ભ્રમણા

ભ્રમણા

“એ.હાંભળો બધા’ય…..હ.વે…આ બસ..આગળ જાય ઈમ નથી…..આ…આંય ખબર પડી સે, કે …આગળ ઉપર નદીમાં પૂર આયુ સે…અ.ને..ખાસ્સું બે–તઈણ માથાળું પાણી ભરાયું સે….માટે…હવે…આં’ય થી આગળની વ્યવસ્થા..હઉ..એ પોત પોતાની રીતે.. કરવી પડશે…હું ?…… એ હામ્ભ્ળ્યું બધાઈ એ ક…નઈ..? આ બસ..હ વે..આગળ નહિ જાય..!”, અમારા બધાનાં આશ્ચર્ય વચ્ચે, એસ. ટી. બસનાં કંડકટરે આવીને બીડીનો ચસ્કો લેતાં લેતાં આ જાહેર એલાન કર્યું.

એટલો, હેબતાઈ ગયો હતો હું એ પ્રસંગ થી, કે આજે લગભગ બે મહીને આ વાત લખવાની હિમ્મત કરું છું.

દર વખતની જેમ, આ વખતે પણ મુંબઈ થી વહેલી સવારે પહોંચતી ‘ગુજરાત મેલ’ માં હું અમદાવાદ પહોંચ્યો. ત્યાં મારી બેનનું ઘર છે. દિવસ આખો ત્યાં, બેન-બનેવી અને તેમના પરિવાર સાથે પસાર કરીને સાંજે સાડા પાંચની બસમાં હું દર વખતે મારે ગામ – ‘ઘડી’ જાઉં. આમ તો ‘ઘડી’ જવા માટે એક વાર હિમતનગર કે પ્રાંતિજ પહોચી જૈયે તો ત્યાંથી બસો, રિક્ષા, કે છકડા જેવા ઘણા સાધનો મળે, પણ, ગીતા-મંદિર થી ઉપડતી આ સાડા પાંચની બસની ખાસિયત એ કે, આ બસ સીધી ગામમાં જ લઇ જાય, એટલે બસ કે વાહન બદલવાની માથાકૂટ જ નહિ. રાત આખી બસ ગામમાં જ પડી રહે, અને સવારે પાછી એ જ બસ ગામના લોકો ને અમદાવાદ પણ લઇ જાય. અમારા ગામ માટે તો જાણે એ બસની સેવા એક વરદાન સમાન જ છે. ચોમાસાને કે કોઈ તકનીકી ખરાબીને બાદ કરતાં, બસ સેવા લગભગ નિયમિત પણ ખરી. મને પણ આ બસની સેવા અને તેનો સમય ફાવી ગયો છે, એટલે દર વખતે હું આમ જ આ સમયે પ્રવાસ કરવા ટેવાઈ ગયો છું.

ભાદરવો મહીનો ગણતાં, એ દિવસે મોસમ કાંઈક વધુ અજબની હતી. બપોર થી જ ઠંડી હવા, જોરદાર સુસવાટા મારતો પવન, અને કાળા વાદળોથી ઘેરાએલ આકાશ. વરસાદ જાણે પડું પડું થતો હોય તેમ વરતાતું હતું.

“જો જે…આ વરસાદ નો કાઈ ભરોસો નથી હોં… અને જો ત્રાટકયો, તો તારી બસ ગામે પહોંચશે કે કેમ એનું પુરૂ જોખમ છે …એના કરતા સવારે નીકળ્યો હોત તો ?” તેના ઘરે થી નીકળવાની તૈયારી કરતો હતો ત્યારે જ બેને મને ચેતવ્યો હતો. “આ બધી એસ. ટી. બસો તો ખખડધજ હોય છે… ભરોસો ના કરાય…હજુ’ય મારી વાત માન…! આમેય આપણે ક્યાં ત્યાં ઘરે ખબર આપ્યા છે, કે તું આજે જ ત્યાં પહોચવાનો છે…રાત રોકાઈ જા અહિંયા જ, . .જ જે સવારે.. અને  હા… આજે  પાછી અમાસ પણ છે…હોં..”!

“અરે.. તું ફિકર ના કર…ક્યાં બહુ દૂર જવાનું છે? અઢિ કલાકમાં તો ઘેર…અને આમેં’ય તે હું ક્યાં અજાણ્યો છું આ પ્રદેશ થી, એકલા જીવને વળી શાની ફિકર! અને વળી મારી પાસે તો આ બગલ-થેલા શિવાય કોઈ બીજો સામાન પણ નથી…”.. મારા માટે બનાવેલ મસાલેદાર ચા ની ચૂસકીઓ લેતા મેં કહ્યું.

બેનને ઘેર થી નીકળીને લગભગ સવા-પાંચ વાગે હું, અમદાવાદનાં ગીતા-મંદિર બસ સ્ટેશને પહોચ્યો. ત્યાં નાં છ નમ્બરનાં મેદાનમાંનાં બસ સ્ટોપ પર, બસ જાણે મારી રાહ જોતી ઉભી જ હતી. તિકિટબારીએ થી મારી ટીકીટ ખરીદીને, સરખી બારીવાળી સિટ ગોતીને, મેં મારો બગલ-થેલો ઉપરની છાજલીએ મુક્યો. અને સિટ સાફ કરીને બેઠો નિરાંતે. બેત્રણ જોડી કપડાં, મુંબઈ થી લાવેલ ‘માહિમ હલવા’ નું પેકેટ, બે પુસ્તકો, સવારનું વર્તમાન પત્ર, અને બાપુજી માટેની થોડી દવાઓ હતાં એ થેલામાં. સમય જતાં બીજા પ્રવાસીઓ આવતાં ગયા, અને પોત પોતાને અનુકુળ જગ્યાઓ ગોતીને ગોઠવાતાં ગયા. તેમાંના ઘણાખારાઓની વાતો ઉપર થી લાગતું હતું, કે એ લોકોતો રોજિંદા “અપ-ડાઉન” કરવાવાળા હતાં. એક મગફળી વેંચવાવાળા પાસે થી, ખારી શીંગ લઈને હું એક એક ફાકવા લાગ્યો. મુંબઈ ની ભાષા માં કહું તો “ ટાઇમમ્પાસ” !

મોઢાંમાંની સિટી વગાડતાં બસ કંડકટરનું આગમન થયું, આદત મુજબ, તેણે જોરથી ધબાક કરીને બસનો દરવાજો બંધ કર્યો, અને અમારી યાત્રા શરુ થઇ. સાંજના સમયનો ભરચક ટ્રાફિક અને લોકોની ભીડ, અમદાવાદનાં રસ્તાઓ પાર કરતાં કરતાં, ગોકળગાયની ગતિએ બસ આગળ વધી રહી હતી. નરોડા ફાટક પહોંચતા લગભગ એક કલાક થયો. ત્યાર પછી કાંઈક ઝડપ પકડી બસે. રુચી મુજબ વચમાં એકાદ જોકું ખાવાનો પ્રયત્ન કર્યો, પણ ખખડધજ બસના દરેકે દરેક પૂર્જાઓનો ઢોલ-નાદ અને અન્ય યાત્રીઓની વાતોનો કોલાહલ, મને જંપવા દે તો ને !! એક તરફ અંધારું પસરતું જતું હતું, અને બીજી તરફ વાદળો વધુ ઘટ્ટ બનતા લાગતા હતા. વચ્ચે વચ્ચે ગડગડાટ પણ ચાલુ જ હતો.

‘નાના ચિલોડા’ આવતામાં તો ઝરમર ઝરમર વરસાદ શરુ થયો, સાથે જોરદાર પવન અને વાદળોનો ગડગડાટ પણ વધવા લાગ્યાં. એક તો વરસતો વરસાદ અને બીજા અંધારાને કારણે બસની આગળ પચાસેક ફૂટ થી વધુ દેખાતું પણ નહોતું. સ્વાભાવિક રીતે બસના ડ્રાઈવરે ઝડપ પણ ઓછી કારી નાખી. વાતાવરણ ની અસર હવે મારા ઉપર પણ થવા લાગી. વરસાદ ની વાછટો થી બચવા મેં મહામહેનતે મારી બારીનો કાચ નીચે ખેંચ્યો, તો’ય વચલી જગ્યામાં થી થોડું પાણી તો ટપકતું જ હતું. મારે ખસી ને થોડા દૂર બેસવું પડ્યું. નસીબે બાજુમાં બીજો કોઈ કોઈ મુસાફર ન હતો.

લગભગ આઠ વાગે બસ પ્રાંતિજ બસ સ્ટેશને પહોચી. અહી લગભગ દસ-પંદર મિનિટનો વિરામ હોય છે એ હું જાણું. પ્રાંતિજ થી આગળ, બસ, ઘોરી માર્ગ ત્યજીને અંદરના ગામડાઓ તરફ વળે છે, જ્યાંનો રસ્તો કાચો-પાકો છે. ઘણાખરા મુસાફરો અહી ઉતરી જાય અને ફક્ત ગામડાઓમાં જનારાઓ જ હવે બસમાં આગળ મુસાફરી કરે. નીચે ઉતરીને મોસમની પરસ્થિતિને પહોચી વળવા અન્ય યાત્રાળુઓની જેમ મેં પણ એક મસ્ત આદુંવાળી મસાલેદાર ચા પીધી. એ ગરમા ગરમ ચાએ જાણે ખરેખર જરુરી ગરમાવો તો આપ્યો, સાથે સાથે ચુસ્તી અને સતર્કતા પણ પીરસી. હવે અહિંથી આગળ નીકળીએ એટલે લગભગ કલાકમાં તો ઘેર. સહુ પાછા બેઠા બસમાં. હવે તો માત્ર ગણ્યા ગાઠયા સાત-આઠ જણ જ રહ્યા હતાં.

ગાજવીજ સાથે વરસતા વરસાદમાં, કાચે રસ્તે, હાલક-ડોલક થતી બસ, ધીમે ધીમે ‘ઘડી’ ગામ તરફ નીકળી. વચમાં આવતાં ગામડાઓમાં એક પછી એક મુસાફરો ઉતરતા ગયા. વરસાદ થી બચવા કોઈ એ પોતાનો થેલો માથે લીધો, તો વળી કોઈ બિચારા એમ ને એમ જ ભીંજાતા નીકળી પડયા.

“આ માવઠું, માં’ળૂ .. જબરું પડ્યું હો…આ….આ… જૂઓ..ને….ક્યારર નો’ય માંડ્યો સે….તે…” ! બીડીનો કશ લેતાં લેતાં, કંડકટરે મને સંબોધીને કહ્યું. બસમાં હવે મને બાદ કરતા બીજા ત્રણ જણાઓ જ હતા. એમાના બે તો પ્રાંતિજ થી ચઢ્યા હતા, અને તેમની વાતો ઉપરથી; કોલેજનાં વિદ્યાર્થીઓ જેવાં લાગ્યાં, જયારે ત્રીજો જણ, ભરવાડ જેવો લાગ્યો. પડછંદ અને ભરાવદાર કદ, કાળો અને જાડી મૂછો વાળો ચહેરો, જીણી આંખો, માથે પાઘડી અને શરીરે પહેરણ અને ચોરણો, ઉપર થી ઓઢેલો એનો કાળો ધાબળો, અને બાજુમાં છ ફૂટની ડાંગ. એના ચહેરા ઉપર, વાતાવરણ, વરસાદ, કે મોસમની કોઈ અસર જણાતી નહોતી.

“હો..વ…આ..હાન્જ થી જામ્યો સે…આ…તો….”! ચહેરા ઉપર કોઈ પણ જાત નાં ભાવ વગર, પેલા ભરવાડે કંડકટરની વાતને ટેકો આપ્યો. “હું થાઓય તઈ’એ….જે…થાય ઈ બીજું હું ?”! પોતાનો ધાબળો, તેણે છાતી સરસો ભીંસીને કહ્યું.

ધીમે ધીમે..બસ..’છાપરા’ ગામે પહોંચી. પેલા બેમાંથી એક વિદ્યાર્થી જેવો છોકરો ત્યાં ઉતર્યો.

“એ.. ઉભા રે.. જો…એ….”…કંડકટર દરવાજો બંધ કરે એટલામાં જ પેલા ઉતરેલા છોકરાએ બૂમ પાડીને કંડકટરને બસ ઉભી રાખવા જણાવ્યું. સિટી વગાડીને કંડકટરે બસ ઉભી કરાવી. દરવાજો ખોલીને જોયું તો એક માણસ પેલા છોકરા સાથે નીચે ઉભો હતો…એમના ઈશારે, કંડકટર વરસાદ થી બચવા માથે હાથ રાખીને નીચે ઉતર્યો, અને ત્રણ ચાર મિનીટની વાતો પછી, પાછો ઉપર આવ્યો, અને તેણે શરૂઆતમાં જણાવ્યા પ્રમાણેનું ઉપર મુજબનું એલાન કર્યું.

“એ.હાંભળો બધા’ય…..હ.વે…આ બસ..આગળ જાય ઈમ નથી…..આ…આંય ખબર પડી સે, કે …આગળ ઉપર નદીમાં પૂર આયુ સે…અ.ને..ખાસ્સું બે –તઈણ માથાળું પાણી ભરાયું સે….માટે…હવે…આં’ય થી  આગળની વ્યવસ્થા..હઉ..એ પોત પોતાની રી તે.. કરવી પડશે…હું ?…… એ હામ્ભ્ળ્યું બધાઈ એ ક…નઈ..? આ બસ.. હ વે..આગળ નહિ જાય..!”,

બધામાં તો હવે, હું, પેલો વિદ્યાર્થી જેવો છોકરો અને પેલો ભરવાડ જ બચ્યા હતા.

“મારા…દિયો.ર…..આ માળું.. જબરું થયું હો…..” . ઉભો રે…લ્યા…. મહેશ… મુ.. એ.. તારી જોડે જ..તારે ત્યો આવું સુ… .તાણ… બીજું હું થોય ?” કહેતાંકને એ વિદ્યાર્થી પહેલાનાં વિદ્યાર્થીની જોડે જતો રહ્યો.

“હ..વ.. ? કેમ નું  કરવું ?“.. પેલા ભરવાડે કંડકટરને પૂછ્યું.

“ભાઈ તમાર તો હવ….હેડી ને જ જવું પડશે…હો…..હું થાય ત્યારે…..કો…! આવા વરસાદમાં ..બસ લઇ જવી જોખમ નઈ? અને ઓમે’ય તમારું ગામ કયાં આઘું સે.. આ’ઈથી …હેડવા મોન્ડો તો.. અબઘડી એ ઘેર..ભલા માંણસ…” કંડકટરે તેને સમજાવ્યો. નાં છૂટકે તે ઉઠ્યો, અને પોતાનો ધાબળો માથે ઓઢી લિધો, લાઠી ઉપાડી ને ઉતારવા લાગ્યો, અને ત્યારે જ તેનું અને કંડકટરનું ધ્યાન મારા તરફ ગયું.

“આ સાહેબ ને ક્યાં જવું સે ?” પેલા ભરવાડે કંડકટરને પ્રશ્ન કર્યો.

“એ તો ‘ઘડી’ જવાના હતા…પણ હ..વ…” !” કંડકટરે જવાબ આપ્યો. પણ ત્યાં સુધીમાં તો પેલો ઉતરીને ઝડપભેર અંધારામાં ખોવાઈ ગયો.

“તો હવે શું…કરીશું…ભાઈ….આગળ રસ્તો….કાઈ ઉપાય છે કે નહિ….અહી થી નીકળવાનો….?”. થોડા ચિંતિત થઇને મેં કંડકટરને પ્રશ્ન કર્યો. ત્યાં સુધીમાં, બસના ડ્રાઈવરે ધીમે ધીમે બસ, આગળ લઈને ગામનાં ચબુતરા પાસે લીધી. અને ત્યાં થોભાવી, જેથી સાંકડા રસ્તામાંનાં બીજા વાહનોને અવરોધ ના નડે,

“શા’હેબ.. અ..મ.. તો અ.ટાણે..તો કોઈ એ ઉપાય નથી.. હો..આગળ જવાનો….આજ રાતમાં તો નહિ જ..!”, થોડા વ્યવારિક થતા તેણે કહ્યું.

“તો હવે આ બસ, અને તમે બેન્ને હવે શું કરશો..?” મેં પૂછ્યું.

“જુઓ શા’હેબ,,અમારે તો એવું સે… કે…ઓમ તો.. રોજ રાતી અમે.. ‘ઘડી’માં મુકામ કરીએ સીએ….તે વળી આજ…ઓય કરીહું…બીજું શું….હવાર પડે..ક.મારા ભય….ફેરવી ને બસ..પાછી અમદા’દ લઇ જાહુ બીજું હું..તારે…!” તેને ખુલાસો કર્યો.

“હમમ… પણ હવે  હું શું કરું…..આમ અધ-વચ્ચે.. ક્યા જવું….” ! મેં મારી ચિંતા જાહેર કરી. ત્યાં સુધીમાં તો બસ નો ડ્રાઈવર પણ બીડી સળગાવતો અમારી સાથે આવીને બેઠો અને મારા માટે કંડકટરને જોઈ ને બોલ્યો “આ ઓમ ને.. આપણી હંગાથે જ..રાખવા પડસી….બીજો કોઈ ઉપાય જ ચ્યો સ ?”

“હોવ..જુઓ શા’હેબ….તમતમારે..અમારી જ હ્ન્ગાથી…ઓય,..પેલું મંદિર સે ને…ત્યો…જ રાતવાસો કરો…ત્યો, એક ઓયડી સે… હુઈ જહું આપણે ત્રણેય,….હવારી..તમ તમારે…જ જો…’ઘડી’ જેમ રસ્તો ખુલ એમ…” ! કંડકટરે ખુલાસો કર્યો. “પુજારી માં’રાજ ખાવા-રેવાની વ્યવસ્થા કરી આલ હે… આલી દે જો.. જે આલવું હોય તે ઈન….” !

વાત સાંભળીને મને થોડી નિરાંત થઇ, કાંઈક તો વ્યવસ્થા છે, આ વરસતા વરસાદમાં રાત કાઢવાની. મેં તો ઉઠીને મારો બગલ થેલો નીચે ઉતાર્યો, અને રાહ જોતો બેઠો, કે હવે એ બંને ક્યારે બીડી પૂરી કરે અને અમે નીકળીએ પે’લા મંદિરે જવા માટે. થોડી જ વારે, પેલા બંનેની પાછળ પાછળ લગભગ દોડતા દોડતા, હું મંદિરે પહોચ્યો. નાના ગામનું નાનું મંદિર. અત્યારે તો ત્યાંની બત્તી પણ બુજએલી હતી. બાજુમાં જ એક નાનો ઓરડો હતો, જ્યાં નાનું ટમ-ટમીયું બળતું દેખાણું. અમને ત્રણેયને દોડતા આવતાં દેખ્યા, કે તરત જ પુજારી પોતાના એ ઓરડાની બહાર , ટમ-ટમીયું લઇને આવ્યો. ડ્રાઈવર અને કંડકટરને ઓળખતા તેને વાર ના લાગી. “રામ.. રામ….ભાય…કેમ સો… આવો…આવો…” કહેતાંક ને પરીસ્થીતી સમજીને તેણે પરસાળમાં જ એક ખાટલો પાથર્યો. અમે બેઠા. અંદરથી એ એક લોટામાં પીવાનું પાણી લઇ આવ્યો. એક પછી એક , અમે લોટો મોઠે લગાડ્યા વગર ઉપરથીજ પાણી પીધું.

“આ, તો જબરું થયું સ હો….આ…અ….આટલું જામશે…એ…તો..જાણે…કોઈ અલગ જ સે….જુઓ ને..ચેવો જામ્યો સે…એ…”! વરસાદ પર જાણે ફરિયાદ કરતા હોય તેમ પુજારી બોલ્યા. “તમારું તો ઠીક, પણ આ સા’હેબ નું હું…ચ્યો જવા નીકળ્યા છે તો એ ?” તેમણે પૃછા કરી.

“આ.. ઈઓન…’ઘડી’ જવાનું હતું….પણ..હ…વ….તો…આજ રાતી ઓય..જ રે’વાના હો…!” કંડકટરે ઉત્તર આપ્યો. “હવારી.. જેમ થાય એમ…જોયું જ શે..” !

“હા… હા…કશો.. વોંધો નહિ હો….અબ ઘડી..આ પાછળનો ઓયડો..ખોલું સુ…અને તમોને ખાટલો બનાઈ આલું હો…!”, કહેતાંક ને પુજારી નીકળ્યો  અને મંદિરની પાછળનો રૂમ ખોલ્યો. પાછા આવીને પોતાના ઓરડામાંથી ઓઢવા-પાથરવાના ગોદડા લઇ આવ્યો, અને બોલ્યો   “લ્યો હાલો  ર…. ત્યાં  પાથરી આલું..”, ત્યારે મને સમજાયું કે તમની પાસે આ એકજ ખાટલો હતો…ઝડપ થી હું ઉઠ્યો અને બાજુએ ખસી ગયો. તેણે ખાટલો પેલા ઓરડામાં પાથર્યો, તેના ઉપર એક ગોદડું નાખ્યું, એક તકિયો મુક્યો અને એક ઓઢવાનું ગોદડું પણ ગોઠવ્યું. “લો  હાલો…શા’હેબ…આઈ..જાઓ…પેલા ઓય્ડા મો…” .ફરી પાછા પોતાના ઓરડામાં જઈને એક નાનું પ્રગટાવેલ ટમ-ટમીયું અને પાણીનો એક લોટો લઇ આવ્યો અને મને પેલા ઓરડામાં જઈ ને સુઈ જવાનું કહ્યું. તેની પાછળ પાછળ હું મારો બગલ-થેલો લઈને પેલા ઓરડામાં ગયો. “કશું જોઈતું-કરતું હોય તો કે’જો હો….હું ત્યોં…પેલા ઓયડામાં જ સુ…અન, બૌ પવન આવતો હોય તો આ બાયર્ણ્યું વાંકી દેજો..શા’હેબ હો..!” મને નિરાંતે ખાટ્લા ઉપર બેસતા જોઇને પુજારીએ જતા જતા મને કહ્યું. મેં ફક્ત હા-કાર માં માથું હલાવ્યું. સમજાતું નહોતું, કે એ ત્રણેય માંથી કોની સાથે, એ સમયે હું શું બોલું. શું બોલી શકું ? પરિસ્થિતિ જ એવી હતી કે સાવ અવાક જ થઇ ગયો હતો.

“શા’હેબ.. ત્યાં..’ઘડી’ મો…કી’ ન.. ઘેર જવાના હતા…તમે….ત્યો.. ફોન.. બોન.. કરવો સ…?” કંડકટરે આવી ને મને પૂછ્યું.

“નાં…રે નાં…તેમને તો ખબર જ નથી કે હું આવવાનો છું…..અને અત્ય્રારે ફોન કરી ને એ લોકોની ચિંતા નથી વધારવી મારે….એટલે જ.. હું તમને પણ નથી કહેતો.. કે હું કોને ઘેર જવાનો છું….નાહકનાં તમે કદાચ પેલા લોકોને જણાવો અને નાંહ્કનો તેમનો જીવ અધ્ધર થઇ જાય એનો મતલબ જ નથી ને ..અને હું તો છું એકલો જીવ… કોઈ ચિંતા નથી મને….સવારે..જોઈશું….અત્યારે તો આરામ કરીએ અને આ અનરાધાર મેઘ બંધ થાય એની રાહ જોઈએ..બીજું શું…તમે મારી ચિંતા નાં કરતા હો…આઈ એમ ઓ કે.!:” મેં તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

“ઠીક સે તારે…જાપો તમ તમારે… અમે…ગામમાં  આંટો મારી ન આઈએ  સિયે…થોડી વારમાં….કશું જુ’ વ’ સ તમો’ન…?” ડ્રાઈવરે મને પૂછ્યું.

“નાં..નાં…મારે કાંઈ ના જોઈએ…તમ તમારે જાઓ…ખુશી થી..”. મેં ઉત્તર આપ્યો. વરસતો વરસાદ, ઠંડીનું વાતાવરણ, અને એકલા જીવ, “છાંટા-પાણી” વગર એમનો દિવસ પૂરો ન થાય એની મને જાણ હતી. તેઓ નીકળ્યા અને મેં સુવાની કોશિશ કરી. કોશિશ તો ઘણી કરી, પડખા ફેરવ્યા, આમ થી તેમ માથું અને પગ પણ ફેરવતો રહયો, પણ ઉપર આકાશમાં ગડગડાટ, મુસળધાર વરસાદ, વીજળીના ચમકારા અને ઠંડું વાતાવરણ, આજે તો ઊંઘ પણ પકડદાવ ખેલી ને મારા વિરુદ્ધ જીતતી જ હતી, કેમે કર્યે હાથ આવતી જ નહોતી. એમ જ તંદ્રા માં આંખ બંધ કરી ને, ટૂટીયું વાળીને પડ્યો રહ્યો.

“કોણ છે ?” સહસા જબકીને મેં એક ચીસ પાડી. ખબર નથી, કેટલો સમય નીકેળી ગયો હતો, પણ અચાનક એ કાચી ઊંઘમાં મને ભાસ થયો કે એવા અંધારામાં પણ મારા ખાટ્લા પાસે, નીચે બેસીને મને કોઈ નિહારી રહ્યું હતું. પેલું ટમ-ટમીયું, તો ક્યારનું‘ય સુસવાતા પવનનો શિકાર થઇ ગયું હતું. કાળું ભમ્મર અંધારું. આંખો ચોળીને હું વધુ સ્પષ્ટ રીતે જોવાની કોશિશ કરું તોય કાંઈ જ ન દેખાય. પણ મને ખાતરી હતી કે કોઈ અથવા કાંઈ તો હતું, જે મારી ઉપર એકીટશે નજર નાખતું હતું. શું હશે એ, કોઈ માણસ, કોઈ અન્ય પ્રાણી, કે પછી……. ?!

એવી કડક ઠંડીમાં પણ કપાળે આવેલા પસીનાને ઓઢવાના ગોદડા થી જ લુછીને હું, પાછો આડો પડ્યો. પાણી પીવા ખાટ્લાની નીચે રાખેલ પેલો પાણીનો લોટો કાઢવા હાથ નીચે કર્યો, તો ત્યાં થી લોટો ગાયબ ! આમ તેમ હાથ પણ હલાવી જોયો, કદાચ થોડૉ આઘો પાછો થયો હોય, પણ નાં… એ લોટો ત્યાં હતો જ નહિ. મને બરાબર યાદ છે, કે આડા પડતાં પહેલા, મેં એમાંથી પાણી પીધું હતું. લોટો નીચે મુકીને, તેના ઉપર એક છીબલી પણ ઢાંકી હતી, અને હવે..?! એ ભય હતો કે ઠંડીની અસર, ખબર નહિ, પણ મારું તો અંગે અંગ ધ્રુજવા લાગ્યું. પસીનો ફરી છૂટવા લાગ્યો. બંને પગ ખાટ્લા ઉપર લઈને, ટૂટીયું વાળીને, અને મારી ચારે તરફ ગોદડું વીટાળીને હું તો સુન-મુન બેઠો રહ્યો. કદાચ મેં જે અનુભવ્યું એ એક સ્વપ્ન તો નહિ હોય ને ? શી ખબર, પણ વડીલોની શિખામણ પ્રમાણે મેં તો મનમાં હનુમાન ચાલીસા’ય ભણવાના ચાલુ કરી ધીધા. ઈચ્છા થઇ કે પેલા પુજારી ને ઉઠાડું, પણ પછી વિચાર આવ્યો, કે શા કારણે? તેણે જો આવી ને પૂછ્યું કે શું થયું, તો શો જવાબ આપવો ? નાહક હાંસી ને પાત્ર થવાય અને પેલા ની ઊંઘ ખરાબ થાય એ અલગ.

“જે માતા’જી શા’હેબ, આ હું ક’ઉં, વરસાદ તો ક્યારનોય રહી ગ્યો  છે હોં…..અને પરોઢ થઇ ગ્યું  છે. હાલો..મોઢું ધોઈ લ્યો… અડારી અડારી ચા ‘પી આપડે બધા’ય.” .. ઓચિંતા મારા કાને શબ્દો પડ્યા. જાણે ભૂગર્ભમાં થી આવતો અવાજ, શબ્દે શબ્દે ઉંચો થતો હોય તેમ, મારા કાનોમાં રેડાયો. સફાળો હું જાગી ગયો. જોઉં તો સામે પેલો પૂજારી બુઝાઈ ગયેલ ટમ-ટમીયું ફરીથી પ્રગટાવતો હતો.

“ઓહ.. તમે… છો? …કેટલા વાગ્યા ?”, બીજું કાઈ સુજે એ પહેલા મારા મોઢામાંથી શબ્દો સારી પડ્યા.

“પોણા છ જેવું થાય છે શા’હેબ.. ક’ઉ છું, હાથ મોઢું ધુઓ તો ચા ની અડારી અડારી ‘પી, આપડે બધાય. ઓલા એસ. ટી. વાળા’વ ને હોત હવે નીકળવું સે, અમદાવાદ. છ નો ટેમ સે ઈવડા એમ નો.” મને સવાર થઇ ગઈ છે તેનું ભાન કરાવતાં પૂજારીએ ચા નું આમન્ત્રણ આપ્યુ. “ઓલો કળશ્યો હતો ને આ’ઈ રાતમાં એમાં પાણી હશે, એનાથી જ મોઢું ધોઈ લો શા’હેબ .એ…આ ર્યો,..લ્યો”, ખાટલા નીચે થી પેલો લોટો કાઢતાં અને મને આપતાં તે બોલ્યો. મારા આશ્ચર્યનો તો પાર જ ના રહ્યો. રાત્રે જ્યારે મારે પાણી પીવું હતું, ત્યારે એ લોટો ત્યાં ન હતો, અને અત્ય્રારે ફરી ત્યાંનો ત્યાં જ હતો.

“એ હાલો, માં’રાજ, જટ, મોડું થાય છે હો..હવે..”, તેવામાં બહાર થી બસ કંડકટરનો સાદ આવ્યો.

“એ..આ આઇવો..બાપલા…આ શા’બ હોત ઉઠી ગ્યા છે… લ્યો, બેહો બધાય, હું લાવું ચા” !. બોલતાં બોલતાં પૂજારી પોતાના ઓરડામાં ગયો. પેલો કંડકટર અને ડ્રાઈવર પણ મારા ઓરડામાં જ આવ્યા, તેમને આવતાં જોઇને હું મારા ખાટ્લા ને ખૂણે ખસક્યો, અને એ બંને પણ ખાટલે જ ગોઠવાણા.

“મધરાત પછી, ખમૈયા કરી છે હો, આ વરસાદે….પણ, રાતે તો જબરૂ આકાશ ફાટ્યું હતું.” ! ડ્રાઈવરે બીડી સળગાવતા સમાચાર આપ્યા. “હમણાં જ સામે કાંઠે થી એક ટ્રેક્ટર આયું, કે છે કે હવે પાણી ઉતરી ગ્યા છે, એટલે હવે કોઈ ભો નથ.”! એની વાત સાંભળતા જ મેં બારણાની બહાર નજર નાખી, અંધારું આજ ની રાત ને અલવિદા કરીને બસ હવે થોડી જ પળોમાં વિદાય લેવાનું હોય એમ પ્રતીત થતું હતું. હું ઉઠ્યો, પેલા લોટામાં થી પાણી લઇને ચહેરા અને માથા ઉપર પાણી છાટીને મોઢું ધોયું,

“હા, શા’હેબ, ચા પીને તમ-તમારે, થાવ વે’તા, આગળ ચાલતા જા’હો ને તો કોઈ ને કોઈ વાહન તમને ‘ઘડી’ જવા માટે મળી જ જાહે…હું..?” ચા ની ભરેલી રકાબી મારા હાથમાં આપતાં પૂજારી એ મને કહ્યું. મારા પછી વારા ફરથી એક લોટામાં થી બીજી બે રકાબીમાં ચા કાઢી ને તેણે ડ્રાઈવર અને કંડકટરને પણ આપી.

“હા, ભાઈ, હા…અને આમેય, ચાલવા માંડો ને, તો ક્યાં છેટું છે, તમારું ગામ….કલાકે’ક માં તો પુગી જાહો…શા’હેબ. લ્યો, હાલો.. ત’ઈ એ… રામે…રામ…” કહેતાંકને ઝડપથી ચા પી ને કંડકટર ઉઠ્યો, તેની પાછળ ડ્રાઈવર પણ બીડી ફૂંકતા ઉઠ્યો.

“એ.. રામ રામ…”, બોલતાં મેં પણ, સુસ્તી ઉડાડી દે એવી ગરમા ગરમ ચા ત્રણ ચાર ઘૂંટડામાં પૂરી કરી, રકાબી પાછી પૂજારીનાં હાથમાં મૂકી. ખાટ્લા ઉપર પાથરેલા અને રાતે તકીયાની ગરજ સારતા મારા થેલામાં થી મારું પાકીટ કાઢિને પચાસ રૂપિયાની નોટ પૂજારીનાં હાથમાં મુકી, ખાટ્લા નીચે થી મારા ચપ્પલ કાઢી પહેર્યા, અને ‘જાય માતા જી’ કહેતા, હું પણ મારે રસ્તે પડ્યો.

મનનાં પટલ ઉપર ગઈ સાંજ થી અત્યાર સુધીના અનુભવો જાણે હું વાગોળતો હોઉં એમ એક પછી એક દ્રશ્યો મારી નજર સામે આવતા ગયા. રાતનાં વરસાદને લીધે, જમીન પોચી પડી ગઈ હતી, અને આતો રેતાળ કાચી જમીન, એટલે માપી તોલી ને પગ માંડતા માંડતા, હું ધીરે ધીરે ચાલતો ગયો. પરોઢનું આકાશ, વાદળો હોવા છતાં અજવાળુ પ્રસારતું હતું. મંદ વહેતો પવન, ગુલાબી ઠંડું વાતાવરણ, પંખીઓનો કલરવ, અને રસ્તે આવતા પાણીના નાનાં નાનાં ખાબોચિયા, એ બધાનો અનુભવ કરતાં કરતાં, રસ્તાની આજુ બાજુ ની ભીની અને પોચી જમીન છોડીને રસ્તાની વચ્ચો વચ ચાલતો હું આગળ વધ્યો. લગભગ વીસ-પચ્ચીસ મીનીટ થઇ હશે, કે પાછળ થી આવતી એક મોટરનાં ‘ભોપૂ..ભોપૂ..” વાળા હોર્નને કારણે, હું એક તરફ ખસી ગયો, જેથી એ મોટર આગળ નીકળી જાય. મેં ધાર્યું હતું તેમજ, થોડો કાદવ ઉડાળ તી એ મોટર આગળ નીકળી ગઈ, અને હું પાછો રસ્તાની વચ્ચે ચાલવા લાગ્યો. પણ.. આગળ જઈને લગભગ ૧૦૦ ફૂટ ને અંતરે, એ મોટર જોરદાર બ્રેક મારીને ઉભી રહી ગઈ. જાણે મારા આવવાની રાહ ન જોતી હોય!

“ક્યા જવું છે, કા કા…”? જેવો હું મોટર ની નજીક પહોચ્યો કે તરત જ એક સ્ત્રીએ મને પૂછ્યું. એ પાછળની સીટ ઉપર બેઠિ હતી. તેણે સફેદ સાડી, ગુજરાતી ઢબે, પહેરી હતી, અને એક કાળો ધાબળો ઓઢ્યો હતો. ધાબળાને કારણે તેનો ચહેરો તો સ્પષ્ટ દેખાયો નહિ, અને એ જોવાની મેં તેવી કોશિશ પણ ન કરી.

“આ.. બસ.. ‘ઘડી’ જવું છે…!”.. મેં તરત જ જવાબ આપ્યો. કહેવાય છે ને કે “ગાડું જોઈ ને ગુડાઓ ગળે”! આશા હતી, કે સવારી મળી જાય તો ગંગા ન્હાયાં.

“બેસી જાવ…ગાડીમાં….”! તેણે આગળની સીટ તરફ ઈશારો કરતાં મને કહ્યું. “ઠાકોર”!… પછી ગાડીના ડ્રાઈવર તરફ જોઈને તેણે ઈશારો કર્યો. એને પણ સફેદ ચોયણો અને પહેરણ પહેરેલા, અને શરીરના ઉપરના ભાગને એક કાળા ધાબળા થી વીટી રાખેલો. તેનો ચહેરો પણ કાંઈ સ્પષ્ટ દેખાતો નહોતો. તરત જ પોતા તરફનો દરવાજો ખોલીને ડ્રાઈવર મારી પાસે આવ્યો, મારા ખભા ઉપરનો થેલો લઇને ગાડીની પાછળ ની ‘ડેકી’ માં મૂકીને મને આગળનો ડાબી તરફનો દરવાજો ખોલીને આગળ ની સીટ ઉપર બેસવાનો ઈશારો કર્યો. ફરીને પોતાની જગ્યાએ બેસીને તેણે ગાડી ચાલુ કરી. હરખભેર, હું પણ ઝડપભેર તેમના સૂચન પ્રમાણે ગાડીમાં બેસી ગયો. તે પછી, વરસાદને કારણે પોચા થઇ ગયેલ રસ્તે, અને ઠેર ઠેર ભરાએલ નાના મોટા ખાબોચિયામાં થઇને, લગભગ ત્રીસ-ચાલીસ મિનિટ ગાડી ચાલતી રહી. આખે રસ્તે, કોઈ કાંઈ પણ બોલ્યું નહિ. એકદમ જાણે સ્મશાન શાંતિ. અવાજ આવે તે કફત ચાલતી ગાડીનાં એન્જીનનો, અને બહારથી પંખીઓનાં કલરવનો, બસ. મને એવો ભ્રમ જરૂર થયો, કે વચ્ચે વચ્ચે ડ્રાઈવર  પોતાની સામેવાળા કાચમાં થી પેલી પાછળ બેઠેલી સ્ત્રી સાથે આંખો મિલાવવાની ચેષ્ટા જરૂર કરતો હતો, પણ, મારે એ બાબતે દખલ લેવાનું કોઈ કારણ ન હતું, તેથી હું, તો મારી બારીની બહાર નજર ફેરવીને રાતનાં વરસાદની તબાહીને લીધે પ્રભાવિત આજુ બાજુનાં ખેતરો અને વૃક્ષોનું અવલોકન કરતો રહ્યો. કાચા રસ્તાને અંતે, પાકી સડક, નદીનો પટ, જે ઠેઠ ઉપર સુધી છલોછલ વહેતા પાણીથી ભરાએલ હતો, આગળ ઉપર નદી ઉપરનો પૂલ, જ્યાં, પાણી લગભગ પૂલની નીચેની સપાટીને અડીને વહેતું હતું, અને પછી, અમારા ગામની પાકી સડક. બધું, જાણે એક પછી એક, નિર્ધારિત સ્વરૂપે આવતું ગયું અને નીકળતું ગયું.

અચાનક, ‘ઘડી’ ગામમાં પ્રવેશતાં જ, ગાડી થોડી ધીમી પડી. ડ્રાઈવરે ગાડી રસ્તો છોડીને એક તરફ એક ઝાડીની પડખે, ઉભી કરી. “કા કા…ગાડી અહિં થી આગળ નહિ જાય, તમે અહિ જ ઉતરી જાઓ, હવે તો તમ તમારે રસ્તે હોં…!”, પાછળ બેઠેલી સ્ત્રીએ મને કહ્યું. એ આમ બોલતી હતી, તેવામાં તો ડ્રાઈવર નીચે ઉતર્યો અને પાછળની બાજુએ ગયો. મેં એમ ધારી લીધું કે તે ડેકીમાં થી મારો થેલો કાઢવા ગયો છે.

“ભલે.. ભલે..”, કહેતાંક, હું પણ નીચે ઉતરવાની તૈયારી કરવા લાગ્યો. ગાડીના દરવાજાનું હેન્ડલ થોડું અવળું સવળું ઉપર નીચે કરવું પડ્યું, ત્યારે માંડ માંડ દરવાજો જોરદાર “ચૂ…ચૂ..ઊઊઊઉ” નાં અવાજ સાથે ખૂલ્યો. થેલો આવે એની રાહ જોતો હું પહેલા તો બેઠો જ રહ્યો, પણ ખાસ્સી વારે પેલો ડ્રાઈવર ન દેખાણો, એટલે હું નીચે ઉતરીને પાછળ ની તરફ ગયો. જોઉં તો ડ્રાઈવર ત્યાં ન હતો. ‘હશે, એ કોઈ અન્ય કામે ગયો હશે,’ એમ માની ને હું ડેકી ખોલવા માટે ગાડીની ડેકીનો હાથો આમથી તેમ ફેરવવા લાગ્યો, પણ ડેકી કાંઈ ખુલે નહિ. મેં જોર લગાવ્યું. નીચા વળીને જોયું પણ ખરું, આમ તેમ હાથો આમળ્યો પણ, પરિણામ શૂન્ય. મારા આ પ્રયાસને હવે ખાસ્સી દસે’ક મિનીટ થઇ હોય એવું લાગ્યું.

“હું કરો સો…કા..કા…. હું જોઈ સી ?” ,, ત્યાં તો એક અવાજ મારા ખભાની પાછલી તરફ થી આવ્યો. જાણે કોઈ બરાબર મારી પાછળ જ ન ઉભું હોય !

“આ જુઓ ને…આ…”!.. એ ને સમજાવતાં હું પાછળ ફર્યો અને એકદમ હેબતાઈ જ ગયો. અરે.. આ તો પેલો રાતવાળો બસમાં હતો તે ભરવાડ જ, પણ, અત્યારે અહી ક્યાંથી…? નવાઈ પણ લાગી અને થોડો અકળાઈ પણ ગયો હું.

“આ.. ખખડધજ.. ખટારા ગાડીમાં થી હું ગોતો સો ?”, તેણે ગાડી તરફ ઈશારો કરતા પૂછ્યું.

“અરે.. ભાઈ..આ ગાડી તો…” ! બોલતા બોલતા હું ફરી ગાડી તરફ ફર્યો, તો શું જોઉં છું. મારી સામે તો એક જૂની પુરાણી ‘ડોજ’ ગાડીનો ખખડધજ થઇ ગયેલ ભંગાર જ હતો. ચોમેર થી કટાઈ ગયેલ એ ભંગારમાં થી તો કાંઈ કેટલીય વનસ્પતિ અને ઘાંસ ચારેય બાજુએ ફેલાતું હતું. અંદર માખીઓ ગણ-ગણતી હતી, અને કેટલોય ગંધાતો કચરો’ય હતો એ બધાની વચ્ચે. “અરે..હજી હમણા તો હું આ ગાડીમાં..અહી સુધી…આ.આ…અ.અ.”, ફરી પાછો, પાછળ ફરી ને હું પેલા ભરવાડ ને કાંઈ કહેવા જાઉં છું, તો ત્યાં એ હતો જ નહિ. કાપો તો’ય લોહી પણ ન નીકળે એવી મારી હાલત થઇ ગઈ. પસીને થી રેબ-ઝેબ થતાં થતા હું જરાય વિચાર કરવાની સ્થિતિમાં નહતો. કઈ આગળ વિચારું એ પહેલા તો નિશાળે જતા ૧૦-૧૨ વર્ષના લગભગ છ સાત છોકરાઓ મારા તરફ જોઈને જોર જોર થી હસવા લાગ્યા, અને મારી મજાક કરવા લાગ્યા. અંદરો અંદર એ લોકો કાંઈ બોલતા હતા, પણ હું એમની વાત જરાય સમજી શકતો નહોતો. એક વાર મેં તેમને ફરી થી કહેવાનો પ્રયત્ન કર્યો કે ‘સાચે જ હું હમણાજ આ મોટર માં બેસી ને અહી સુધી આવ્યો છું.’, જે સાંભળીને તેઓ હજી વધુ અને વધુ જોર થી અને એક-મેકને તાળીઓ ઠોકીને હસવા લાગ્યા.

આગળ, કાંઈ ન સમજાતાં, મેં મારા થેલાને ભૂલી જવાનું નકી કરીને, અમારા ઘર તરફ જવા માટે ચાલવા માંડ્યું. પે’લા છોકરાઓ પણ, મારી પાછળ પાછળ હસતાં, હાંસી ઉડાવતા અને મારી મશ્કરી કરતાં કરતાં મારી પાછળ પાછળ આવવા લાગ્યા. એ લોકો મારો પીછો કરે છે, એ જાણીને, મેં ઝડપભેર ચાલવાનું શરુ કર્યું, અને પછી તો લગભગ દોડવા જ લાગ્યો, તો એ છોકરાઓનું ટોળું પણ મારી સાથે સાથે જ મારો પીછો કરતું રહ્યું. આગળ હું, અને પાછળ આ ટોળું. હવે તો ગામના રખડું કુતરા પણ આ સરઘસ માં જોડાયા અને જોર જોર થી મારી વિરુદ્ધ ભસવા લાગ્યા. વહેલી સવારે ગામને રસ્તા આવતા જતા લોકો માટે તો આ એક હાસ્યાસ્સ્પ્દ અને મનોરંજક નજારો બની ગયો. એ લોકો પણ આ દ્રશ્યની મજા માણતા હોય એમ ભેગા થઇને ખીખીયાટા કરવા લાગ્યા.

જેમ તેમ, દોડતો દોડતો; આખરે હું, અમારા ફળિયામાં થઇને મારે ઘરને અંગણે પહોંચ્યો. હવે થોડી ધરપત થઇ. અને પાછળ આવતાં ટોળાનો મુકાબલો કરવાની હિમ્મત પણ આવી. પહેલી વાર, મેં પાછળ જોવાની કોશિશ કરી. હવે, મને ઘર પાસે જોઈને; એ તમાગીરોનું ટોળું જાણે, ધીરે ધીરે વિખેરાતું જતું હોય એવું લાગ્યું. ઘરનો દરવાજો ખુલ્લો જ હતો. નીરાંતે શ્વાસ લઇને, માથે ચડેલ પસીનો મારા જ ખમીસ ની બાંઈઓ થી લૂછતો; હું તો ઘરની પરસાળ માં જ ખાટ્લા ઉપર બેસી પડ્યો. મનમાં વિચાર જ કરતો હતો, કે ઘરનાઓ ને ક્યાં ખબર જ છે કે હું આવવાનો છું, જેથી મને અત્યારે કોઈ આવકાર આપવા’ય ક્યાંથી આવે. હશે, થોડો શ્વાસ તો લઉં, પછી, અંદર જાઉં, એમ વિચારે હું આરામ થી બન્ને હાથનો ટેકો લઇને ખાટલે ગોઠવાણો. ગઈ સાંજ થી અત્યાર સુદ્ધિનાં તમામ દ્રશ્યો ફરી એક વાર, એક પછી એક મને યાદ આવતાં ગયાં, અને અનાયાસે જ મને વિચિત્ર અનુભવોનું પુનરાવર્તન કરાવતા ગયા., અને તેમાં’ય આ છેલ્લો વિચિત્ર અનુભવ,! હે ભગવાન !!

“લો, કાકા.. પાણી…”. એકદમ મારી સામે પાણીનો ગ્લાસ આવતાં, ફરી હું વર્તમાનમાં આવ્યો. રીવાજ મુજબ અમારા ઘરની કામવાળી બાઈ જ પાણી લાવી હશે, એ વિચારે તેના તરફ નજર પણ ન નાખતાં; ગ્લાસ તેના હાથમાં થી લઇને હું. પાણી પીવા લાગ્યો, અને પળ ભરમાં તો આખો ગ્લાસ ભરીને પાણી પી ગયો. એના પાયલનાં છમ છમનાં અવાજ થી મને ભાન થયું કે મને પાણીનો ગ્લાસ આપીને એ તો પાછી ઘરમાં અંદર જતી રહી. મેં અનુમાન કરી લીધું, કે અબઘડી એ અંદર જઈને બધાને મારા આગમનનાં સમાચાર આપશે, અને બધા મને વધાવવા એકદમ દોડતાં હમણા જ આવી પહોંચશે. એ સહુના આગમનની હું રાહ જોવા લાગ્યો.

‘પણ….આટલી બધી વાર કેમ લાગી? અને ઘરનાઓ માટે અંદર થી આવતાં આટલો લાંબો સમય તો લાગે નહી….શું ગડબડ છે…?’ એમ વિચારતો, પાણીનો ખાલી ગ્લાસ લઇને હું ઘરમાં દાખલ થયો. અમારા ઘરમાં દાખલ થતાં જ ડાબી તરફ એક મોટો અરીસો છે. અનાયાસે જ એ અરીસામાં મેં જોયું. અને મારા હાથમાંનો ગ્લાસ જમીન ઉપર સરી પડ્યો, અને એક જોરદાર અવાજ સાથે એ ગ્લાસ જમીન ઉપર સરકીને રળી પડ્યો. અરીસા માં જોઈ ને હું તો ડઘાઈ જ ગયો, ભયભીત થઇ ગયો, અરે, અવાક જ જાણે…!!

કારણ કે મારી સામેનાં એ અરીસામાં જે મારું પોતાનું જ પ્રતિબિંબ દેખાતું હતું, એમાંનો અતિશય ભયંકર, કદરૂપો, અતિવૃદ્ધ, લઘર-વઘર અને ડરામણો એ વિચિત્ર ચહેરો; મારો હતો જ નહિ. !!

– ડો. શૈલેષ ઉપાધ્યાય.

Leave a Reply

error: Content is protected !!