વધુ પડતી આશ કરશે નિરાશ

સાઉથ આફ્રિકા વિ. ભારત પ્રિવ્યુ

આખરે આ સીરીઝ આજથી શરુ થવા જઈ રહી છે. આમ તો આ સીરીઝ થવાની જ હતી પણ બી. સી. સી. આઈ એ ક્રિકેટ સાઉથ આફ્રિકા વિરુદ્ધ એની ટેવ મુજબ જબરી દાદાગીરી કરી હતી જેનું કારણ એક જ હતું કે ક્રિકેટ સાઉથ આફ્રિકાના એ વખતનાં સી. ઈ. ઓ હારુન લોર્ગટ જયારે આઈ. સી. સી નાં વડા હતાં ત્યારે એમણે ડી. આર. એસ બાબતે બી. સી. સી. આઈ ની તરફેણ નહોતી કરી એટલે આપણા ક્રિકેટ સાહેબોને લોર્ગટ સાહેબ સાથે ચર્ચા કરવાનું ફાવતું ન હતું યુ સી? છેવટે જયારે લોર્ગટ ને હટાવ્યા ત્યારે આ સીરીઝ ને લીલી ઝંડી મળી પણ ફક્ત ત્રણ વન-ડે, બે ટેસ્ટ્સ રમવા પુરતી જ. બે ટેસ્ટ્સ રમવાનું લોજીક કોઇપણ કારણો આપો તો પણ ગળે ઉતરે એમ નથી પણ જો તમે સીરીઝમાં મીનીમમ બે ટેસ્ટ્સ ન રમો તો આઈ. સી. સી. રેન્કિંગમાં તમને એક પોઈન્ટ પણ ન મળે એટલે મજબુરીમાં રમવી પડે છે. સચિન ને માનભેર નિવૃત્તી આપવા માટે જો વેસ્ટ ઇન્ડીઝ સામે સ્પેશ્યીલ સીરીઝ ન ગોઠવી હોત તો આ સીરીઝ ૭ વન-ડે, ૩ ટેસ્ટ્સ અને ૨ ટી૨૦ ની જ હતી. ચલો જે હોય તે આખરે સીરીઝ રમાવાની છે એ આપણા માટે વધુ મહત્વનું છે. હૈ કે નહી?

‘કેપ્ટન ફૂલ’ મહેન્દ્ર સિંઘ ધોની એ ભારતમાં થી વિદાય લેતી વેળાએ એવું કહ્યું હતું કે “ટેસ્ટ પહેલાં વન-ડે સીરીઝ છે એટલે શાંતી છે.” આવું ઘણાં કપ્તાનો ભૂતકાળમાં પણ કહી ચુક્યા છે પણ એનો આપણે શું એવો અર્થ લેવો કે વન-ડે સીરીઝનું કોઈ મહત્વ જ નથી? અને જો ટેસ્ટ સીરીઝ પહેલાં હોત તો શું એનું કોઈ મહત્વ નહોત? આ તો શું છે કે વિદેશમાં સીરીઝ રમવાનાં હોય એટલે ઘરનાં ચાહકો બહુ લાંબી ચૌડી આશાઓ નાં પુલો ન બાંધી લે એનાં માટે આવું બોલાય. સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે અત્યારસુધી કુલ ૬૭ વન-ડે મેચો રમાઈ છે જેમાંથી સાઉથ આફ્રિકા ૪૦, ભારત ૨૫ મેચો જીત્યાં છે જયારે ૨ મેચો નું પરિણામ આવી શક્યું નથી. હવે જો સાઉથ આફ્રિકાની ભૂમિ પર રમાયેલી મેચો ની વાત કરીએ તો અહી પણ સાઉથ આફ્રિકા નો જ દબદબો છે. કુલ ૨૫ મેચો માં થી ગૃહટીમ ૧૯ મેચો જીતી છે જયારે ભારત ફક્ત ૫ મેચો જ જીત્યું છે જયારે ૧ મેચ અનિર્ણિત રહી છે. એટલે આવો ‘ભવ્ય’ ભૂતકાળ જોતાં મહેન્દ્ર સિંઘ ધોનીની ઉપર જણાવેલી દલીલ કેટલી નબળી છે એ સાબિત થઇ જાય છે.

ટેસ્ટમેચો ની બાબતે ભારતનાં છેલ્લાં બે વિદેશ પ્રવાસો ભૂલી જવાને જ પાત્ર હતાં અને તમે કદાચ ભૂલી પણ ગયાં હશો પણ અમે તો લેખકમુવા છીએ એટલે અમારે તો એ બધું યાદ રાખવું જ પડે ને? ભારત એનાં છેલ્લાં બે વિદેશ પ્રવાસમાં ૪-૦ થી બે વાર ટેસ્ટ સીરીઝ હારી ચુક્યું છે, પહેલાં ઓસ્ટ્રેલીયામાં અને પછી ઈંગ્લેન્ડમાં. ટૂંકમાં ભારત વિદેશની ધરતી પર છેલ્લી આઠ ટેસ્ટ હારી ગયું છે. દક્ષીણ આફ્રિકામાં પણ પરિસ્થિતિ બહુ સારી થાય એવી કોઈ આશા અત્યારે તો દેખાતી નથી. કારણકે ઓવરઓલ ફિગર જોઈએ તો ૨૭ ટેસ્ટમેચો માંથી ભારત ૭ ટેસ્ટ્સ અને સાઉથ આફ્રિકા ૧૨ ટેસ્ટ્સ જીત્યું છે જયારે બાકીની ૮ ટેસ્ટ્સ ડ્રો થઇ છે. સાઉથ આફ્રિકામાં રમાયેલી કુલ ૧૫ ટેસ્ટ્સ માંથી ભારત ગણીને ૨ ટેસ્ટ્સ જ જીતી શક્યું છે જયારે સાઉથ આફ્રિકા ૭ જીત્યું છે અને બાકીની ૬ ટેસ્ટ્સ ડ્રો ગઈ છે.

ઉપરનાં આંકડા આપણને ચીખી ચીખીને કહી રહ્યાં છે કે માય લોર્ડ! આ પ્રવાસ બાબતે બહુ મોટી આશાઓ રાખશો નહી. પણ આપણે આપણી ટીમ કાયમ જીતે એવી પ્રાર્થના કરીએ તો વાંધો શું છે? સાઉથ આફ્રિકાની પીચો હવે કદાચ પહેલાંની જેમ જબરો ઉછાળ નથી ધરાવતી પણ ભારતની પીચો કરતાં અલબત સારો એવો ઉછાળ તો જરૂર ધરાવે છે. જોહાનેસબર્ગ અને ડર્બન માં વન-ડે પણ રમાવાની છે અને બે ટેસ્ટ્સ પણ. ડર્બનમાં ભારતની જોરદાર બેટિંગ લાઈનઆપ ની કલાઈ હમેશાં ખુલતી રહી છે. જો કે છેલ્લે ૨૦૧૦માં એક લો સ્કોરિંગ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને ૮૭ રને હરાવ્યું હતું એટલે ડર્બનમાં પણ જીતી શકાય છે એવો આત્મવિશ્વાસ લઈને વન-ડે અને ટેસ્ટ્સ બન્ને રમી શકાશે. વળી ડર્બન વન-ડે ‘ડે મેચ’ છે એટલે ‘કિંગ્સમીડ’ પર બોલરોને રાત્રે જે સ્વીંગ મળે છે એ કદાચ દિવસે નહી મળે. બીજી બે વન-ડે જો’બર્ગનાં ‘વોન્ડરર્સ’ અને એનાં પાદરે આવેલા સેન્ચુરીયન નાં ‘સુપર સ્પોર્ટ્સ પાર્ક’ માં રમાવાની છે જે પહેલેથી જ બેટિંગ વિકેટો છે.

ટેસ્ટ હોય કે વન-ડે ડર્બન અને જો’બર્ગ બન્ને બોલરોને સારોએવો ઉછાળ આપશે જ એનું શું? ડેલ સ્ટેઇન પર ભારતનાં ટીમ મેનેજમેન્ટ, ખેલાડીઓ અને ચાહકો બધાની નજર હશે પણ મારાં મતે આ એક મોટી ભૂલ હશે. અફકોર્સ સ્ટેઇન ઘાતક છે પણ એક અન્ય બોલર વર્નોન ફીલેન્ડર ને જરાપણ અવગણવા જેવો નથી. એની પાસે સ્પીડ ઉપરાંત સ્વીંગ છે એટલે કદાચ એવું બને કે આપણા બોલરોને સ્ટેઇન કરતાં ફીલેન્ડર વધુ તકલીફોનાં દર્શન કરાવે. આમ તો ભારતની ટીમ દુનિયાની કોઇપણ અન્ય ટીમ કરતાં સ્પિનને સારી રીતે રમી જ શકે છે પણ તેમ છતાં ઇમરાન તાહિરનું ધ્યાન રાખવા જેવું ખરું. ખાસ કરીને જોહાનેસબર્ગ વાળી ટેસ્ટમેચમાં. દક્ષીણ આફ્રિકાની બેટિંગ લાઈન-અપ ભારતથી જરાપણ ઓછી નથી. ટેસ્ટમાં અલ્વીરો પીટરસન, ગ્રેહામ સ્મિથ, જાક્સ કાલીસ અને હશીમ આમલા આપણને કાયમ નડ્યા છે અને આ વખતે પણ નડે તો આપણને જરાય નવાઈ ન લાગવી જોઈએ. હજી અબ્રાહમ ડી’વિલીયર્સ નું નામ તો આપણે લીધું જ નથી હેં ને? વન-ડેમાં પણ આમલા, ‘એબીડીવી’ ઉપરાંત નવો વિકેટ કીપર ક્વિન્ટન ડી’ કોક, રાયન મેક્લેરન અને ડેવિડ મિલર ઉપરાંત ફાફ ડ્યુપ્લેસી આપણા નાકમાં દમ કરી દેવા માટે પૂરતાં છે.

ભારત સચિન. દ્રવિડ અને લક્ષ્મણ વીના પહેલીવાર વિદેશમાં કોઈ ટેસ્ટ સીરીઝ રમશે. એવું નથી કે આ ત્રણ ન હોય એટલે ન જ જીતાય. ભૂતકાળમાં આ ત્રણેયના ટીમમાં હોવા છતાંય ભારત સાઉથ આફ્રિકામાં ‘બુરી તરહ સે’ હારી ગયાંનાં દાખલાઓ બન્યાં જ છે. પણ જોશ સામે અનુભવ હંમેશા વધુ કામમાં આવ્યો છે. ચેતેશ્વર પુજારા જેનાં પર આખી ટીમનો મદાર છે એણે ૨૦૧૦માં સાઉથ આફ્રિકામાં બે ટેસ્ટમાં કુલ્લે ૨૯ રન જ બનાવ્યાં હતાં અને બાઉન્સર સામે એને તકલીફ પડી હતી. ભારતની આજની ટીમમાં વિરાટ કોહલી અને કપ્તાન ધોની બન્ને જ સારા હુક અને પુલ શોટ રમી શકે છે પણ વધારાનો બાઉન્સ એમને પણ હેરાન કરી શકે છે. ટેસ્ટ મેચો કરતાં વન-ડેમાં સપાટ વિકેટો પર ભારતનાં ખેલાડીઓ કદાચ વધુ સારી રીતે પરફોર્મ કરી શકશે એવું અત્યારે તો લાગી રહ્યું છે. ઉપર કહ્યું તે મુજબ સાઉથ આફ્રિકાની વિકેટો પહેલાનાં જેવી અતિશય ઉછાળ ધરાવતી નથી પણ તેમ છતાં ય ટેસ્ટમેચો ભારતનાં બેટ્સમેનો ની ખરી કસોટી કરશે જ. ભારતનો બોલિંગ ઓર્ડર પણ બેટિંગ લાઈન અપ ની જેમજ હજી બીન અનુભવી છે. ઝહીરખાનનાં આવવાથી રાતોરાત ટીમની બોલિંગ ધરખમ થઇ ગઈ છે એવું માનવું ભૂલ ભરેલું છે. આ વર્ષે ઝહીરે ઘરેલું ક્રિકેટમાં કોઈ મોટાં ઝંડાઓ ગાડ્યા હોવાનું યાદ નથી આવતું. તેમ છતાં શમી એકમાત્ર ડાર્ક હોર્સ સાબીત થઇ શકે એમ છે કારણકે એણે કોલકાતા અને મુંબઈમાં બોલ સ્વીંગ કરાવ્યો હતો, સીધો અને રીવર્સ બન્ને, એટલે સાઉથ આફ્રિકામાં પણ એ એમ કરી શકે એવું બને. ઘણીવાર બેટિંગ પીચ જોઇને અતિ ઉત્સાહીત થઇ જતાં બેટ્સમેનો ફીંડલું વળી જતાં હોય છે એવીજ રીતે સાઉથ આફ્રિકામાં ફાસ્ટ-મીડીયમ બોલરોને ઘર જેવું લાગશે એવી ખબર હોવાથી બોલરોનો અતિ ઉત્સાહ એમનાં માટે બુમરેંગ સાબિત થઇ શકે છે.

એવું નથી જ કે આ બન્ને સીરીઝ માંથી આપણે એકપણ સીરીઝ નથી જ જીતી શકવાનાં કારણકે ધોની બ્રિગેડ પાસે અનુભવ ભલે ઓછો હોય પણ જીતવાની ભૂખ પ્રચંડ માત્રામાં છે. લગભગ તમામ બેટ્સમેનો અત્યારે ફોર્મમાં છે. જો ધોની ની વાત સાચી પડે અને વન-ડેમાં આપણે કોઈ નવાજુની કરી નાખીએ, જેનાં સંપૂર્ણ ચાન્સીઝ છે, તો એની અસર ટેસ્ટ શ્રેણી પર અતિશય પોઝીટીવ રીતે પડી શકે એમ છે. પણ એ ત્યારની વાત છે અત્યારે તો આપણે જો અને તો સીવાય બીજું કશું જ વિચારી નથી શકતા. હા આ બન્ને સીરીઝ ભારત જીતે એની દિલથી પ્રાર્થના જરૂર કરી શકીએ બરોબર ને?

સ્ટમ્પસ !!!

“ટીમમાં ગૌતમ ગંભીર ને લીધો હોત તો સારું થાત”

– ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંઘ ધોની, સાઉથ આફ્રિકા ઉપડતાં પહેલાં

Leave a Reply

error: Content is protected !!