હર્ષ એકબીજા સામે જોઇ હસી પડતા હતા. હા, આજે ઝંખના માટે એના જીવન નો સૌથી સુખમય દિવસ હતો. અને હર્ષ માટે પણ જ તો વળી. ૩ વર્ષ બાદ આજે ફાઇનલી બન્ને નાં લગ્ન થયા એય પાછુ બન્નેનાં મમ્મી-પપ્પાની સંમતિ જોડે, રંગે-ચંગે જ. જેવા લગ્ન કરવાનું બન્ને એ જોડે જ સપનું જોયેલુ એવાજ. જે સપનાં નો સાક્ષી આ વરસાદ રહ્યો હતો એવાજ.

મહારાજનાં મંત્રોચ્ચાર સાથે હસ્તમેળાપની વિધી શરુ થઇ. ઝંખનાનો હાથ હર્ષનાં હાથમાં મુકવામાં આવ્યો. એ હાથમાં ડિટ્ટો એવીજ ઠંડક હર્ષને મહેસુસ થઇ જેવી આજથી ૫ વર્ષ પહેલાં પેલા સુલતાન ડ્રેસ-મેકર અને પરફેક્ટ હેર સલોન ની બહાર પહેલી વાર ઝંખના જોડે હાય-હેલ્લો કરતી વખતે શેકહેન્ડ વખતે થયેલી.એ વખતે’ય ઝંખનાએ એને કહેલુ કે “તમારા હાથ તો કેટલા ગરમ છે.” ને અત્યારે પણ આંખોનાં ઇશારાથી આટલા લોકોની હાજરી માં એ એવુ જ કહી રહી છે. હા,બન્નેની પહેલી વાત-ચીત વાળી મુલાકાત એ જ. એમ તો બન્ને એ એક-બીજાને જોયા’તા પહેલી વાર નવરાત્રીમાં ને એ જ વખતે હર્ષ તો લવ એટ ફર્સ્ટ સાઇટ નાં સમીકરણે ઝંખનાનાં સ્મિત પર મોહી પડ્યો’તો. આઠમે નોરતે માતાજીની કૃપા થઇ ને લક બાય ચાન્સ શિવ કોમ્પલેક્ષમાં અચાનક એક-બીજાને ટકરાયા.! નામની આપ-લે સાથે શેકહેન્ડ કર્યો ને જ ઝરમર વરસાદ ચાલુ થઇ ગયો. વરસાદનાં બહાને હર્ષ તો ઝંખનાને થોડીવાર પેલા કોમ્પલેક્ષનાં શેલ્ટર નીચે રોકી લેવા માંગતો હતો પણ ઝંખના ક્યાં રોકાઇ હતી. એ હંમેશા એવુ જ કરતી, ઘરે જવા માટેનાં બહાનાતો એની પાસે ઓલ્વેઝ રેડી જ હોય.

મનમાં ચાલતા વિચારોની અસરે હર્ષ મંદ-મંદ મુસ્કુરાઇ રહ્યો હતો ને સામે બેઠી ઝંખના એના મનમાં શું ચાલે છેની ગુથ્થી સુલઝાવવામાં પડી હતી. જ્યારે એ બન્ને પહેલી વાર બહાર લંચ માટે ગયેલા ત્યારે પણ આવુ જ થયેલુ. હર્ષ ખબર નહીં સામે બેઠો-બેઠો બસ સ્માઇલ જ આપ્યા કરે એ વખતે પોતે એના માટે એવુ અદમ્ય આકર્ષણ અનુભવેલુ! પણ એ વખતે તો હજી બન્ને “ઓન્લી ફ્રેન્ડઝ, નથિંગ એલ્સ” વાળી રિલેશનશિપમાં જ હતા. લંચ વખતે પણ ભલે હર્ષે આખી દુનિયાની અલક-મલકની વાતો કરી પણ એની પેલી ડાર્ક બ્રાઉન આંખોમાં કંઇક એવુ હતુ જે ઝંખના કળી નહતી શકી. હજી લંચ પુરુ જ થયુ ને રેસ્ટોરન્ટ ની બહાર જ નીકળ્યા ત્યાં તો ભર ઉનાળે મે મહિનામાં વરસાદ ટપકી પડ્યો હતો ને બન્ને એ માવઠાંની લિજ્જત લેતા-લેતા તરબતર પલળીને પોત-પોતાની ઑફિસે પહોંચેલા.

“હવે વર-વધૂ બન્ને ઉભા થઇ જાઓ, ફેરા ફરવા માટે” ગોર મહારાજનાં શબ્દો ઝંખનાને ફરી પાછા લગ્ન-મંડપમાં લઇ આવ્યા. ઓહ! આ ક્ષણ માટે બન્ને એ કેટલી તપશ્ચર્યા કરી હતી. ભગવાન પાસે કેટલી પ્રાર્થનાઓ કરી હતી. હર્ષ મોઢ-વણિક અને ઝંખના બ્રાહ્મણ. ઉપરથી પાછી ઝંખના હર્ષ કરતા ૨ વર્ષ મોટી. મમ્મી-પપ્પાને મનાવતાં જેટલો સમય ગયો એ સમય માં બન્ને પર શું વીતી છે એ તો ખાલી ભગવાન જ જાણે છે. હર્ષ માટે તો સહુથી મોટી ચુનોતી ઝંખના જ હતી. એને મનાવતા જ કેટલો ટાઇમ ગયેલો. દિવાળી માં પોતે જ્યારે ગોઆ ફરવા ગયેલો અને ઝંખના અમદાવાદ એનાં કાકા ને ગઇ’તી ત્યારે એક વાર સવારે જ કોલ પર વાત થતી અને પોતે હિંમત કરીને ફોન પરજ પ્રપોઝ કરેલુ. ઝંખનાએ હા પાડી ને બે જ દિવસમાં ના પણ કહી દીધી. એની વાતેય કંઇ સાવ ખોટી તો ન’તી જ કે, ઘરવાળા કોઇ દિવસ માને નહીં. અને જો કોઇ માનવાનું જ ના હોય તો પછી એવી રિલેશનશિપમાં આગળ વધવાની જ શું જરુર છે. ઉફ્ફ!! એ દિવસો હર્ષ માટે કોઇ નરકનાં દિવસોથી ય કમ ન્હોતાં.ત્યાર પછી તો ઝંખનાએ વાત કરવી પણ બંધ કરી દીધી’તી.આજે ફેરા ફરતી વખતેય એ દિવસો યાદ આવ્યા ને આંખો ભીની થઇ ગઇ ને સાથે જ ઝંખનાએ પકડેલા હાથની પકડ વધુ મજબુત કરી ને અનાયાસે એની તરફ જોયુ તો આંખોથી એ એની આગવી અદામાં કહી રહી હતી કે,”અરે ગાંડા,હવે તો એ દિવસો ભૂલી જા”.ઝંખના ખબર નહી કેવી રીતે સમજી લેતી હશે એનાં મનને. મમ્મી પછી એ જ એક એવી સ્ત્રી જે વગરબોલે આંખોથી એની જોડે વાત-ચીત કરે છે.

હર્ષ ની આંખોમાં આવેલા આંસુઓ ઝંખનાને પેલા ૯ મહિનાઓનાં સમય માં ખેંચી ગયા.એ જ મહિનાઓ જ્યારે એણે હર્ષ ને ભુલવાની અથાગ કોશિષ કરેલી.અને કોમ્યુનિટિ મેળાવડા માંથી એક છોકરો પસંદ કરી એની જોડે લગ્ન કરવા હા પણ પાડી દીધેલી.પણ કોણ જાણે કેમે કરીને એને હર્ષ ન’તો થતો. વારે-વારે એ પેલાની તુલના હર્ષ જોડે કરી બેસતી અને પોતાના નિર્ણય પર મુંઝાતી રહેતી.હવે તો ૪ દિવસ પછી એન્ગેજમેન્ટ છે પણ આ હર્ષ યાર દિલમાંથી નિકળતો જ નથી. એજ દિવસે પોતે મેસેજ કરેલો કે,”કેમ છે? ૪ દિવસ પછી મારા એન્ગેજમેન્ટ છે.અને કંઇક માંગવુ છે તારી પાસે. જો તુ આપી શકે તો” સાવ ટૂટી પડેલો હર્ષ એ દિવસે આ વાંચીને એવુ પાછળથી એના એક મિત્ર એ કહ્યુ’તુ.વળી પાછુ ઝંખનાએ માંગ્યુ તો શું માંગ્યુ,”મારા એન્ગેજમેન્ટનાં દિવસે હું તૈયાર થાઉં પછી તું જ મને સૌથી પહેલા જુએ.” બહુ ડ્રામેટિક રીતે એ દિવસે હર્ષ મળવા આવેલો.એને ઘડીભર મળતી વખતે પોતે આંસુ કેમ ખાળી શકી હતી એ ફક્ત એનુ દિલ જાણે છે.હા,બહુ જ એટલે બહુ જ ઇચ્છા હતી એને એક વાર જોવાની,મન ભરીને નિરખી લેવાની, એવુ લાગતુ હતુ કે બસ આ એક જ છેલ્લી ક્ષણ છે, પછી પેલા અદ્ર્શ્ય બંધનમાં બંધાઇ જઇશ હું.ને એ પળે અહેસાસ થયો કે,”લાઇફમાં હું જે મિસ કરતી’તી એ આ જ છે.આ એ જ વ્યક્તિ છે જેના માટે હું એવુ ઇચ્છી શકુ કે આ પળ અહિયા જ થંભી જાય અને અમે ક્યારેય છુટા ના પડવા માટે ભેગા થઇએ.ઓહ! પ્રભુ પણ કેટલુ મોડુ કર્યુ પોતે એ સમજવામાં હવે કંઇ થઇ શકે એમ નથી.હવે એ સમય ગયો.પણ એક સુખ છે કે આખરે એ જાણી તો શકી કે એની ઇચ્છા શુ છે.એની હ્રદયસ્થ ઝંખના કઇ છે.”

એ દિવસે હજી થોડી વધારે વાર મળી શકાયુ હોત પણ સાલો આ વરસાદ એ વખતે દેમાર ટુટી પડેલો ને પોતે હર્ષને પરાણે જવાનું કીધેલુ.પણ હર્ષ જેનું નામ એ ૨ મિનિટની મુલાકાતમાં એ મારી આંખો એ વાંચી ગયો.બીજે જ દિવસે ના પાડી તોય ઑફિસ મળવા આવ્યો ને પછી મને મનાવી લીધી એન્ગેજમેન્ટ તોડવા માટે.એ વખતે નિરવ માટે પણ બહુ ખરાબ લાગેલુ.એ પણ સારો,શાંત,પોતાનાં કામ થી કામ રાખે એવો એકદમ સિમ્પલ માણસ હતો.જે કંઇ પણ થયુ એમાં એનો વાંક ખાલી એટલો જ હતો કે તે હર્ષથી વધુ કાબેલ નહતો.નિરવની કંપનીમાં બહુ બોર થઇ જવાતુ અને જ્યારે હર્ષ જોડે હોય તો ભલા બોર થવા માટે પણ સમય શોધવો પડે.હા,પોતે સમજતી હતી કે દરેકની સ્વભાવ,પ્રકૃતિ અને ઉછેર ની રીત અલગ હોય અને એ પ્રમાણે એ વ્યક્તિ બિહેવ કરતી હોય.પણ એના માટે પોતે ફક્ત સહાનુભુતિ જ અનુભવેલી.નિરવ જોડે એને દરેક વાતે મતભેદ થતો,બન્ને સાવ ક્ષુલ્લક જેવી બાબતોમાંય ઝઘડી પડતા.અને છેલ્લે છેલ્લે તો બન્ને ફક્ત નિભાવ્યે જતા’તા.મત-ભેદો તો હર્ષ જોડેય થતા પણ પ્રેમ કદાચ મતભેદોને ભરી દેતો હશે.હર્ષ જોડે તો એ કેટલીય ને કેટલા પ્રકારની વાતો કરતી.હર્ષ જોડે બૉલિવુડ,હોલીવુડ,ક્રિકેટ,પૉલિટિક્સ,ફેસબુક,શેરો-શાયરી,કોઇ પણ ટૉપિક પર ગમે તેટલી વાતો થતી પણ નિરવ જોડે આ શક્ય ન’તુ કારણકે એને એ બધુ નિરર્થક લાગતુ.અરે ઘણીવાર તો સિનેમાનાં કોઇ સોંગ માટે પણ એની અને નિરવ વચ્ચે બહેસ થતી.અને કદાચ એટલે જ એ નિરવ જોડે કનેક્ટ ના થઇ શકી અને એ દરમિયાન હર્ષ નું મહત્વ શું છે એ સમજાયુ.પછી જે થયુ તે પણ ભલા કોઇ ચલચિત્રનાં દ્ર્શ્ય થી સહેજેય કમ ન’તુ.એક રવીવારે હર્ષ અને ઝંખના બન્ને એ ભેગા મળી ને નિરવને સમજાવ્યો ને એ સમજી ગયો કે,ઝંખના ને એના માટે કોઇ ફિલીંગ્ઝ જ નથી તો એની જોડે લગ્ન કરવાનો કોઇ મતલબ નથી અને એ સમજુ માણસની જેમ ખસી ગયો.અને ફરીથી મનોમન ઝંખનાએ નિરવનો આભાર માન્યો.

ત્યાર પછી અઢી-ત્રણ વર્ષ થયા પેરન્ટસ ને મનાવતાં.અને એ સમયે જે પ્રકારે હર્ષે મને સપોર્ટ કર્યો છે એ જોઇને હંમેશા પોતાની ચોઇસ પર માન થયુ છે.હર્ષ એને કયારેય કસ્ટમાઇઝ ન’તો કરતો.એની આંખોમાં પોતા માટે કઈક અલગ પ્રકારની આસક્તિ દેખાતી,એવી જ બિલ્કુલ જેવી મેં મારા પપ્પાની આંખોમાં જોઇ છે મારી માં માટે.એ મારી એક-એક ધડકન મહેસુસ કરી શકે છે.ક્યારેક અમે દરિયાકિનારે સોનેરી રેતીમાં બેઠા હોઇએ અને હું દૂર ક્ષિતિજે નજરો નાંખી મુક બેઠી હોંઉ તો એવે વખતે મારા મનમાં ચાલતા વિચારોને વાચા આપવાનું કામ એ કરે છે.એનો પ્રેમ મારા માટે વરસાદ છે.એને ખબર છે કયારે ધોધમાર વરસવુ,ક્યારે ફરફર, તો ક્યારે થોડી બુંદો માટે પણ તલસાવવું.એટલે જ હું એને હંમેશા કહુ છુ કે “તું મારો વરસાદ છે” ને એ મારી કાળી આંખોમાં એની કથ્થાઇ આંખોથી તાકી ને કહે કે “તું મારા માટે ધરતી છે, તારા પર વરસીને તને નખશીખ ભિંજવવુ એ જ મારી ફેવરીટ એકટિવિટી છે.” કદાચ એટલે જ અમારા પ્રેમની અહમ પળો વખતે વરસાદ સાક્ષ્ય રહ્યો છે.

error: Content is protected !!