મેં તેનુ ફિર મિલાનગી… – એક અદ્ભુત પ્રેમની વિસ્તૃત વાત

મંદિરના ઘંટના નાદમાં વિચારો પણ જાણે મનના કોઈક ખૂણેથી અથડાઈને પાછા ફેંકાતા હતા. ‘હા, આ એ જ જગ્યા, આ એ જ શહેર અને આ એ જ…’ સ્વરિત મનમાં ને મનમાં વિચારતો રહ્યો. એક અજાણ્યા શહેર સાથે લાગણીના સેતુ ત્યારે જ મજબૂત બને છે જ્યારે એ શહેરમાં કોઈક ‘પોતાનું’ બની જાય છે અને તેથી જ વ્યક્તિ સાથેની આત્મીયતા શહેર સાથેની આત્મીયતામાં બદલાય જાય છે. આજે લગભગ ૩૦ વર્ષ પછી સ્વરિતે આ શહેરમાં ફરી પગ મૂક્યો હતો. શહેરના રસ્તાઓ જ નહીં, પણ શહેરની હવા પણ બદલાયેલી લાગી રહી હતી. સરખી હતી તો માત્ર પોતીકાપણાની એ તીવ્ર લાગણી. સ્વરિતે ફિલ્મોમાં જોયું હતું કે ‘કોઈક’ના આસપાસ હોવાનો અહેસાસ હૃદય અજાણતા જ પારખી લેતું હોય છે, પણ આજે એવી જ સંવેદના એ શા માટે અનુભવી રહ્યો છે? શું ખરેખર આર્યા અહીં છે? એણે આસપાસ એક નજર ફેંકી. મોટા વિસ્તારમાં પથરાયેલા શિવ મંદિરના ચોગાનમાં ક્યાંક બાળકોનો ખિલખિલાટ સંભળાતો હતો તો ક્યાંક વૃદ્ધ દંપતી ઈશ્વરનું સ્મરણ કરી રહ્યા હતા. સાંજના લગભગ ચારેક વાગ્યા હશે, ‘કદાચ આરતીને હજુ સમય હશે’ એણે મનમાં વિચાર્યું અને ફરી થોડે દૂર સુધી નજર નાખી, જાણે એના હૃદયના સ્પંદનોની કસોટી કરતો હોય!

મંદિરનું વાતાવરણ શાંત હતું, પણ સ્વરિતના મનમાં હજારો વિચારો ઉછાળા મારી રહ્યા હતા. એની નજર સતત કોઈકના આગમનને ઝંખી રહી હતી. એના ચહેરા પર એક હળવું સ્મિત રેલાય ગયું. ‘એ અહીં નહીં હોય.’ એનું મન એને કહી રહ્યું. પણ છતાં અમૃતા પ્રિતમની એ પંક્તિઓ રહી રહીને એના હૃદયના ધબકારાને વધારી રહી હતી, જે આર્યાએ છૂટાં પડતી વખતે એક નાના સરખાં કાગળ પર લખી આપી હતી…
સ્વરિત આજે તને માત્ર આ કેટલીક પંક્તિઓથી અલવિદા કહું છું, જેમાં કદાચ મારો સ્નેહ, મિત્રતા અને આખા જીવનની યાદગીરી સાંકળી લઉં છું,

મેં તેનુ ફિર મિલાનગી, કિત્થે? કિસ તરહ? પતા નહીં,
શાયદ તેરે તખાયુલ દી ચિનાગ બન કે,
તેરે કેનવાસ તે ઉતરાનગી, યા ખૌરે તેરે કેનવાસ દે ઉતે
ઈક રહસમયી લકીર બન કે, ખામોશ તેનુ તક દી રવાગી…
મેં તેનુ……….

આર્યાના આ પત્રના શબ્દોમાં લાગણીઓની એવી તે ભીનાશ હતી કે આજેય સ્વરિત બંધ આંખોએ એ પત્રને આખો ‘વાંચી’ ના શક્યો. પત્ર આપતી વેળાએ આર્યાની આંખોનો એ પ્રેમ અને સર્વસ્વ પામી ગયાની તૃપ્તિ જાણે ૩૦ વર્ષ બાદ પણ સ્વરિતને હચમચાવી ગઈ. બંધ આંખોએ એ પત્ર ફરી વાંચી રહ્યો! ‘મેં તેનુ ફિર મિલાનગી’ એના હોઠ પર અજાણતાં જ આ શબ્દો મમળાવા લાગ્યા. એની બંધ આંખોમાંથી પાણીનું એક ટીપું ગાલ થકી હોઠ પાસે આવી અટકી ગયું. પોતાના અશ્રુની એ ખારાશ હતી કે આર્યાના એ છેલ્લાં શબ્દોની મીઠાશ, સ્વરિતનું હૃદય ફરી જાણે આર્યાના અહીં જ હોવાના અણસાર આપી રહ્યું હતું.

એક મોટા તળાવની આસપાસ બાંધવામાં આવેલા શિવજીના આ મંદિરમાં સામાન્ય રીતે લોકોની મેદની ઓછી રહેતી, કારણ કે શહેરથી થોડે દૂર એક વિશાળ ખુલ્લાં મેદાનમાં આ મંદિર બાંધવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આરતીના સમયે આસપાસના વિસ્તારના લોકો અહીં પૂજા કરવા આવતા, નહીંતર મંદિરમાં માત્ર એક પૂજારી અને થોડાં ઘણાં વૃદ્ધો જ નજરે ચઢતાં. સ્વરિત પોતાની મિલિટરી કેપ સરખી કરી, એક ઊંડો શ્વાસ ભરી તળાવની ફરતે એક લટાર મારવા ઉપડી પડ્યો. સામાન્ય રીતે ઢળતી ઉંમરે લોકો ઈશ્વરની સ્તુતિ અને યોગ-પ્રાણાયામ પાછળ વધુ સમય આપતા હોય છે, પણ સ્વરિત એની જુવાનીથી જ પોતાના શરીર અને લુકને લઈને ખૂબ જ સજાગ રહેતો. આજે પણ ૬૫ વર્ષની ઉંમરે એનું શરીર કસાયેલું અને સ્વસ્થ લાગતું હતું. ચહેરા પર ઉંમરને કારણે પડતી કરચલીના બદલે ભરપૂર પૌરુષત્વ ઝળકતું હતું. આજેય એનો ચહેરો એટલો જ સોહામણો હતો અને ચાલમાં પણ એ જ ઉમંગ અને જોશ હતો.

હજુ માંડ બે પગલાં આગળ વધ્યો હશે ત્યાં જ એને એક નાની સરખી જુવાન છોકરી નજરે ચડી. એ એના લેપટોપમાં કશુંક સાંભળી રહી હતી અને એ સાથે જ એની આંખો આંસુથી છલકાઈ રહી હતી. સ્વરિત એની પાસે ગયો અને જોયું તો એ છોકરી ગુલઝારના અવાજમાં ગવાયેલા ‘મેં તેનુ ફિર મિલાનગી’ ગીતની પંક્તિઓ સાંભળી રહી હતી. પંજાબીમાં ગવાયેલા આ ગીતને સમજવા એ છોકરી સાથે અંગ્રેજી ભાષાંતર પણ વાંચી રહી હતી. છોકરી એ ગીતના શબ્દોમાં એવી ખોવાઈ ગઈ હતી કે સ્વરિત એની બાજુમાં આવી બેસી ગયો હતો એની એને જાણ સુદ્ધાં નહોતી થઈ. સ્વરિત પણ ગીતના આગળના શબ્દોમાં ક્યાંય ખોવાઈ ગયો, ‘મેં હોર કુછ નહીં જાણદી, પર ઐના જાણદી કે વક્ત જો વિ કરેગા, એ જનમ મેરે નાલ તુ રેગા…’ એ છોકરી ફરી ‘પઝ’નું બટન દબાવી આગળ એ ગીતના શબ્દો સમજવા લાગી, ત્યાં જ સ્વરિત જાણે અન્યમનસ્ક ચિત્તે બોલવા લાગ્યો, ‘હું બીજું તો કંઈ નથી જાણતી, પણ એટલું જાણું છું કે આ જીવનકાળમાં તું મારી સાથે રહેશે’ છોકરી સ્તબ્ધ થઈ સ્વરિતને નિહાળતી રહી. ૬૫ વર્ષના આ વૃદ્ધની આંખમાં એણે કંઈક ખાલીપો, લાગણીનો એક અખૂટ સમુદ્રને સળવળતો અનુભવ્યો.

હજુય પાણીના શાંત વમળોમાં કોઈક આકૃતિને કલ્પી રહ્યો હતો. એનું મન ૩૦ વર્ષ પહેલાની યાદોમાં વધુ ને વધુ ખેંચાઈ રહ્યું હતું. આ એ જ જગ્યા હતી, જેને આર્યા પોતાની ‘સિક્રેટ પ્લેસ’ કહેતી હતી. ‘કેટલી જીદ કર્યા પછી એણે કહ્યું હતું આ જગ્યા વિશે, પહેલેથી જ એ જિદ્દી હતી’ સ્વરિત જાણે પોતાની સાથે જ વાત કરી રહ્યો. સ્વરિતને આજે આર્યાની યાદો કરતાં એના અસ્તિત્વની, એના હોવાપણાની એક તીવ્ર સુવાસ આવી રહી હતી. આ મંદિરના વાતાવરણમાં એને આર્યાની મહેક અનુભવાતી હતી. આર્યા અને પોતાના સંબંધને શું નામ આપવું એ માટે તો એ ૩૦ વર્ષ પહેલા પણ અવઢવમાં હતો, પણ એમના સંબંધમાં પ્રેમ કરતાં વધુ સ્નેહ અને આત્મીયતા હતી. ‘સ્વરિત, આ તારા ફંડા મને કંઈ સમજાતા નથી. તું મને જ્યારે કહે કે હું તને ખૂ…………બ પ્રેમ કરું છું તો એમાં આ સ્નેહ અને આત્મીયતા આવી જ જાય ને?’ આર્યાના આવા જ નિર્દોષ સવાલો આજે ફરી સ્વરિતના કાને પડઘાઈ રહ્યા હતા. ‘બુદ્ધુ, પ્રેમ શબ્દમાં આજે લોકોએ જવાબદારી, માલિકીપણું અને આશાઓની એક મોટી ‘કંડિશન એપ્લાય’વાળી એસ્ટ્રીકની સાઈન મૂકી દીધી છે, પણ હું તારી પાસે આમાંનું કશું જ નથી ઈચ્છતો. હું માત્ર તારો સ્નેહ, તારો સાથ અને તારા જીવનની કેટલીક પળો માગું છું. મને તારી પાસે કોઈ આશા નથી. હું બસ તને ચાહું છું અને ભરપૂર સ્નેહ આપવા માગું છું’
આર્યાનો એ ચહેરો, મંદિરના શાંત વાતાવરણમાં એના ખિલખિલાટ હાસ્યનો એ મધુર અવાજ અને ધીમા લહેરાતા શીત પવનમાં ઊડતી એની લટો આજેય સ્વરિત અનુભવી રહ્યો. બાજુમાં બેઠેલી છોકરી હવે થોડી બેચેન બની ગઈ. સ્વરિતને જોઈને એના મનમાં હજારો પ્રશ્નોએ જન્મ લીધો હતો. એના ધીરજનો અંત આવ્યો એટલે તેણે સ્વરિતને પૂછ્યું, ‘અંકલ એ ખૂબ સુંદર હતા?’ સ્વરિત ચોંકી ઊઠ્યો, “હં… શું? કોની વાત કરે બેટા?” “અંકલ જેના વિશે વિચારીને તમારી આંખો પ્રેમથી છલકાઈ રહી છે, તમારું મન જેના વિચારોમાં ઊંડે ને ઊંડે જઈ રહ્યું છે એમની વાત કરું.” છોકરીએ કહ્યું.

“સ્વરિત, તને ખબર છે આજે રસ્તામાં જ્યારે હું તારો મેસેજ વાંચીને મનમાં ને મનમાં હસી રહી હતી ત્યારે મારી બાજુમાં બેઠેલી એક ટીનએજ ગર્લ મને કહે, “યોર હસબન્ડ મસ્ટ બી લકી ગાય. યુ આર સો બ્યુટીફુલ. જો એમના મેસેજથી જ તમારા ચહેરા પર આટલું મોટું સ્મિત આવી જતું હોય તો…” અને પછી એણે મસ્તીથી એક આંખ મારી અને ખડખડાટ હસવા લાગી. બોલ, એટલા સ્માર્ટ છે આજકાલના છોકરા! પણ છતાં એને નહોતો ખ્યાલ કે તું મારો હસબન્ડ કદીય ન બની શકે, કારણ કે તું તો…….” આર્યા સાથે થયેલા સંવાદો, એની અનુભૂતિને કારણે આજે સ્વરિતના વર્તમાનની સાંકળ વારંવાર તેના ભૂતકાળ સાથે જોડાઈ રહી હતી અને તેથી જ આજે પણ આર્યાના અવાજમાં રહેલો ઉન્માદ, ખુશી અને વિરહની એ પીડા સ્વરિતને બેચેન કરી રહી હતી. સ્વરિત આર્યાના વિચારોમાં ખોવાયેલો હતો. આ જુવાન છોકરી આર્યાએ કહેલું એમ કઈ રીતે જાણી ગઈ હશે એની સ્વરિતને પણ નવાઈ લાગી હતી. આ બાજુ પેલી છોકરીની ધીરજ ફરી ખૂટી, એણે ફરી પૂછ્યું, “બોલો ને કોણ છે એ?” સ્વરિત જાણે કોઈ ટાઈમ મશીનમાં હિલોળા ખાતો હોય એમ ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ઝૂલતો રહ્યો.

સ્વરિતે પ્રેમથી એ છોકરીના માથે હાથ ફેરવ્યો અને કહ્યું, “બેટા, ઘણાં વર્ષો પહેલાં મારી એક મિત્ર આ શહેરમાં મારાથી છૂટી ગયેલી. અમારી વચ્ચે ભરપૂર સ્નેહ હતો. એ એક એવો સંબંધ હતો, જેને અમે બંને કોઈ નામ નહોતું આપવા ઈચ્છતા, પણ જીવનમાં બંને આગળ વધે એ માટે અમે પોતપોતાની જિંદગી જીવવાનો નિર્ણય કરી બેઠાં હતા. અમારો સ્નેહ, નામ વગરનો એ સંબંધ એકબીજાના જીવનમાં ક્યાંય પણ નડે નહીં એ માટે અમે એકબીજાથી દૂર જતાં રહ્યા હતા. આજે લગભગ ૩૦ વર્ષે ફરી આ શહેરમાં મને કોઈ બોલાવી રહ્યું છે. આ મારી અને એની પ્રિય જગ્યા હતી. અમે કલાકો અહીં સાથે વિતાવતા. લડતાં, ઝઘડતાં, એકબીજાને મનાવતાં અને સ્નેહ પણ એટલો જ કરતાં. અમારા બંનેની જવાબદારી, જિંદગીના મુકામ અલગ હતા, પણ ઈશ્વરે અમારો ભેટો કંઈક એ રીતે કરાવ્યો હતો કે અમે વહેતી નદીના બે કાંઠા બની ગયા હતા, જે સમાંતર વહેતા હોવા છતાં ક્યારેય મળી શકે એમ નહોતા…” સ્વરિતે એક નજર છોકરી તરફ કરી અને ફરી આગળ કહેવા લાગ્યો, “એની સાથેના મારા સંબંધનો અંત પહેલેથી દુઃખદ હતો અને એ અમે બંને જાણતા જ હતા, પણ એ સમયે એકમેકના સંગાથથી જીવન વધુ મધુર બની રહ્યું હતું. ઈશ્વરની આ કરામતનો અમે બંને અર્થ શોધી રહ્યા હતા અને એવામાં જ મારે આ શહેર અને એને છોડીને જવાનું ફરમાન આવ્યું અને…..” હજી સ્વરિત આખું વાક્ય બોલે એ પહેલા તો એ છોકરી સ્વરિતને કસૂરવાર ગણી થોડાં ગુસ્સાથી બોલી ઊઠી, “અને તમે એમને બસ એમ જ છોડીને જતાં રહ્યાં!” સ્વરિતે હળવા સ્મિત સાથે એ છોકરીના ગાલ પર એક ટપલી મારી અને કહ્યું, “કાશ, આટલા જ મીઠાં ગુસ્સાથી એણે મને કહ્યું હોત તો કદાચ ના જાત. પણ એણે તો એક કાગળ પર તારી આ જ કવિતાના કેટલાક શબ્દો લખીને મને અલવિદા કહી દીધું હતું અને મારા હાથને હળવેથી એના ગાલ પર મૂકી મારી આંખોમાં આંખ નાંખીને બોલી….” આગળનું વાક્ય સ્વરિત બોલે એ પહેલા જ એ છોકરી બોલી ઊઠી, “ઈશ્ક દી મેરી મિત્રા પેહચાન કી, મિટ જાયે યે જાદૂ ઝિદ અપનાન દી- સાચા પ્રેમનો મતલબ માત્ર એકબીજાને પામવાનો નથી હોતો. એ જ કહ્યું હતું ને એમણે?”

સ્વરિત હૃદયના બે ધબકારા ચૂકી ગયો. વીજઝડપે શરીરમાંથી કંઈક પસાર થઈ ગયું. ‘આ છોકરી કઈ રીતે જાણી ગઈ તેની અને આર્યાની વાત?’ એ છોકરી એના સવાલને પામી ગઈ હોય એમ સ્મિત સાથે બોલી, “હમણાં જ આ પગદંડીના છેડા પર હું એક વૃદ્ધાને મળી હતી. એમને હું રોજ અહીં જોતી, પરંતુ આજે મારાથી રહેવાયું નહીં એટલે મેં એમને અહીં રોજ આવવાનું કારણ પૂછ્યું. તો હસીને મને કહેવા લાગ્યા કે ૩૦ વર્ષ પહેલાં અહીં કશુંક બાકી રહી ગયું હતું. બસ, જીવનના એ ખૂટતાં ભાગને ફરી જોડવા અહીં આવું છું. મને વિશ્વાસ છે એ ક્યારેક તો અહીં આવશે જ. જ્યારે મેં એમને વધુ ભારપૂર્વક પૂછ્યું ત્યારે તેમણે આખી કથા માંડીને કરી અને અંતમાં આ પત્ર અને તમારા છેલ્લાં સંવાદ વિશે કહ્યું. એ માત્ર તમને જોવા છેલ્લાં ૩૦ વર્ષથી અહીં રોજ આવે છે અને…”

હવે આગળ વધુ સાંભળવાની સ્વરિતમાં ધીરજ નહોતી. તે બેબાકળો બની ગયો હતો. આર્યાનો એના પ્રતિનો સ્નેહ અને તેમના મિલનની આ અણધારી વેળા એના માટે લાગણીઓની એક અજીબ કશ્મકશ લઈને આવી હતી. એ છોકરીના કપાળ પર અત્યંત સ્નેહથી એક હળવું ચુંબન કરી તળાવના કિનારે ઝડપથી ચાલવા લાગ્યો. ‘શું આ મારી આર્યા જ હશે?, જો આ આર્યા જ હોય તો શું કહીશ હું એને?, શું એ મને ઓળખશે?, શું હજી પણ એની આંખોમાં એ જ શરારત, એ જ બાલીશતા હશે?, ક્યાં હતી એ આટલા વર્ષો સુધી?, જો એ સતત ૩૦ વર્ષ મારી રાહ જોતી રહી તો એણે એકવાર પણ મારો સંપર્ક એમ ન કર્યો?’ જેટલા ઝડપથી સ્વરિતના પગ ઉપડી રહ્યા હતા એટલા જ ઝડપથી એના મનમાં પ્રશ્નોનો સમુદ્ર રેલાઈ રહ્યો હતો.

ત્યાં જ અચાનક એના પગ થંભી ગયા. બસ થોડાં પગલા દૂર એને બાકડાં પર બેઠેલી એક સ્ત્રી નજરે ચઢી. એના વાળ ધોળા થઈ ગયા હતા અને એણે ઊંચો સરસ અંબોળો વાળ્યો હતો. એની નજર તળાવના પાણીમાં ક્યાંક રોકાયેલી હતી. સ્વરિત ધીમા પગલે એની તરફ ધસી ગયો. હળવે હળવે એણે એના ચહેરાને નિહાળવા પોતાની ડોક આગળ કરી અને બે ઘડી માટે એ ઊંડા સમુદ્રના તળિયે અનુભવાય એવી શાંતિ અનુભવી રહ્યો. “આર્યાઆ….” બસ, આટલું જ બોલી શક્યો એ. બંનેએ એકબીજાને નજરોથી જાણે ભરી લેવા હોય એમ કેટલીય મિનિટો સુધી એકબીજાની આંખોમાં કશુંક શોધતા રહ્યા. સ્વરિત લાગણીથી સંપૂર્ણપણે તરબતર થઈ ચૂક્યો હતો. તે ઘૂંટણિયે બેસી આર્યાના ખોળામાં માથું નાખી ક્યાંય સુધી રડતો રહ્યો. આર્યા પણ એના માથામાં હળવેથી હાથ ફેરવતી રહી. કેટલીય ક્ષણો મૌનમાં પસાર થઈ. બંને જાણે સ્નેહની કોઈ નવી જ ભાષા બોલી રહ્યા હતા. સ્વરિતના બધા જ પ્રશ્નો હવે જાણે ભૂલાઈ ગયા હતા. એ માત્ર આર્યાના ખોળામાં દુનિયાભરનું સુખ પામવા અધીરો થયો હતો. આર્યાની આંખો ૩૦ વર્ષથી જે ચહેરાને શોધી રહી હતી એ આજે તેની સામે હતી. એ સ્પર્શ કરી શકતી હતી, અનુભવી શકતી હતી સ્વરિતને… અચાનક એ બોલી ઊઠી, “ઈશ્ક દી મેરી મિત્રા પેહચાન કી, મિટ જાયે યે જાદુ ઝિદ અપનાન દી”

અને એ સાથે જ વાતાવરણમાં એક અજબ શાંતિ પથરાઈ ગઈ. આર્યાના અપાર સ્નેહમાં સંપૂર્ણ મગ્ન થઈ ગયેલા સ્વરિતને થોડાં સમય બાદ પોતાના માથા પર ફરી રહેલા આર્યાના હાથનો સ્પર્શ થંભી ગયેલો જણાયો. એણે માથું ઊંચે કરીને જોયું તો આર્યાની આંખો બંધ હતી અને ચહેરા પર સ્મિત સાથે એક અજબનો સંતોષ હતો. એણે આર્યાને સહેજ હલાવી, પણ એનું શરીર સ્વરિત પર ઝૂકી ગયું. સ્વરિતે ઝડપથી એના ધબકારા જોયા, નાડી તપાસી, પણ આર્યાની દુનિયા સ્વરિતના એ અંતિમ સ્પર્શ સાથે જ થંભી ગઈ હતી. આર્યાને પોતાની બાહુપાશમાં શક્ય એટલી મજબૂતાઈથી જકડી સ્વરિત કેટલાય સમય સુધી તેને પંપાળતો રહ્યો, એની સાથે વાતો કરતો રહ્યો, એને ફરી જગાડવાના પ્રયાસ કરતો રહ્યો, પણ જ્યારે તેને વાસ્તવિકતાનો અહેસાસ થયો ત્યારે એના આક્રંદની કોઈ સીમા ના રહી અને એ સાથે જ મંદિરમાં આરતીનો મોટો ઘંટરાવ શરૂ થયો.

લેખિકા: અમી ઢબુવાલા
Email Me: [email protected]

Leave a Reply

error: Content is protected !!