આ ‘ડ્રો’ માં પણ મજા છે

આપણા ગુજરાતી છાપાંઓ જયારે કોઇપણ ટેસ્ટમેચ ડ્રો માં જાય ત્યારે એને કાયમ ‘નીરસ ડ્રો’ જ ગણતાં હોય છે. જો કે હમણાં થોડાંક દિવસો અગાઉ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની જોહાનેસબર્ગમાં પહેલી ટેસ્ટ ડ્રો થઇ ત્યારે આશ્ચર્ય પમાડે એમ આપણા લગભગ તમામ છાપાંઓ એ એને ‘રસપ્રદ ડ્રો’ જ ગણાવી હતી અને એ ખરેખર રસપ્રદ ડ્રો જ હતી ને? ખીસ્સામાં હજીપણ ત્રણ વિકેટ હોય અને તમે ટાર્ગેટ થી ફક્ત આઠ રન દુર રહીને મેચ ડ્રો માં કાઢો તો વાત રસપ્રદ તો જરૂર કહેવાય જ. આજની ટી૨૦ જનરેશને પણ જુદાં જુદાં સોશિયલ મીડિયા પર આ ડ્રો ને વધાવી લીધી એ જોઇને ટેસ્ટ ક્રિકેટનું ભવિષ્ય હજુપણ ઉજ્જવળ છે એમ કહેવામાં જરાય સંકોચ થાય એમ નથી. જો કે તે વખતે સ્ટેડીયમમાં હાજર સાઉથ આફ્રિકન પ્રેક્ષકોને આ ડ્રો પચી ન હોય એમ લાગ્યું કારણકે જયારે છેલ્લી ત્રણ ઓવરોમાં ૧૬ રન્સ અને ૩ વિકેટો બાકી હતી ત્યારે પહેલાં ડેલ સ્ટેઇન અને પછી વર્નોન ફીલેન્ડરે બે ઓવરો મેઈડન કાઢી ત્યારે જ સાઉથ આફ્રિકાએ જીતવાની ઈચ્છા મારી મૂકી હતી એવું લાગી રહ્યું હતું અને એને કારણેજ પ્રેક્ષકોએ સ્ટેઇન નો હુરીયો બોલાવ્યો હતો.

ત્રણ વિકેટ હાથમાં હોવા છતાં વિજયનો વિચાર પડતો મૂકી ને ડ્રો પસંદ કરે એની ઘણાંને નવાઈ લાગે. પણ ટેસ્ટ ક્રિકેટની આજ ‘બ્યુટી’ છે. અહી જીત અને હાર સીવાય ડ્રો પણ એક પરિણામ છે. સાઉથ આફ્રિકા ચાહત તો ૧૮ બોલમાં ૧૬ રન વન-ડે ની સ્ટાઈલમાં રમી ને જીતી શક્યા હોત પણ જો ત્રણ ઓવરમાં બાકીની ત્રણ વિકેટો પડી ગઈ હોત તો? અને મોર્ને મોર્કેલ પણ ઈજાગ્રસ્ત હતો એટલે રિસ્ક શું કરવા લેવું જયારે ડ્રો પણ એક સન્માનીય પરિણામ હોય? એટલે ‘ક્રિકેટિંગ કારણો’ ને ધ્યાનમાં લેતાં અહીં સાઉથ આફ્રિકાને ‘બેનીફીટ ઓફ ડાઉટ’ આપવામાં કોઈજ વાંધો નથી. ઘણીવાર ડ્રો માં પણ વિજય અને પરાજય બન્ને છુપાયેલાં હોય છે. ૪૫૮ નો ટાર્ગેટ કોઇપણ સંજોગોમાં ચેઝ નહી થઇ શકે એવો ભારતીય ટીમને વિશ્વાસ હતો તેમ છતાં સેશન બાય સેશન રમીને જે રીતે સાઉથ આફ્રિકા છેક ૪૫૦ સુધી પહોંચી ગયું અને તેમ છતાં પરિણામ સ્વરૂપે ડ્રો મળી તો ભારત માટે તો “હાઇશ બચી ગયાં” થી ઓછી ફીલિંગ્સ તો હોય જ નહી ને? એટલે આપણી ટીમ માટે તો આ ડ્રો માં હાર છુપાયેલી છે એમ કહી શકાય. પણ ઘણીવાર ડ્રો માં વિજય પણ છુપાયેલો હોય છે અને ઘણીવાર ડ્રો કોઈ ટીમનાં વિજયને ધોળા દિવસે લુંટી પણ લે છે. આજે આવી જ બે રસપ્રદ ડ્રો ટેસ્ટમેચો વિષે આજે આપણે વાત કરવાની છે.

૨જી ટેસ્ટ, સાઉથ આફ્રિકા વિ ઇંગ્લેન્ડ, ધ વોન્ડરર્સ, જોહાનેસબર્ગ (૩૦ નવેમ્બર થી ૪થી ડિસેમ્બર ૧૯૯૫)

સીરીઝની પહેલી ટેસ્ટ ડ્રો થઇ ચુકી હતી. ઇંગ્લેન્ડે ટોસ જીતીને સાઉથ આફ્રિકાને પહેલી બેટિંગ કરવાનું કહ્યું. સાઉથ આફ્રિકાએ ૩૩૨ જેવો સન્માનજનક સ્કોર ઉભો કર્યો. ભારતનાં ભૂતપૂર્વ કોચ ગેરી કર્સ્ટને ૧૧૦ રન્સ બનાવ્યાં અને ઈંગ્લેન્ડના ડોમિનિક કોર્કે પાંચ વિકેટો લીધી. ઇંગ્લેન્ડે એની એ સમયની આદત મુજબ ધબડકો કર્યો અને આખીય ટીમ ૨૦૦ રન્સ બનાવીને ઓલ આઉટ થઇ ગઈ. ૧૩૨ રન્સ ની લીડ સાથે સાઉથ આફ્રિકાએ ઓલ રાઉન્ડર બ્રાયન મેકમિલન ની સદીની મદદ થી બીજી ઈનિંગમાં કુલ ૩૪૬ રન્સ કર્યા. ટૂંકમાં ઇંગ્લેન્ડે લગભગ પાંચ સેશન્સ માં ૪૭૯ રન્સ બનાવવાનાં આવ્યાં. હવે અહી ડ્રો સીવાય કોઈજ બીજો ઓપ્શન ન હતો. પણ માટીપગી ઇંગ્લેન્ડની ટીમ પાસે આવી અપેક્ષા રાખવી જરા વધુ પડતી હતી અને એણે શરૂઆત પણ એવીજ કરી. પહેલાં ૭૫ રન્સમાં બે વિકેટો અને પછી ૧૪૫ રન્સ માં જયારે ચાર વિકેટો પડી ગઈ અને એ પણ ચોથો દિવસ હજી માંડ પત્યો હતો ત્યારે જ. ઈંગ્લેન્ડના કપ્તાન અને ઓપનીંગ બેટ્સમેન માઈકલ આથર્ટન એક છેડે જામી ગયાં હતાં. આથર્ટન માટે એવું કહેવાતું કે એ દર ઓવરે એક રન ની એવરેજે જ રન બનાવે. એટલે કે જો ઇંગ્લેન્ડની આખીય ટીમ ૫૦ ઓવર રમે અને આથર્ટન રમતાં હોય તો એમનાં ૫૦ રન્સ હોય એટલે કે તેઓ ક્રિકેટની ‘ઓલ્ડ સ્કુલ’ નાં વિદ્યાર્થી હતાં. ચોથાં દિવસની રમતને અંતે આથર્ટન ૮૨ રને નોટ આઉટ હતાં. બીજે એટલે કે ટેસ્ટના છેલ્લે દિવસે ઇંગ્લેન્ડે કુલ છ વિકેટો બચાવવાની હતી. રોબીન સ્મિથ આથર્ટનને સાથ આપી જ રહ્યાં હતાં પણ એ પણ એલન ડોનાલ્ડ નાં એક દડે શોન પોલોક ને કેચ આપી બેઠાં અને ઇંગ્લેન્ડ ૨૩૨ રને ૫ વિકેટો ગુમાવી બેઠું. ઓવરો તો ઢગલાબંધ હતી પણ હજી લગભગ સાડા ચાર કલાક કાઢવાના હતાં. ફક્ત વિકેટ કીપર જેક રસલ અને બોલરો જ બાકી હતાં.

જેક રસલ પણ અજીબ બેટ્સમેન હતાં. એ સ્ટાઈલીશ તો હતાં જ નહી પરંતુ ઘણીવાર તો હસવું આવે એવી રીતે રમતાં. એટલે એમનાં પર વધુ ભરોસો ન હતો. પણ થયું એનાંથી જુદું જ. રસલે સાડા ચાર કલાક અને ૨૩૫ દડા રમી ને ફક્ત ૨૯ રન્સ બનાવ્યાં અને આથર્ટનને બખૂબી સાથ આપ્યો. તો સામે છેડે માઈકલ આથર્ટન પણ કુલ ૬૪૩ મિનીટ્સ એટલે કે લગભગ પોણા અગિયાર કલાક પીચ પર રહીને, ૪૯૨ દડા રમીને ૧૮૫ રને નોટ આઉટ રહ્યાં. જયારે ચાર વિકેટો પડી ગઈ હોય અને વિશ્વાસપાત્ર બેટ્સમેનો ક્રીઝ પર ન હોય અને તેમ છતાં જો અગિયાર કલાકની બેટિંગ કરીને તમે ટેસ્ટ મેચ ડ્રો કાઢો તો એ ડ્રો બોરિંગ કેવી રીતે હોઈ શકે ભલા? અને આવી ડ્રો ને વિજય ન કહો તો શું કહેશો? અને સામે નો બોલિંગ એટેક પણ જેવો તેવો નહોતો હોં? આ બોલિંગ એટેકમાં એલન ડોનાલ્ડ, શોન પોલોક, મેરિક પ્રીંગલ, બ્રાયન મેકમિલન અને હંસી ક્રોન્યે સરિકા બોલર્સ હતાં. આથર્ટન ની એ ઇનિંગને ક્રિકેટના ઇતિહાસની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ માં ની એક ગણવામાં છે.

પ્રથમ ટેસ્ટ, ઝીમ્બાબ્વે વિ ઇંગ્લેન્ડ, બુલાવાયો (૧૮ મી થી ૨૨ ડિસેમ્બર, ૧૯૯૬)

ઝીમ્બાબ્વે ની ટેસ્ટ કારકિર્દીની હજી તો શરૂઆત જ થઇ હતી. આ પહેલાં એમણે વન-ડે માં સારુંએવું કાઠું કાઢ્યું હતું. આ મેચ પહેલાં ઝીમ્બાબ્વે એ શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામે સીરીઝ ડ્રો કરી હતી અને પાકિસ્તાન સામે પાકિસ્તાનમાં જ ટેસ્ટમેચ જીતી બતાવી હતી. ઇંગ્લેન્ડની આ પહેલી ઝીમ્બાબ્વે ટુર હતી અને આ સિરીઝની ત્રણેય વન-ડે ઝીમ્બાબ્વે જીતી ચુક્યું હતું. દાયકાઓથી ટેસ્ટ ક્રિકેટ રમતાં ઇંગ્લેન્ડ માટે આ નાકનો સવાલ હતો. ટોસ જીતીને પહેલી બેટિંગ કરતાં ઝીમ્બાબ્વે એ ઈંગ્લેન્ડના હાલનાં કોચ એન્ડી ફલાવરની સેન્ચુરી ની મદદથી પહેલી ઈનિંગમાં ૩૭૬ રન્સ બનાવ્યાં. આનાં જવાબમાં ઇંગ્લેન્ડે ૪૦૬ રન્સ બનાવીને ફક્ત ૩૦ રન્સ ની લીડ મેળવી. ઈંગ્લેન્ડના આ સ્કોરમાં નાસર હુસૈન અને જ્હોન ક્રાઉલી ની સદીઓ નો પણ મોટો ભાગ હતો. આ સામે ઝીમ્બાબ્વેના લેગ સ્પિનર, પોલ સ્ટ્રેન્ગ એ ૫ વિકેટ્સ લીધી હતી. બીજી ઈનિંગમાં ઝીમ્બાબ્વે એ મોટો સ્કોર કરવો ફરજીયાત હતો પણ એક સમયે ૧૧૧ રન્સ પર ૬ વિકેટ્સ ગુમાવી ચુકેલા ઝીમ્બાબ્વેને એન્ડી વોલર અને ગાય વ્હીટ્ટલે માંડ માંડ ૨૩૪ રને પહોંચાડ્યું. હવે છેલ્લાં દિવસની ૩૭ ઓવરો બાકી હતી અને ઇંગ્લેન્ડ ને જીતવા ૨૦૫ રન એટલે કે દરેક ઓવરે લગભગ ૫.૫ ની એવરેજે રમવાનું હતું. માઈકલ આથર્ટન તરત આઉટ થઇ ગયાં પણ એમની જગ્યાએ આવેલા એલેક સ્ટુઅર્ટ અને સામે છેડે રહેલાં નીક નાઈટે ફાસ્ટ રમવાનું ચાલુ રાખ્યું. ૧૫૪ રન નાં સ્કોરે સ્ટુઅર્ટનાં આઉટ થતાં જ ઇંગ્લેન્ડ નો મીની ધબડકો થયો અને ૧૮૨ રન્સ સુધીમાં તો કુલ ૬ વિકેટો પણ પડી ગઈ. પણ નીક નાઈટે દેઠોક રમવાનું ચાલુ જ રાખ્યું.

ઝીમ્બાબ્વે નાં કપ્તાન એલેસ્ટર કેમ્પબેલને હાથમાં થી સરકતી પરિસ્થિતિનો તરતજ ખ્યાલ આવી ગયો અને એમણે એમનાં બોલર્સ ને વાઈડ બોલ્સ નાખવાની સુચના આપી ખાસ કરીને લેગ સ્ટમ્પની બહાર. વન-ડે જે બોલ્સ વાઈડ ગણાય એ ટેસ્ટ્સમાં નથી ગણાતાં એ તો આપણને ખબર જ છે. બસ ક્રિકેટનાં આ જ નિયમનો (ગેર)લાભ ઝીમ્બાબ્વેનાં બોલરો એ બરોબરનો લીધો. છેલ્લી ઓવરમાં ૧૩ રન્સ જોઈતા હતાં અને નીક નાઈટ સ્ટ્રાઈક પર હતાં. પહેલો બોલ ડોટ, બીજો બોલ ૨ રન્સ, ત્રીજા બોલે સ્ક્વેર લેગ પર સિક્સ!! હવે જીતવા માટે ૩ બોલમાં ૫ રન્સ. હીથ સ્ટ્રીકે ચોથો બોલ ઓફ સ્ટમ્પની બહાર વાઈડ નાખ્યો. ઝીમ્બાબ્વે નાં જ અમ્પાયર ઇયાન રોબિન્સને એને વાઈડ કરાર ન આપ્યો. હવે ૨ બોલમાં ૫ રન્સ. પાંચમાં બોલે નાઈટે બે રન્સ લીધાં એટલે હવે છેલ્લાં બોલે ઇંગ્લેન્ડને જીતવા માટે ૩ રન્સ જોઈતા હતાં. કેમ્પબેલે તમામ ૯ ફિલ્ડરોને બાઉન્ડરી પર મોકલી દીધાં. નીક નાઈટે સ્ટ્રીક નો બોલ આંખ મીંચી ને ફટકાર્યો અને આંખ મીંચી ને એ અને ડેરેન ગોધ દોડવા જ માંડ્યા. બે રન્સ તો લઇ લીધાં પણ ત્રીજા રનનો કોઈ જ ચાન્સ ન હતો તેમ છતાં દોડ્યા અને નીક નાઈટ રન આઉટ થઇ ગયાં. ૩૭ ઓવરો થઇ ચુકી હતી અને ઇંગ્લેન્ડ નો સ્કોર ૨૦૪ હતો. પણ ઓલ આઉટ ન થવાથી આ ટેસ્ટ ટાઈ નહી પણ ડ્રો માં ગણાઇ. ઈંગ્લેન્ડના તે વખતનાં કોચ ડેવિડ લોઇડે ઝીમ્બાબ્વે ની વાઈડ બોલ નાખવાનાં દાવ ની ટીકા અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ને પણ કરી અને પોતે “આમતો જીતી જ ગયાં કહેવાય” એવું કહ્યું પણ એનાં થી શું થવાનું હતું? આવું જ કઈક વેસ્ટ ઇન્ડીઝે આપણી સાથે વગર વાઈડ બોલ નાખે બે વર્ષ પહેલાં મુંબઈમાં કર્યું હતું અને સ્કોર સરખો હોવાથી અને ભારતની ૯ વિકેટો પડી ગઈ હોવાથી મેચ ડ્રો જાહેર થઇ હતી.

ઘણાં લોકોને સવાલ થાય કે જો વન-ડે અને ટી૨૦માં ફક્ત બે જ પરિણામો હોય તો ટેસ્ટમાં કેમ નહી? એનો સીધો જવાબ એ છે કે ટેસ્ટ ક્રિકેટ તમારી બેટિંગ,બોલિંગ અને ફિલ્ડીંગ આ ત્રણેય કૌશલ્યો નો પણ ટેસ્ટ છે. એટલે રન સાથે જો તમે બીજી ટીમની તમામ ૨૦ વિકેટો બે ચાન્સ હોવા છતાં પણ ન લઇ શકો તો તમને ટેસ્ટ જીતવાનો કોઈ જ અધિકાર નથી. આઈ બાત સમજ મેં?

તો હવેથી જયારે પણ દુનિયાનાં કોઇપણ છેડે ટેસ્ટ મેચ ડ્રો જાય તો એની ટીકા ન કરતાં એનાં કારણો જાણીને એનો આનંદ લેવાની ટ્રાય મારજો…મજા આવશે !

સ્ટમ્પસ !!!

“આજે ઘેરે જઈને મારી પત્ની મને જો એમ પૂછશે કે પાંચ દિવસ તમે જે મેચ જોઈ એમાં કોણ જીત્યું અને મારો જવાબ એમ હશે કે કોઈ નહી, તો એ ખરેખર મારાં પર ગર્લફ્રેન્ડને ત્યાં હોવાની શંકા કરશે”

– હોસે મુરીન્હો, ચેલસી ફૂટબોલ ટીમનાં અત્યારનાં કોચ, ૨૦૦૫ એશિઝ ની માન્ચેસ્ટર ટેસ્ટ મેચ ડ્રો થયાં પછી પોતાનો પ્રતિભાવ આપતાં.

Author: Siddarth Chhaya

Leave a Reply

error: Content is protected !!