નોટ સો મસ્તાના મૌસમ

આપણે ત્યાં અડધો એપ્રિલ, પૂરો મે અને અડધો જુન એમ લગભગ બે મહીના શાળાઓમાં (અને કોલેજોમાં પણ) વેકેશન હોય છે. કારણ સિમ્પલ છે કે આકાશ માંથી જયારે કાળઝાળ ગરમી વરસતી હોય ત્યારે છોકરાંઓ ઘરે રહે તો જ સારું. જયારે કાશ્મીરમાં અત્યારના સમયે એટલે કે ડીસેમ્બર અને જાન્યુઆરીમાં વેકેશન હોય છે કારણકે ત્યાં બર્ફબારી નું જોમ આપણા મે મહીનાની ગરમી જેટલું જ હોય છે અને ઉલટું ઉનાળામાં મોસમ ‘સુહાના’ થઇ જાય છે. આ વખતે તો અમેરિકા અને કેનેડામાં, કાશ્મીરમાં પડે છે એનાંથી પણ વધુ ‘કાતિલાના’ ઠંડી પડી અને હજીપણ એનું એક બીજું રાઉન્ડ આ લખી રહ્યો છું ત્યારે શરુ થઇ ચુક્યું છે પણ ત્યાંનાં બાળકો નું વેકેશન તો નોર્મલ ગર્મીની સિઝનમાં જ હોય છે. આ પહેલાંનાં અને અત્યારે પડી રહેલાં જોરદાર બરફમાં પણ છોકરાંઓ એમની સ્કુલે જાય જ છે અને જો છોકરાંઓ સ્કુલે જાય તો મોટાંઓ તો એમનાં કામે જાયજ ને? આપણે ત્યાં પણ આપણે બધાં મે-જુન ની ગરમીમાં પણ કામ કરીએ જ છીએ ને? ટૂંકમાં જે લોકો પ્રોફેશનલ્સ છે એમણે કોઇપણ વેધર કન્ડીશન્સમાં કામ કરવા તૈયાર રહેવું પડે છે. જો કે આ પ્રોફેશનલ્સની વ્યાખ્યામાં ખેલાડીઓને બાદ રખાય કે નહી એ ચર્ચાનો વિષય છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે રમતો રમતાં ખેલાડીઓ પ્રવાસ ઉપરાંત રમતી વખતે પણ પોતાનાં શરીરની મોટાભાગની ઉર્જાશક્તિ વાપરી નાખતાં હોય છે અને એની ઉપર જો હવામાનની કોઈ કાતિલાના અસર થાય તો તો પત્યું જ સમજો. આ વખતની ઓસ્ટ્રેલીયન ઓપનનાં પહેલાં અઠવાડીયામાં જ એવી તો ગરમી પડી કે ભલભલા ખેલાડીઓની રાડ નીકળી ગઈ. એવું નથીકે ‘ઓસ્ટ્રાલીયન સમર’ આ વખતે જ આટલો આકરો છે. ગરમીની મૌસમમાં, એકદમ આપણા અમદાવાદ કે ભોપાલ કે દિલ્હી ની જેમજ ત્યાં પણ મેલબર્ન, સિડની કે એડિલેડ માં પારો ૪૦ ડીગ્રીની ઉપર જવો એ બહુ સ્વાભાવિક બાબત છે અને વર્ષોથી કઈક આવાંજ વાતાવરણમાં ઓસ્ટ્રેલીયન ઓપન રમાતી રહી છે પણ આ વખતે મેલબર્નનાં વાતાવરણમાં કદાચ ભેજનું પ્રમાણ એટલું બધું વધી ગયું કે ખેલાડીઓ ‘હાય તૌબા!’ પોકારવા લાગ્યાં. ઓસ્ટ્રેલીયન ઓપન જે ‘રોડ લેવર અરીના’ માં રમાય છે એને ઘણાં ખેલાડીઓ એ તો આ વખતે ‘સોના બાથ’ નું ઉપનામ પણ આપી દીધું.

અને કેમ ન આપે? આ અંજર-પંજર ઢીલા કરી નાખતી ગરમીને લીધે કેનેડાનો ક્વોલીફાય થયેલો ખેલાડી ફ્રેંક ડાન્કેવીક તો રમતારમતા કોર્ટમાં જ બેભાન થઈને ઢળી પડ્યો હતો. એનાંજ શબ્દોમાં “અચાનક જ મારું બેલેન્સ જવા લાગ્યું અને મારી આંખો બંધ થઇ ગઈ અને જયારે મારી આંખો ખુલી ત્યારે મારી આજુબાજુ કેટલાંય લોકો ઉભાં હતાં જે મારી તબિયતની પૃચ્છા કરી રહ્યાં હતાં.” ઓસ્ટ્રેલીયન ઓપનનાં આખાંયે વિકમાં કેટલીય મેચો હીટ (ગરમી) ને કારણે અડધેથી રોકી દેવાઈ અને મોડી સાંજે ફરી શરુ કરાઈ જેણે કારણે અમુક મેચો તો ત્યાંના સમય મુજબ રાત્રે નવ પછીજ શરુ થઇ શકી. કેટલાંય ખેલાડીઓ જેમની મેચો બપોરના ભાગમાં હતી એ ‘આઈસ કોલર’ પહેરીને મેચ રમતાં દેખાયા તો કેટલાંક ખેલાડીઓએ તો પોતાની મેચ અધવચ્ચે થી જ છોડીને વર્ષની આ પહેલી ગ્રેંડ સ્લેમને ‘જેસી ક્રસ્ણ’ કરી દીધાં.

એક ક્રોએશિયન પ્લેયરે નામ ન આપવાની શરતે એટલે સુધી કહી દીધું કે, “આયોજકો શું કોઈ ખેલાડીનાં મરવાની રાહ જુવે છે? આવાં વેધરમાં કોઈને પણ હાર્ટએટેક સુદ્ધા આવી શકે છે!” આ ઉપરાંત ત્રીજા નંબરની સીડેડ પ્લેયર મારિયા શારાપોવાએ આયોજકોની ‘એકસ્ટ્રીમ હીટ પોલીસી’ ની પણ ટીકા કરી. આ પોલીસી મુજબ અમુક લેવલે ગરમી પહોંચે પછી જ મેચ રોકી શકાય એવો નિયમ લાગુ કરાયો હતો પણ તકલીફ એ હતી કે એ પોલીસી જેમ ક્રિકેટમાં ડકવર્થ લુઇસ નો નિયમ છે એમ એટલી અટપટી રખાઈ કે ખેલાડીઓ રેફરી સામે દયાની નજરે જોતાં રહ્યાં પણ મેચો ચાલુ રાખી કારણકે પોલીસી મુજબ વાતાવરણ રમવા ‘લાયક’ જ હતું. આ પોલીસી મુજબ દરેક કોર્ટ પર ટેમ્પરેચર અને ભેજ નું પ્રમાણ માપવાનો ‘વેટ બલ્બ ગ્લોબલ ટેમ્પરેચર કોમ્પોઝીટ’ નામનું કોઈ એવું મશીન મુકાયું હતું જેમાં ગરમી,ભેજ ઉપરાંત પવન ની સ્પીડનું પ્રમાણ લઈને મેચ રોકવી કે નહી એવું નક્કી કરી શકાતું હતું. એટલે જો ગરમી ૪૨ ડીગ્રી હોય, ભેજ પણ ૭૦-૮૦ % થી વધુ હોય પણ જરાક અમથો પણ સારો પવન ફૂંકાતો હોય તો ય મેચ ચાલુ રહે. હવે…ઠંડા પ્રદેશો માંથી આવેલાં ખેલાડીઓથી આ ક્યાંથી સહન થાય? એમને માટે તો ૩૦ ડીગ્રી પણ અધધધ ગરમી કહેવાય!

ટેનીસ હોય કે ક્રિકેટ બન્ને જો ચાલુ રમતે વરસાદ પડે તો રમતને કામચલાઉ અથવા તો કાયમી ધોરણે બંધ રાખવી પડે છે. હા યુએસ ઓપન સીવાયની બાકીની ચારેય ગ્રેંડ સ્લેમમાં મેઈન કોર્ટ ઉપર રૂફ ચડાવી દેવાય છે એટલે મહત્વનાં ખેલાડીઓની મેચો તો ચાલુ જ રહે છે. પણ આ સીવાય શું ખેલાડીઓને આવી એકસ્ટ્રીમ વેધર કન્ડીશન્સમાં રમાડાયા હોય એવી આ પહેલી ઘટના છે? ના! અને આતો થઇ વાત ઠંડા પ્રદેશો માંથી આવેલાં ખેલાડીઓની કે એલોકો અતિશય ગરમી સહન ન કરી શકે અને એવીજ રીતે જો આપણાં ભારતીય સબકોન્ટીનેન્ટમાં વસતાં ખેલાડીઓ ઠંડા પ્રદેશોમાં રમવા જાય તો?

આપણા ખેલાડીઓ જયારે જયારે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરીઝ રમવા જાય છે ત્યારે જો પહેલી ટેસ્ટ મેચ જો મે મહિનાનાં અંતમાં અથવા જુન મહીનાની શરૂઆતમાં હોય તો તો વાત જ પૂરી. ૭-૮ ડીગ્રીમાં રમવાનું, એક સાથે ૪ થી ૫ સ્વેટરો પહેરવાનાં અને બોલ સ્વીંગ કરી શકાતો હોય એવી કન્ડીશન હોય તો પણ આપણાં બોલરોનાં આંગળામાં દડો પકડાય તો સ્વીંગ કરે ને? સ્લીપમાં ઉભેલાં ખેલાડીઓ તો બોલર છેક દડો નાખે ત્યારે જ ખીસામાંથી હાથ કાઢી શકે એવી સ્થીતી હોય છે. આ ઉપરાંત એક જમાનામાં તો ઇંગ્લેન્ડનાં ગ્રાઉન્ડસ મેન પીચ ઉપર એટલું ઘાસ રાખતાં કે પેવેલીયન માંથી પીચ કયાં છે અને બાકીનું ગ્રાઉન્ડ ક્યાં છે એની ખબર પણ નહોતી પડતી. પણ તેમ છતાંય આપણા ખેલાડીઓ ત્યાં રમતાં અને કોઇપણ ફરિયાદ ન કરતાં.

એવુંય નથી કે આપણા ખેલાડીઓ ને ફક્ત વિદેશમાં જ તકલીફ પડે છે. આઈપીએલ ની ઘણીબધી મેચો ૪૪-૪૫ ડીગ્રી ટેમ્પરેચરમાં રમાય જ છે. આ ઉપરાંત મુંબઈ અને ચેન્નઈ જેવાં સ્થળોએ ગરમી ઓછી પણ ઉમસ વધુ હોવાને કારણે પણ ખેલાડીઓમાંથી પાણી રીતસરનું સોષાઈ જતું હોય છે અને આઈપીએલ જયારે નહોતી રમાતી ત્યારે પણ ભારતમાં મે મહીનામાં ટેસ્ટમેચો અને વનડે મેચો પણ રમાતી જ હતી. આ જ ઓસ્ટ્રેલીયામાં પણ આપણા ખેલાડીઓ આવીજ ૪૨ ડીગ્રી પ્લસ ગરમીમાં ૫૦ ઓવરોની વન-ડે મેચો રમે જ છે ને?

દુનિયાની દરેક આઉટડોર રમતો હવે ખુબ રમાય છે, કાયમ રમાય છે અને દુનિયાના દરેક ખૂણે રમાય છે અને આ દરેક રમતમાં ખુબ પૈસા છે. ખેલાડીઓ પ્રોફેશનલ્સ છે એટલે પૈસા કમાવવા જરૂરી છે અને પૈસા તો જ મળે જો સતત એ રમત રમતાં રહે. પણ સામે આયોજકોએ પણ માનવીય અભિગમ અપનાવવો જરૂરી છે જ. ઓસ્ટ્રેલીયન ઓપનમાં જેરીતે પેલી બેઢંગી પોલીસી અપનાવવામાં આવી એની જગ્યાએ જો સિમ્પલ રીતે એવું નક્કી કરાયું હોત કે એકવાર તાપમાન ૪૦ ડીગ્રીને પાર ગયું, પછી ભલેને ગમે તેટલો ભેજ હોય કે હવાની સ્પીડ હોય, મેચો બંધ એટલે બંધ તો ઘણાંબધા ખેલાડીઓ પોતાની મેચો પૂરી પણ કરી શક્યાં હોત અને આયોજકો પ્રત્યે એમનું માન પણ વધી ગયું હોત. મનુષ્ય ભૂલો માંથી જ શીખે છે અને આશા છે કે આવતે વર્ષે ઓસ્ટ્રેલીયન ઓપનના આયોજકો પણ સમજી જશે અને એમનું જોઇને કદાચ આપણી આઈપીએલનાં આયોજકો પણ……

સ્ટમ્પસ!!!

૧૯૮૬ની ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે ચેન્નઈમાં રમાયેલી ટેસ્ટમેચમાં ઓસ્ટ્રેલીયાના ખેલાડી ડીન જોન્સે પહેલી ઈનિંગમાં ૨૧૦ રન્સ બનાવ્યાં હતાં. ૫૦૨ મિનીટ્સની એમની આ ઇનિંગનાં પાછલાં હીસ્સામાં એમને ડીહાયડ્રેશન થઇ ગયું હતું પણ મેદાન પર ઉલટીઓ કરતાં કરતાં એમણે એ ઇનીગ પૂરી કરી હતી.

આ ઉપરાંત છેલ્લાં દિવસે પીચ ટર્ન થવાની હતી એ જાણીને જ ઓસ્ટ્રેલીયાના કોચ બોબી સિમ્પસને કપ્તાન એલન બોર્ડરને ટીમનાં સ્પિનર ગ્રેગ મેથ્યુઝને સતત એક છેડેથી બોલિંગ નાખવાની હિદાયત આપી હતી અને મેથ્યુઝને આખાંયે ‘ચેપોક’ માં એક જ જગ્યાએ જ્યાં સ્ટેન્ડનો પડછાયો રહેતો હતો ત્યાંજ આખો દિવસ ફિલ્ડીંગ ભરાવી હતી. મેથ્યુઝે આ ઈનિંગમાં સતત ૩૯.૫ ઓવરો નાખી હતી અને મનીન્દરસિંગની છેલ્લી વિકેટ લઈને એમણે આ ટેસ્ટ ડ્રોમાં કાઢી હતી.

Leave a Reply

error: Content is protected !!