સેલીબ્રીટીઝની દિવાળી અને નવા વર્ષ નિમિત્તે શુભકામનાઓ

ફક્ત અને ફક્ત ‘ભેળપૂરી’ નાં વાચકો માટે જ દુનિયા અને ભારતની મહત્વની સેલીબ્રીટીઝ દિવાળી અને નવાં વર્ષની ની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે તો આવો એમની શુભેચ્છાઓ ને આપણે દિલથી સ્વીકારીએ. એવું નથી કે દરેક સેલીબ્રીટી અહી શુભેચ્છાઓ જ પાઠવી રહી છે અમુક તો શુભેચ્છાઓ પાઠવતી વખતે પણ પોતાની જ દુનિયામાં જ મસ્ત છે.

પ્રણબ મુખરજી (ભારતનાં રાષ્ટ્રપતિ): “હું ‘ભેળપુરી’ નાં તમામ વાચકોને આ દિવાળી નિમિત્તે એવી શુભકામનાઓ આપું છું કે આવનાર વર્ષમાં તમારી મનગમતી મનોકામનાઓ પૂર્ણ થાય એટલે કે તમને જે બનવું હોય એ જ તમે બનો અને કોઇપણ મજબૂરી તમને ‘નવરી બજાર’ જેવાં પદો ન આપે”

ડૉ. મનમોહન સિંગ (ભારતનાં પ્રધાનમંત્રી): “આટલું વહેલું? હજી તો મેડમ તરફથી કોઈ આદેશ પણ નથી આવ્યો.. હું પછી વિશ કરીશ”

શ્રીમતી સોનિયા ગાંધી (ચેરપર્સન, યુપીએ): “મારાં ટ્રાન્સલેટર અને સ્ક્રીપ્ટ રાઈટર બેય દિવાળીની રજા ઉપર ઘેરે ગયાં છે એટલે દેવ દિવાળી પછી વિશ કરીશ”

શ્રી. લાલકૃષ્ણ અડવાણી (વરિષ્ઠ નેતા, ભાજપ): “મને યાદ છે ૧૯૪૭ માં આખાં દેશે બહુ જોરદાર દિવાળી ઉજવી હતી અને બહુ મજા કરી હતી પણ આ વર્ષે આખો દેશ બહુ દુ:ખી મને દિવાળી ઉજવશે કારણકે યોગ્ય વ્યક્તિ ને પીએમ પદના ઉમેદવાર નથી બનાવ્યાં. હું તમને બધાં ને શાંતી જાળવવાની અપીલ કરું છું.”

શ્રી. નરેન્દ્ર મોદી (મુખ્યમંત્રી, ગુજરાત અને ભાજપનાં પ્રધાનમંત્રી પદ નાં ઉમેદવાર): “મિત્રોં, આ દિવાળીએ આપણે બધાં એવો સંકલ્પ લઈએ કે ભોંય ચકરી ની જેમ એક જ જગ્યા કે રાજ્યમાં ફરવાને બદલે રોકેટની જેમ ઉપર ને ઉપર દિલ્હી તરફ જઈએ અને સાથે સાથે એમ કરવાની ઈચ્છા ધરાવતાં વ્યક્તિઓને ટેકો પણ આપીએ.”

શ્રી. રાહુલ ગાંધી (ઉપ પ્રમુખ, કોંગ્રેસ): “મારાં દાદી પણ દિવાળી ઉજવતાં હતાં, મારાં પપ્પા પણ દિવાળી ઉજવતાં હતાં એટલે હું પણ દિવાળી ઉજવીશ પણ તમે એ જરૂર થી યાદ રાખજો કે ભારતમાં ફટાકડા કોંગ્રેસ જ લાવી હતી.”

શ્રી. અર્જુનભાઈ મોઢવાડિયા (પ્રદેશ પ્રમુખ, ગુજરાત કોંગ્રેસ): “આ તહેવારો ની ઉજવણી પાછળ ગુજરાત સરકાર ગાંડી બની ગઈ છે અને દિવાળીની ઉજવણી પણ એમાંથી બાકાત નથી તો હું આ સમગ્ર ઉજવણી ની પાછળ થયેલાં કરોડોનાં ખર્ચની અને એને કારણકે ગુજરાતનાં કેટકેટલા ઉદ્યોગગૃહો ને ફાયદો થયો એની સીબીઆઈ તપાસ કરાવવાની માંગણી કરું છું. બરોબરને શક્તિસિંહજી? શંકરસિંહ બાપુ?”

બરાક ઓબામા (અમેરિકાનાં પ્રમુખ): “દિવાળી ની શુભેચ્છાઓ સાથે ‘ભેળપુરી’ નાં વાચકો ને એક પર્સનલ સલાહ પણ આપીશ કે તમારું દિવાળી અને નવાં વર્ષની ઉજવણી નું બજેટ પહેલેથી પાસ કરાવી દેજો નહી તો છેલ્લે સમયે તકલીફ પડશે”

આસારામ બાપુ: “જેલમાં આસાની થી ફટકડીઓ નથી મળતી…. એ સોરી સોરી સોરી મારો મતલબ છે કે કોઈ ફટાકડા ફોડવા મળતાં નથી આથી નવાં વર્ષે જેલ અધિકારીઓ આવી કોઈ વ્યવસ્થા કરે એવી પ્રાર્થના. બોલો હરિઓમ!”

અમિતાભ બચ્ચન: “બાબુજી કહેતે થે કી ફટાકડા ફોડવાની અને એનાંથી પ્રાપ્ત થતાં આનંદ લેવાની કોઈ પણ ઉમર નથી હોતી હૈન? એટલે ખુબ આનંદ કરો અને પોતાની સુરક્ષાનો પ્લીઝ પ્લીઝ પ્લીઝ ખ્યાલ રાખજો.”

શાહરૂખ ખાન: “આવનાર વર્ષમાં સવા બસ્સો કરોડ કેમ વાપરવા એનું કોઈ પ્લાનીગ તમારી પાસે હોય તો જરૂર કહેજો બાકી દરવર્ષે મારી ફિલ્મો તો આવશે જ તમને ગમે કે ન ગમે”

સલમાન ખાન: “ઉપર ની છેલ્લી લાઈન સેમ ટુ સેમ બાકી મારી ફિલ્મો ‘એની’ ફિલ્મો થી આવનાર વર્ષમાં વધુ ચાલશે સમજે?”

આમીર ખાન: “હું તો કાયમ સાયન્સ તરફ જ હોઉં છું એ તો તમને ખબર જ છે એટલે આ દિવાળીમાં રોજ ફક્ત એક જ ફટાકડો ફોડો એન્ડ સેવ એન્વાયરમેન્ટ એન્ડ ‘સત્યમેવ જયતે’ કી હર જગહ ‘ધૂમ ૩’ હો!”

રણબીર કપૂર: “અરે દેશની આખીય ‘જવાની-દીવાની’! બિલકુલ ‘બેશરમ’ બની ને ફટાકડા ફોડજો, ખુબ ‘બર્ફી’ પેડા ખાજો અને આનંદ કરજો કારણકે બેશરમ પણ ક્યાં ચાલી હતી હી હી હી”

અભિષેક બચ્ચન: “પપ્પા ફટાકડા લાવી આપશે તો ફોડીશ”

ઐશ્વર્યા રાય બચ્ચન: “ઓહ કમોન અભી, પ્રેસ્ટીજ વાળાં નો ચેક કેશ થઇ ગયો છે, ચલ શોપિંગ કરીએ”

દીપિકા પાદુકોણ: “બે દિવસ ફટાકડા ફોડવાથી પ્રદુષણ વધે છે એ એક ‘બોક્વાસ આઈડિયા’ છે એટલે ખુબ મજા કરો ચાહે તમે કશ્મીર માં હોવ કે કન્યાકુમારીમાં”

કેટરીના કૈફ: “સોરી આઈ ખાન્ટ સ્પીખ ઘુજરાટી”

સચિન તેન્દુલકર: “આ વખતની મારી આ છેલ્લી દિવાળી છે…આઈ મીન રમતાં રમતાં છેલ્લી, આઈ વિલ મીસ યુ દિવાલી સોરી આઈ મીન માય ઇન્ડીયન ટીમ”

મહેન્દ્રસિંહ ધોની: “સોરી સચિન પણ હાઈસ! હવે આવતે વર્ષે એકપણ સીનીયર ખેલાડીનાં પ્રેશર વીના દિવાળી મનાવી શકીશ અને ભારત ને વધુ ને વધુ મેચો જીતાડતો રહીશ.”

વિરાટ કોહલી: “@#%&* હેપ્પી દિવાલી!”

ઇશાંત શર્મા: “આ દિવાળી પર ખુબ ખર્ચો કરો તેવી હાર્દિક શુભેચ્છાઓ કારણકે વિરાટ ની જેમ તમારાં ઘરમાં પણ કોઈ એક જણો તો કમાવવા માટે હશે જ ને?”

એવું નથી કે જીવતાં લોકોએ જ પોતાની શુભેચ્છાઓ અમને મોકલી છે સ્વર્ગમાં થી પણ અમારાં મોંઘેરાં વાચકો માટે અમને કેટલીક શુભેચ્છાઓ મળી છે.

ગાંધીજી: “હું તો બોમ્બ વગેરે ફોડતો નથી એ કામ ભગતનું એટલે તમને ફક્ત દિવાળીની શુભેચ્છાઓ જ આપી શકું, જીવતાં રહો અને હિન્દ ને આઝાદ રાખો અને એને સુખી કરો”

ભગત સિંઘ: “બાપુ તમે ચિંતા ન કરો તમે કહો એવા અને કહો ત્યાં આપણે બોમ્બ ફોડશું પણ ફક્ત દિવાળીના જ એની ખાતરી રાખજો.”

સરદાર પટેલ: “આ દિવાળીએ બધાં ખુબ આનંદ કરો. બાપુ, આ ફટાકડાના ધુમાડા થી જંતુઓ મરી જાય છે તો શું એ હિંસા નથી? આતો જસ્ટ એક વિચાર આવ્યો એટલે પૂછું છું કાલે ફટાકડા વિરદ્ધ પાછાં ઉપવાસ પર ન બેસી જતાં”

રાજેશ ખન્ના: “હે હે… હા હા… અહા … હમમ હમમ …દિવાલી કી બહોત શુભ કામના રે”

પ્રાણ: “બરખુરદાર, આ વખતે સ્વર્ગમાં મારી પહેલી દિવાળી છે એટલે કેવી રહી એ આવતે વર્ષે કહીશ ચાલો હજી મન્ના’દા ને એમનો રૂમ નથી મળ્યો એટલે એની વ્યવસ્થા કરવાની બાકી છે….યારી હૈ ઈમાન મેરા….”

સર ડોન બ્રેડમેન: “સચિન મારી જેમ જ રમે છે પણ હું એની જેમ ફટાકડા નથી ફોડી શકતો હવે એ રીટાયર થઇ ગયો છે એટલે આવતે વર્ષે એને જોઈ જોઈ ને શીખી જઈશ અને એમાં તો ૧૦૦ ની એવરેજ બનાવીશ જ”

ખુદ દિવાળી તહેવાર ની શુભેચ્છા: “ભેળપુરી નાં તમામ વાચકોને મારાં તરફથી દિલથી ‘હેપ્પી રજનીકાંત’ !”

Leave a Reply

error: Content is protected !!