બ્રેમ્પટન માં ‘બલ્લે બલ્લે’

બે દ્રશ્યો વિચારો :

દ્રશ્ય એક: તમે અમદાવાદ કોઈક કામે આવ્યાં છો અથવા તો તમે અમદાવાદનાં જ છો અને ક્યાંક જવા માટે તમે અમદાવાદની લાઈફ લાઈન બની ચુકેલી બી.આર.ટી.એસ માં બેસો છો. અચાનક તમારું ધ્યાન બસ નાં ડ્રાઈવર પર જાય છે અને તમને એક મહિલા ડ્રાઈવર આ બસ ચલાવતી જોવા મળે છે. તમને આશ્ચર્ય થાય કે ન થાય?

દ્રશ્ય બે: તમે જીન્દગીમાં પહેલીવાર વિદેશ જાઓ છો અને ત્યાં બસ માં બેસો છો અને ત્યાં તમને કોઈ ભારતીય મહિલા બસ ચલાવતી જોવા મળે છે તો તમને આશ્ચર્ય થાય કે ન થાય?

Bus 02

મહિલાઓ કે છોકરીઓ ને આપણે કાર ચલાવતાં તો લગભગ રોજ જોઈએ જ છીએ. પણ ‘બસ’? અમદાવાદની ‘મહિલા બસ’માં પણ પુરુષ ડ્રાઈવર અને કંડકટર જોવા મળે છે. ભારત માં છુટા છવાયાં સમાચારો માં મહિલાઓ ને બસ ચલાવતી દેખાડાઈ અથવા તો જણાવાઈ છે પણ કદાચ આંગળીના વેઢે ગણી શકાય એટલી જ. આજે આપણે એક એવી પંજાબી મહિલાની વાત કરવી છે જે જન્મે ભારતીય છે અને ભારતથી કિલોમીટરો નાં કિલોમીટર દુર આવેલાં કેનેડામાં સપ્તાહનાં પાંચ દિવસો બસ ચલાવે છે અને એપણ રોજના આઠ કલાક. ચાલો મળીએ શ્રીમતી. અનુરાધા આર્ય ને!

ભારતની છોકરીઓનાં લગ્ન જયારે કોઈ એન.આર.આઈ સાથે થયાં હોય અને જ્યાં તેનો વિસા તૈયાર ન થાય ત્યાં સુધી એ એની કાગડોળે રાહ જોતી હોય છે. અનુરાધા, અનુરાધા પુંજ માંથી અનુરાધા આર્ય થઇ ને આમ જ થોડાં મહિનાઓ રાહ જોઈને પોતાનાં વિસા આવતાં જ ૨૦૦૨ના ડીસેમ્બરમાં કેનેડા નાં ટોરંટો પાસે આવેલાં બ્રેમ્પટન પહોંચે છે. એકાદ વર્ષ બાદ પુત્રી નાં જન્મ પછી ઘરસંસારમાં વ્યસ્ત થઇ જાય છે. પણ વિદેશ એ વિદેશ છે અહી પતિ પત્ની બન્ને એ નોકરી કરવી જ પડે છે અને એમાં કોઈ નવાઈ ની વાત નથી. અને હવે તો આપણા દેશમાં પણ આ પ્રથા જોવા મળે છે. આથી જ પુત્રી થોડી મોટી થઇ જતાં અનુરાધાએ પણ નોકરી કરવાનું નક્કી કર્યું.

શરૂઆતમાં ઓફીસ એડમિનિસ્ટ્રેશન ની નોકરી કરી એટલું જ નહી પણ થોડાં સમય બાદ શિક્ષક બનવાનું લાઈસન્સ પણ મેળવ્યું પણ કાઈ મજા ન આવી. દેશ માટે શહીદ થયેલાં એક આર્મીમેન ની આ પુત્રી ને નાનપણ થી જ આર્મીના પેલાં મોટા મોટા ટ્રકો પોતે ચલાવતી હોય એવાં સ્વપ્નાંઓ આવતાં અને એમાં તેને આવી ‘ઇન હાઉસ’ જોબ કરવી ક્યાં થી ગમે? વળી બ્રેમ્પટન ની સીટી બસો મહિલાઓ ને ચલાવતી જોઈ ને અનુરાધાને પોતાનાં સ્વપ્નાઓ ફરી તાજાં થતાં લાગ્યાં અને પોતાને આર્મીના ‘કોન્વોય ટ્રક’ ચલાવવા ન મળે તો કાઈ નહી છેવટે આવડી મોટી બસ તો ચલાવવા મળશે? આવું વિચારીને અનુરાધાએ પોતાનાં પતિ અરવિંદ આર્ય ને વાત કરી. વર્ષોથી અહી રહેલાં અરવિંદભાઈ ને એક સ્ત્રી તરીકે અનુરાધાનું ડ્રાઈવર બનવું કોઈ નવાઈ ની વાત ન લાગી અને તરત જ અનુરાધા ની ઈચ્છા ને એમણે માન આપ્યું.

પણ એમ તરત જ તો કોઈ આવડી મોટી બસ ચલાવવા ની મંજુરી ન આપે ને? એટલે શરૂઆતમાં અનુરાધાએ બ્રેમ્પટન ની સીટી બસ સેવામાં એડમિનિસ્ટ્રેટીવ જોબ લીધી. ત્યાર પછી મેનેજમેન્ટ ને પોતાની ઈચ્છા કહીને પુરા એક મહિનાની ‘બસ ડ્રાઈવિંગ’ ને લગતી ટ્રેઈનીંગ લીધી. ટ્રેઈનીંગ પછી ડ્રાઈવીંગ ની લેખિત અને એરબ્રેક ટેસ્ટ આપી ને ડ્રાઈવિંગ નું લાઈસન્સ મેળવ્યું અને એપ્રિલ ૨૦૧૦માં અનુરાધાએ પહેલીવાર આવી મોટી બસ ચલાવી. ટ્રેઈનીંગ દરમ્યાન અને અત્યારે પણ એને એનાં પુરુષ સહકર્મીઓ નું ખુબ માન મળ્યું અને આજે પણ મળે છે.

કુદરતી રીતે આપણને એવું લાગે કે સ્વપનું જયારે પોતાની નજરોની સામે સાચું પડી રહ્યું હોય ત્યારે થોડી નર્વસનેસ તો લાગે જ પણ અનુરાધા જરાય નર્વસ નહોતી. ‘ભેલપૂરી’ સાથે ફોન પર વાત કરતાં અનુરાધાએ આ બાબતે કહ્યું કે “મારે તો કાયમ ડ્રાઈવર જ થવું હતું એટલે ડર શેનો? એટલે એક્ચ્યુઅલી હું તો ખુબ એક્સાઈટેડ હતી.” આજે અનુરાધા પોતનાં ગૃહ નગર બ્રેમ્પટન થી મીસીસાઉગા અને વોગન એમ બે રૂટ્સ પર પોતાની ‘ગડ્ડી’ ચલાવે છે. અનુરાધાને પહેલી નજરે જોતાં જ એમ લાગે કે આવી કુમળી સ્ત્રી આવડી મોટી બસ કેવી રીતે ચલાવી શકતી હશે? પણ તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે તે દિવસના ૪+૪ એમ આઠ કલાક ઉપર જણાવેલાં બે રૂટ્સ પર અઠવાડિયાનાં પાંચ દિવસ ઉપર દર્શાવેલી આ રાક્ષસી બસ ચલાવે છે. અત્યારે તો રોજ સવારે વહેલાં સાડા છ વાગ્યામાં તે પોતાની પહેલી ‘ટ્રીપ’ શરુ કરી દે છે. સાડા દસ થતાં જ ઘરે આવે છે અને ત્રણ કલાકનાં બ્રેકમાં રસોઈ કરવી, ઘરનાં કામ કરવાં અને છોકરાંઓ ને સ્કુલે મોકલવાં વગેરે કામ પતાવે છે. ફરીથી બપોરનાં દોઢના ટકોરે વળી બસનાં આંટા શરુ. બસ ની એક ટ્રીપ એટલે કે બ્રેમ્પટન થી ઉપર જણાવેલાં બે ગંતવ્યો અને પાછાં એ રીતે મીનીમમ ૧૧૦ મિનીટ્સ થી લઈને મેક્સીમમ ૧૨૦ મિનીટ્સ ની હોય છે.

Article

જો કે ‘ડ્રાઈવર સાહેબા’ ઈચ્છે તો સ્પ્લીટ ડ્યુટી ને બદલે આઠ કલાકની સળંગ ડ્યુટી પણ કરી શકે છે અને આ નિર્ણય મેનેજમેન્ટ ની મુનસફી પર આધારીત છે. એવું નથી કે રોજ આ બે ગંતવ્યો પર જ અનુરાધાએ બસ ચલાવવી પડે. કોઈવાર આદેશ થાય તો ટોરંટો કે આસપાસનાં બીજાં શહેરોમાં પણ ગાડી દોડાવવી પડે એવું બને અને બ્રેમ્પટન ની સીટી લિમીટ્સ ની અંદર પણ બસ દોડાવવી પડે. અઠવાડિક રજા ગામ આખાં ની સાથે શનિ-રવિ ની મળે જ એ પણ જરૂરી નથી. વીક-એન્ડ ની રજાઓ ફરતી રહે છે એટલે કોઈવાર બે-ત્રણ મહિના માટે રવિ-સોમ પણ રજા મળી શકે છે. અત્યારે અનુરાધા નું વિકેન્ડ શુક્ર-શનિ નું છે. અનુરાધાની ગેરહાજરીમાં સ્પેશિયલી જયારે તે શનિ અથવા રવિવારે ડ્યુટી પર હોય ત્યારે એમનાં પતિદેવ શ્રી. અરવિંદ આર્ય ની એમને ખુબ મદદ રહે છે કારણકે આ દિવસોમાં (કાયદેસરનાં વીક-એન્ડ્સ માં) ફરજીયાત ૮ કલાકની સળંગ ડ્યુટી અનુરાધાએ બજાવવી પડે છે આજે બે સંતાનો ની માતા ને આવી લાંબી ડ્યુટી દરમ્યાન શાંતિથી કામ કરવા મળી રહે એનાં માટે અરવિંદભાઈ પુરતો ખ્યાલ રાખે છે અને એ માટે આપણે અરવિંદભાઈ નાં વખાણ કરવાં રહ્યાં બરોબર ને? ઘણીવાર કોઈ સહ-ડ્રાઈવર રજા પર હોય તો ફક્ત ત્રણ કલાક માટે રજા નાં દિવસે પણ ડ્યુટી માટે જવું પડે એવું બને પણ આ ઓપ્શનલ છે એટલે કે એવું કરવું ફરજીયાત પણ નથી.

પણ આમ કરવામાં આર્થિક ફાયદો પણ છે અને આપણે ભારતીયો આવો કોઈ ફાયદો મળે તો ક્યાં ના પાડીએ બરોબર ને? રજાનાં દિવસે આવતો ઓવરટાઈમ ફક્ત ત્રણ કલાક નો હોય છે પણ એનો પગાર એ દિવસ પુરતો ‘દોઢ ગણો’ મળતો હોય છે એટલે અનુરાધાએ પોતાનાં મેનેજમેન્ટ ને કહી રાખ્યું છે કે આવી કોઈ જરૂર પડે તો સહુથી પહેલાં તેને જરૂર થી યાદ કરવી હવે ક્યાંક તો આપણી ‘કમાઉ ભારતીય મેન્ટલીટી ફાયદો લઈએ ને?’ અને ઘણીવાર વિદેશમાં રહેતાં લોકોને આપણી ભારતીયોની લોકોને મદદ કરવાની રગરગમાં વસેલી મેન્ટલીટી નો ફાયદો પણ મળે છે એ પણ અહી ઉમેરવું રહ્યું. કેવી રીતે? તો વાંચીએ એક અદભૂત અનુભવ જે અનુરાધાએ અમને જણાવ્યો.

એકવાર એક ૪૫-૪૬ વર્ષ ની મહિલા ને બહારગામ જવા માટે રેલ્વે-સ્ટેશને જવું હતું, એને એમ કે જે બસમાં એ બેઠી છે એ તેને સ્ટેશને લઇ જશે. જયારે એ જે બસમાં બેઠી હતી એ બસે સ્ટેશનનાં રસ્તા તરફ ‘ટર્ન’ ન લીધો ત્યારે એને ખ્યાલ આવ્યો કે પોતે ખોટી બસમાં બેઠી છે. એ બસનાં ડ્રાઈવર ને પૂછતાં એણે કહ્યું કે આ બસ તો સ્ટેશને જતી નથી આથી તેણે આગલા બસ સ્ટોપ થી બીજી બસ લઇ લેવી. હવે આ મહિલા જો આવનારી બસની રાહ જુવે તો એની ટ્રેઈન મીસ થઇ જાય એમ હતું એટલે એ આગલાં સ્ટેશને ઉતરી તો ગઈ પણ ખુબ આકુળવ્યાકુળ થવાં લાગી. અનુરાધા સ્ટેશન જવાની વિરુદ્ધ દિશાએ થી બરોબર આ જ સમયે પોતાની બસ લઇ ને આ જ બસ સ્ટોપ ઉપર પોતાની બસ લઈને આવી. આ ચિંતિત મહિલાએ પોતાની સમસ્યા અનુરાધાને જણાવી અનુરાધાએ ત્વરિત નિર્ણય લઇ ને એને પોતાની બસ માં બેસાડી. બસમાં બેઠેલાં મુસાફરો ને આ મહિલા ની પરિસ્થિતિ થી અવગત કર્યા અને પોતાની બસનો ‘યુ ટર્ન’ લઇ ને આ મહિલા ને એ સ્ટેશને પહોંચાડી જ્યાં તેની ગાડી ઉપડવાની લગભગ તૈયારીમાં જ હતી. એ મહિલાએ ઉતાવળમાં હોવાથી અનુરાધા નો ખુબ આભાર માન્યો અને જ્યાં સુધી અનુરાધાએ પોતાની બસ ફરી થી ટર્ન લઇ પોતાનાં મૂળ રસ્તે ન વળી ત્યાં સુધી એને ‘વેવ’ (‘થેંક્સ’ અને ‘આવજો’ બન્ને) કરતી રહી. પરંતુ લગભગ એક અઠવાડીયા પછી અકસ્માતે જ આ મહિલા અનુરાધાની જ બસમાં ચડી અને તરત એને ઓળખી લીધી. પોતાની મુસાફરી પતવા આવતાં એણે અનુરાધાને કીધું કે તે પોતાનું નામ અને ‘બેજ નંબર’ આપે જેથી એ અનુરાધા ની સંસ્થાને એક ‘એપ્રિશિએટીવ ઈ-મેઈલ’ મોકલી શકે. અનુરાધાએ વિનયપૂર્વક એમ કરવાની ના પાડી અને કહ્યું કે એ પોતાની ‘માનવીય ફરજ’ નો એક ભાગ માત્ર હતો. પરંતુ લગભગ એક મહિના પછી ગમેતેમ કરીને આ મહિલાએ અનુરાધા વિષે માહિતી મેળવી અને એક તેનાં વખાણ કરતો અને ધન્યવાદ કરતો ઈ-મેઈલ એણે મોકલ્યો જ. અનુરાધાના કહેવા મુજબ આ તેની અત્યાર સુધીની કરિયર નો સહુથી યાદગાર અનુભવ હતો. જો સારાં અનુભવ હોય તો ખરાબ અનુભવો પણ હોય બરોબર ને? પણ અનુરાધા નાં કહેવાં મુજબ ખરાબ અનુભવો એક દુ:સ્વપ્ન સમજીને ભૂલી જવાં જ સારાં.

જો કે કેનેડામાં રોજ ૬-૬ કલાક આવડી મોટી બસ ચલાવતી અનુરાધાને જયારે અમે પૂછ્યું કે શું હવે તે પોતાનાં ગૃહ નગર ચંડીગઢ માં કાર ચલાવશે? તો ખડખડાટ હસતાં એણે ફક્ત ‘ના’ જ કહ્યું. વ્હોટ એન આયરની! હેં ને? અનુરાધા ને આમ તો કોઈ સંદેશ આપવાનું ગમતું નથી પણ એણે એટલું જરૂરથી કહ્યું કે જો હું આવડી મોટી બસ ચલાવી શકતી હોઉં તો દુનિયા ની કોઇપણ સ્ત્રી કોઈપણ કામ કરી શકે છે. તો હવે કોઈ મહિલાને કામ કરતાં જુવો તો અનુરાધાને યાદ કરીને એને સેલ્યુટ જરૂર કરજો અને એજ એને એનાં કામની યોગ્ય અંજલી હશે!

આ લેખ ‘ભેલપૂરી’ દ્વારા ભારત સહીત દુનિયાભર ની કામકાજી મહિલાઓ ને સલામ કરવાનો એક સંનિષ્ઠ પ્રયાસ માત્ર છે. એનો મતલબ એમ જરાય નથી કે ગૃહિણીઓ પ્રત્યે અમને કોઈ સન્માનની ભાવના નથી. આ લેખની હિરોઈન અનુરાધાના પોતાનાં જ શબ્દો અહી ટાંકીએ તો “કામકાજી મહિલાઓ કરતાં તો ગૃહિણીઓ વધુ સન્માન ને લાયક છે, અમે અમારાં કામના બહાને અમુક કલાક ઘરની બહાર તો વીતાવી શકીએ છીએ!” એકદમ સચોટ બરોબરને?

Leave a Reply

error: Content is protected !!