‘એશીઝ’ માંથી ફરી બેઠું થયેલું ઓસ્ટ્રેલીયા

કોઇપણ રમતમાં જીતવાની મજા ક્યારે આવે?

જયારે તમે તમારાં શ્રેષ્ઠ વિરોધી સામે છેલ્લે બુરી રીતે હાર્યા હોવ.

જયારે અમુક નિર્ણયો જો તમારી તરફેણમાં આવ્યાં હોત તો તમે કદાચ જીતી શક્યા હોત એવો તમને ઠાલો વિશ્વાસ હોય.

જયારે તમારાં ઘરનાં વડીલો અને પ્રેમીઓનો વિશ્વાસ પણ તમે ગુમાવી ચૂક્યાં હોવ.

જયારે “હવે તો આત્મવિશ્વાસ કદાચ જો લોન ઉપર મળે તો જ જીતી શકાશે” એવી વ્યર્થ આશાઓ તમે ધરાવવા લાગ્યાં હોવ.

અને પછી…..

…..ઉપરનાં તમામ કારણો પર ધ્યાનથી વિચાર કરીને તમને એવો વિચાર આવે કે આપણે હવે ગુમાવવાનું કશું જ નથી તો ચાલોને આપણા થી બનતું બધુંજ કરી છૂટીએ અને નવી સિરીઝની શરૂઆતની એકાદી મેચ જીતવાની તો કોશિશ કરીએ? પછી જે થશે તે જોયું જશે.

બસ… ઉપર કહેલી દરેક વાત ઓસ્ટ્રેલીયન ક્રિકેટ ટીમ સાથે ઘટી અને પરમદિવસે જ ટેકનીકલી એમણે એશિઝ પાછો પણ મેળવ્યો અને વો ભી વટ કે સાથ. હજી ત્રણ મહીના અગાઉ જ ઓસ્ટ્રેલીયન ટીમ જેટલી ખરાબ રીતે ઇંગ્લેન્ડ માં રમાયેલી એશિઝ હાર્યું હતું એ પરથી કોઈને પણ એમ લાગે કે આ ઓસ્ટ્રેલીયન ટીમનું ઘોર પતન હવે નિશ્ચિત જ છે અને વર્ષાંત માં રમાનારી એશિઝનું પરિણામ આનાંથી અલગ આવશે એવી કોઈ જ આશા જગતભરના કોઇપણ ક્રિકેટ પ્રેમીને ન હતી. પણ રમતની આ જ તો મજા છે જયારે બધાં જ અશક્યો ને પછાડીને તમે વિજયને શક્ય બનાવો ત્યારે જ લોકો તમારાં ફેન અથવાતો ચાહક બની જાય છે.

ઓસ્ટ્રેલીયા જયારે ઈંગ્લેન્ડમાં રમાયેલ એશિઝ ખરાબ રીતે હાર્યું ત્યાર પછી તરત જ એ સાત વન-ડે ની શ્રેણી રમવા માટે ભારત આવ્યું હતું. ઓસ્ટ્રેલીયાના દિગ્ગજ ખેલાડીઓએ આવાં અણઘડ કાર્યક્રમો ગોઠવવા માટે ક્રિકેટ ઓસ્ટ્રેલીયાની ખુબ ટીકા કરી હતી. ઇયાન ચેપલે તો ભવિષ્યવાણી પણ કરી હતી કે “જો ભારત સામે ઓસ્ટ્રેલીયા આ વન-ડે સીરીઝ ખરાબ રીતે હારશે તો એની ‘ઋણાત્મક’ માનસિક અસર આવનારાં એશિઝ પર પણ પડશે.” અને એવું બનવું સ્વાભાવિક પણ હતું જ. પણ સદભાગ્યે ઓસ્ટ્રેલીયા ભારત સામે સીરીઝ તો હાર્યું પણ જોરદાર લડત આપ્યાં વીના નહી. વળી આ સીરીઝ હારવા છતાં ઓસ્ટ્રેલીયાને મિચેલ જોહન્સન એનાં પૂરાં ફોર્મમાં પાછો મળ્યો. ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ જહોન્સનનું ફોર્મ પરખતા જ એને ભારત સામેની છેલ્લી અને અતિ મહત્વની વન-ડે રમાવાની બાકી હતી તો પણ એક દિવસ અગાઉ ઓસ્ટ્રેલીયા પરત આવવાનું અને એશિઝની પ્રેક્ટીસ માં લાગી જવા કહ્યું અને પરિણામ આપણી સામે છે. હજુ તો આ સિરીઝની ત્રણ ટેસ્ટ્સ જ પતી છે ત્યાં જ જ્હોનસને ઓલરેડી ૨૩ વિકેટો લઇ લીધી છે એટલે બાકીની બે ટેસ્ટ્સમાં આ ટોટલ ૩૦ ઉપર જાય એની પૂરી શક્યતા છે જ.

ક્રિકેટ એ ત્રણ અલગ અલગ લક્ષણો નો સંગમ છે. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગ. બહુ ઓછાં લોકો આ ત્રણેય ક્ષેત્રોમાં એક સરખાં માહેર હોય છે અને કદાચ એટલે જ આપણને બહુ ઓછાં મહાન ઓલરાઉન્ડર્સ મળ્યાં છે. બેટ્સમેન સારી બેટિંગ કરી જાય, બોલર્સ સારી બોલિંગ કરી જાય અને ફિલ્ડરો સારી ફિલ્ડીંગ કરી જાય એટલે મેચ જીતી લેવી આસાન છે એવું માનવું ભૂલભરેલું તો છોડો નરી મૂર્ખતા છે. આ ત્રણેય નું મસ્ત ટ્યુનીંગ થાય ત્યારે જ જીત શક્ય બને છે અને આ ટ્યુનીંગ ત્યારે જ થાય જયારે આખીય ટીમ એક થઇ ને રમે અને આ મસ્ત ટ્યુનીંગ નું કામ કર્યું ઓસ્ટ્રેલીયા નાં કોચ ડેરેન લીહમેને (‘લેહમેન’ એ ગુજરાતી છાપાંઓ નો ઉચ્ચાર છે ‘ભેળપુરી’ જેવાં ઉંચી કક્ષાના મેગીઝીન નાં વાચકોનો નહી એ જાહેર જનતા ની જાણ સારું). વર્ષની શરૂઆતમાં જયારે ઓસ્ટ્રેલીયા ભારતમાં આવ્યું હતું ત્યારે એ ફક્ત ૪-૦ થી સીરીઝ હાર્યું જ ન હતું પણ એ સમયે ટીમમાં આંતરિક વિખવાદ પણ ચરમસીમાએ હતો. શેન વોટ્સન તો અડધેથી સીરીઝ છોડીને ઘેરભેગો થઇ ગયો હતો અને પછી ઘણાં મનામણાં પછી પાછો આવ્યો હતો. આ આખીય સીરીઝ દરમ્યાન કપ્તાન માઈકલ ક્લાર્ક અને વોટ્સન વચ્ચે ઉભે નહોતું બન્યું. ભારત સામેની સીરીઝ પછી તરતજ ઇંગ્લેન્ડમાં એશિઝ હતી અને એનાં ફક્ત બે અઠવાડિયા અગાઉ જ ક્રિકેટ ઓસ્ટ્રેલીયા એ તે વખતનાં કોચ મિકી આર્થર નો કોન્ટ્રેકટ રદ્દ કરીને એમને અચાનક ઘેરે મોકલી દીધાં અને અચાનક ડેરેન લીહમેનને ઓસ્ટ્રેલીયન ટીમનાં કામચલાઉ કોચ બનાવી દીધાં. મિકી આર્થર અમસ્તાય ઓસ્ટ્રેલીયાનાં પ્રથમ વિદેશી કોચ હતાં અને “એક ઓસ્ટ્રેલીયન ને તો બીજો ઓસ્ટ્રેલીયન જ પહોંચી વળશે” એવું પોતાનાં બ્લોગમાં કહીને તમારાં આ જ મિત્રએ લીહમેન ની અપોઈન્ટમેન્ટને વધાવી લીધી હતી અને એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઓસ્ટ્રેલીયા કદાચ આ એશિઝ જીતી પણ જાય. પરંતુ એમ અચાનક તો કોઈ નવી વ્યક્તિ કે એની સીસ્ટમ સેટ ન થઇ જાય ને?

ઈંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલીયા હાર્યું અને બહુ ખરાબ રીતે હાર્યું. ઉપર આપણે ચર્ચા કરી એવું બધું પણ બન્યું. રીટર્ન એશિઝ સીરીઝ માં જીતનાં ચાન્સીઝ વિષે મોટાંભાગનાં ઓસ્ટ્રેલિયનો એ આશા છોડી દીધી હતી પણ લીહમેન અને કલાર્કે નહી. લીહમેને પોતાનું ક્રિકેટ એ જમાનામાં રમ્યું હતું જે જમાનામાં ઓસ્ટ્રેલીયન ટીમ ‘બુલી’ તરીકે જાણીતી હતી એટલે કે ‘મારી નાખું, તોડી નાખું, ભાંગીને ભુક્કા કરી નાખું’ એવા એટીટ્યુડ સાથે રમનારી ટીમ. વળી એમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નિવૃત્ત થયાં પછી પહેલાં કપ્તાન તરીકે અને પછી કોચ તરીકે પોતાની ગુહટીમ ‘સાઉથ ઓસ્ટ્રેલીયા રેડબેકસ’ ને ઘરેલું ચેમ્પિયન બનાવી હતી એટલે કોચ તરીકે એમનો રેકર્ડ ખુબ સારો હતો જ. તો પછી ખૂટતું શું હતું? ખૂટતો હતો પેલો ‘બુલી’ વાળો એટીટ્યુડ. લીહમેને નક્કી કરી નાખ્યું કે પહેલી જ ટેસ્ટમાં ગમે તે થાય પણ આપણે ઇંગ્લેન્ડ પર શાબ્દીક પ્રહારો પહેલાં બોલથી જ શરુ કરી દેવાનાં છે. એકવાર માનસિક રીતે અંગ્રેજો ભાંગી જાય પછી બાકીની બાજી આપણી જ છે. તીર બરોબર નિશાના પર લાગ્યું. હજુ તો પહેલી ટેસ્ટ પતી જ હતી ત્યાં તો આ માનસિક આક્રમણ સામે હારીને ઇંગ્લેન્ડ ની બેટિંગ લાઈનઅપ ની કરોડરજ્જુ સમાં જોનાથન ટ્રોટે તો ઘરભણી પલાયન પણ કરી દીધું. બીજી ટેસ્ટમાં પણ ઓસ્ટ્રેલિયાનું આ પ્રકારનું માનસિક આક્રમણ ચાલુ રહ્યું અને આ ટેસ્ટ પતી ત્યારે ઇંગ્લેન્ડનાં કોચ એન્ડી ફલાવરે તો લીહમેન સમક્ષ પોતાનાં ખેલાડીઓ ને આપવામાં આવતો આ માનસિક ત્રાસ બંધ કરવા રીતસરનો સંધી પ્રસ્તાવ પણ મોકલી દીધો પણ લીહમેને ‘નથીંગ ડુઈંગ’ કહીને એક ઝાટકે આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો. એવું નથી કે ઇંગ્લેન્ડનાં ખેલાડીઓ સાવ દુધે ધોયેલાં છે. એમને ત્યાં આવનાર દરેક ટીમને એલોકો આવો જ માનસિક ત્રાસ આપતાં હોય છે પણ આ તો આ વખતે ઓસ્ટ્રેલીયા ચાર ચાસણી ચડ્યું એટલે એમણે ‘હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે…’ એવો ડોળ કર્યો.

રમત અને યુદ્ધમાં એકવાર તમને ખ્યાલ આવી જાય કે તમારો વિરોધી માનસિક રીતે ખલાસ થઇ ગયો છે પછી તમારો નબળો સૈનિક કે ખેલાડી પણ એની મેળે સબળો બની જાય છે. અહીં એવું કહેવાનો જરાપણ ઈરાદો નથી કે ડેવિડ વોર્નર એ નબળો ખેલાડી છે પણ પહેલાં ભારતની ટુર પછી અને પછી ઇંગ્લેન્ડ ની ટુરમાં એનાં નીજી વર્તાવ ને કારણે એણે લાંબો સમય ઘેર બેસવું પડ્યું હતું. અને એશીઝ શરુ થતાં પહેલાં ઓસ્ટ્રેલીયાની ઘરેલું ટુર્નામેન્ટમાં પણ એનો અંગત વર્તાવ બહુ સારો ન હતો. પણ લીહમેન ને તો આવાં જ માણસો જોઈતાં હતાં. એકવાર ઓસ્ટ્રેલીયન બેટ્સમેનો ને એમનાં બોલરો જેવાં કે મિચેલ જહોન્સન, પીટર સીડલ, નેથન લ્યોન (નાથાન લાયન જરાય નહી બોલવાનું ઓકે?) અને રાયન હેરીસ નો સાથ મળ્યો કે તરત જ એમનો તળીયે ગયેલો આત્મવિશ્વાસ પાછો મળ્યો અને એલોકો બધાં ઇંગ્લેન્ડનાં બોલરો પર તૂટી પડ્યા અને રન ઉપર રન ફટકારવા લાગ્યાં. ક્લાર્ક તો ફોર્મમાં હતો જ પણ પછી તો વોર્નરે પણ સેન્ચુરી કરી અને આટલું ઓછું હોય એમ છેલ્લે છેલ્લે તો શેન વોટ્સન કે જેને લાડથી ત્યાં ‘વાટ્ટો’ કહે છે એણે પણ મેચના ચોથાં દિવસની સવારે ફક્ત ચાલીસેક બોલમાં ૭૦ રન્સ ફટકારીને પોતાની સેન્ચુરી પણ ફટકારી દીધી. બસ ઇંગ્લેન્ડનું ઉઠમણું ત્યાં જ થઇ ગયું.

આ સીરીઝ જીત ઓસ્ટ્રેલીયા માટે ભલે એટલે મહત્વની હોય કારણકે એણે પોતાનાં પુરાણા દુશ્મન ઇંગ્લેન્ડને હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાની આ સીરીઝ જીત વિશ્વ ક્રિકેટ માટે પણ ખુબ મહત્વની છે. દાયકાઓ પહેલાં વેસ્ટ ઇન્ડીઝ ટીમ નો ડંકો વાગતો પણ એમને ઓસ્ટ્રેલીયા ટક્કર જરૂર આપતી. ત્યાર પછી ઓસ્ટ્રેલિયાનો વારો આવ્યો પણ એને પહેલાં પોતાનાં ઘરમાં અને પછી ઓસ્ટ્રેલીયામાં જ ભારતની ટીમ મુહતોડ જવાબ જરૂર આપતી. પણ જે રીતે ઓસ્ટ્રેલીયા પહેલાં ભારત સામે હાર્યું અને પછી ઇંગ્લેન્ડ સામે એશીઝમાં ત્યારે વિશ્વ ક્રિકેટ કદાચ બોરિયત ની ગર્તામાં ધકેલાઈ રહ્યું હોય એવું ઘણાને લાગી રહ્યું હતું. વળી ઓસ્ટ્રેલીયા ઘરની એશિઝ પણ આટલી સહેલાઈથી જીતી જશે એવું કોઈએ પણ માન્યું ન હતું એટલે ક્રિકેટપ્રેમીઓ માટે તો આ પરિણામ એક સુખદ આશ્ચર્ય છે અને વિશ્વ ક્રિકેટ નું બેલેન્સ ફરીથી સરખું થઇ ગયું છે એવું લાગી રહ્યું છે. ટેસ્ટ ક્રિકેટ રમતાં દેશોમાં ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ભારત અને ઓસ્ટ્રેલીયા અત્યારે ફોર્મમાં છે જયારે શ્રીલંકા અને પાકિસ્તાન પણ ખાસું સારું ક્રિકેટ રમી રહ્યાં છે. ન્યુઝીલેન્ડ તો વર્ષોથી જેમ રમે છે એમ જ રમી રહ્યું છે હા વેસ્ટ ઇન્ડીઝ અને બાંગ્લાદેશ ની ફિકર થાય પણ આવું તો દરેક યુગમાં બન્યું છે કે બે-ત્રણ ટીમ સાવ નબળી હોય.

ત્રણ ટેસ્ટ આસાનીથી જીતી ગયાં બાદ હવે ઓસ્ટ્રેલીયન ટીમ વ્હાઇટવોશ વિષે ‘સીરીયસતાથી’ જરૂર વિચારી રહી હશે જ અને એ શક્ય પણ લાગી રહ્યું છે. પરંતુ જો ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલીયાની જેમ જ “આપણે હવે કશું જ ગુમાવવાનું નથી” એમ વિચારી ને બાકીની બે ટેસ્ટ્સમાં જો થોડીક પણ લડત આપે તો આ સીરીઝ હજીપણ માણવાલાયક બની રહેશે એમાં શંકાને જરાપણ સ્થાન નથી.

સ્ટમ્પસ !!!

“અમે લોકો બે ઘોડાની રેસમાં ત્રીજા સ્થાને આવ્યાં”

— ૩-૦ થી એશીઝ ગુમાવ્યાં બાદ ઇંગ્લેન્ડનાં વિકેટકીપર મેટ પ્રાયરનું પ્રમાણીક મંતવ્ય

Leave a Reply

error: Content is protected !!