અલ્યા આ સચિન કોણ છે? – સચિન તેંદુલકર ના જીવન પરની રસપ્રદ પોસ્ટ

ભારતમાં રહેનાર કોઈ વ્યક્તિ જો આવો સવાલ કરે તો એને કદાચ એનાં ગાલ પર ‘એકાદ બે પડી જાય’ એવું બને કારણકે ભારતમાં અત્યારસુધીમાં બે જ સચિનો પ્રખ્યાત થયાં છે, એકતો સચિનદેવ બર્મન અને બીજાં સચિન તેંદુલકર, પણ આ સવાલ એક રશિયામાં જન્મેલ અને અત્યારે અમેરિકા રહેતી ટેનીસ સુંદરી મારિયા શારાપોવાએ કર્યો છે. હવે આવી સુંદર છોકરીને તો એમ કેમ લાફા મરાય? એટલે આપણા ઘણાં સચિન ભક્તો અને કહેવાતાં દેશપ્રેમીઓ કાં તો મારિયા શારાપોવાની ફેસબુકની વોલ ઉપર ચડી બેઠાં અને કાં તો ટ્વીટર પર કબ્જો જમાવીને એને મણમણની દેવા લાગ્યાં.

મૂળ વાત શું બની એનાં પર પહેલાં તો આપણે નજર નાખીએ. બન્યું એવું કે આ વખતે વિમ્બલડનમાં શારાપોવાની મેચ વખતે ત્યાંના રોયલ બોક્સમાં ઇંગ્લેન્ડના જ સ્પોર્ટ્સમેન જેવાકે ફૂટબોલર ડેવિડ બેકહમ, ક્રિકેટર એન્ડ્ર્યુ સ્ટ્રાઉસ અને ગોલ્ફર ઇયાન પોલ્ટર ની સાથે સાથે આપણા ભારત રત્ન ક્રિકેટર શ્રી. સચિન તેંદુલકર પણ બેઠાં હતાં અને મેચ પહેલાં રીવાજ મુજબ દરેકે એમનાં નામ અનાઉન્સ થયાં ત્યારે ઉભાં થઈને ત્યાં ઉપસ્થિત રહેલાં દર્શકો સામે હાથ પણ હલાવ્યાં હતાં. મેચ જીતી ગયાં બાદ જે પ્રેસ કોન્ફરન્સ થઇ એમાં શારાપોવાને આટલાં બધાં જાણીતાં ખેલાડીઓ એની મેચ જોવાં આવ્યા હતાં તો “આપકો કૈસા લગા?” એવું ત્યાંના પત્રકારોએ પણ આપણા પત્રકારોની જેમજ પૂછ્યું ત્યારે શારાપોવા એનાં જવાબમાં ફક્ત “બેકહમ, બેકહમ” કરવા લાગી. ત્યાંજ વળી કોઈક અંગ્રેજ પત્રકારે સળી કરી કે “બેકહમની બાજુમાં જ સચિન તેંદુલકર પણ ઉપસ્થિત હતાં, અમમ…તમે ઓળખો છો ને સચિન ને?” તો શારાપોવાએ તરતજ કીધું કે, “ના હું નથી જાણતી સચિન કોણ છે!”

બસ પત્યું! દુનિયાભરના સચિન ભક્તોએ ટ્વીટર અને ફેસબુકમાં બન્ને જગ્યાએ જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં ત્યાં શારાપોવાને રીતસરની ધીબેડી જ નાખી! “અલી તું ભગવાન-બગવાન માં માને છે કે નય?” “તું તો સ્પોર્ટ્સ ની આલિયા ભટ્ટ જ છો!” અહિયાં સુધીતો ઠીક છે, પણ અમુક લોકોએ તો હદ વટાવીને અભદ્ર ટ્વીટ કે કમેન્ટ્સ પણ કરી નાખી. કેટલાંક અતિ ઉત્સાહી ભક્તોએ તો શારાપોવાનાં ફેસબુક પેજ ને રીપોર્ટ કરવાની હાકલ પણ કરી દીધી! આટલું ઓછું હોય એમ શારાપોવા એની આગલી મેચ હારી ગઈ અને વિમ્બલ્ડનની બહાર ફેંકાઈ ગઈ, એટલે તરત જ ભક્તો બોલી ઉઠ્યા.. “જોયુંઉઉઉઉ? આ તો આપણા ભગવાન નો કોપ ઉતર્યો છે શારાપોવા પર!” આ બધા લપોડશંખોને એટલીય ખબર નહોતી કે શારાપોવા આપણે ઉપર વાત કરી એમ રશિયામાં જન્મી છે અને અમેરિકામાં રહે છે. અમેરિકામાં તો હજીયે કદાચ લોકો ક્રિકેટને ઓળખતાં હોય એવું બને પણ રશિયામાં તો ક્રિકેટ શું? કે એ પણ એક રમત છે એનીય ખબર ત્યાંના લોકોને કદાચ આજની તારીખ સુધી નહી હોય. સચિન ભલે એક મહાનતમ ક્રિકેટર હશે કે ભારત રત્ન પણ હશે પણ એનો મતલબ એવો નથી કે જ્યાં ક્રિકેટ લોકપ્રિય તો છોડો રમાતું પણ ન હોય ત્યાં સુધી એની ખ્યાતી ગમેતેરીતે પહોંચી જાય! તમે લોકો અમદાવાદની ભાષામાં કહીએ તો ‘સફ્ફાઈ ઠોકો છો’ તો તમને હું અમુક ખેલાડીઓનાં નામો આપું શું તમે આ બધાં વિષે ગુગલ કર્યા વીના બે શબ્દો લખી શકશો?

શું તમને બુબ્બા વોટ્સન શું રમે છે એ ખબર છે? રિચી મકાઉ કઈ રમતમાં ટોચનો ખેલાડી છે એની તમને જાણ છે? શું તમને બેઝબોલનાં ટોપ થ્રી ખેલાડીઓની જાણ છે? નથીને? તો શારાપોવા પાસેથી તમે કઈ રીતે આશા રાખી શકો કે એને સચિન તેંદુલકર વિષે અથ: થી ઇતિ દરેક માહિતી હોય અથવાતો એનું એ નામ પણ જાણતી હોય? જે રમત જે દેશમાં એ જન્મી કે અત્યારે જ્યાં રહે છે ત્યાં મોટેપાયે રમાતી જ ન હોય એનાં વિષે કે એનાં ખેલાડી વિષે એને શું માહિતી હોય?

અને આપણે તો વળી ક્રિકેટ સીવાય બીજી કોઈ રમતમાં ધ્યાન પણ ક્યાં આપીએ છીએ? વધુમાં વધુ આપણને ટેનીસ વિષે ખબર પડે અને દર ચાર વર્ષે ફૂટબોલમાં ખબર પડે, બાકી દુનિયામાં ગોલ્ફ, રગ્બી, એફ વન ગ્રાં-પ્રી અને અન્ય રમતો એટલીજ લોકપ્રિય છે જેટલું ફૂટબોલ અને ટેનીસ. અને ફૂટબોલ પણ આપણે પાંચમાં પુછાઈ શકીએ એટલેજ જોઈએ છીએ એવું હું ઘણાલોકો માટે છાતી ઠોકીને કહી શકું છું. બાકી શારાપોવા વિષે સચિન ફેન્સની આટલી હદે નિમ્ન કક્ષાની વર્તણુકે માત્ર સચિનનું જ નહી પણ આપણા દેશનું નામ પણ ખરાબ કર્યું છે. અમસ્તીય એ.ટી.પી અને ડબલ્યુ. ટી.એ (એટલે શું? એવું પૂછનાર સચિન ભક્તો હોઈ શકે!) ની ઉચ્ચ કક્ષાની ટુર્નામેન્ટ ભારતમાં તો થતી જ નથી જે છે એ ગણીને એક જ થાય છે, ‘ઇન્ડીયન ઓપન’ અને એમાંય બહુ ઓછાં જાણીતાં અને જે ખેલાડીઓને ફક્ત પોઈન્ટ્સ કમાઈને પોતાનું રેન્કિંગ સુધારવું છે એવાં ખેલાડીઓજ શામેલ થાય છે અને એમાં આવું થાય પછી આપણે કેવીરીતે એવી આશા રાખી શકીએ કે ભારતની ધરતી ઉપર આપણને નાદાલ, જોકોવિચ, ફેડરર, શારાપોવા, લી ના કે સેરેના વિલિયમ્સ ટેનીસ રમતા જોવાં મળે?

બાય ધ વે, બુબ્બા વોટ્સન ગોલ્ફ રમે છે અને રિચી મકાઉ રગ્બી નો ટોચ નો ખેલાડી છે! અસ્તુ!

Leave a Reply

error: Content is protected !!