ચાલો આપણે ઘેર રે…

તમે કોઈ કંપનીમાં નોકરી કરતાં હોવ અને તમારી ટ્રાન્સફર ગુજરાતનાં કોઈ અન્ય શહેરમાં થાય અથવા તો એમ વિચારો ને કે દિલ્હી, ચેન્નઈ કે મુંબઈ થાય… ઓકે ચાલો એમ વિચારો કે તમારી બદલી છેક આસામ કે નાગાલેંડ કે અંદામાન નિકોબાર માં થાય તો તમને ત્યાં ગયાં પછી કેટલાં દિવસે તમારું ઘર યાદ આવે? વર્કોહોલિક વ્યક્તિની વાત તો આપણે કરવી જ નથી પણ નોર્મલી અઠવાડિયે દસ દિવસે તો ઘર અને ઘરનાં ની યાદ આવી જ જાય, ખાસ કરીને જો તમે પ્રેમાળ પત્ની અને એટલાં જ પ્રેમાળ માતા-પિતા અને તોફાની બારકસ છોકરાંઓ ને છોડી ને આવ્યાં હોવ તો તો એમની યાદ ખુબ જ વહેલી આવી જાય બરોબર ને? કામ હોવા છતાં તમને વારે-તહેવારે ઘેરે દોડી જવાની ઈચ્છા પણ થાય. અચ્છા હવે જો આપણે એમ વિચારીએ ફક્ત દોઢેક મહિના માટે તમને તમારી કંપની ક્યાંક મોકલે અને તમને ખબર જ છે કે તમારે આ મુદ્દત પત્યાં પછી ઘેરે આવવાનું જ છે, તો પણ શું તમે ઘેરે જવાની ઉતાવળ કરો?

લગભગ મોટાભાગનાં વાચકો આ સવાલનો જવાબ કદાચ ના માં જ આપશે. પણ તેમ છતાં ઈંગ્લેન્ડના એક ભૂતપૂર્વ ક્રિકેટર જે ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેટિંગ કરતી વખતે તો એટલાં આક્રમક બની જતાં કે સામેવાળી ટીમનાં બોલરો નાં છોતરાં નીકળી કાઢી નાખતાં. આવાં ‘ફાડુ’ ક્રિકેટર આવી જ મર્યાદિત સમયની ટુર એક વાર નહી પણ ત્રણ-ત્રણ વાર છોડી ને પોતાને ઘેર આવી ગયાં હતાં. આ ઈંગ્લીશ ક્રિકેટર એટલે મારકસ ટ્રેસ્કોથીક. ફેબ્રુઆરી ૨૦૦૬માં જયારે ઇંગ્લેન્ડની ટીમ ભારતમાં સીરીઝ રમવા આવી ત્યારે ભારતમાં આવ્યાંનાં થોડાં જ દિવસોમાં મારકસભાઈ ઘેરે પાછાં જતાં રહ્યાં. કારણ? એમને એક માનસિક ડર બેસી ગયો હતો કે એમની ગેરહાજરીમાં એમનાં કુટુંબ ને કોઈ તકલીફ પડી શકે છે. જો કે એમને કે એમનાં કુટુંબ ને અંગ્રેજી ગુંડાભાઈઓ ની કોઈ જ ધમકી મળી ન હતી પણ તો પણ તેમને આવી એક માનસિક ભ્રમણા થઇ ગઈ હતી જેને મેડીકલ ભાષામાં ‘કલીનીકલ ડીપ્રેશન’ કહેવાય છે એનો ભોગ મારકસ સાહેબ બન્યાં હતાં. તેમ છતાં એમણે આ રોગની ટ્રીટમેન્ટ લીધી અને એજ વર્ષનાં અંત માં રમાનારી ‘એશેઝ’ સીરીઝમાં પોતે પણ રમશે એમ ઈ.સી.બી (ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ) ને એમણે જણાવી પણ દીધું હતું. વર્ષનાં અંતે નવેમ્બરમાં ઓસ્ટ્રેલીયા પહોંચી ને એમણે ‘પ્રાઈમ મીનીસ્ટર્સ ઈલેવન’ અને ન્યુ સાઉથ વેલ્સ ની ટીમ સામે બે પ્રેક્ટીસ મેચો પણ રમી પણ ૧૪ મી નવેમ્બર ૨૦૦૬ એ જયારે આ બીજી મેચ પૂરી થઇ ત્યારે મારકસભાઈ ને પેલાં ‘કલીનીકલ ડીપ્રેશન’ નો ફરીથી એટેક આવ્યો અને એ ઘરભેગાં થઇ ગયાં. તમે ઘરની સીરીઝમાં રમો અને વિદેશની સીરીઝમાં ન રમો એવું તો ક્યાંથી ચાલે? એટલે ટ્રેસ્કોથીકે થોડાં મહિનાઓ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ને અલવિદા કરી દીધી પણ પોતાની કાઉન્ટી સમરસેટ માટે તેઓ રમતા રહ્યાં. હવે મજાની વાત એ થઇ કે ૨૦૦૯ની ‘ચેમ્પિયંસ લીગ ટી૨૦’ માટે ટ્રેસ્કોથીકની સમરસેટ ટીમ ક્વોલીફાય થઇ. આ ટુર્નામેન્ટ એ વર્ષે ભારતમાં રમાવાની હતી. આ વખતે ટ્રેસ્કોથીકે પાકું મન બનાવી લીધું હતું કે આ ટુર દરમ્યાન એ પેલી બીમારી ને પોતાનાં પર હાવી થવા નહી જ દે અને એટલે જ એ પોતાની ટીમ કરતાં ત્રણ દિવસ મોડાં ભારત આવ્યાં અને ડેક્કન ચાર્જસ સામે ૧૨ બોલમાં ૧૪ રન્સ પણ બનાવ્યા. આ મેચ સમરસેટ ખુબ સંઘર્ષ કરીને જીતી ગયું. સમરસેટની બીજી મેચ ટ્રીનીડાડ એન્ડ ટોબેગો સામે હતી જે તેઓ હારી ગયાં અને ટ્રેસ્કોથીક ને ફરીથી પેલાં રોગે ઘેરી લીધો અને એ ઘેરે પરત થઇ ગયાં.

આ આખીય વાત એટલે કરી કારણકે હમણાં બે દિવસ પહેલાં જ ઈંગ્લેન્ડના જ જોનાથન ટ્રોટ કઈક આવાં જ સંજોગો ને કારણે બ્રિસ્બેન માં રમાયેલી પહેલી ‘એશેઝ’ ટેસ્ટ મેચ પછી ઘેરે પરત થઇ ગયાં. કહેવાય છે કે ઓસ્ટ્રેલિયનો એ આ મેચ દરમ્યાન કોઈ પણ ઈંગ્લીશ ખેલાડીને છોડ્યા ન હતાં. ‘ઓસ્ટ્રેલીયન રીવાજ’ પ્રમાણે એલોકો એ ઇંગ્લેન્ડ નાં દરેક ખેલાડીઓ ને માં-બેન ની ખુબ ગાળો પીરસીને એમનાં પર જબરદસ્ત માનસિક દબાણ લાવી દીધું હતું. અફકોર્સ, મિચેલ જહોન્સન ની બોલિંગ જોરદાર હતી જ અને ડેવિડ વોર્નર અને કપ્તાન માઈકલ ક્લાર્ક ની બેટિંગ પણ અદભૂત હતી, પણ ઓસ્ટ્રેલીયન સ્લેજીન્ગે પણ ઇંગ્લેન્ડની હારમાં બહુ મોટી ભૂમિકા ભજવી હતી એમ કહેવામાં જરાપણ આનાકાની થઇ શકે એમ નથી. ટ્રોટ પણ આ ‘ગાળાક્રમણ’ થી બાકાત નહોતા રહ્યાં. ડેવિડ વોર્નરને તો જાણે ખાસ ટ્રોટ ને જ હેરાન કરવા માટે અપોઈન્ટ કર્યા હતાં. એ વારંવાર ટ્રોટ ને સ્વસ્તીઓ ‘સંભળાવતાં’ રહેતાં હતાં. ટ્રોટે બન્ને ઇનિંગ્સમાં અનુક્રમે ફક્ત ૧૦ અને ૯ રન્સ બનાવ્યાં અને જયારે આ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ હારી ગયું ત્યારે એ ઘેર પાછાં જાય છે એવી જાહેરાત કરી દીધી. ટ્રોટે ઓફિશિયલી એવું કહ્યું છે કે “જો હું ટીમ ને મારું ‘શત પ્રતિશત’ ન આપી શકતો હોઉં તો મારે એનો ભાગ બની ને રહેવાનો કોઈ જ અધિકાર નથી.” પણ આ દેખાય છે એવું સહેલું સ્પષ્ટીકરણ નથી. કહેવાય છે કે ટ્રોટ પણ ટ્રેસ્કોથીક નાં જ રોગ નાં ભોગ બન્યાં છે. બાકી જોનાથન ટ્રોટ એટલે આપણાં રાહુલ દ્રવિડ જેવાં જ. એ જયારે બેટિંગ કરતાં હોય ત્યારે એમની માનસિક એકાગ્રતા અદ્ભુત હોય છે. એવું નથી કે ટ્રોટનું આખુંય વર્ષ નબળું ગયું હતું એટલે એમણે પોતે ટીમ ને ૧૦૦% ન આપી શકવાનું દુઃખ થયું હોય. છેલ્લાં બાર મહિનામાં ટ્રોટે ૧૩ ટેસ્ટ મેચો રમીને ૪૨.૮૦ ની એવરેજથી ૧૦૭૦ રન્સ બનાવ્યાં છે એટલે ફક્ત એક મેચ માં ખરાબ પ્રદર્શન કરીને એ નાસીપાસ થઇ જાય એવું કોઈ જ કારણ ટ્રોટ જેવાં ધરખમ ખેલાડી પાસે જરાય નથી. જો ઓસ્ટ્રેલિયનો ની સતત ગાળાગાળી એનાં ઘેર જવાનું કારણ હોય તો પછી એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછાં કેમ આવી શકશે એ બહુ મોટો સવાલ છે. આનું કારણ એક જ છે કે હવે તો દુનિયાની દરેક ટીમ વિરોધી ટીમની એકાગ્રતા ભંગ કરવા સ્લેજીન્ગ નો આશરો લે છે. વળી ઇંગ્લેન્ડની ટીમ પણ અત્યારે દુનિયાની નંબર વન ટેસ્ટ ટીમ છે એટલે એ આ ‘એશેઝ’ સીરીઝ માં કમબેક નહી જ કરે એવું માનવને કોઈ કારણ પણ નથી. પણ આ તો રોગ છે ભાઈ ગમે ત્યારે ગમે તેને વળગી શકે.

રોગ એક જ કારણ નથી ક્રિકેટરો ને ઘેરે પાછાં જવા માટે. ઘણીવાર એક નાની અમથી ગેરસમજણ પણ કોઈ ક્રિકેટર ને ઘેરે મોકલી દેવા માટે પુરતી છે. ૧૯૯૬માં ઇંગ્લેન્ડની ટુર માંથી તે વખતે સાવ મૂંગા રહેતાં પણ અત્યારે આપણા કાનમાં ત્રાસ કરી દેતાં નવજોતસિંઘ સિદ્ધુ પણ ટુરની વચ્ચેથી ઘેરે આવી ગયાં હતાં. એમનાં ઘેરે પાછાં આવવાનું કારણ તે વખતે એમનાં અને તે વખતનાં ભારતીય ટીમનાં કપ્તાન મુહમ્મદ અઝહરુદ્દીન વચ્ચે થયેલાં અહમનો ટકરાવ હતો એવું કહેવાયું હતું પણ વર્ષો પછી જયારે હમણાં જ સ્વર્ગસ્થ થયેલાં બી. સી. સી. આઈ નાં સેક્રેટરી જયવંત લેલે એ પોતાનાં આત્મકથાનક પુસ્તક ‘આઈ વોઝ ધેર – મેમરીઝ ઓફ અ ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર’ માં આ આખીય બાબતનો ખુલાસો કર્યો ત્યારે ‘ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર’ જેવી વાત બહાર આવી હતી. બન્યું એમ કે આ ટુર દરમ્યાન જયારે જયારે સિદ્ધુ અઝહર સાથે ‘હાઈ…હેલ્લો’ કે ઇવન ‘ગુડ મોર્નિંગ’ કરે ત્યારે અઝહર જવાબમાં ‘હાઈ..હેલ્લો’ કે ‘ગુડ મોર્નિંગ’ તો બોલે જ પણ સાથે એક ખાસ પ્રકારનો અપશબ્દ પણ બોલે. બે-ત્રણ દિવસ તો સિદ્ધુપાજી એ સહન કર્યું પણ પછી એ એવાં ગુસ્સે થયાં કે કોઈ ને કીધા વીના દેશ પરત થઇ ગયાં. કાયમની જેમ ઇન્ક્વાયરી બેઠી પણ સિદ્ધુ એ મગનું નામ મરી ન પાડ્યું અને ‘હું જ દોષી છું એટલે મને સજા કરો’ એવું રટણ કરે રાખ્યું. ઇંગ્લેન્ડ નો પ્રવાસ પતાવીને ટીમ પછી પણ આવી ગઈ અને અઝહર અને અન્ય ખેલાડીઓ પણ આ ઇન્ક્વાયરી કમીશન સામે પેશ થયાં પણ તોય કોઈ ફોડ ન પડ્યો. એટલે લેલે સાહેબે સિદ્ધુ જેવાં જ પંજાબી એવાં મોહિન્દર અમરનાથ કે જે આ કમીશન નાં ચીફ હતાં એમને એક આઈડિયા આપ્યો. ઇન્ક્વાયરી રૂમમાં ટેપ રેકોર્ડર ચાલુ રાખ્યું અને કમિશનના અન્ય સભ્યો જયારે લંચ લેવા ગયાં ત્યારે એમણે પંજાબીમાં મિત્રભાવે સિદ્ધુ ને અસલી કારણ પૂછ્યું તો સિદ્ધુ એ કહ્યું કે “અઝહર મને રોજ તેરી માં કે **’ એવું બોલતો એટલે મને બહુ ખરાબ લાગતું અને એટલે હું ગુસ્સામાં ટુર છોડી ને આવી ગયો.” આટલું સાંભળતા જ મોહિન્દર ખડખડાટ હસી પડ્યા અને સિદ્ધુ ને કહ્યું કે, “આપણા પંજાબમાં એ શબ્દ ભલે ગાળ હોય પણ હૈદરાબાદમાં તો આ એક પ્રેમ ભર્યો શબ્દ છે જેનો મતલબ છે ‘અપની માં કા પ્યારા બેટા’ અને આ શબ્દનો ઉપયોગ હૈદરાબાદી સ્ત્રીઓ પણ છૂટથી કરે છે.” પછી તો સિદ્ધુ અને અઝહર વચ્ચે જે મિત્રતા થઇ એ આજદિન લગી ચાલુ જ છે. પણ જે થયું એ સારા માટે કારણકે જો સિદ્ધુપાજી પરત ન થયાં હોત તો આપણને સૌરવ ગાંગુલી જેવો સમર્થ કપ્તાન પણ કદાચ ન મળત અથવા તો મોડો મળત કારણકે ઇંગ્લેન્ડ ગયેલી એ ટીમ માં ‘દાદા’ એ જ ‘પાજી’ ની જગ્યા લીધી હતી.

આ તો થયું જાતે ઘેર આવવાની વાત પણ ઘણીવાર ક્રિકેટિંગ બોર્ડ પણ કોઈ ખેલાડીને ઘેરે પાછાં જવાનું કહી દેતાં શરમાતું નથી. ૧૯૮૧-૮૨ ની ભારત ટુર વખતે કલકત્તા ટેસ્ટમાં ઇંગ્લેન્ડનાં જયોફ્રી બોયકોટ પેટમાં દુખવાનું બહાનું કરી ને ફિલ્ડીંગ ભરવા ન આવ્યાં અને પછી તપાસ કરતાં ખબર પડી કે આ મહાનુભાવ ‘ધ રોયલ કલકત્તા ગોલ્ફ ક્લબ’ માં ગોલ્ફ રમતાં હતાં. જો કે એમણે માફી માંગી પણ તેમ છતાં એ વખતનાં ‘ટેસ્ટ એન્ડ કાઉન્ટી ક્રિકેટ બોર્ડ’ એ એમને ઘેરે પરત આવવાનો હુકમ આપ્યો અને ઘેરે પહોંચી ને તરત જ બોયકોટ પ્રતિબંધિત દક્ષીણ આફ્રિકા માં રેબલ ટુર પણ લઇ ગયાં.

એ વાત સો ટકા સાચી છે કે અત્યારનું ક્રિકેટ દરેક ખેલાડી પાસે ખુબ અપેક્ષા કરે છે. જો ઇંગ્લેન્ડ નાં ખેલાડી ની આ હાલત હોય તો ૩૬૫ દિવસ ક્રિકેટ રમતાં આપણા ભારતીય ખેલાડીઓ ની શું હાલત હશે? કદાચ આપણા ખેલાડીઓ એ પોતાને માનસિક રીતે એવી રીતે તૈયાર કરી લીધાં છે કે જીવનના ૧૫ વર્ષ જ તો રમવાનું છે ત્યાં સુધી જેટલું કમાઈ શકાય એટલું કમાઈ લઈએ કારણકે એકવાર રીટાયર થઇ ગયાં પછી કોઈ ગધેડો પણ ખબર ખબર પૂછવા આવતો નથી એટલે કમાણી કરી ને પછી જલ્સા કરીશું એટલે ત્યાં સુધી નીંભર થઇ ને બીજી કોઈજ બાબત મનમાં ન લાવવી.

અને હા ઉપર કહેલાં ત્રણેય પ્રસંગોમાં ઇંગ્લેન્ડ એક ‘લ. સા. અ’ છે એ તમે નોધ્યું?

સ્ટમ્પસ !!!

જીમી એન્ડરસન : “જો જે આવતી મેચ માં તમારાં (જ્યોર્જ) બેઇલી ને મુક્કો મારીને એને ધોળે દિવસે તારા દેખાડી દઈશ”
માઈકલ ક્લાર્ક : “એ પહેલાં અમારાં બોલરો તારા આ હાથ ની તો * ** નાખશું”

(પહેલી એશિઝ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયાના પ્લેયરો વચ્ચે થયેલો સંવાદ જે ટીવીનાં દર્શકો ને પણ સંભળાયો)

Leave a Reply

error: Content is protected !!