આઈ.સી.સી માં પડી એક તકરાર

આઈ.સી.સીની એક્ઝીક્યુટીવ બોર્ડની મીટીગ અત્યારે એનાં હેડક્વાર્ટર દુબઈમાં ચાલી રહી છે. હળવી ભાષામાં કહીએ તો “ત્યાં બરોબરનું જામ્યું છે હોં?” પણ સાચું કહીએ તો આ આગની કાંડી તો છ મહીના અગાઉ જ સળગાવી દેવાઈ હતી. આઈ.સી.સી નાં અત્યારના પ્રમુખ, એલન ઇસ્સાકે છએક મહીના અગાઉ, ક્રિકેટના ત્રણ સહુથી વધુ કમાતા દીકરાઓ એટલે કે ભારતનાં બી.સી.સી.આઈ, ઓસ્ટ્રેલીયા નું ક્રિકેટ ઓસ્ટ્રેલીયા (સી.એ) અને ઇંગ્લેન્ડનાં ઈ.સી.બી ને કીધું કે “ક્રિકેટની શકલને એકદમ બદલી નાખવાનો કશોક પ્લાન બનાવો.” કદાચ ઇસ્સાક સાહેબનો આમ કહેવા પાછળનો હેતુ ખરેખર ઉમદા હશે પણ આ ત્રણેય માટે તો “ભાવતું તું ને ઇસ્સાકે કીધું!” એવો ઘાટ ઘડાયો અને આ છ મહીનામાં આઈ.સી.સી ની ફાઈનાન્સ એન્ડ કમર્શિયલ અફેર્સ કમિટી (F&CA) જેનાં આ ત્રણેય મહત્વનાં સભ્યો છે તેમાં એક ‘પોઝીશન પેપર’ ઘડી નખાયું જેમાં અસાધારણપણે અને બદ્ધીજ રીતે આ ત્રણેય ક્રિકેટ બોર્ડને બખ્ખાં થઇ જાય એવી શરતો અથવાતો નિયમો ની પ્રપોઝલ મુકવામાં આવી છે.

તમને કદાચ એમ થાય કે છ મહીનાથી આ પ્રોસેસ ચાલુ હતી તો છેક અત્યારે આ ‘હંગામા કયું હૈ બરપા’? એમાં એવું છે કે છ મહીનાથી તો આ પેપર પર કામકાજ ચાલુ હતું અને અ પ્રપોઝલ શું છે એની જાણકારી આઈ. સી. સી ની જાન્યુઆરીની મીટીંગમાં કરવામાં આવશે એવું પણ નક્કી કરાયું હતું. મીટીંગ તો ૨૮ જાન્યુઆરી ની નક્કી હતી જ પણ લગભગ ૯મી જાન્યુઆરીની આસપાસ આ ‘પોઝીશન પેપર’ મીડિયામાં લીક થઇ ગયું અને ચારેય બાજુએ કાગારોળ મચી ગઈ. આ કાગારોળ વિષે આપણે પછી ચર્ચા કરીએ પણ એ પહેલાં આ સૂચિત નવી વ્યવસ્થા શું છે એ જાણી લઈએ?

આ ‘પોઝીશન પેપર’નાં બે મહત્વનાં હિસ્સાઓ છે. એક તો છે ‘રેવન્યુ શેરીંગ’ એટલે કે આઈ.સી.સી ની કમાણીમાં ભાગબટાઈ અને બીજું ટેસ્ટ ક્રિકેટનું નવું સ્ટ્રક્ચર અમલમાં લાવવું. આ બન્ને હિસ્સાઓને અમલમાં લાવવા માટે આ પોઝીશન પેપરમાં એક ‘આઈ.સી.સી. બીસનેસ કંપની’ (IBC) નામની એક અલગ પાંખ ઉભી કરવાની વાત છે. હવે આ IBC આઈ.સી.સીની તમામ ઈવેન્ટ્સનું આયોજન કરવા ઉપરાંત મીડિયા રાઈટ્સ અને સ્પોન્સર સાયકલના ટેન્ડરો બહાર પાડવાનું કામ પણ કરશે. અહિયા સુધી તો કોઈને પણ વાંધો નથી. પણ IBC માં એક ચાર મેમ્બરોની એક એક્ઝીક્યુટીવ કમિટી (ExCo) પણ બનાવવામાં આવી છે, જેને એટલા બધાં અધિકારો આપવામાં આવ્યાં છે કે જો આ પોઝીશન પેપરની શરતોનો સ્વીકાર થાય તો આ ExCo જ સર્વસત્તાધીશ થઇ જાય અને આઈ.સી.સી પોતે ક્યાંક ખૂણામાં જતી રહે એવું બની શકે છે. ExCo નાં ચાર સભ્યોમાંથી ત્રણ કાયમી સભ્યો રખાયાં છે, અહીં એ ઉમેરવાની જરૂર ખરી કે આ ત્રણ કાયમી સભ્યો કોણ છે? હાજી, આઈ.સી.સીનાં એજ ત્રણ કમાઉ દીકરાઓ જ કાયમી સભ્યપદ શોભાવશે. ચોથો સભ્ય બાકીનાં કાયમી સભ્યોમાં થી રોટેશન દ્વારા સમાવિષ્ટ કરાશે. આ ઉપરાંત ExCo નું ચેરમેન પદ તો પેલાં બીગ થ્રી જ દર વર્ષે એકપછી એક ‘શોભાવશે’. આ ExCo ને આઈ.સી.સી ને લગતાં તમામ બંધારણીય, અંગત, અખંડિતતા, આચારસંહિતા, વિકાસ અને નામાંકનનાં હક્કો અપાયા છે.

અહિયા સુધી પણ કદાચ કોઈને વાંધો ન હોય પણ જયારે આ પોઝીશન પેપરમાં નફામાં ભાગબટાઈની વાત કરાઈ છે ત્યારે એમાં પણ આ ત્રણ મોટાભાઈઓને જ સહુથી વધુ ભાગ આપવાની વાત થઇ છે. કારણ? કારણકે આજે આઈ.સી.સી જે કાઈપણ કમાણી કરે છે એનો સહુથી મોટો હિસ્સો આ ત્રણ ટીમો રમતી હોય, એકબીજાં સામે અથવાતો અલગઅલગ, ત્યાંથી જ મળે છે. આ હકીકતનું સાદું ઉદાહરણ ન્યુઝીલેન્ડ છે. અત્યારે આપણી ટીમ ન્યુઝીલેન્ડમાં ભલે સારું રમી ન રહી હોય પણ ત્યાંના મેદાનો પર અત્યારે જે પ્રમાણમાં દર્શકોની સંખ્યા છે અથવાતો જે ‘દુંદાળી સંખ્યા’ માં લોકો આ સીરીઝને ટીવી પર જોઈ રહ્યાં છે એની અડધી પણ ફક્ત દસેક દિવસ પહેલાંજ વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી ફૂલ સીરીઝમાં ન હતી. વેસ્ટ ઇન્ડીઝ સામેની સીરીઝ છેલ્લાં ત્રણેક વર્ષની જેમજ ભારતમાં ‘નિયો ક્રિકેટ’ દેખાડતું હતું પણ જેવી ભારત વિરુદ્ધની ન્યુઝીલેન્ડની સીરીઝ નજીક આવી એટલે તરતજ સોની સીક્સે ‘ક્રિકેટ ન્યુઝીલેન્ડ’ ને નિયો કરતાં વધુ ડોલર્સ આપીને સીરીઝના રાઈટ્સ લઇ લીધાં!! બી.સી.સી.આઈ તો છેલ્લાં કેટલાંય વર્ષોથી આ જ લોજીક વાપરીને આઈ.સી.સી પાસે થી સહુથી વધુ નફો માંગી રહ્યું છે પણ અત્યારસુધી એને સફળતા મળી નહતી પણ અત્યારે ક્રિકેટ ઓસ્ટ્રેલીયા અને ઈ.સી.બી ને પાંખમાં લઈને એની આ મુરાદ (જે પ્રથમ દ્રષ્ટીએ મેલી નથી) પૂરી થાય એવું લાગી રહ્યું છે.

‘ઈ.એસ.પી.એન ક્રિકઇન્ફો’ નાં શારદા ઉગ્રા આ બાબતે એમનાં એક લેખમાં ઉદાહરણ આપે છે કે, “જો નવી પ્રપોઝલ સ્વીકારાઈ જાય અને એ પ્રમાણે જો આઈ.સી.સી. ‘કન્ટ્રીબ્યુશન કોસ્ટ’ ને ધ્યાનમાં લઈને બધાને નફાની વહેંચણી કરે તો અત્યાર ની વ્યવસ્થા મુજબ નફાની વહેંચણીમાં બી.સી.સી.આઈ નો ૪.૨% ભાગ મળે પણ જો નવી વ્યવસ્થા અમલી બન્યા પછી બી.સી.સી.આઈ નો ભાગ ૨૧% સુધી જતો રહે!!” આઈ.સી.સીનાં એક પૂર્ણ મેમ્બરે નામ ન આપવાની શરતે કહ્યું છે કે, “જો આ ત્રણ સભ્યોની ExCo અમલી બનશે તો જૂની વ્યવસ્થા જેમાં ફક્ત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયા પાસે વીટો ની સત્તા હતી એવીજ વ્યવસ્થા કોઈ બીજાં નામે ફરીથી અમલમાં આવશે.” આ મેમ્બરની વાતમાં દમ તો છે કારણકે વાત ફક્ત નફાની વહેંચણીમાં રહેલી અસમાનતા પુરતીજ સીમિત નથી અને ટેસ્ટ ક્રિકેટમાં ‘મામકા અને પાંડવા’ ની પરીસ્થિતિ આવીને ઉભી રહે એવું પણ આ પોઝીશન પેપરમાં દેખાઈ રહ્યું છે.

તમને યાદ હોય તો હમણાં થોડાં મહિનાઓ પહેલાં ભારત જે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી એને છેલ્લી ચેમ્પિયન્સ ટ્રોફી કહેવાઈ હતી અને એની જગ્યાએ ૨૦૧૭થી ‘આઈ.સી.સી. ટેસ્ટ ચેમ્પીયનશીપ’ નું આયોજન કરાશે એવું કહેવાયું હતું. કહીતો દેવાયું પણ પછીથી બધાંને વિચાર આવ્યો કે “ફોર એકઝામ્પલ ભલેને ‘ટેસ્ટ ચેમ્પીયનશીપ’ હોય પણ તોય બાંગ્લાદેશ ની મેચો ટીવી પર કોણ જોશે? ન્યુઝીલેન્ડ જો શ્રીલંકા સામે રમતું હોય તો એને ‘એશેઝ’ કે ‘બોર્ડર-ગાવસ્કર ટ્રોફી’ જેટલાં ટી.આર.પી તો મળે જ નહી. સરવાળે આઈ.સી.સીને તો પૈસા ગુમાવવાનો જ વારો આવશે.” એટલે આ પોઝીશન પેપરમાં ચેમ્પિયન્સ ટ્રોફીને જાળવી રાખવાની વાત થઇ અને ટેસ્ટ ચેમ્પીયનશીપ ની જગ્યાએ ટેસ્ટ ક્રિકેટનું ‘દ્વિ સ્તરીય માળખું’ ઉભું કરવાની વાત થઇ છે. આમાં કુલ દસ દેશો ટેસ્ટ ક્રિકેટ રમે જેમાંથી પાંચ ‘એલીટ ગ્રુપ’ માં હોય અને બાકીનાં પાંચ ‘પ્લેટ ગ્રુપ’ માં રમે. પ્લેટ ગ્રુપમાં પણ એક દેશ જે નોન-ટેસ્ટ પ્લેઇંગ હોય એ પણ ક્વોલીફાય થાય એટલેકે આયર્લેન્ડ કે અફઘાનિસ્તાન પણ ક્વોલીફાય થઇ ને ટેસ્ટ ક્રિકેટ રમે. પ્લેટ ગ્રુપમાંથી એલીટમાં જવા માટે પોઈન્ટ સીસ્ટમ મુકાય અને જે ટીમ પ્લેટ ગ્રુપમાં સહુથી ઉપર રહે એને એલીટ ગ્રુપમાં પ્રમોશન મળે જયારે એલીટ ગ્રુપમાં સહુથી છેલ્લે રહેનારી ટીમ પ્લેટ ગ્રુપમાં રેલીગેટ થઇ જાય. ખુબ સરસ વિચાર..ગમ્યું! પણ…પોઝીશન પેપરમાં એલીટ ગ્રુપમાં પાંચમાંથી પેલાં ત્રણને તો અમરપટ્ટો આપી દેવાયો છે!! એટલેકે ભારત, ઓસ્ટ્રેલીયા કે ઇંગ્લેન્ડ કેટલું પણ ખરાબ રમે અને એલીટ ગ્રુપમાં પાંચમે નંબરે આવે તો પણ એ એલીટ ગ્રુપમાં જ રહે અને પ્લેટ ગ્રુપમાં રેલીગેટ ન થાય. કારણ ફરીથી એજ અપાયું છે કે, “જો આમ થાય તો એલીટ ગ્રુપની મેચો જોવે કોણ?”

હવે વાત કરીએ કાગારોળની. નવી રેવન્યુ શેરીંગ થી સહુથી મોટો ધક્કો ‘ક્રિકેટ સાઉથ આફ્રિકા’ ને પાડવાનો છે. એમની કંગાળ આર્થિક સ્થીતી ની દરેકને ખબર છે અને એથીજ એણે જેવું આ પેપર લીક થયું કે તરતજ એની સામે વિરોધ નોંધાવી દીધો. ક્રિકેટ શ્રીલંકા પણ અત્યારે ભલે મૂંગું હોય પણ એનું રોજનું કામકાજ પણ ઓવર ડ્રાફ્ટ થી જ ચાલે છે એની ઘણાં જાણકારોને ખબર છે. રહી વાત પાકિસ્તાનની તો એને ખબર છે કે આ બાબતમાં એનું જરાપણ ચાલવાનું નથી અને છેવટે તો ધાર્યું ધણીનું (એટલેકે પેલાં ત્રણેયનું) જ થશે તો પણ ભારતને એમ કેમ લાભ મળી જાય?? એ કારણે જ આ પ્રપોઝલ નો એ વિરોધ કરી રહ્યું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અત્યારે દૂધ અને દહીં બન્નેમાં પગ રાખવા માંગે છે અને બેઠુંબેઠું તેલની ધાર જોવામાં વ્યસ્ત છે. ક્રિકેટ ન્યુઝીલેન્ડે જે રીતે એ ક્રિકેટ રમે છે એ પ્રમાણેનું જ સ્ટેન્ડ લીધું છે એટલે કે, “સાન્નુ કી?”. જયારે “નંગા નહાયેગા ક્યા ઔર નચોડેગા ક્યા” નાં ન્યાયે, અત્યારે આ લખી રહ્યો છું ત્યારે વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટ બોર્ડે “આ પ્રપોઝલથી પોતાને સો ટકા ફાયદો થશે.” એમ કહીને ઓલરેડી પોતાનાં હથિયાર હેઠા મૂકી દીધાં છે.

અત્યારે તો દુબઈમાં મીટીંગ ચાલુ છે અને આઈ.સી.સી નાં પ્રમુખ ઇસ્સાકે પ્રથમ દિવસનાં અંતે પોતાનાં ભાષણમાં આ પ્રપોઝલને ‘સર્વસંમતી’ મળી ગઈ છે એવી વાત કરી છે. પણ જો આ પ્રપોઝલ ખરેખર સ્વીકારાઈ જાય તો વિશ્વ ક્રિકેટમાં શું થઇ શકે છે? અને શું આ ‘બીગ થ્રી’ ની દાદાગીરી યોગ્ય છે કે નહી? આ ઉપરાંત આ મીટીંગમાં ખરેખર શું થયું અને છેવટે શું નિર્ણય લેવાયો એનાં વિષે આપણે આવતાં અઠવાડીએ ફરીથી વાત કરીશું.

સ્ટમ્પસ!!!

“આ ત્રણ રાક્ષસો વિરુદ્ધ સાત કાયરો ની વાર્તા છે.”

– પાકિસ્તાનનાં ભૂતપૂર્વ કપ્તાન રશીદ લતીફ, ‘પોઝીશન પેપર’ વિષે પોતાનું મંતવ્ય આપતાં.

Leave a Reply

error: Content is protected !!