યે માનકડીંગ માનકડીંગ ક્યા હૈ?

ગયાં અઠવાડીએ એક સ્પોર્ટ્સ વેબસાઈટ પરથી ક્રિકેટની ‘માનકડીંગ’ ટર્મિનોલોજી પર લખેલો એક લેખ ફેસબુક પર શેર કર્યો હતો. ઘણાં મિત્રોએ ઇનબોક્સમાં એને ગુજરાતીમાં સમજાવવાની વિનંતી કરી હતી પણ સમયનાં અભાવે એ કરી ન શક્યો. પછી વિચાર્યું કે ‘ભેલપૂરી’ નાં વાચકોને જ કેમ આનો પહેલો લાભ ન આપીએ? અને એ બહાને ભેલપૂરી દ્વારાજ અન્ય મિત્રોને પણ જે જાણવું છે એની પણ જાણ કરી દઈએ?

તો મૂળ વાત એ છે કે હમણાં ગયાં અઠવાડીએ ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેની છેલ્લી અને સીરીઝનું પરિણામ નિશ્ચિત કરનારી મેચમાં શ્રીલંકાના સચિત્ર સેનાનાયકે એ ઈંગ્લેન્ડના જોસ બટલરને આવીરીતે ‘માનકડેડ’ કર્યો અને એક કન્ટ્રોવર્સી ઉભી કરી. હવે ઈંગ્લીશ મીડિયા અને પ્લેયરો તો પોતાને ક્રિકેટના પહેલાં ખોળાના સંતાનો માને છે એટલે એલોકો એ આ ઘટનાને એથીકલી રોંગ જાહેર કરીને સચિત્ર સેનાનાયકે ની ખુબ ટીકા કરી. આ મેચ જ્યાં રમાતી હતી એ એજબેસ્ટનનાં પ્રેક્ષકોએ પણ આ ઘટના દરમ્યાન અને એ બાદ જ્યાંસુધી સેનાનાયકે બોલિંગ કરી ત્યાં સુધી સતત એને ‘Boo’ કરે રાખ્યો. તો એવું તો શું છે આ ‘માનકડીંગ’ કે જેણે આવી મોટી કોનટ્રોવર્સી ઉભી કરી? ચાલો જાણીએ.

વાત છે ૧૩મી ડીસેમ્બર ૧૯૪૭ની જયારે ભારત ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં સીરીઝની બીજી ટેસ્ટ રમી રહ્યું હતું ત્યારે ભારતનાં બોલર વિનુ માંકડે ઓસ્ટ્રેલીયાનાં ઓપનર બીલ બ્રાઉનને ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર જુદીજ રીતે રન આઉટ કર્યા હતાં. થયું એવું કે વિનુ માંકડ બોલિંગ નાખતા નાખતા હજી ક્રીઝ પર પહોંચે ત્યાંજ નોન-સ્ટ્રાઈકિંગ એન્ડ પર બીલ બ્રાઉન ક્રીઝ છોડીને બે-ત્રણ ડગલાં આગળ વધી ગયાં અને વિનુ માંકડે નોન-સ્ટ્રાઈકર એન્ડની ગીલ્લી ઉડાડી દીધી અને અમ્પાયરને અપીલ કરી. અમ્પાયરે નિયમ પ્રમાણે બીલ બ્રાઉનને રન આઉટ જાહેર કર્યા. બસ ઓસ્ટ્રેલીયન મીડિયા તૂટી પડ્યું વિનુ માંકડ પર. પણ એવું નહોતું કે વિનુ માંકડે બીલ બ્રાઉનને કોઈ વોર્નિંગ નહોતી આપી. આ જ ટુર દરમ્યાન એક ફર્સ્ટ ક્લાસ મેચ દરમ્યાન બીલ બ્રાઉને આ જ પ્રમાણે કર્યું હતું અને એ વખતે વિનુ માંકડે બેઇલ ઉડાડી ન હતી પણ બ્રાઉનને ફરીવાર આવું ન કરવા માટે વોર્નિંગ જરૂર આપી હતી.

Vinoo Mankad

ઘણાં લોકો ખાસકરીને જેમનાં વિરુદ્ધ આ ‘માનકડીંગ’ થયું હોય એલોકો આને ક્રિકેટની ‘ભાવના’ વિરુદ્ધનું કૃત્ય ગણાવતાં હોય છે. પણ ક્રિકેટનો રન આઉટ બાબતે નિયમ ચોખ્ખો છે કે બેટ્સમેને રમત દરમ્યાન કાયમ ક્રીઝની અંદર રહેવાનું હોય છે જયારે બોલ રમતમાં હોય અને રન લેવાનો ન હોય ત્યારે. એ વાત અલગ છે કે વિનુ માંકડનાં આ કૃત્યનો વિરોધ ભલે તે સમયે ઓસ્ટ્રેલીયાના મીડીયાએ કર્યો હતો પણ વિનુ માંકડના સપોર્ટમાં ‘ખુદ ગબ્બર’ એટલે કે સર ડોન બ્રેડમેન આવ્યાં હતાં અને વિનુભાઈનું આ કૃત્ય જરાય ખોટું નહી તેમજ નિયમ અનુસારનું જ ગણાવ્યું હતું. ક્રિકેટની રમત ખાસકરીને જ્યારથી વન-ડે અને ટી૨૦નું ચલણ વધ્યા પછી સંપૂર્ણપણે બેટ્સમેન તરફી થઇ ગઈ છે. વન-ડે ક્રિકેટ અમલી બન્યું પછી લગભગ પંદર-સત્તર વર્ષે ‘રીવર્સ સ્વીપ’ નો ઈજાદ અને ટી૨૦ ક્રિકેટનાં આવ્યાંનાં અમુક વર્ષો પછી ‘સ્વીચ હીટ’ નો ઈજાદ, આજે સચિત્ર સેનાનાયકેનું લોહી માંગતા આ જ ઇંગ્લેન્ડનાં બેટ્સમેનો, અનુક્રમે માઈક ગેટીંગ અને કેવિન પીટરસને કર્યો છે એ ભૂલાય નહી. ક્રિકેટમાં બોલર માટે નિયમ છે કે એ ફક્ત એક જ રીતે કે એક જ હાથે બોલિંગ કરી શકે અને જો જમણાની બદલે ડાબા હાથે બોલિંગ કરવી હોય તો અમ્પાયરને પહેલાં કહેવું પડે આથી એ બેટ્સમેનને આ બાબતની એડવાન્સમાં જાણ કરી દે. પણ, કિન્તુ, પરંતુ બેટ્સમેન તો ઉંધો, આડો, અવળો થઈને કે ઇવન સુઈ જઈને પણ વગર અમ્પાયરને કહે શોટ મારી શકે છે. એમાં આ રીતે હજી જયારે બોલર પોતાની બોલિંગ એકશનમાં પણ ન આવ્યો હોય ત્યારે જ તમે એક રન વધુ દોડી શકો એની તૈયારી રૂપે ક્રીઝ છોડીને ચાલવા માંડો તો એ ક્રિકેટની કઈ ‘ભાવના’ નું નિરૂપણ કરે છે એ કોઈ સમજાવશે?

હવે આ જ શ્રીલંકનો ની કલાઈ ખોલીએ તો અત્યારે એલોકો ભલે સેનાનાયકે ની તરફેણ કરતાં હોય પણ ૨૦૧૨માં જયારે રવિચન્દ્રન અશ્વિને શ્રીલંકાનાં જ લહીરુ થીરીમાનેને ‘માનકડ’ કર્યો હતો ત્યારે તે વખતનાં ફિલ્ડ અમ્પાયરો પોલ રાઈફલ અને બીલી બાઉડેને રીતસર કામચલાઉ કપ્તાન વીરેન્દ્ર સેહવાગ પર પ્રેશર લાવીને અપીલ પાછી ખેંચાડાવી હતી અને જયારે મેચ જીત્યા પછી શ્રીલંકાના કપ્તાન મહેલા જયવર્દનેને આ બાબતે પૂછવામાં આવ્યું તો એણે કીધું કે “અશ્વિને થીરીમાનેને કોઈ વોર્નિંગ આપી હોય એવું મારાં ધ્યાનમાં નથી આવ્યું” .. લો કલ્લો બાત! ટૂંકમાં જબ અપુન પે આતી હૈ તભીચ તકલીફ હોતી હૈ, માલુમ?

આ જ સ્પોર્ટ્સમેન સ્પીરીટની લ્હાયમાં માનકડીંગ ન કરતાં ઘણી ટીમોએ મેચ ગુમાવી પણ છે. એક ઉદાહરણ તો આપણે ભારતનું જ જોયું. અન્ય ઉદાહરણોમાં ૧૯૮૭ની વર્લ્ડકપ સેમી-ફાઈનલમાં પહોંચવા માટેની એક મહત્વની લીગ મેચમાં કોર્ટની વોલ્શે પાકિસ્તાનનાં સલીમ જાફરને આ રીતે રન આઉટ ન કર્યો જયારે પાકિસ્તાનની લગભગ ૯ વિકેટો પડી ગઈ હતી અને અબ્દુલ કાદિર અને આ સલીમ જાફરે પાકિસ્તાનને આ મેચ જીતાડી દીધી હતી અને વેસ્ટ ઇન્ડીઝ ઘરભેગું થઇ ગયું હતું. બીજીવાર પણ પાકિસ્તાનને જ આ લાભ ત્યારે મળ્યો જયારે એમનાં એ વખતનાં કપ્તાન ઈન્ઝમામ – ઉલ – હક નાં હોમ ગ્રાઉન્ડ મુલતાનમાં પાકિસ્તાન બાંગ્લાદેશ સામે શરમજનક હારની કગાર પર હતું. એકલો ઇન્ઝી જ ફાઈટ આપી રહ્યો હતો અને પાકિસ્તાનની બાકીની બેટિંગ લાઈનઅપ પત્તાનાં મહેલની જેમ તૂટી પડી હતી અને પૂંછડીયા બેટ્સમેનો ની સહાયથી ઇન્ઝી સ્કોર ધીરેધીરે આગળ લઇ જઈ રહ્યો હતો ત્યારેજ બાંગ્લાદેશના મોહમ્મદ રફીકે ઉમર ગુલને ‘માનકડ’ ન કર્યો અને પાકિસ્તાન ફક્ત એક વિકેટે મેચ જીતી ગયું!

ટૂંકમાં ‘માનકડીંગ’ ક્રિકેટના નિયમો ની જરાય વિરુદ્ધ નથી અને આમ કરતાં પહેલાં બેટ્સમેનને વોર્નિંગ આપવી પણ જરૂરી નથી પણ અત્યારનું ક્રિકેટ જે હદે બેટ્સમેન ફ્રેન્ડલી થઇ ચુક્યું છે એમાં બેલેન્સ લાવવા માટે બોલરો આવાં નિયમોનો ભરપુર ઉપયોગ કરે એ જો પ્રોત્સાહિત ન કરાય તો એટલીસ્ટ ઇચ્છનીય તો હોવું જ જોઈએ.

Leave a Reply

error: Content is protected !!