શું બી.સી.સી.આઈ ‘કેપી’ વાળી કરી શકે?

હા ભાઈ હા મને યાદ છે કે ગયાં અઠવાડીએ મેં પ્રોમિસ કર્યું હતું કે આ વખતે આઈ. સી. સી ની મીટીંગ માં શું થયું અને એનાં નિર્ણયો ની વિશ્વ ક્રિકેટ પર શું અસરો થશે એનાં વિષે આપણે વાતો કરશું. પણ થયું છે એવું કે હાલ પુરતું તો ‘ઘી નાં ઠામમાં ઘી પડ્યું રહ્યું છે’. કારણકે આઈ. સી. સી ભલે એમ કહે કે પોઝીશન પેપર પર સર્વસંમતી છે પરંતુ ક્રિકેટ સાઉથ આફ્રિકા, પી. સી. બી અને ક્રિકેટ શ્રીલંકા એ દબાયેલાં સ્વરે વિરોધ ચાલુ રાખ્યો છે પણ હાલપૂરતો આ વિવાદ આઈ. સી. સી ની સિંગાપોરમાં થનારી નેક્સ્ટ મીટીંગ સુધી પોસ્ટપોન રખાયો છે. ટૂંકમાં અત્યારે તો આના વિષે કોઈ ચર્ચા કરીને તમારાં બધાંનો કીમતી સમય બગાડવો નથી પણ ગઈકાલે એક આમતો થોડાં આઘાતજનક પણ વિચારતાં કરી દે એવાં સમાચાર મળ્યાં.

ઇંગ્લેન્ડનાં સુપર સ્ટાર બેટ્સમેન કેવિન પીટરસનને ઈંગ્લીશ ક્રિકેટ બોર્ડ દ્વારા કહી દેવામાં આવ્યું કે, “શ્રીમાન ‘કેપી’ આવનારાં વર્ષોમાં તમે અમારી કોઈજ ટીમ એટલે કે ટેસ્ટ, વનડે કે ટી૨૦ માં ફીટ બેસતાં નથી તો તમે હવે કાયમ માટે ઘેરે સિધાવો.” પીટરસન ખુદને માટે ઈ. સી. બી નો આ નિર્ણય એક મોટાં આઘાતથી ઓછો નહી જ હોય કારણકે એણે પોતેજ હાલમાં ઓસ્ટ્રેલીયા સામે ૦-૫ ની શરમજનક હાર મળ્યાનાં થોડાંક કલાકો પછીજ ટ્વીટ કર્યું હતું કે “૨૦૧૬માં જયારે ઓસ્ટ્રેલીયા ઈંગ્લેન્ડમાં એશેઝ રમવા આવશે ત્યારે એમને હરાવીને જ એ રીટાયર થશે.” એટલે ટૂંકમાં કેપી હજી બે વર્ષતો રમવા માંગતો હતો જ. પણ આ તે કાઈ બી. સી. સી. આઈ થોડું છે કે સ્ટાર ખેલાડીને હાથેય લગાડતાં એમને બીક લાગે? ઈ. સી. બી ને ભવિષ્યની ટીમ બનાવવી હતી અને એમાં કેપી નું કોઈજ સ્થાન એમનાં માટે દેખાતું ન હતું. આ ઉપરાંત ઓસ્ટ્રેલીયન ટુરની છેલ્લી ટી૨૦ માં પણ જેવું ઇંગ્લેન્ડ હાર્યું એનાં ગણતરીનાં કલાકોમાં જ ટીમનાં કોચ એન્ડી ફ્લાવરને પણ કહી દેવાયું કે ‘જે સી ક્રસ્ણ સાહેબ, તમારી સાથે કામ કરવાની મજા આવી, આવજો!”

અહીં આપણા દેશમાં કેપી જેવું થાય એનો તો વિચાર પણ ન આવે પણ જો એવું કશુંક થયું હોત તો કાગારોળ મચી ગઈ હોત. દેશનું દરેક મીડિયા હાઉસ એ ખેલાડીને સપોર્ટ કરીને ગમેતેમ ટીમ માં પાછો બોલાવી લેવા માટે ફોર્સ કરત અને આમ કદાચ થાત પણ ખરું. ભૂતકાળમાં સૌરવ ગાંગુલીને ડ્રોપ કરાયા ત્યારે પણ આવુંજ થયું હતું. પણ તે વખતે ગ્રેગ ચેપલ અને કિરણ મોરે નો દાદા સામેનો અંગત દ્વેષ જવાબદાર હતો અને છેવટે દાદા ટીમમાં પાછાં આવ્યાં પણ ખરા અને ત્યાર પછી જેટલું રમ્યાં એ દરમ્યાન એમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ કર્યું. પણ આ નિર્ણય ની વિરુદ્ધમાં જો શાંતિથી વિચારીએ તો કેપી ને બલી નો બકરો બનાવાયો હોય એવું નથી લાગતું? ઓસ્ટ્રેલીયા સામે એકલો કેપી નહી પણ આખીયે ટીમ ૦-૫ થી હારી હતી તો ફક્ત કેપીનો જ ભોગ કેમ લેવાયો? જે ટીમ ૦-૫ થી ટેસ્ટ સીરીઝ હારી, ૪-૧ થી વનડે સીરીઝ હારી એનો કપ્તાન એટલે કે એલેસ્ટર કુક તો હજીપણ ઇંગ્લેન્ડ ની કપ્તાની ની શોભા વધારી રહ્યો છે એને કશુંજ નહી? નોર્મલી દરેક બોર્ડ ‘વર્લ્ડકપ થી વર્લ્ડકપ’ ની ટીમ વિષે વિચારતું હોય છે. ઈ. સી. બી ભલે કેપી ને એની ઉંમર ને ધ્યાનમાં લઈને આગામી ટી૨૦ અને પચાસ ઓવરો નો વર્લ્ડકપ રમાડવા ન માંગતું હોય પણ ટેસ્ટમેચ માટે કેપી હજીપણ ફીટ હતો જ. જેમ ઉપર કીધું એમ ટેસ્ટમેચોમાં એ એકલો નહી પણ આખી અંગ્રેજ ટીમ હારી હતી. એનીવેઝ જેનું કામ જે કરે બરોબર ને?

પણ કેપી એમ કાઈ નવરો તો નહી બેઠો રહે. આપણે ઓલ્વેઝ દરેક બાબતની પોઝીટીવ સાઈડ જોવાની કોશીશ કરતાં હોઈએ છીએ તો આ બાબતે પણ કરવીજ રહી. કેપી માર્ચ-એપ્રિલ થી શરુ થતી ઈંગ્લીશ કાઉન્ટી સિઝનમાં પોતાની કાઉન્ટી સરે માંથી રમીને રનોનાં ઢગલા કરી શકે છે અને ઈ. સી. બી અને ઈંગ્લીશ ચાહકોને બતાવી શકે છે કે પોતાનામાં હજીપણ કેટલો દમ છે અને આવનારાં સમયમાં એલોકો શું મીસ કરશે! આ ઉપરાંત આઈ. પી. એલ અને ઓસ્ટ્રેલીયાની બીગ બેશ તો છે જ? આ બન્ને જગ્યાએ ઓકશન માં વર્ષે કેપી નાં નામના સિક્કા પડે તો નવાઈ નહી. વેસ્ટ ઇન્ડીઝમાં પણ ગયાં વર્ષ થી ફ્રેન્ચીઝ ક્રિકેટ શરુ થયું છે અને કેપી નાં જન્મસ્થાન દક્ષીણ આફ્રિકા માં પણ આવું ક્રિકેટ અમુક વર્ષોથી રમાઈ જ રહ્યું છે. એટલે કેપી હજીપણ ક્રિકેટ રમીને બીઝી રહી શકે છે અને અઢળક કમાઈ પણ શકે છે. ઉપરાંત, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું હવે ઓછું થઇ જતાં કેપી ની એક પ્રોફેશનલ ક્રિકેટર તરીકે ની લાઈફ બે ની બદલે ચાર વર્ષ પણ લંબાઈ જાય એવું પણ બને ને?

ભલે ઈ. સી. બી નો નિર્ણય લાંબો વિચાર કર્યા બાદ એકપક્ષીય લાગતો હોય પણ કદાચ પોલ ડાઉનટન અને એમની સિલેક્ટરો ની ટીમ ભવિષ્યમાં સાચી પણ પડે એવું પણ બને ને? તો એમ વિચારીને આપણે ઈ. સી. બી ની જગ્યાએ બી. સી. સી. આઈ ને મુકીએ તો? આપણે આગળજ વાત કરી એમ અહિયા આવું થવું શક્ય જ નથી. નહીંતો સુરેશ રૈના અને ઇશાંત શર્માને (એટલીસ્ટ વનડે માં) ક્યારનાય ઘેરે બેસાડી દેવાયા હોત. પણ બી. સી. સી. આઈ ને ખબર છે કે સરેરાશ ભારતીય ક્રિકેટ ફેન સરેરાશ ભારતીય નાગરિક ની જેમજ ભૂલકણો છે. હમણાં બાંગ્લાદેશમાં વર્લ્ડ ટી૨૦, એશિયાકપ રમાશે પછી આઈ. પી. એલ એટલે ગંજેરીને ફરીથી વિજયનો નશો ચડશે અને આ બધું ભુલાઈ જશે. એવું થશે પણ ખરું પણ શું એનાંથી ટીમનું નાક ઊંચું રહે ખરું? પચાસ ઓવરોનો વર્લ્ડકપ હજી બારણે આવીને નથી ઉભો અને અત્યારે પેનિક બટન દબાવવાની પણ જરૂર નથી પણ તેમ છતાં ઉતાવળીયા નહી તો આકરા નિર્ણયો લેવાની જરૂર નથી? ક્યાં સુધી ઇન્ડિયા સિમેન્ટ્સ એટલે કે ચેન્નઈ સુપરકિંગ્ઝ ની ટીમ નો ‘દબદબો’ ભારતની રાષ્ટ્રીય ટીમમાં રહેશે?

હાલની તારીખે જો વર્લ્ડકપ ની ટીમ સિલેક્ટ કરવી હોય તો માત્ર વિરાટ કોહલી, કેપ્ટન ધોની અને મહદઅંશે મોહમ્મદ શમી ને જ ટીકીટ મળી શકે એમ છે. વર્લ્ડકપ ની ટીમમાં કુલ ૧૫ સભ્યો હોય છે એ યાદ રહે એટલે કે હજીપણ આપણે ૧૨ એવાં હીરાઓ શોધવાનાં છે જે આપણો તાજ ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ માં બચાવી શકે નહી તો ૨૦૦૭ નો વેસ્ટ ઇન્ડીઝમાં રમાયેલો વર્લ્ડકપ યાદ છે ને?

સ્ટમ્પસ !!!

“મને લાગે છે કે ક્રિકેટ રમવાથી મારાં માં ટીમ ભાવના અને નેતૃત્વ નાં ગુણો આવ્યાં હશે જે મારી આખીએ કારકિર્દી દરમ્યાન મારી સાથે રહ્યાં છે.”

– માઈક્રોસોફ્ટ નાં નવાં નીમાયેલા સી. ઈ. ઓ સત્યા નાડેલા

Leave a Reply

error: Content is protected !!