દોણીયો

દોણીયો

શનિવાર હતો, એટલે ટ્રાફિક રોજ કરતાં દોઢો. ઓફિસેથી કામ પતાવીને બર દુબઈ જવું અને આજની ખરીદી કરીને પાછા શારજાહ પહોચવું એક અઘરી યાત્રા હતી.

“સાંજે આવતાં પુજાનાં ફૂલ, તુલસી પત્ર, નાગરવેલનાં પાન, કાચી સોપારી અને હાર-તોરણો લાવવાનું ભૂલતા નહિ” , સવારે જ શ્રીમતીજી એ વારંવાર યાદ કરાવેલું, “અને હા, ‘પૂરનમલ’માંથી તાજો પ્રસાદ પણ લાવવાનો છે, યાદ રાખજો.!”

“ભલે,” રાબેતા મુજ્બ મેં જવાબ આપેલો. અને મનમાં ને મનમાં જ મારા સાંજનાં પ્રવાસનો નકશો ઘડવા લાગ્યો હતો.

“ફ્રુટ્સ તો હું, અહીં થી, ‘લુ-લુ’ માંથી લઇ આવીશ.,” શ્રીમતી જી એ રસોડા માંથી જ જણાવ્યું.

“અને  હા, જોજે ભાઈ, આજે અપવાસ છે, કાંઈ ભલતું સલતું મોઢામાં ઓરતો નહિ !” અધૂરા માં પૂરું મારાં ‘માજી’ [ બા ] એ પણ માળા ફેરવતાં ટકોર કરી. મારી જ્યાં-ત્યાં ખાવાની અને હરતાં ફરતાં કાંઈ ને કાંઈ ચરવાની આદત એમનાથી ક્યાં અજાણી હોય ?

“ભલે,..ઓ, કે, ..સમજ્યો..જાઉં હવે ?” કહેતોક હું ઘરમાંથી બહાર પડ્યો. લીફ્ટમાં પર્સ, મોબાઈલ, બેગ અને પાણીની બોટલ નું ‘ચેક લીસ્ટ’ તપાસતાં, સાંજે  શું શું લાવવાનું છે તેની યાદી ફરી તાજા કરી.

શારજાહથી દુબઈ વચ્ચેનું ૧૪ કી.મી. નું અંતર રાબેતા મુજબ મ્યુસિક સીસ્ટમ પર ગણેશ વન્દના અને આરતી સાંભળતા લગભગ ૪૦ મીનીટે સર કર્યું અને નસીબે સમયસર ઓફિસે પહોંચ્યો. અને પછી કહેવું જ શું? એજ રૂટિન, મીટીંગ, વિઝીટર્સ, ફાઈલો, હોસ્પિટલનો રાઉન્ડ, સ્ટાફની સમસ્યાઓ, આવનાર ઈદની રજાઓ માટે ડ્યુટી રોસ્ટર ઉપર ચર્ચા, સમય ક્યાં પસાર થઇ ગયો, ખબર જ ન પડી. બપોરે માંડ સમય મળતાં કેન્ટીન માંથી મસ્ત લસ્સી મંગાવી સાથે લઇ ગયો હતો એ સાબુદાણાની ખીચડી આરોગી, અને સુસ્તી ભાંગવા ફેસબુક અને વોટ્સેપની સફર કરીને સામાજિક દુનિયાદારીની ખબર પણ લઇ નાંખી. કહેવાની જરૂર નથી, મારી પ્રકૃતિથી વાકેફ શ્રીમતીજીએ લગભગ બે વાગે મને ફરી ઉપરોક્ત વસ્તુઓ ભૂલ્યા વગર લઇ આવવાનું અચૂક યાદ કરાવ્યું. જે મેં મારી સામે જ રાખેલા મેમો પેડ પર પણ લાલ અક્ષરે લખી રાખ્યું જેથી એ બાબત મારી ધ્યાન બહાર જાય જ નહી.

અને એ લાલ નોંધને કારણે જ, રોજિંદુ કામ પતાવી, સામાન્ય કરતાં લગભગ પંદરેક મિનીટ વહેલો નીકળ્યો. એ સમયનાં ટ્રાફિકમાં બર-દુબઈ પહોચવું, મંદિર પાસે પાર્કિંગ મળવું અને પછી આજની ભીડમાં જરૂરી વસ્તુઓની ખરીદી કરવી; એક જંગ જીતવાથી જરાય ઓછું નહોતું. યાદ કરી કરીને બધ્ધું હસ્તગત કરીને નીરાંતતો સ્વાસ લઇને ‘વૈભવ’માં થી એક મસ્ત ચા ગટગટાવી ને શારજાહ તરફ પ્રયાણ કર્યું.  ફરી એજ ૧૪ કી. મી. નું અંતર એફ. એમ રેડિયો સાંભળતાં લગભગ સવા કલાકે સર કર્યું અને ઓફીસની બેગ, થેલા, વગેરે સાથે ઘર માં પ્રવેશ્યો.

“પપ્પાઆઆઆઆઆ……”, કહેતી મારી નાની દીકરી પૂર્વી, હું સામાનની થેલીઓ હજી ટેબલ પર મુકું એની પહેલાં; દોડતી આવીને મને વળગી પડી. પૂર્વી ૪ વર્ષની, બહુજ નટખટ, બોલકણી, અને સ્વચ્છંદી. બધા સાથે બને પણ પૂજા,..મારી મોટી દીકરી સાથે એનું ન બને. પૂજા આઠ વર્ષ ની થઇ. અમારે બે જ સંતાન – દીકરીઓ – પૂજા અને પૂર્વી. બંને જાણે એકમેક થી તદ્દન જુદા. સ્વભાવે, વર્તેને, દેખાવે, હાવ-ભાવે; બધ્ધી રીતે જુદાં. અમારા માજી તો એમને ‘સીતા-ઔર-ગીતા’ જ બોલાવે. પણ એક વાત બંનેમાં સામાન્ય, અને એ કે બંને મને ખુબ ખુબ વ્હાલ કરે, અને મને ઘરે દેખતાં જ જાણે ખીલી ઉઠે. એમેને આજે આપેલી ભેટ કાલે જૂની થઇ જાય અને નવી ફરમાઈશો નું લીસ્ટ તૈયાર જ હોય.

મને ખબર છે, આ સ્નેહ-બંધન અને બાળ-વર્તન ફક્ત મારા કુટુંબ માં જ છે, કે કોઈ નવી નવાઈનું છે એમ નથી. દુનિયા નાં દરેક માં-બાપ અને સંતાનો વચ્ચે આજ જાતનાં સંબંધો હોય છે; પણ છતાંય, બધાં માં-બાપોની જેમ “મારા બાળકો જ ઉત્તમ છે” એવો ભ્રમ પાળવો મને ગમે છે.

“હેય….માઆઆઆ..ય ડાર્લિંગ ડોલ..,.. હાવ આર યુ ?” કહેતાંક મેં થેલા બાજુ પર મૂકી ને પૂર્વી ને તેડી લીધી. હજી કાંઈ વધુ બોલું એ પહેલાં તો એક મીઠું ચુંબન મારા ગાલ પર ચોટાડતા મારા ખમીસનાં ખીસા માંથી ચોકલેટનું પેક લઇ લીધું.

“જો એમાંથી હાફ, દી દી ને આપવાનું છે, ઓ કે ?” મેં એને નીચે ઉતારતાં કહ્યું. ત્યાં સુધીમાં તો પૂજા પણ આવી પહોંચી અને મારે હાથે એક ચુંબન આપીને વળગી પડી.

“ ઉ આર યુ ડીયર ?” પૂજા નાં માથે હાથ ફેરવતાં મેં પૂછ્યું.

“ડેડ, મેં મારી ડેસ્ક એરેન્જ કરી લીધી છે, બધ્ધી બુક્સ કવર કરી નાખી છે, લેબલ પણ લગાડયા છે, પણ નેમ્સ તમારે લખી આપવાના છે, પ્લીસ !” ; પૂજા એ મારાં માટે કામ તૈયાર જ રાખ્ય્યું હતું. હજી ચાર પાંચ દિવસ પહેલાં જ અહીની શાળાઓ વેકેશન પછી ફરી શરુ થઇ છે ને, એટલે બધ્ધી જ નવી શરૂઆત.

“આટલી મોટી થઇ, પણ લખતા ય નથી આવડતું… શેમ..શેમ..” તરત જ ચોકલેટ નું રેપર ખોલતાં ખોલતાં પૂર્વી એ ટીખળ કરી.

“અરે, માવડિયું, …પપ્પા ને જરા જપવા તો દ્યો…”, માજીએ પોતાના રૂમ માં થી બહાર આવતાં ટકોર કરી. “જાવ.. મમ્મી ને કહો.. પપ્પા ને પાણી આપે…!”

બન્ને હજી અંદર નાં રૂમ માં જાય એની પહેલાંજ શ્રીમતીજી પાણીનો ગ્લાસ લઇ હારજ થયાં, અને સુચકાર્થ નજરે મને પૂછે એ પહેલાંજ પાણી પિતા પિતા મેં એલાન કરી દીધું, કે હું બધ્ધી વસ્તુઓ લઇ આવ્યો છું.

“હાશ, મને એ જ ડર હતો, ગયા વખત જેવું તો નહિ થાય ને ?” ગ્લાસ પાછો લેતાં શ્રીમતિજી એ એક લાંબો સ્વાસ લીધો. “ફ્રેશ થઇ જાઓ, હું ચા અને વેફર્સ લાવું છું !” કહેતાંક એ રસોડા તરફ ગઈ.

માજી પણ માળા ફેરવતાં, ફેરવતાં પાછા પોતાના રૂમમાં ગયાં. અને છોકરીઓ પોતાની રમત માં ખોવાઈ ગઈ.

ફ્રેશ થઇ ને હું બેઠકનાં રૂમમાં સોફા ઉપર, સામેના કોફી ટેબલ ઉપર પગ લાંબા કરી ને સવારનું છાપું જોવા લાગ્યો, અને શ્રીમતીજીએ સામે મુકેલ વેફર્સ, ચા ની ચૂસકીઓ સાથે માણવા લાગ્યો. પડતાં શેર બજારનાં, સીરિયાનાં શરણાર્થીઓનાં, શીના બોરા ખૂન કેસનાં, નકારાત્મક સમાચારો સાથે ‘મોદી સર’ અને ‘પ્રણવ સર’ નાં ટ્યુશન ક્લાસનાં સકારાત્મક સમાચારો અને તસ્વીરો જોતો જ હતો, તેવામાં પૂર્વી દોડતી આવી ને મારા ખોળામાં ગોઠવાઈ ગઈ.

“પપ્પા.. બા કહેતા હતાં કે આજે રાતના આપણા ઘરે, લા લા, ભગવાન આવવાના છે! .. હવે તો રાત થઇ ગઈ, તો ક્યારે આવશે … ઈ ભગવાન ?” પૂર્વી એ પ્રશ્ન કર્યો.

“અરે….સ્ટુપીડ,….હમણાં નહિ કાંય, …ઈ તો મીડ-નાઈટ થાય ને ત્યારે…આવે..!” મારી બાજુ માં આવી ને બેસતાં; પૂજા એ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

“હેં પપ્પા ? મિડ નાઈટ માં આવે ? મિન્સ વોટ ટાઈમ ?.. એન્ડ હું સ્ટુપિડ નથી ઓ કે ?” પૂર્વી એ બીજો પ્રશ્ન કર્યો.

“જો બેટા, આજે છે ને…જન્માષ્ઠ્મી નો ફેસ્ટીવલ છે…એટલે..કૃષ્ણ ભગવાન નો જન્મ-દિવસ..બર્થ ડે..ઓ કે ? હી વોસ બોર્ર્ન એટ મિડ નાઈટ.. સો વી ઓલ્સો સેલીબ્રેટ ઈટ એટ મીડ-નાઈટ. …હ.. મિડ નાઈટ એટલે.. આપણે બધ્ધા જ્યારે સુઈ જઈએ ને ત્યારે…” મેં બંને ને સમજાવવા નો પ્રયત્ન કર્યો.

“સી.. એટલે જ તો મમ્મી ટેમ્પલ રૂમ ડેકોરેટ કરે છે….અને બા પણ બૌ બધી તૈયારી કરે છે…અને પપ્પા પણ ફ્લોવર્સ , અને એ બધું લઇ આવ્યા છે…..!” પૂજાએ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો.

“તો આપણે ત્યાં સુધી સુવાનું જ નહિ ?..મીડ નાઈટ સુધી ?” પૂર્વી એ પ્રશ્ન કર્યો.

“હા બેટા, લા લા – ભગવાન નો બર્થડે સેલીબ્રેટ કરવા માટે આપણે જાગવું તો પડે ને ! પણ, યુ નેવર માઈન્ડ, તને જો ઊંઘ આવે ને તો તું સુઈ જા જે ઓ કે ! નાં નાં બાળકો ન જાગે તો ચાલે. તું સવારે દર્શન કરી લે જે ” મેં સમજાવતાં કહ્યું.

“યુ નો વોટ ? … મારે લા લા ગોડ પાસે કાંઇક માંગવું છે…! બા કહે છે, કે ગોડ પાસે જે માંગીયે એ ગોડ આપણને આપે… એટલે…!” પૂર્વી એ ખુલાસો કર્યો. “ પણ હું જો સુઈ જાઉં તો કોણ માગશે ?”

“શું માંગવું છે તારે લા લા ભગવાન પાસે ?” મેં કુતુહલ વશ પૂછ્યું.

“પપ્પા, અગર, હું સુઈ ગઈ, તો મારા બદલે તમે માંગશો ગોડ પાસે ?”… જાણે કોઈ આજીજી કરતી હોય એમ પૂર્વીએ પ્રશ્ન કર્યો. એની વાત સાંભળીને રાતની પૂજા ની તૈયારી કરતાં શ્રીમતીજી પણ ટેમ્પલ-રૂમને દરવાજે કુતુહલ વશ થઇને આવ્યાં.

“ઓ કે …મારા બચ્ચા, હું માંગીશ, …પણ મને કહે તો ખરી કે તારે શું જોઈએ છે લા લા પાસે થી ? મમ્મી – પપ્પા તને બધું લાવી તો આપે છે ને….તું જે માંગે તે…….તારી પાસે બધું જ તો છે….તો પછી ?” મેં પણ ઉત્સુકતા થી પૂછ્યું.

“આય .. નો…આય નો…મારી પાસે બધું છે…..હું કાંઈ મારા માટે થોડું માંગુ છું, ગોડ પાસે ?” પૂર્વી એ ડાહી ડમરી થઇ ને ખુલાસો કર્યો.

“તો પછી.. કોના માટે તારે ગોડ પાસે માંગવું છે ? .. પૂજા માટે ?” મેં પૂછ્યું.

“નાં… પપ્પા….” !.. .કપાળ ઉપર પોતાનો હાથ મારતાં, મારી વધુ નજીક આવતાં, આજુ બાજુ નજર કરી ને, ધિરા અવાજ  મને કહે :

“મારે તો બા માટે માંગવું છે !”

આ ઘુસ-ફૂસ વાર્તાલાપ અને તેમાં પણ ‘બા’ શબ્દનો ઉચ્ચાર થતાં, માજી નાં કાન પણ સતર્ક થઇ ગયાં, અને તેઓ પણ પોતાના રૂમને દરવાજે આવિને, પૂર્વી જુએ નહિ એ રીતે;  તેની કાલી ભાષા સાંભળવા; ઉભા રહી ગયાં.

“શું માંગવું છે તારે… બા માટે… બેટા?” મેં મારું હસવું રોકતાં પૂછ્યું.

ફરીથી તેણે આમ તેમ નજર ફેરવી, ઇશારાથી મને કાન નીચે, પોતાની તરફ લાવવા કહ્યું. મેં તેમ કરતાં મને કહે : “એક દોણીયો.!”…. “ લા લા ને કહેજો..બા ને હવે એક દોણીયો આપે….આખો વખત …તમે નથી હોતાંને તો બા.. ઘડી ઘડી મમ્મી ને ….વઢે છે….કે’છે ….કે દસ વર્ષો થયાં પણ તે મને દોણીયો નો’ આપ્યો….અને બાની આ વાત સાંભળીને મમ્મી રોજ ખુબ ખુબ રડે છે…. કોઈ વાર તો લંચ પણ નથી ખાતી….બસ રડે જ છે…. તો બસ લા લા ને કહી દે જો ને …કે પૂર્વી એ માંગ્યું છે…કે બા ને એક દોણીયો આપી દે..!”, એમ બોલતાં બોલતાં મારા ખોળામાં માથું ભરાવી ને એ પણ ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી !!

– ડો. શૈલેષ ઉપાધ્યાય.

Leave a Reply

error: Content is protected !!